વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૮/૧૫ પાન ૧૦-૧૪
  • યહોવાને દોષ આપશો નહિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને દોષ આપશો નહિ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • કઈ બાબતો યહોવાને દોષ આપવા આપણને ઉશ્કેરી શકે?
  • યહોવાને દોષ આપવાનું કઈ રીતે ટાળી શકીએ
  • યહોવા સાથેનો તમારો કીમતી સંબંધ જાળવી રાખો
  • ‘પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે?’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યહોવા તમને ખૂબ ચાહે છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • પરમેશ્વર આપણી કાળજી રાખે છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૮/૧૫ પાન ૧૦-૧૪
[પાન ૧૦ પર ચિત્ર]

યહોવાને દોષ આપશો નહિ

“માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હૃદય યહોવા વિરુદ્ધ ચિડાય છે.”—નીતિ. ૧૯:૩.

તમે કેવો જવાબ આપશો?

  • આપણે શાને લીધે કદાચ ‘યહોવા વિરુદ્ધ ચિડાઈ’ જઈએ?

  • ઈશ્વરનો દોષ ન કાઢવા કયા પાંચ મુદ્દા આપણને મદદ કરી શકે?

  • મુશ્કેલીઓ દરમિયાન શું યાદ રાખવું જોઈએ?

૧, ૨. આપણે કેમ માણસોની સમસ્યાઓ માટે યહોવાને દોષ ન આપવો જોઈએ? સમજાવો.

ધારો કે, તમારા લગ્‍નને વર્ષો થઈ ગયા છે, બધું બરાબર ચાલી રહ્યું છે. પણ એક દિવસ તમે ઘરે આવો છો ત્યારે, તમે ઘરમાં બધું ઊથલ-પાથલ થયેલું જુઓ છો. ફર્નિચર તૂટેલું છે, કાચના વાસણોના ટુકડા વિખેરાયેલા છે, કાર્પેટના તો એવા હાલ છે કે પાછી વાપરી જ ન શકાય. ઘર વેરણછેરણ થઈ ગયું છે. શું તમે એમ પોકારી ઊઠશો કે, “મારી પત્નીએ કેમ આવું કર્યું?” કે પછી એવું કહેશો, “આવું કોણે કર્યું?” એમાં કોઈ શંકા નથી કે તમારા મનમાં તરત જ છેલ્લો સવાલ આવશે. શા માટે? કેમ કે તમે જાણો છો કે તમારી પ્રેમાળ પત્ની આવું કરે જ નહિ.

૨ આજે પ્રદૂષણ, હિંસા અને અનૈતિકતાને લીધે માણસોનું ઘર, પૃથ્વી બગડી ગઈ છે. બાઇબલમાંથી શીખ્યા હોવાથી આપણે જાણીએ છીએ કે, આ બધી સમસ્યાઓ પાછળ યહોવાનો હાથ નથી. તેમણે આ પૃથ્વીને સુંદર બગીચા જેવી બને એ માટે રચી હતી. (ઉત. ૨:૮, ૧૫) યહોવા પ્રેમના સાગર છે. (૧ યોહા. ૪:૮) આપણે બાઇબલના અભ્યાસથી જાણીએ છીએ કે, ઘણી બધી સમસ્યાઓ પાછળનું ખરું કારણ શું છે. એ તો “જગતનો અધિકારી” શેતાન છે.—યોહા. ૧૪:૩૦; ૨ કોરીં. ૪:૪.

૩. કઈ રીતે આપણા વિચારો ભ્રષ્ટ થઈ શકે?

૩ જોકે, આપણે બધી તકલીફો માટે શેતાનનો દોષ ન કાઢી શકીએ. શા માટે? કેમ કે, ઘણી વાર આપણે કરેલી ભૂલોને લીધે એ તકલીફો આવી હોય છે. (પુનર્નિયમ ૩૨:૪-૬ વાંચો.) ભલે આપણે આ હકીકત સ્વીકારતા હોઈએ, પણ અપૂર્ણતાની અસર આપણા વિચારોને ભ્રષ્ટ કરી શકે. અને એવા રસ્તે દોરી જઈ શકે જેનાથી છેવટે નુકસાન થતું હોય. (નીતિ. ૧૪:૧૨) કઈ રીતે? તકલીફો માટે પોતાને કે શેતાનને દોષ દેવાને બદલે, આપણે કદાચ યહોવાને દોષ દેવા લાગીએ. અરે, કદાચ આપણે ‘યહોવા વિરુદ્ધ ચિડાઈએ.’—નીતિ. ૧૯:૩.

૪, ૫. આપણે કઈ રીતે “યહોવા વિરુદ્ધ ચિડાઈ” જઈ શકીએ?

૪ શું એવું બની શકે કે, આપણે ‘યહોવા વિરુદ્ધ ચિડાઈએ’? એમ કરવું તો નકામું કહેવાશે. (યશા. ૪૧:૧૧) આપણને એનાથી શું મળવાનું? એક કવિએ જણાવ્યું હતું: “ઈશ્વરની બરાબરીમાં તારો હાથ બહુ ટૂંકો છે.” ખરું કે, આપણે કદાચ યહોવા વિરુદ્ધ કદી ફરિયાદ નહિ કરીએ. પણ નીતિવચનો ૧૯:૩ જણાવે છે, “માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હૃદય યહોવા વિરુદ્ધ ચિડાય છે.” આવું વલણ અનેક રીતે દેખાઈ આવે છે. કદાચ વ્યક્તિના દિલમાં યહોવા માટે ગુસ્સો હોય. પરિણામે, વ્યક્તિ કદાચ મંડળ છોડી દે અથવા યહોવાની ભક્તિની ગોઠવણને પૂરો ટેકો ન આપે.

૫ ‘યહોવા વિરુદ્ધ ચિડાવવા’ અથવા તેમને દોષ દેવા આપણને શું ઉશ્કેરી શકે? આપણે કઈ રીતે એ ફાંદામાંથી બચી શકીએ? આ સવાલોના જવાબ જાણવા આપણા માટે મહત્ત્વના છે. કેમ કે, યહોવા ઈશ્વર સાથેના આપણા સંબંધ પર એની અસર પડે છે!

કઈ બાબતો યહોવાને દોષ આપવા આપણને ઉશ્કેરી શકે?

૬, ૭. મુસાના દિવસોમાં ઈસ્રાએલીઓ કેમ યહોવા વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા?

૬ એવી કઈ બાબતો છે, જેના લીધે યહોવાનો વફાદાર ભક્ત કદાચ પોતાના દિલમાં તેમની વિરુદ્ધ ફરિયાદ કરવા લાગે? ચાલો, એ વિશે આપણે પાંચ મુદ્દા તપાસીએ અને આ ફાંદામાં પડેલાં અમુક લોકોના અનુભવો બાઇબલમાંથી જોઈએ.—૧ કોરીં. ૧૦:૧૧, ૧૨.

[પાન ૧૨ પર ચિત્ર]

નિરાશ કરનારી વાતો પર ધ્યાન આપવાથી તમારા પર ખરાબ અસર પડી શકે (ફકરો ૭ જુઓ)

૭ ઉત્સાહ ઠંડો પાડી દે, એવી વાણી આપણને અસર કરી શકે. (પુનર્નિયમ ૧:૨૬-૨૮ વાંચો.) મિસરની ગુલામીમાંથી છૂટ્યાને ઈસ્રાએલીઓને થોડો જ સમય થયો હતો. યહોવા ચમત્કારિક રીતે જુલમી મિસર પર દસ મરકીઓ લાવ્યા હતા. પછી ફારૂન અને એના લશ્કરનો રાતા સમુદ્રમાં નાશ કર્યો હતો. (નિર્ગ. ૧૨:૨૯-૩૨, ૫૧; ૧૪:૨૯-૩૧; ગીત. ૧૩૬:૧૫) ઈશ્વરના લોકો વચનના દેશમાં પ્રવેશવા તૈયાર હતા. આવા મહત્ત્વના સમયે ઈસ્રાએલીઓ યહોવા વિશે ફરિયાદ કરવા લાગ્યા. તેઓની શ્રદ્ધા શાને લીધે ઓછી થઈ ગઈ હતી? વચનના દેશમાં જાસૂસી કરવા મોકલેલા અમુકે ખોટો અહેવાલ આપ્યો હતો. એ સાંભળીને તેઓના જોશ પર પાણી ફરી વળ્યું અને તેઓ ડરી ગયા. (ગણ. ૧૪:૧-૪) એનું પરિણામ શું આવ્યું? આખી પ્રજાને ‘સારા દેશʼમાં પ્રવેશવા ન મળ્યું. (પુન. ૧:૩૪, ૩૫) ઉત્સાહ ઠંડો પાડી દેતી બીજાઓની વાતોથી, શું આપણે કોઈ વાર પોતાની શ્રદ્ધાને નબળી પડવા દઈએ છીએ? તેમ જ, યહોવા આપણી સાથે જે રીતે વર્તે છે, એના વિશે કચકચ કરવા લાગીએ છીએ?

૮. યશાયાના દિવસોમાં, ઈશ્વરના લોકો કેમ પોતાના સંજોગો માટે યહોવાને દોષ આપવા લાગ્યા?

૮ મુશ્કેલીઓ અને કપરા સંજોગો આપણને કદાચ નિરાશ કરી નાંખે. (યશાયા ૮:૨૧, ૨૨ વાંચો.) યશાયાના દિવસોમાં યહુદા દેશની હાલત સારી ન હતી. તેઓ દુશ્મનોથી ઘેરાયેલા હતા. પૂરતો ખોરાક ન હોવાથી ઘણા લોકો ભૂખ્યા હતા. એટલું જ નહિ, તેઓએ ઈશ્વરનું સાંભળવાનું પણ બંધ કરી દીધું હતું. (આમો. ૮:૧૧) આવા સંજોગોનો સામનો કરવા તેઓએ યહોવાની મદદ માંગી નહિ. એને બદલે, તેઓ યહોવાને અને પોતાના રાજાને “શાપ” દેવા લાગ્યા. હા, તેઓ યહોવાને પોતાની મુશ્કેલીઓ માટે દોષ આપવા લાગ્યા. આપણા પર દુઃખ-તકલીફો આવી પડવાથી નિરાશ થઈ જઈએ ત્યારે શું દિલમાં એમ કહીશું, ‘મને મદદ જોઈતી હતી ત્યારે યહોવા ક્યાં હતા?’

૯. હઝકીએલના દિવસોમાં ઈસ્રાએલીઓના દિલમાં કેમ ખોટા વિચારો આવવા લાગ્યા?

૯ આપણે બધી હકીકતો જાણતા નથી. હઝકીએલના દિવસોમાં બધી હકીકત જાણતા ન હોવાથી, ઈસ્રાએલીઓને લાગ્યું કે યહોવાની રીત “અદલ નથી.” (હઝકી. ૧૮:૨૯) એ તો જાણે એવું હતું કે, તેઓ યહોવાનો ન્યાય કરતા હતા; તેમના ધોરણો કરતાં પોતાના ધોરણોને વધારે મહત્ત્વના ગણતા હતા. અને સંજોગોની પૂરતી સમજણ વગર યહોવાનો ન્યાય કરતા હતા. જો આપણે કોઈ વાર બાઇબલનો અહેવાલ અથવા આપણા જીવનમાં થતી બાબતો પૂરી રીતે સમજી ન શકીએ, તો શું દિલમાં એમ વિચારવા લાગીશું કે, યહોવા વાજબી નથી, તેમની રીત “અદલ નથી?”—અયૂ. ૩૫:૨.

૧૦. આદમના ખોટા દાખલાને કોઈ કેવી રીતે અનુસરવા લાગી શકે?

૧૦ આપણે પોતાની ભૂલો અને પાપો માટે પોતાને જવાબદાર ગણતા નથી. મનુષ્ય ઇતિહાસની શરૂઆતમાં, આદમે પોતે કરેલાં પાપ માટે દોષનો ટોપલો ઈશ્વર પર ઢોળ્યો. (ઉત. ૩:૧૨) તે જાણતો હતો કે ઈશ્વરની આજ્ઞા તોડશે તો, શું પરિણામ આવશે. છતાં, તેણે આજ્ઞા તોડી અને એનો દોષ યહોવાને આપ્યો. બીજા શબ્દોમાં, તે કહેતો હતો કે યહોવાએ તેને ખરાબ પત્ની આપી છે. ત્યારથી, ઘણાઓ આદમને પગલે ચાલીને પોતાની ભૂલો માટે ઈશ્વરને દોષ દે છે. આપણે પોતાને પૂછવું જોઈએ, ‘મારી ભૂલોને લીધે નિરાશ અને નાસીપાસ થઈ ગયો હોવાથી, શું મને યહોવાના ધોરણો બહુ કડક લાગે છે?’

૧૧. યૂનાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૧ આપણે ફક્ત પોતાનો જ વિચાર કરવા લાગીએ. યહોવાએ નિનવેહ પર દયા બતાવી, એ પ્રબોધક યૂનાને ગમ્યું નહિ. (યૂના ૪:૧-૩) શા માટે? પોતે જણાવેલો વિનાશ આવ્યો ન હોવાથી, યૂનાને લાગ્યું કે લોકોની નજરે પોતે ખોટો ઠરશે. તેમણે પસ્તાવો કરનાર નિનવેહના લોકો માટે દયા બતાવવાની જરૂર હતી. એના બદલે, તેમને તો પોતાની આબરૂની પડી હતી. એ જ રીતે, શું આપણે પણ પોતાનો જ વિચાર કરીને, યહોવા અંત જલદી લાવ્યા ન હોવાથી તેમને દોષ દઈએ છીએ? યહોવાનો દિવસ નજીક છે, એ બાઇબલ સંદેશો આપણે વર્ષોથી જણાવતા હોઈએ, પણ એમ થયું ન હોવાથી લોકો આપણી હાંસી ઉડાવે ત્યારે આપણને કેવું લાગે છે? શું આપણે અધીરા થઈ જઈએ છીએ કે યહોવા કેમ જલદી અંત લાવતા નથી?—૨ પીત. ૩:૩, ૪, ૯.

યહોવાને દોષ આપવાનું કઈ રીતે ટાળી શકીએ

૧૨, ૧૩. યહોવા જે કરે છે કે ચાલવા દે છે, એના પર આપણું દિલ સવાલ ઉઠાવવા લાગે, તો આપણે શું અવગણવું ન જોઈએ?

૧૨ યહોવા જે કંઈ કરે છે કે ચાલવા દે છે એના પર આપણું પાપી દિલ સવાલ ઉઠાવવા લાગે તો, આપણે શું કરી શકીએ? યાદ રાખો કે, એમ વિચારવું તો મૂર્ખામી છે. નીતિવચનો ૧૯:૩ કહે છે: “વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.” (ઈઝી-ટુ-રીડ વર્ઝન) એ ધ્યાનમાં રાખીને, ચાલો પાંચ મુદ્દાઓ પર વિચાર કરીએ, જે આપણને જિંદગીથી નિરાશ થઈને કદી પણ યહોવાનો દોષ ન કાઢવા મદદ કરશે.

૧૩ યહોવા સાથેના સંબંધને અવગણીએ નહિ. જો આપણે યહોવા સાથે ગાઢ સંબંધ રાખીએ, તો અપૂર્ણતાની અસર હોવા છતાં યહોવાનો દોષ કાઢીશું નહિ. (નીતિવચનો ૩:૫, ૬ વાંચો.) આપણે યહોવામાં ભરોસો રાખવાની જરૂર છે. ઉપરાંત, પોતે કદી વિચારવું ન જોઈએ કે આપણે યહોવાથી વધારે જાણીએ છીએ અથવા, ફક્ત પોતાનો જ વિચાર કરવો ન જોઈએ. (નીતિ. ૩:૭; સભા. ૭:૧૬) આ સલાહ પ્રમાણે ચાલીશું તો, મુશ્કેલીઓ આવશે ત્યારે યહોવાનો દોષ નહિ કાઢીએ.

૧૪, ૧૫. ઉત્સાહ ઠંડો પાડી દેતી વાતોની અસર ન થાય એ માટે આપણને શું મદદ કરી શકે?

૧૪ ઉત્સાહ ઠંડો પાડી દેતી વાણીને મન પર ન લઈએ. યહોવા વચનના દેશમાં ઈસ્રાએલીઓને સફળતાપૂર્વક લઈ જશે એમાં ભરોસો મૂકવાના તેઓ પાસે ઘણાં કારણો હતાં. (ગીત. ૭૮:૪૩-૫૩) પણ જ્યારે તેઓએ દસ જાસૂસો તરફથી નિરાશ કરનારો અહેવાલ સાંભળ્યો ત્યારે, તેઓ યહોવાના “બળવાન હાથને” ભૂલી ગયા. (ગીત. ૭૮:૪૨) જો આપણે યહોવાના કાર્યો પર મનન કરીએ, તેમણે આપણા માટે કરેલી સારી બાબતોને યાદ રાખીએ, તો આપણે તેમની સાથેનો સંબંધ મજબૂત કરી શકીશું. એમ કરીશું તો, બીજાઓની નિરાશ કરનારી વાતોને યહોવા સાથેના આપણા સંબંધની આડે આવવા નહિ દઈએ.—ગીત. ૭૭:૧૧, ૧૨.

૧૫ જો આપણે ભાઈ-બહેનો પ્રત્યે ખરાબ સ્વભાવ રાખીશું, તો યહોવા સાથેના આપણા સંબંધ પર અસર પડશે. (૧ યોહા. ૪:૨૦) હારૂનને મોટી જવાબદારી આપવામાં આવી ત્યારે ઈસ્રાએલીઓએ એના પર સવાલ ઉઠાવ્યો. યહોવાએ એ બાબતને પોતાની વિરુદ્ધ કચકચ તરીકે જોઈ. (ગણ. ૧૭:૧૦) એ જ રીતે, પૃથ્વી પરના સંગઠનને માર્ગદર્શન આપવા યહોવા જેઓને વાપરે છે, તેઓ વિરુદ્ધ કચકચ અને ફરિયાદ કરવા લાગીએ, તો જાણે આપણે યહોવા વિરુદ્ધ કચકચ અને ફરિયાદ કરીએ છીએ.—હિબ્રૂ ૧૩:૭, ૧૭.

૧૬, ૧૭. આપણા પર તકલીફો આવે ત્યારે શું યાદ રાખવાની જરૂર છે?

૧૬ યાદ રાખીએ કે, યહોવા આપણા પર મુશ્કેલીઓ લાવતા નથી. યશાયાના દિવસોમાં ઈસ્રાએલીઓએ યહોવાથી મોં ફેરવી લીધું હતું, તોપણ યહોવા તેઓને મદદ કરવા ચાહતા હતા. (યશા. ૧:૧૬-૧૯) ભલે આપણા પર ગમે તેવી મુશ્કેલીઓ આવી પડે, યહોવા આપણી સંભાળ રાખે છે અને મદદ કરવા ચાહે છે, એ જાણીને આપણને દિલાસો મળે છે. (૧ પીત. ૫:૭) એટલું જ નહિ, સહન કરવા જરૂરી શક્તિ આપવાનું તે આપણને વચન આપે છે.—૧ કોરીં. ૧૦:૧૩.

૧૭ કોઈ અન્યાયથી આપણે દુઃખી હોઈએ તો શું? એવા સમયે વફાદાર ભક્ત અયૂબની જેમ પોતાને યાદ દેવડાવીએ કે અન્યાય પાછળ યહોવાનો હાથ નથી. યહોવા અન્યાયને ધિક્કારે છે; તે ન્યાયને ચાહે છે. (ગીત. ૩૩:૫) અયૂબના મિત્ર અલીહૂની જેમ આપણે કહેવું જોઈએ, “દુષ્ટતા કરવી એ ઈશ્વરથી અળગું રહો; અને અન્યાય કરવો એ સર્વશક્તિમાનથી દૂર થાઓ.” (અયૂ. ૩૪:૧૦) યહોવા આપણને તકલીફો નહિ, પણ “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપે છે.—યાકૂ. ૧:૧૩, ૧૭.

૧૮, ૧૯. આપણે કેમ યહોવા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ? ઉદાહરણ આપો.

૧૮ યહોવા પર ક્યારેય શંકા ન કરીએ. ઈશ્વર સંપૂર્ણ છે અને તેમના વિચારો આપણા કરતાં ઘણા ઊંચા છે. (યશા. ૫૫:૮, ૯) આપણે નમ્ર થઈને એ સ્વીકારવાની જરૂર છે કે, આપણે બધું સમજી શકતા નથી. (રોમ. ૯:૨૦) મોટાભાગે, અમુક કિસ્સામાં આપણે બધાં પાસાં જાણતાં નથી. તમે પોતાના અનુભવથી જોયું હશે કે, આ વચન કેટલું સાચું છે: “ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે.”—નીતિ. ૧૮:૧૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

૧૯ જો આપણો વિશ્વાસુ મિત્ર એવું કંઈક કરે, જે પહેલાં તો આપણને સમજાય નહિ અથવા અજુગતું લાગે, તો શું એમ વિચારીશું કે, તેણે કંઈક ખોટું કર્યું છે? ના. વર્ષોથી મિત્રને જાણતા હોઈશું તો, કદાચ એમ વિચારીશું કે, જે કંઈ થયું એ વિશે આપણે બધી હકીકતો જાણતા નથી. જો આપણા મિત્ર માટે પ્રેમથી આવું વિચારતા હોઈએ, તો શું આપણા સ્વર્ગમાંના પિતા પર ભરોસો રાખવો ન જોઈએ? તેમના કાર્યો અને વિચારો આપણા કરતાં ઘણા ઊંચા છે!

૨૦, ૨૧. આપણે કેમ દોષિતનો જ દોષ કાઢવો જોઈએ?

૨૦ દોષિતને જ દોષ આપો. શા માટે? પોતાની અમુક તકલીફો માટે કદાચ આપણે જ જવાબદાર હોઈએ. જો એમ હોય, તો આપણે એ હકીકત સ્વીકારવાની જરૂર છે. (ગલા. ૬:૭) આપણી તકલીફો માટે યહોવાનો વાંક ન કાઢીએ. શા માટે? આ ઉદાહરણનો વિચાર કરો: ડ્રાઇવર એક વળાંકે સ્પીડ લિમિટ કરતાં વધારે ઝડપે કાર ચલાવી રહ્યો છે અને અકસ્માત થાય છે. શું એ માટે કાર બનાવનારનો વાંક કાઢવો જોઈએ? ના, એ તો મૂર્ખામી ગણાય! એવી જ રીતે, યહોવાએ આપણને પસંદગી કરવાની આઝાદી આપી છે. પરંતુ એ સાથે, યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો એનું માર્ગદર્શન પણ આપ્યું છે. તો પછી, આપણી ભૂલો માટે સર્જનહાર ઈશ્વરનો વાંક શા માટે કાઢવો જોઈએ?

૨૧ બધી તકલીફો પાછળ આપણી ભૂલો કે ખોટાં કામો હોતાં નથી. કેટલીક ઘટનાઓ અણધાર્યા ‘સમય અને સંજોગોને’ લીધે થાય છે. (સભા. ૯:૧૧, કોમન લેંગ્વેજ) તોપણ, આપણે કદી ભૂલવું ન જોઈએ કે, બધી દુષ્ટતા માટે શેતાન જવાબદાર છે. (૧ યોહા. ૫:૧૯; પ્રકટી. ૧૨:૯) શેતાન આપણો દુશ્મન છે, યહોવા નહિ!—૧ પીત. ૫:૮.

યહોવા સાથેનો તમારો કીમતી સંબંધ જાળવી રાખો

યહોશુઆ અને કાલેબે યહોવા પર ભરોસો રાખ્યો હોવાથી તેઓ આશીર્વાદ પામ્યા (ફકરો ૨૨ જુઓ)

૨૨, ૨૩. જો આપણી સમસ્યાઓને લીધે નિરાશ થઈ ગયા હોઈએ, તો આપણે શું યાદ રાખવું જોઈએ?

૨૨ તમે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો, ત્યારે યહોશુઆ અને કાલેબના ઉદાહરણને યાદ કરો. બીજા જાસૂસો કરતાં આ બે વફાદાર ભક્તો સારો અહેવાલ લાવ્યા હતા. (ગણ. ૧૪:૬-૯) તેઓએ યહોવામાં શ્રદ્ધા રાખી. તોપણ, તેઓએ ઈસ્રાએલીઓ સાથે ૪૦ વર્ષ અરણ્યમાં ભટકવું પડ્યું. શું યહોશુઆ અને કાલેબે ફરિયાદ કરી અથવા મનમાં કડવાશ રાખી કે, તેઓની સાથે અન્યાય થયો છે? ના. તેઓએ યહોવા પર પૂરો ભરોસો રાખ્યો. શું તેઓને આશીર્વાદ મળ્યો? હા! અરણ્યમાં ઈસ્રાએલની આખી પેઢી મરણ પામી, પણ આ બે ભક્તોને વચનના દેશમાં પ્રવેશવાનો લહાવો મળ્યો. (ગણ. ૧૪:૩૦) એ જ રીતે, જો યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા “કાયર ન થઈએ,” તો આપણને તેમના આશીર્વાદ મળશે!—ગલા. ૬:૯; હિબ્રૂ ૬:૧૦.

૨૩ જો પોતાની સમસ્યાઓ, બીજાઓની ભૂલો અથવા પોતાની ભૂલોથી નિરાશ થઈ ગયા હો, તો તમારે શું કરવાની જરૂર છે? યહોવાના અજોડ ગુણો પર ધ્યાન આપો. યહોવાએ તમને જે આશા આપી છે, એ વિશે કલ્પના કરો. પોતાને પૂછો, ‘યહોવાએ હાથ પકડ્યો ન હોત, તો હું ક્યાં હોત?’ હંમેશાં યહોવાની નજીક રહો અને ક્યારેય પોતાના દિલમાં તેમનો દોષ કાઢશો નહિ!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો