વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧૨/૧૫ પાન ૨૭-૩૧
  • તમને મળેલા ખાસ વારસાની શું તમે કદર કરો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમને મળેલા ખાસ વારસાની શું તમે કદર કરો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ચોકીબુરજ વાંચો
  • મથાળાં
  • સરખી માહિતી
  • અમુકે ખાસ વારસાની કદર કરી નહિ
  • અમુકે ખાસ વારસાની કદર કરી
  • તમને મળેલા ખાસ વારસાની કદર કરો
  • તમે કેવો નિર્ણય લેશો?
  • યુવાનો, તન-મનથી યહોવાહની સેવા કરતા રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યુવાનો, શું તમે ભવિષ્યનો વિચાર કર્યો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • પરમેશ્વરે આપેલો વારસો તમને કેટલો પ્રિય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • યોશીયાના મિત્રો સારા હતા
    મારી બાઇબલ વાર્તાઓ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧૨/૧૫ પાન ૨૭-૩૧
નુહ અને તેમનું કુટુંબ વહાણ બાંધવાના લહાવાનો આનંદ માણી રહ્યાં છે

તમને મળેલા ખાસ વારસાની શું તમે કદર કરો છો?

‘જે શક્તિ ઈશ્વર તરફથી છે એ અમે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપેલાં વાનાં વિશે અમે જાણીએ.’—૧ કોરીં. ૨:૧૨.

તમારો જવાબ શો છે?

  • યુવાનોએ અને બીજાઓએ શાની કદર કરવી જોઈએ?

  • ખાસ વારસાની કદર બતાવવામાં કોણે કોણે સારો દાખલો બેસાડ્યો છે?

  • તમને મળેલા ખાસ વારસા વિશે તમને કેવું લાગે છે?

૧. વસ્તુઓ પ્રત્યેનું વલણ શાના પર આધાર રાખે છે?

તમે લોકોને આવું કંઈક કહેતા સાંભળ્યા હશે: “કોઈ વસ્તુની કદર, એના ખોવાયા પછી જ થાય છે!” કદાચ તમને પણ ક્યારેક એવું લાગ્યું હશે. હવે, એક યુવાનનો વિચાર કરો જેનો ઉછેર અમીર કુટુંબમાં થયો છે. એવા યુવાનને નાનપણથી બધી જ વસ્તુઓ મળી હોવાથી કદાચ તેને એ વસ્તુઓની કદર ન હોય. અથવા, તેને જીવનનો અનુભવ ઓછો હોવાથી તે મહત્ત્વની બાબતો પારખવાનું ચૂકી જઈ શકે.

૨, ૩. (ક) યુવાનોએ કેવા વલણથી દૂર રહેવું જોઈએ? (ખ) ખાસ વારસાની કદર કરવા આપણને શામાંથી મદદ મળશે?

૨ યુવાનો, તમારી માટે સૌથી મહત્ત્વનું શું છે? દુનિયાના યુવાનો સૌથી વધુ મહત્ત્વ સારી નોકરી, સરસ ગાડી-બંગલો અને નવાં નવાં સાધનો મેળવવાને આપે છે. એ બધામાં વ્યસ્ત હોવાથી તેઓ જે ખરેખર મહત્ત્વનું છે એ કરી શકતા નથી, એટલે કે ઈશ્વર સાથે સંબંધ કેળવી શકતા નથી. જો તમારો ઉછેર સાક્ષી કુટુંબમાં થયો છે તો તમને ખાસ વારસોa મળ્યો છે. (માથ. ૫:૩) એ વારસાની કદર નહિ કરો તો કદાચ જીવનભર એનાં પરિણામો ભોગવવાં પડશે.

૩ ખાસ વારસાની કદર કરવા તમને શામાંથી મદદ મળશે? ચાલો એ માટે બાઇબલમાંથી અમુક દાખલાઓ જોઈએ. આપણને મળેલા ખાસ વારસાની કદર કરવા એમાંથી મદદ મળશે. એનાથી ફક્ત યુવાનોને જ નહિ, પણ આપણે બધાને એ વારસા પ્રત્યે કદર બતાવવા મદદ મળશે.

અમુકે ખાસ વારસાની કદર કરી નહિ

૪. યોએલ અને અબીયાહ વિશે પહેલો શમૂએલ ૮:૧-૫ શું કહે છે?

૪ બાઇબલમાં એવી અમુક વ્યક્તિઓના દાખલા છે, જેઓને ખાસ વારસો મળ્યો હતો. પરંતુ, તેઓએ એની કદર કરી નહિ. જેમ કે, શમૂએલના દીકરાઓ. તેઓના પિતા શમૂએલ નાના હતા ત્યારથી યહોવાની સેવા કરતા હતા. તે હંમેશાં યહોવાને વફાદાર રહ્યા. (૧ શમૂ. ૧૨:૧-૫) આમ, શમૂએલે પોતાના દીકરા, યોએલ અને અબીયાહ માટે સારો દાખલો બેસાડ્યો હતો. પરંતુ, પોતાના પિતાને અનુસરવાને બદલે તેઓએ ભ્રષ્ટ થઈને ખરાબ કામો કર્યાં.—૧ શમૂએલ ૮:૧-૫ વાંચો.

૫, ૬. યોશીયાના દીકરા અને પૌત્ર સાથે શું બન્યું?

૫ રાજા યોશીયાના દીકરાઓએ પણ એવું જ કંઈક કર્યું. યોશીયા એક વફાદાર રાજા હતા, જેમને યહોવા માટે પ્રેમ હતો અને તે દિલથી ભક્તિ કરતા હતા. મંદિરમાંથી મળેલું યહોવાના કરારનું પુસ્તક યોશીયાને વાંચી સંભળાવામાં આવ્યું. એ પછી તેમણે તરત યહોવાની આજ્ઞાઓ લાગુ પાડી. તેમણે આખા દેશમાંથી મૂર્તિપૂજા અને મેલીવિદ્યાને દૂર કરી. તેમણે યહોવાની આજ્ઞાઓ પાળવા વિશે આખી પ્રજાને પણ અરજ કરી. (૨ રાજા. ૨૨:૮; ૨૩:૨, ૩, ૧૨-૧૫, ૨૪, ૨૫) યોશીયાના દીકરાઓને પોતાના પિતા પાસેથી એવો અદ્‍ભુત વારસો મળ્યો હતો. પરંતુ, યોશીયાના ત્રણે દીકરા અને તેમનો પૌત્ર સમય જતાં રાજા બન્યા ત્યારે, તેઓમાંથી કોઈએ પણ એ વારસાની કદર કરી નહિ.

૬ યોશીયાનો દીકરો યહોઆહાઝ રાજા બન્યો ત્યારે તેણે “યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.” તેણે ફક્ત ત્રણ મહિના રાજ કર્યું અને તેને ઇજિપ્તનો ફારૂન કેદ કરી લઈ ગયો. સમય જતાં, તે એ બંદીવાસમાં મરણ પામ્યો. (૨ રાજા. ૨૩:૩૧-૩૪) તેના પછી તેના ભાઈ યહોયાકીમે ૧૧ વર્ષ રાજ કર્યું. તેણે પણ પોતાના પિતા પાસેથી મળેલા વારસાની કદર કરી નહિ. તે એટલો ખરાબ માણસ હતો કે તેના વિશે યિર્મેયા પ્રબોધકે આમ ભાખ્યું: “ગધેડાને દાટવામાં આવે છે તેમ તે દટાશે.” (યિર્મે. ૨૨:૧૭-૧૯) યોશીયાનો દીકરો સિદકીયા અને પૌત્ર યહોયાખીન પણ એટલા જ ખરાબ હતા. તેઓએ યોશીયાની વફાદારીનો સારો દાખલો ધ્યાનમાં લીધો નહિ.—૨ રાજા. ૨૪:૮, ૯, ૧૮, ૧૯.

૭, ૮. (ક) કઈ રીતે સુલેમાને પોતાને મળેલા વારસાની કદર કરી નહિ? (ખ) ખાસ વારસાને નકામો ગણનાર વ્યક્તિઓના દાખલા પરથી આપણને શું શીખવા મળે છે?

૭ રાજા સુલેમાનને પણ યહોવાની સાચી ભક્તિ કરવા વિશે પોતાના પિતા પાસેથી શીખવા મળ્યું હતું. પરંતુ, વખત જતાં સુલેમાને એ વારસાની કદર કરવાનું મૂકી દીધું. ‘સુલેમાન વૃદ્ધ થયા ત્યારે એમ થયું કે તેમની સ્ત્રીઓએ તેમનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું. તેમનું હૃદય તેમના પિતા દાઊદના હૃદયની જેમ ઈશ્વર યહોવા પ્રત્યે પૂરી રીતે વફાદાર ન રહ્યું.’ (૧ રાજા. ૧૧:૪) એ કારણે સુલેમાને યહોવાની કૃપા ગુમાવી દીધી.

૮ આપણે જે બધી વ્યક્તિઓ વિશે શીખી ગયા તેઓ બધા પાસે યહોવાને ઓળખવાની અને જે સારું છે એ કરવાની સરસ તક હતી. પરંતુ, દુઃખની વાત કે તેઓએ એ તકને નકામી ગણી. જ્યારે કે, કેટલાક યુવાન ઈશ્વરભક્તો એવા પણ હતા જેઓએ એ તક ઝડપી લીધી હતી. યુવાનો, તમે તેઓને અનુસરી શકો માટે ચાલો તેઓમાંના અમુકના દાખલા જોઈએ.

અમુકે ખાસ વારસાની કદર કરી

૯. નુહના દીકરાઓએ કઈ રીતે ઘણો સારો દાખલો બેસાડ્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૯ નુહના દીકરાઓએ ઘણો સારો દાખલો બેસાડ્યો. નુહને વહાણ બાંધવામાં મદદ આપવાનો તેઓને લહાવો મળ્યો હતો. યહોવાની આજ્ઞાનું પાલન કરવું ખૂબ મહત્ત્વનું છે એ વાત તેઓ જાણતા હતા. તેથી જ, વહાણ બાંધીને સમયસર તેઓ એની અંદર ગયા. (ઉત. ૭:૧, ૭) એનું કેવું પરિણામ આવ્યું? ઉત્પત્તિ ૭:૩ જણાવે છે કે તેઓ પ્રાણીઓને પણ વહાણમાં લઈ ગયા, જેથી ‘આખી પૃથ્વી પર એની જાતિ જાળવી’ શકે. આમ, માણસજાતના અને પ્રાણીઓના બચાવમાં તેઓએ ભાગ ભજવ્યો. તેમ જ, પૃથ્વી પર સાચી ભક્તિ ફરી સ્થાપવી શક્ય બની. એ લહાવો નુહના દીકરાઓને મળ્યો કેમ કે તેઓએ પોતાને મળેલા ખાસ વારસા પ્રત્યે કદર બતાવી.—ઉત. ૮:૨૦; ૯:૧૮, ૧૯.

૧૦. બાબેલોનમાં ચાર હિબ્રૂ યુવાનોએ કઈ રીતે પોતાને મળેલા ખાસ વારસા પ્રત્યે કદર બતાવી?

૧૦ એ બનાવની સદીઓ પછી, ચાર હિબ્રૂ યુવાનોએ પણ બાબેલોનની જીવનઢબ અપનાવવાનો નકાર કર્યો. તેઓનું નામ હનાન્યા, મીશાએલ, અઝાર્યા અને દાનીયેલ હતું. ઈસવીસન પૂર્વે ૬૧૭માં તેઓને બંદી બનાવીને બાબેલોન લઈ જવામાં આવ્યા હતા. તેઓ દેખાવડા અને પ્રભાવશાળી હતા. તેઓ ચાહત તો બાબેલોનમાં ઊંચી કારકિર્દી બનાવી શક્યા હોત. પરંતુ, પોતે યહોવાના ભક્તો છે એ તેઓ કદી ભૂલ્યા નહિ. તેઓ સાચી ભક્તિ વિશે અગાઉથી જે શીખ્યા હતા એ તેઓએ યાદ રાખ્યું. એ માટે યહોવાએ તેઓને ભરપૂર આશીર્વાદો આપ્યા.—દાનીયેલ ૧:૮, ૧૧-૧૫, ૨૦ વાંચો.

૧૧. ઈસુને મળેલા ખાસ વારસાનો લાભ બીજાઓને કઈ રીતે થયો?

૧૧ ખાસ વારસા પ્રત્યે કદર બતાવવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો. સ્વર્ગમાંના પિતા પાસેથી મળેલા શિક્ષણને ઈસુ ખૂબ ચાહતા હતા. એ વાત તેમના આ શબ્દો પરથી સાફ દેખાઈ આવે છે: ‘જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું.’ (યોહા. ૮:૨૮) ઉપરાંત, બીજાઓને પણ એ શિક્ષણ આપવાનું તેમને ગમતું, જેથી તેઓને પણ ફાયદો થાય. તેમણે કહ્યું, “મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.” (લુક ૪:૧૮, ૪૩) ઈશ્વર પાસેથી મળેલા સત્યને આ જગત મહત્ત્વ આપતું નથી. તેથી જ ઈસુએ શિષ્યોને યાદ અપાવ્યું કે તેઓ આ ‘જગતનો ભાગ નથી.’—યોહા. ૧૫:૧૯.

તમને મળેલા ખાસ વારસાની કદર કરો

૧૨. (ક) સાક્ષી યુવાનોને બીજો તીમોથી ૩:૧૪-૧૭ની સલાહ કઈ રીતે લાગુ પડે છે? (ખ) યુવાનોએ કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?

૧૨ યુવાનો, તમારાં મમ્મી-પપ્પા જો યહોવાને પ્રેમ કરતા હશે તો તમને પણ ખાસ વારસો મળ્યો છે. બાઇબલમાં તીમોથી વિશે જે જણાવ્યું છે, એ કદાચ તમને પણ લાગુ પડે. (૨ તીમોથી ૩:૧૪-૧૭ વાંચો.) તમારાં મમ્મી-પપ્પાએ તમને યહોવા વિશે શીખવ્યું હશે. બની શકે તેઓએ તમને બાળપણથી શીખવ્યું હોય કે યહોવાને કઈ રીતે ખુશ કરવા. એને લીધે હવે તમને ‘ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે જ્ઞાન’ મળ્યું છે, જેથી તમે યહોવાની સેવા “માટે તૈયાર” થયા છો. પરંતુ, તમને મળેલા એ ખાસ વારસાની શું તમે કદર કરો છો? તમે આ સવાલો પર વિચાર કરી શકો: “અત્યાર સુધી થઈ ગયેલા વફાદાર ભક્તો વિશે મને કેવું લાગે છે? શું યહોવાના સાક્ષી હોવાનો મને ગર્વ છે? ઈશ્વર જેઓને ઓળખે છે તેઓમાં હું પણ એક છું, એ જાણીને મને કેવું લાગે છે? શું હું એવા અજોડ અને અદ્‍ભુત લહાવાની કદર કરું છું?”

પહેલાંના અને હાલના અમુક વફાદાર ઈશ્વરભક્તો

યહોવાના વફાદાર સાક્ષીઓમાંના એક હોવું તમને કેવું લાગે છે? (ફકરા ૯, ૧૦, ૧૨ જુઓ)

૧૩, ૧૪. સત્યમાં ઉછેર થયો હોય એવી વ્યક્તિઓ સામે કઈ લાલચો આવી શકે? પરંતુ, એ લાલચમાં આવી જવું શા માટે મૂર્ખતા કહેવાશે? અનુભવ જણાવો.

૧૩ ઘણા યુવાનોનો ઉછેર સાક્ષી કુટુંબમાં થયો છે. પરંતુ, તેઓમાં અમુક એવા છે જેઓ કદાચ સમજી નથી શકતા કે સત્ય કેટલું શુદ્ધ છે અને શેતાનનું જગત કેટલું દુષ્ટ છે. અરે, તેઓએ લલચાઈને શેતાનના જગતનો અનુભવ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. તેઓએ જાણે ઝડપથી આવતી કાર આગળ કૂદકો માર્યો છે, ફક્ત એ જોવા કે પોતાને કોઈ ઈજા થશે કે નહિ. શું તમે એમ કરશો? ક્યારેય નહિ. એમ કરવું તો મોટી મૂર્ખતા કહેવાશે! એવી જ રીતે, જગત કેટલું નુકસાન કરી શકે એ જોવા એની ખરાબ રીતભાતને અજમાવી જોવાની જરૂર નથી.—૧ પીત. ૪:૪.

૧૪ એશિયામાં રહેનાર જેનેર નામના યુવાન ભાઈનો ઉછેર સત્યમાં થયો છે. તેમણે ૧૨ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું હતું. પરંતુ, એના થોડા જ સમય પછી તે પોતાની મન મરજી કરવા અને જગતનો આનંદ માણવા લલચાયા. તે પોતાના કુટુંબને જૂઠું બોલતા અને છૂપી રીતે ખોટાં કામો કરતા. તે ૧૫ વર્ષના થયા ત્યાં સુધીમાં તો પોતાના મિત્રોની જેમ દારૂ પીવા અને અપશબ્દો બોલવા જેવી ખરાબ આદતોમાં સપડાયા. તે બિલ્યડ્‌ર્સની રમત અને કૉમ્પ્યુટર પરની હિંસક રમતો રમીને મોડી રાતે ઘરે આવતા. સમય જતાં, તેમને ભાન થયું કે તે જે કરી રહ્યા છે એ સાચી ખુશી નહિ આપી શકે. તેથી, તેમને જીવન વ્યર્થ લાગવા લાગ્યું. જોકે, હાલમાં એ ભાઈ સત્યના માર્ગે પાછા આવ્યા છે. તે જણાવે છે કે આજે પણ જગત તરફથી એવી લાલચો અવારનવાર આવે છે. પરંતુ, હવે તેમની માટે યહોવાનો આશીર્વાદ મેળવવો વધુ મહત્ત્વનો છે.

૧૫. આપણને સત્ય કોઈ પણ રીતે મળ્યું હોય, એના વિશે આપણને કેવું લાગવું જોઈએ?

૧૫ કદાચ તમારાં માબાપ સત્યમાં નથી. તોપણ, સરજનહારને ઓળખવાની અને તેમની ભક્તિ કરવાની તમને અદ્‍ભુત તક મળી છે. જરા વિચારો એ કેટલો કીમતી લહાવો છે! દુનિયાભરના અબજો લોકોમાંથી યહોવાએ તમારી તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. તેમની અપાર કૃપાને લીધે તમે તેમને ઓળખતા થયા છો એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય! (યોહા. ૬:૪૪, ૪૫) સત્ય આપણને માબાપ પાસેથી મળ્યું હોય કે પછી બીજી કોઈ રીતે, આપણને તો એના મળવાની ખુશી છે. (૧ કોરીંથી ૨:૧૨ વાંચો.) ભાઈ જેનેર કહે છે, ‘હું તે કોણ કે આખા વિશ્વના માલિક યહોવા મને ઓળખે!’ (ગીત. ૮:૪) એક સાક્ષી બહેન કહે છે, ‘શિક્ષક તેમના કોઈ વિદ્યાર્થીને સારી રીતે ઓળખતા હોય તો એ વિદ્યાર્થી ગર્વ અનુભવે છે. તો પછી, વિશ્વના સૌથી મહાન શિક્ષક યહોવા આપણને ઓળખે તો એ કેટલા ગર્વની વાત કહેવાય!’

તમે કેવો નિર્ણય લેશો?

૧૬. સાક્ષી યુવાનો માટે કઈ પસંદગી કરવામાં સમજદારી છે?

૧૬ તમને મળેલા ખાસ વારસાને કદી ન ભૂલશો. હંમેશાં યહોવાની ભક્તિ કરવાનો ધ્યેય રાખો. અગાઉ થઈ ગયેલા વફાદાર ઈશ્વરભક્તોને અનુસરવાનો પ્રયત્ન કરો. આજે, દુનિયાના મોટા ભાગના યુવાનો પોતાનું જીવન વેડફી રહ્યા છે. તેઓનું ભવિષ્ય ઉજ્જવળ નથી. પરંતુ, તમે તેઓ જેવા ન બનશો.—૨ કોરીં. ૪:૩, ૪.

૧૭-૧૯. શા માટે જગતથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે?

૧૭ ખરું કે, જગતના વલણથી દૂર રહેવું હંમેશાં સહેલું નથી. પરંતુ, એનાથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે. એક રમતવીરનો વિચાર કરો, જે ઑલિમ્પિકની સ્પર્ધા માટે પસંદ કરાયો છે. એ મુકામ સુધી પહોંચવા તે બીજા બધા દોસ્તો કરતાં જુદી રીતે રોજિંદું જીવન જીવ્યો હશે. સમય વેડફી નાખે અને ધ્યાન ફંટાવે એવાં ઘણાં કામથી તે દૂર રહે છે. પોતાના શરીરને વધુ કસવા અને ધ્યેય સુધી પહોંચવા તે બીજાઓ કરતાં જુદું જીવન જીવવા તૈયાર રહે છે.

૧૮ દુનિયાના મોટા ભાગના લોકો વિચારતા પણ નથી કે તેઓનાં કાર્યોથી કેવાં ખરાબ પરિણામો આવશે. પરંતુ, યહોવાના લોકો સમજી-વિચારીને પગલાં ભરે છે. જગતનો ભાગ ન બનવા તેઓ દરેક પ્રકારનાં અશ્લીલ કામોથી દૂર રહે છે. આમ, તેઓનો યહોવા સાથેનો સંબંધ જળવાઈ રહે છે અને “ખરેખરું જીવન” મેળવવાની તેઓની આશા દૃઢ બને છે. (૧ તીમો. ૬:૧૯) આપણે અગાઉ જેમના વિશે જોઈ ગયાં એ બહેન કહે છે: ‘તમારી માન્યતા વિશે હિંમતથી જણાવશો તો દિવસના અંતે અનેરો સંતોષ મળશે. એનાથી સાબિત થશે કે શેતાનના જગતના વહેણની વિરુદ્ધ જવા તમારી પાસે હિંમત છે. સૌથી મહત્ત્વનું તો એ છે કે યહોવાને તમારા પર ગર્વ થશે અને તમે તેમને ખુશ કરી શકશો. ત્યારે, જગતનો ભાગ ન હોવાની તમને પણ ખુશી થશે.’

૧૯ હાલમાં જે મેળવી શકાય, ફક્ત એવા વાના પર જો વ્યક્તિ ધ્યાન આપશે તો તેનું જીવન વ્યર્થ જશે. (સભા. ૯:૨, ૧૦) આપણે જીવનના હેતુને અને હંમેશ માટે જીવવાની તકને સમજવાની જરૂર છે. એ સમજવાથી આપણે ‘જગતના લોકોની જેમ ખોટા માર્ગે ચાલીશું’ નહિ અને આપણું જીવન અર્થસભર બનશે.—એફે. ૪:૧૭; માલા. ૩:૧૮.

૨૦, ૨૧. ખરો નિર્ણય લઈશું તો આપણું ભાવિ કેવું બનશે? યહોવા આપણી પાસેથી કઈ આશા રાખે છે?

૨૦ આજે આપણે ખરો નિર્ણય લઈશું તો, હાલમાં સુખી જીવન અને નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. આપણે વિચારી પણ ન શકીએ એટલા બધા આશીર્વાદો ઈશ્વર આપશે. (માથ. ૫:૫; ૧૯:૨૯; ૨૫:૩૪) જોકે, યહોવા એ આશીર્વાદો ફક્ત તેઓને જ આપે છે જેઓ તેમને આધીન રહે છે. (૧ યોહાન ૫:૩, ૪ વાંચો.) આપણે યહોવાની સેવામાં જે મહેનત કરીએ છીએ એ ક્યારે નકામી જતી નથી.

૨૧ યહોવા પાસેથી આપણને ઘણું મળ્યું છે. બાઇબલનું ખરું જ્ઞાન તેમ જ યહોવા અને તેમના હેતુઓ વિશે સ્પષ્ટ સમજણ મળી છે. યહોવાના સાક્ષી હોવાને લીધે આપણને તેમના નામથી ઓળખાવવાનો લહાવો મળ્યો છે. યહોવાએ આપણને સાથ અને મદદ આપવાનું વચન આપ્યું છે. (ગીત. ૧૧૮:૭) તેથી, ચાલો આપણે એ ખાસ વારસાની કદર કરીએ. યુવાન હોઈએ કે વૃદ્ધ, આપણે ‘હંમેશાં યહોવાને મહિમા’ આપીએ.—રોમ. ૧૧:૩૩-૩૬; ગીત. ૩૩:૧૨.

a ખાસ વારસામાં યહોવા વિશે શીખવાનો, તેમની ભક્તિ કરવાનો, તેમના નામથી ઓળખાવવાનો, તેમના મિત્ર બનવાનો, શાસ્ત્રવચનોનું સચોટ જ્ઞાન હોવાનો, માબાપના સારા દાખલાને અનુસરવાનો અને વફાદાર ભક્તોમાંના એક બનવાનો સમાવેશ થાય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો