ભાઈઓ પરનો પ્રેમ બતાવતા રહો!
‘ભાઈઓ પરનો પ્રેમ બતાવતા રહો.’—હિબ્રૂ ૧૩:૧.
૧, ૨. પાઊલે શા માટે હિબ્રૂ ભાઈ-બહેનોને પત્ર લખ્યો?
સાલ ૬૧માં, ઈસ્રાએલનાં બધાં મંડળોમાં કેટલીક હદે શાંતિમય સંજોગો હતાં. ખરું કે, રોમમાં આવેલી એક જેલમાં પ્રેરિત પાઊલ કેદ હતા, પણ તે જલદી જ છૂટવાની આશા રાખતા હતા. તેમને મુસાફરીમાં સાથ આપનાર તીમોથી હાલમાં જ જેલમાંથી છૂટ્યા હતા. તેઓ બંને સાથે મળીને યહુદિયાનાં ભાઈ-બહેનોની મુલાકાતે જવાની આશા રાખતા હતા. (હિબ્રૂ ૧૩:૨૩) જોકે, પાંચ જ વર્ષમાં પરિસ્થિતિ પલટાઈ જવાની હતી. યહુદિયાના અને ખાસ તો યરુશાલેમના ખ્રિસ્તીઓને સમય પારખીને તરત પગલાં ભરવાનાં હતાં. શા માટે? ઈસુએ પોતાના અનુયાયીઓને અગાઉથી એક ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સૈનિકો દ્વારા યરુશાલેમને ઘેરી લેવામાં આવે ત્યારે, અનુયાયીઓને તરત ત્યાંથી નાસી જવું પડશે.—લુક ૨૧:૨૦-૨૪
૨ શિષ્યોને એ ચેતવણી મળ્યાને ૨૮ વર્ષો વીતી ચૂક્યાં હતાં. એ સમયગાળા દરમિયાન, ઈસ્રાએલમાંના ખ્રિસ્તીઓ ઘણી કસોટીઓ અને સતાવણીઓ સહીને પણ વફાદાર રહ્યા હતા. (હિબ્રૂ ૧૦:૩૨-૩૪) જોકે, પાઊલ તેઓને આવનાર સમય માટે તૈયાર કરવા ચાહતા હતા. તેઓ એ સમયની એક સૌથી આકરી વિપત્તિમાંથી પસાર થવાના હતા, જેમાં તેઓના વિશ્વાસની કસોટી થવાની હતી. (માથ. ૨૪:૨૦, ૨૧; હિબ્રૂ ૧૨:૪) તેઓને પહેલાંના કરતાં વધારે ધીરજ અને શ્રદ્ધાની જરૂર પડવાની હતી. કેમ કે જલદી જ તેઓએ, નાસી જવા વિશે ઈસુએ આપેલી આજ્ઞા પાળવાની હતી. અરે, એ આજ્ઞા પાળવા પર તેઓનું જીવન નિર્ભર હતું. (હિબ્રૂ ૧૦:૩૬-૩૯ વાંચો.) તેથી, યહોવાએ પાઊલને પ્રેરણા આપી કે એ વહાલાં ભાઈ-બહેનોને એક પત્ર લખે. એ પત્ર આજે બાઇબલનું એક પુસ્તક છે, જે “હિબ્રૂઓને પત્ર” તરીકે ઓળખાય છે. પાઊલે એ ભાઈ-બહેનોને હિંમત મળે માટે એ પત્ર લખ્યો હતો. એના દ્વારા પાઊલ તેઓને આવનાર સમય માટે તૈયાર કરવા માંગતા હતા.
૩. આપણને શા માટે હિબ્રૂઓને લખેલા પત્રમાં રસ હોવો જોઈએ?
૩ આજે, ઈશ્વરના લોકો તરીકે આપણને શા માટે હિબ્રૂઓને લખેલા પત્રમાં રસ હોવો જોઈએ? કેમ કે, આપણી પરિસ્થિતિ પણ યહુદિયાના ખ્રિસ્તીઓ જેવી જ છે. આપણે એવા “સંકટના વખતો”માં જીવીએ છીએ જે સહેવા અઘરા છે. ઘણાં ભાઈ-બહેનોએ આકરી કસોટીઓ અથવા સતાવણીઓ સહીને પણ વફાદારી જાળવી રાખી છે. (૨ તીમો. ૩:૧, ૧૨) જોકે, આપણામાંનાં મોટા ભાગનાં ભાઈ-બહેનો શાંતિમય સંજોગોમાં છે. આપણે સીધેસીધી સતાવણીનો સામનો કરવો પડતો નથી. તોપણ, આપણે પાઊલના સમયના ખ્રિસ્તીઓની જેમ તકેદારી રાખવાની જરૂર છે. શા માટે? કેમ કે, બહુ નજીકના સમયમાં આપણે પણ વિશ્વાસની સૌથી આકરી કસોટીનો સામનો કરવાના છીએ!—લુક ૨૧:૩૪-૩૬ વાંચો.
૪. વર્ષ ૨૦૧૬નું વાર્ષિક વચન કયું છે અને એ કેમ યોગ્ય છે?
૪ નજીકના સમયમાં બનનાર એ બનાવ માટે તૈયાર થવા આપણને શું મદદ કરશે? હિબ્રૂઓને લખેલા પત્રમાં પાઊલે એવાં ઘણાં સૂચનો જણાવ્યાં છે, જે આપણી શ્રદ્ધા મજબૂત કરવા મદદરૂપ બનશે. એમાંનું એક બહુ મહત્ત્વનું સૂચન આપણને હિબ્રૂ ૧૩:૧માં જોવા મળે છે. એ કલમ આપણને આમ ઉત્તેજન આપે છે: ‘ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવતા રહો.’ (હિબ્રૂ ૧૩:૧, NW) એ કલમ ૨૦૧૬ના વાર્ષિક વચન તરીકે પસંદ કરવામાં આવી છે.
૨૦૧૬નું આપણું વાર્ષિક વચન: ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવતા રહો.—હિબ્રૂ ૧૩:૧
ભાઈઓ પરનો પ્રેમ એટલે શું?
૫. ‘ભાઈઓ પરનો પ્રેમ’ એટલે શું?
૫ ‘ભાઈઓ પરનો પ્રેમ’ એટલે શું? એ શબ્દપ્રયોગ માટે પાઊલે જે મૂળ ગ્રીક શબ્દ વાપર્યો હતો, એનો અર્થ થાય કે “એક સગા ભાઈ માટે હોય એવો સ્નેહ.” એ એવી ગાઢ લાગણી છે, જે કુટુંબના સભ્યો અથવા મિત્રો વચ્ચે જોવા મળે છે. (યોહા. ૧૧:૩૬) આપણે ભાઈ-બહેનો હોવાનો કંઈ દેખાડો કરતા નથી. આપણે બધાં ખરેખર ભાઈ-બહેનો છીએ. (માથ. ૨૩:૮) પાઊલ જણાવે છે કે ‘ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ હોવો જોઈએ તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતાં બીજાઓને અધિક ગણો.’ (રોમ. ૧૨:૧૦) એ શબ્દો બતાવે છે કે આપણાં ભાઈ-બહેનો માટે આપણો લગાવ કેટલો ગાઢ છે. ઈશ્વરના લોકો વચ્ચે ભાઈઓ પરનો પ્રેમ તેમજ બાઇબલના સિદ્ધાંતો પર આધારિત પ્રેમ જોવા મળે છે. એ બંને પ્રકારના પ્રેમને લીધે ઈશ્વરના લોકો એકબીજા સાથે ગાઢ મિત્રતામાં અને સંપમાં રહી શકે છે.
૬. ઈસુના શિષ્યો તરીકે આપણે કોને પોતાનો “ભાઈ” ગણવો જોઈએ?
૬ ‘ભાઈઓ પરનો પ્રેમ’ શબ્દોનો ઉલ્લેખ મોટા ભાગે ખ્રિસ્તી સાહિત્યમાં જોવા મળે છે. પ્રાચીન સમયના યહુદીઓમાં “ભાઈ” શબ્દ સામાન્ય રીતે કોઈ સગાંને દર્શાવવા વપરાતો. અમુક વાર એ શબ્દ કુટુંબ બહારની કોઈ યહુદી વ્યક્તિ માટે પણ વપરાતો. પરંતુ, એ શબ્દ ક્યારેય કોઈ બિનયહુદી વ્યક્તિ માટે વાપરવામાં આવતો નહિ. જ્યારે કે, ઈસુના શિષ્યો તરીકે આપણા માટે તો, સત્યમાં હોય એવી કોઈ પણ વ્યક્તિ “ભાઈ” કે “બહેન” છે. પછી ભલેને એ વ્યક્તિ ગમે તે દેશની કેમ ન હોય! (રોમ. ૧૦:૧૨) યહોવાએ આપણને એકબીજાને ભાઈ-બહેનોની જેમ પ્રેમ કરવાનું શીખવ્યું છે. (૧ થેસ્સા. ૪:૯) એમ કરતા રહેવું શા માટે મહત્ત્વનું છે?
ભાઈઓ પરનો પ્રેમ બતાવવો શા માટે જરૂરી છે?
૭. (ક) ભાઈઓ પર પ્રેમ બતાવવાનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે? (ખ) એકબીજા પ્રત્યે ગાઢ પ્રેમ બતાવવાનું બીજું કારણ જણાવો.
૭ ભાઈ-બહેનો પર પ્રેમ બતાવવાનું સૌથી મહત્ત્વનું કારણ છે કે, યહોવા પોતે આપણને એમ કરવા જણાવે છે. જો આપણે ભાઈ-બહેનોને પ્રેમ ન બતાવીએ, તો આપણે એમ ન કહી શકીએ કે આપણે યહોવાને સાચો પ્રેમ કરીએ છીએ. (૧ યોહા. ૪:૭, ૨૦, ૨૧) પ્રેમ બતાવતા રહેવાનું બીજું કારણ એ છે કે, આપણને એકબીજાની મદદની જરૂર છે. ખાસ કરીને, સંકટના સમયમાં. જ્યારે પાઊલે હિબ્રૂ ભાઈ-બહેનોને પત્ર લખ્યો, ત્યારે તે જાણતા હતા કે જલદી જ તેઓમાંનાં અમુકને પોતાનાં ઘરબાર અને ચીજવસ્તુઓ છોડવાં પડશે. ઈસુએ જણાવ્યું હતું કે એ સમય કેવો આકરો હશે. (માર્ક ૧૩:૧૪-૧૮; લુક ૨૧:૨૧-૨૩) તેથી, એ સમય આવે એના પહેલાં હિબ્રૂ ભાઈ-બહેનોએ એકબીજા પરનો પ્રેમ ગાઢ બનાવવાની જરૂર હતી.—રોમ. ૧૨:૯.
૮. મોટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં આપણે શું કરવાની જરૂર છે?
૮ માનવ ઇતિહાસની સૌથી મોટી વિપત્તિ જલદી જ આવી પડવાની છે. (માર્ક ૧૩:૧૯; પ્રકટી. ૭:૧-૩) એ સમયે આપણા માટે આ આજ્ઞા પ્રમાણે કરવું બહુ મહત્ત્વનું રહેશે: “ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે માંહે રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે.” (યશા. ૨૬:૨૦) એ “ઓરડી” આપણાં મંડળોને દર્શાવી શકે, જ્યાં આપણે ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરીએ છીએ. જોકે, આપણે નિયમિત રીતે ભેગા મળવા ઉપરાંત કંઈક વધારે કરવાની જરૂર છે. પાઊલે હિબ્રૂ ભાઈ-બહેનોને એ યાદ અપાવ્યું હતું કે, તેઓએ એકબીજાને પ્રેમ બતાવવાનું અને ભલું કરવાનું ઉત્તેજન આપવું જોઈએ. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) આપણે હાલના સમયમાં ભાઈઓ પરનો આપણો પ્રેમ વધુ ગાઢ બનાવવાની જરૂર છે. કેમ કે, એ આપણને ભાવિમાં આવનાર ગમે તેવી કસોટીઓનો સામનો કરવા મદદ કરશે.
૯. (ક) આજે ભાઈઓ પરનો પ્રેમ બતાવવાની કઈ તકો રહેલી છે? (ખ) યહોવાના લોકોએ ભાઈઓ પરનો પ્રેમ બતાવ્યો હોય એવા દાખલા જણાવો.
૯ મોટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં પણ આપણી પાસે ભાઈઓ પરનો પ્રેમ બતાવવાની આજે ઘણી તક રહેલી છે. આપણાં ઘણાં ભાઈ-બહેનોએ પૂર, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી અને બીજી કુદરતી આફતોને લીધે ઘણું સહન કરવું પડે છે. અમુક ભાઈ-બહેનો સતાવણીઓનો સામનો કરે છે. (માથ. ૨૪:૬-૯) ઉપરાંત, આ લાલચી દુનિયાને લીધે કેટલાંક ભાઈ-બહેનો પૈસાની તંગીનો સામનો કરે છે. (પ્રકટી. ૬:૫, ૬) જોકે, ભાઈ-બહેનો પર આવતી મુશ્કેલીઓ તો તેઓ પ્રત્યે આપણો પ્રેમ બતાવવાની તક મળે છે. એવા સમયમાં આપણે સાબિત કરી શકીએ છીએ કે આપણને એકબીજા માટે કેટલો પ્રેમ છે. ભલે આ દુનિયા પ્રેમ બતાવવામાં માનતી ન હોય, પણ આપણે તો ભાઈઓ પર પ્રેમ બતાવતા રહેવાની જરૂર છે.—માથ. ૨૪:૧૨.[1]
ભાઈઓ પરનો પ્રેમ બતાવતા રહેવા શું કરી શકીએ?
૧૦. હવે આપણે શાની ચર્ચા કરીશું?
૧૦ મુશ્કેલ સંજોગોમાં પણ આપણે ભાઈઓ પરનો પ્રેમ બતાવવાનું ચૂકીએ નહિ. આપણે એમ કઈ રીતે કરી શકીએ? આપણને તેઓ માટે પ્રેમની લાગણી છે એ કઈ રીતે સાબિત કરી શકીએ? પ્રેરિત પાઊલે ‘ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવવાનું’ ઉત્તેજન આપ્યા પછી એ પ્રમાણે કરવાની અમુક રીતો પણ જણાવી હતી. આપણે બધાં એ રીતો પ્રમાણે પ્રેમ બતાવી શકીએ છીએ. ચાલો, એમાંની છ રીતો વિશે ચર્ચા કરીએ.
૧૧, ૧૨. પરોણાગત બતાવવાનો શો અર્થ થાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૧ “પરોણાગત કરવાનું ભૂલો નહિ.” (હિબ્રૂ ૧૩:૨ વાંચો.) “પરોણાગત” શબ્દનો શો અર્થ થાય? પાઊલે એના માટે જે મૂળ શબ્દ વાપર્યો હતો એનો અર્થ થાય કે, “અજાણ્યાઓ પ્રત્યે દયા બતાવવી.” એ શબ્દો સાંભળીને કદાચ આપણને ઈબ્રાહીમ અને લોટ યાદ આવે. એ ઈશ્વરભક્તોએ તો અજાણ્યાઓને પણ મહેમાનગતિ બતાવી હતી. તેઓને પછીથી ખબર પડી હતી કે, એ અજાણ્યા પુરુષો તો સ્વર્ગદૂતો હતા. (ઉત. ૧૮:૨-૫; ૧૯:૧-૩) પાઊલે તેઓનાં ઉદાહરણો આપ્યાં, જેથી હિબ્રૂ ભાઈ-બહેનોને પરોણાગત દ્વારા એકબીજાને પ્રેમ બતાવવાનું ઉત્તેજન મળે.
૧૨ આપણે કઈ રીતે પરોણાગત બતાવી શકીએ? ભાઈ-બહેનોને આપણા ઘરે આવવાનું આમંત્રણ આપીએ, જેથી તેઓની સાથે ભોજનનો આનંદ માણી શકાય અથવા ઉત્તેજનકારક વાતો કરી શકાય. બની શકે કે, સરકીટ નિરીક્ષક અને તેમના પત્નીને આપણે એટલું ઓળખતા નથી. પણ, તેઓ મંડળની મુલાકાતે આવે ત્યારે તેઓની મહેમાનગતિ કરવાનું ચૂકીએ નહિ. (૩ યોહા. ૫-૮) પરોણાગત બતાવવા કંઈ મોટી મિજબાની કે ઘણો ખર્ચ કરવાની જરૂર નથી. યાદ રાખીએ કે, પરોણાગત બતાવવા પાછળ આપણો હેતુ ઉત્તેજન આપવાનો હોય, ભાઈ-બહેનોને પ્રભાવિત કરવાનો નહિ. બીજું કે, આપણી મહેમાનગતિનો બદલો વાળી શકે એવાઓને જ બોલાવવું સારું ન કહેવાય. (લુક ૧૦:૪૨; ૧૪:૧૨-૧૪) સૌથી મહત્ત્વનું એ છે કે આપણે એટલા વ્યસ્ત ન બની જઈએ, જેથી પરોણાગત બતાવી જ ન શકીએ!
૧૩, ૧૪. આપણે કઈ રીતે ‘બંદીવાનોને યાદ કરી’ શકીએ?
૧૩ ‘બંદીવાનોને યાદ કરો.’ (હિબ્રૂ ૧૩:૩ વાંચો.) એ લખતી વખતે પાઊલ એવાં ભાઈ-બહેનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેઓ પોતાની શ્રદ્ધાને લીધે કેદમાં હતાં. હિબ્રૂ ભાઈ-બહેનોએ એવા ‘કેદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી’ હતી. એ માટે પાઊલે તેઓના વખાણ કર્યા હતા. (હિબ્રૂ ૧૦:૩૪) પાઊલ પોતે ચાર વર્ષ કેદમાં હતા ત્યારે, ત્યાંની આસપાસનાં ભાઈ-બહેનોએ તેમને મદદ કરી હતી. પરંતુ, જેઓ ઘણાં દૂર રહેતાં હતાં તેઓ શું કરી શકતાં હતાં? તેઓ પાઊલ માટે સતત પ્રાર્થનાઓ કરીને મદદ આપી શકતાં હતાં.—ફિલિ. ૧:૧૨-૧૪; હિબ્રૂ ૧૩:૧૮, ૧૯.
૧૪ આજે, ઘણા સાક્ષીઓ પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં બંધ છે. એવાં ભાઈ-બહેનોની નજીક રહેનાર સાક્ષીઓ તેઓને જરૂરી મદદ આપી શકે છે. પરંતુ, આપણામાંનાં મોટા ભાગનાં ભાઈ-બહેનો એ કેદીઓથી ઘણા દૂર રહે છે. તેમ છતાં, તેઓને યાદ રાખવા અને તેઓને મદદ કરવા શું કરી શકીએ? ભાઈઓ પરનો પ્રેમ આપણને તેઓ માટે સતત પ્રાર્થનાઓ કરવાનું ઉત્તેજન આપશે. દાખલા તરીકે, એરિટ્રિયાની જેલમાં કેદ ભાઈ-બહેનો અને બાળકો માટે પ્રાર્થના કરીએ. એ કેદીઓમાં પાઊલોસ ઈઆસુ, ઈસાક મોગોસ અને નેગેડે તેકલેમરીયમ પણ છે, જેઓ ૨૦ કરતાં વધુ વર્ષોથી જેલમાં છે. એ બધાં ભાઈ-બહેનોને પ્રાર્થનામાં યાદ કરી શકીએ.
૧૫. આપણે લગ્નને માનયોગ્ય ગણવા શું કરી શકીએ?
૧૫ “સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય.” (હિબ્રૂ ૧૩:૪ વાંચો.) આપણે શુદ્ધ આચરણ રાખીને પણ ભાઈઓ પરનો પ્રેમ બતાવી શકીએ છીએ. (૧ તીમો. ૫:૧, ૨) દાખલા તરીકે, જો આપણે કોઈ ભાઈ કે બહેન જોડે જાતીય અનૈતિકતા કરીશું, તો તેમને અને તેમના કુટુંબને નુકસાન પહોંચાડીશું. એમ કરવાથી આપણો એકબીજા પરથી ભરોસો ઊઠી જશે. (૧ થેસ્સા. ૪:૩-૮) જરા એ પત્ની વિશે વિચારો જેને ખબર પડે છે કે તેનો પતિ પોર્નોગ્રાફી જુએ છે. કલ્પના કરો કે એ પત્નીના દિલ પર શું વીતશે? શું એ પત્ની માની શકશે કે તેનો પતિ તેને ચાહે છે અને લગ્નની ગોઠવણને માનયોગ્ય ગણે છે?—માથ. ૫:૨૮.
૧૬. સંતોષની ભાવના આપણને ભાઈઓ પરનો પ્રેમ બતાવવામાં કઈ રીતે મદદ કરે છે?
૧૬ “પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો.” (હિબ્રૂ ૧૩:૫ વાંચો.) આપણે યહોવા પર ભરોસો રાખીએ છીએ. તેથી, આપણી પાસે જે કંઈ હોય એમાં સંતોષી રહીશું. સંતોષની ભાવના આપણને ભાઈઓ પરનો પ્રેમ બતાવવામાં કઈ રીતે મદદ કરે છે? સંતોષની ભાવના આપણને એ યાદ રાખવા મદદ કરે છે કે દુનિયાની કોઈ પણ ચીજવસ્તુ કે ધનસંપત્તિ આપણાં ભાઈ-બહેનોની તોલે આવી શકે નહિ. (૧ તીમો. ૬:૬-૮) સંતોષ હોવાથી આપણે ભાઈ-બહેનો વિશે કચકચ કે પોતાના સંજોગો વિશે ફરિયાદ નહિ કરીએ. સંતોષી રહેવાથી આપણામાં ઈર્ષા અથવા લોભની ભાવના નહિ જાગે. એના બદલે, આપણે ઉદાર બનીશું.—૧ તીમો. ૬:૧૭-૧૯.
૧૭. હિંમત રાખવાથી કઈ રીતે આપણે ભાઈઓ પરનો પ્રેમ બતાવી શકીએ છીએ?
૧૭ ‘આપણે ડરીએ નહિ’ પણ હિંમત રાખીએ. (હિબ્રૂ ૧૩:૬ વાંચો.) યહોવા સહાય કરશે એવો ભરોસો હોવાથી આપણી હિંમત બંધાશે અને આપણે કસોટીઓથી ડરીશું નહિ. આમ, હિંમત હોવાને લીધે આપણે સારું વલણ જાળવી રાખી શકીશું. અરે, ભાઈ-બહેનો પરનો પ્રેમ બતાવીને તેઓને ઉત્તેજન અને દિલાસો આપી શકીશું. (૧ થેસ્સા. ૫:૧૪, ૧૫) એટલું જ નહિ, મોટી વિપત્તિ દરમિયાન આપણે એ જાણીને હિંમત રાખી શકીશું કે આપણો ઉદ્ધાર પાસે આવ્યો છે.—લુક ૨૧:૨૫-૨૮.
વડીલો મંડળ માટે જે મહેનત કરે છે, શું તમે એની કદર કરો છો? (ફકરો ૧૮ જુઓ)
૧૮. વડીલોના કિસ્સામાં આપણે ભાઈઓ પરનો પ્રેમ કઈ રીતે ગાઢ બનાવી શકીએ?
૧૮ ‘તમારા આગેવાનોનું સ્મરણ કરો.’ (હિબ્રૂ ૧૩:૭, ૧૭ વાંચો.) મંડળના વડીલો આપણા માટે સખત મહેનત કરવામાં પોતાનો સમય વાપરે છે. તેઓ જે કંઈ કરે છે એના વિશે આપણે વિચાર કરીએ છીએ ત્યારે, તેઓ માટે આપણું દિલ પ્રેમ અને કદરથી ઊભરાઈ જાય છે. આપણે ક્યારેય નહિ ચાહીએ કે આપણા કારણે તેઓ પોતાનો આનંદ ગુમાવે અથવા માયૂસ થાય. આપણે તો તેઓને દિલથી આધીન રહેવા ચાહીએ છીએ. આમ કરીને આપણે “તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિઘણું માન” આપીએ છીએ.—૧ થેસ્સા. ૫:૧૩.
વધુ ને વધુ પ્રેમ બતાવતા રહો
૧૯, ૨૦. આપણે કઈ રીતે હજી વધારે પ્રમાણમાં ભાઈઓ પરનો પ્રેમ બતાવી શકીએ?
૧૯ યહોવાના લોકો ભાઈઓ પરનો પ્રેમ બતાવવા માટે જાણીતા છે. પાઊલના સમયમાં પણ એમ હતું. છતાં, પાઊલે તેઓને પોતાનો એ પ્રેમ હજી વધારે પ્રમાણમાં બતાવવાનું ઉત્તેજન આપ્યું. તેમણે જણાવ્યું કે “હજુ વધારે પ્રેમ રાખો.” (૧ થેસ્સા. ૪:૯, ૧૦) એના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે એ દિશામાં આપણે હંમેશાં કાર્ય કરતા રહેવાની જરૂર છે!
૨૦ તેથી, આ વર્ષ દરમિયાન જ્યારે પણ રાજ્યગૃહમાં વાર્ષિક વચન પર નજર પડે, ત્યારે આપણે આ પ્રશ્નો પર મનન કરીએ: “શું હું મહેમાનગતિ બતાવવામાં વધારો કરી શકું? જેલમાં કેદ આપણાં ભાઈ-બહેનોને હું કઈ રીતે મદદ કરી શકું? શું હું ઈશ્વરે કરેલી લગ્નની ગોઠવણને માનયોગ્ય ગણું છું? મને સંતોષી બનવામાં શું મદદ કરશે? યહોવા પર પૂરેપૂરો ભરોસો રાખવા હું શું કરી શકું? આગેવાની લેતા ભાઈઓને વધુ આધીન બનવા મને શું મદદ કરશે?” જો આપણે આ છ પાસાંમાં સુધારો કરવા પર ધ્યાન આપીશું, તો આ વર્ષનું વાર્ષિક વચન માત્ર દીવાલ પર ટિંગાડેલી કલમ નહિ રહે. એના બદલે, એ આપણને પાઊલની આ સલાહ માનવા મદદ કરશે: ‘ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવતા રહો.’—હિબ્રૂ ૧૩:૧, NW.
^ [૧] (ફકરો ૯) કુદરતી આફતો વખતે યહોવાના સાક્ષીઓ ભાઈઓ પરનો પ્રેમ કઈ રીતે બતાવે છે, એનાં અમુક ઉદાહરણો જોવાં જુલાઈ ૧૫, ૨૦૦૨ના ચોકીબુરજમાં પાન ૮ જુઓ. તેમ જ, જેહોવાઝ વિટ્નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્સ કિંગ્ડમમાં પ્રકરણ ૧૯ જુઓ.