હઝકીએલે યરુશાલેમ ફરતે સાંકેતિક ઘેરો નાંખવાની સોંપણી સ્વીકારી
પ્રબોધકોના વલણને અનુસરો
આપણામાં અને પ્રાચીન સમયના પ્રબોધકોમાં શું સરખાપણું છે? “પ્રબોધક” શબ્દ માટે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિમાં શબ્દસૂચિ આવી વ્યાખ્યા આપે છે: ‘જેના દ્વારા ઈશ્વરની ઇચ્છા અને હેતુ જાહેર કરવામાં આવ્યો હોય તે. ઈશ્વર તરફથી આવતા સંદેશાઓ જણાવનાર. ખરું કે, આમાં ભવિષ્ય જણાવનારનો વિચાર સમાયેલો છે, પણ આ શબ્દનો મુખ્ય અર્થ ભવિષ્ય ભાખવાનો નથી.’ સાચું કે, આપણે કંઈ ભવિષ્યવાણીઓ કરતા નથી, પણ યહોવા ઈશ્વર તરફથી લોકોને બાઇબલનો સંદેશો જરૂર જણાવીએ છીએ.—માથ. ૨૪:૧૪.
આપણી પાસે ઈશ્વર યહોવા વિશે અને મનુષ્યો માટે તેમની શી ઇચ્છા છે, એ વિશે લોકોને જણાવવાનો કેટલો અદ્ભુત લહાવો છે! ‘આકાશમાં ઊડતા દૂતʼની સાથે આપણે પણ ખુશખબર જણાવવાના કામમાં ભાગ લઈએ છીએ. (પ્રકટી. ૧૪:૬) જોકે, જીવનમાં આવતા પડકારોને લીધે આપણે ભૂલવા લાગીએ કે આપણી પાસે કેટલો કીમતી લહાવો છે! કયા પડકારોને લીધે એમ બની શકે? કદાચ થાક, નિરાશા કે નકામા હોવાની લાગણીને લીધે એમ બની શકે. પ્રાચીન સમયના પ્રબોધકો સામે પણ એવા પડકારો આવ્યા હતા. પરંતુ, તેઓએ હાર માની નહિ અને યહોવાએ તેઓને સોંપણી પૂરી કરવામાં મદદ આપી. ચાલો, આપણે કેટલાક પ્રબોધકોનો વિચાર કરીએ અને જોઈએ કે આપણે તેઓને કઈ રીતે અનુસરી શકીએ.
તેઓએ અથાક મહેનત કરી
ખરું કે, આપણ બધાને આરામની જરૂર પડે છે. ઈસુ અને પ્રેરિતોએ પણ સમયે સમયે આરામ લીધો હતો. (માર્ક ૬:૩૧) પણ અમુક વાર આપણે રોજબરોજનાં કામોને લીધે એટલા બધા થાકી જઈએ કે પ્રચારમાં જવાનું મન ન થાય. એવા સમયે, જરા હઝકીએલ અને તેમની સોંપણીનો વિચાર કરો. બાબેલોનમાં બંદીવાન ઈસ્રાએલીઓ મધ્યે હતા ત્યારે તેમને એક સોંપણી મળી હતી. તેમને કહેવામાં આવ્યું કે એક ઈંટ પર યરુશાલેમ શહેરનું ચિત્ર કોતરે. પછી, એ ઈંટ પર કોતરેલા શહેર ફરતે સાંકેતિક ઘેરો ઘાલ્યો હોય એમ બતાવવા, એની તરફ મોં રાખીને ૩૯૦ દિવસ ડાબે પડખે અને ૪૦ દિવસ જમણે પડખે સૂએ. એટલું જ નહિ, યહોવાએ હઝકીએલને કહ્યું: “જો, હું તને રસીથી બાંધુ છું, ને તારા ઘેરાના દિવસ તું પૂરા કરે ત્યાં સુધી તારે પાસું ફેરવવું નહિ.” (હઝકી. ૪:૧-૮) ચોક્કસ, એ બધું બંદીવાન ઈસ્રાએલીઓની નજરે પડ્યું હશે. આમ, હઝકીએલે દરરોજ એવું કામ કરવાનું હતું, જે ખૂબ થકવી નાંખે. એ પણ એક વર્ષથી વધુ સમય માટે! તો સવાલ થાય કે તે પોતાની સોંપણી શાને લીધે પૂરી કરી શક્યા?
હઝકીએલ સમજી શક્યા કે તેમને પ્રબોધક તરીકે બાબેલોનમાં શા માટે મોકલવામાં આવ્યા. તેમને મોકલતી વખતે યહોવાએ તેમને કહ્યું હતું: ‘ઈસ્રાએલીઓ સાંભળે કે ન સાંભળે, પણ તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.’ (હઝકી. ૨:૫) હઝકીએલે કાયમ મનમાં રાખ્યું કે તેમને મળેલી સોંપણીનો હેતુ શો હતો. તેથી, પૂરા દિલથી તે પોતાને મળેલી સોંપણી પ્રમાણે કરતા રહ્યા. સાચે જ, તે ખરા અર્થમાં પ્રબોધક હતા! તેમને અને બીજા બંદીવાન ઈસ્રાએલીઓને ખબર મળી કે યરુશાલેમ “નગરનો નાશ કરવામાં આવ્યો છે!” એ સાંભળીને ઈસ્રાએલીઓને અહેસાસ થયો કે ખરેખર તેઓ મધ્યે યહોવાનો એક પ્રબોધક હતો!—હઝકી. ૩૩:૨૧, ૩૩.
આજે, આપણે શેતાનની દુનિયાના સર્વનાશ વિશે લોકોને ચેતવી રહ્યા છીએ. અમુક વાર આપણે થાકેલા હોઈએ, તોપણ આપણે સંદેશો આપવામાં, ફરી મુલાકાતો લેવામાં અને બાઇબલ અભ્યાસ ચલાવવામાં આપણી શક્તિ વાપરીએ છીએ. અંતને લગતી ભવિષ્યવાણીઓ પૂરી થતી જોઈને આપણને સંતોષ થાય છે કે આપણે એવી વ્યક્તિ છીએ ‘જેના દ્વારા ઈશ્વરની ઇચ્છા અને હેતુ જાહેર કરવામાં આવી રહ્યાં છે.’
તેઓએ નિરાશા પર જીત મેળવી
સંદેશો જણાવવાના કામમાં આપણે યહોવાની શક્તિની મદદને લીધે પૂરા જોશથી મહેનત કરીએ છીએ. પણ આપણા સંદેશા પ્રત્યે લોકોના વલણને લીધે અમુક વાર આપણે નિરાશ થઈ જઈએ છીએ. એમ થાય ત્યારે પ્રબોધક યિર્મેયાનો વિચાર કરીએ. તેમણે ઈશ્વરનો સંદેશો ઈસ્રાએલીઓને જણાવ્યો ત્યારે તેમને બદલામાં અપમાન, નફરત અને મહેણાં-ટોણાં મળ્યાં. અરે, એક સમયે યિર્મેયા એટલા નિરુત્સાહ થઈ ગયા કે આમ પોકારી ઊઠ્યા: “તેને વિશે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ.” દેખીતું છે કે આપણી જેમ તે પણ લાગણીવશ થઈ જતા. એવા સંજોગોમાં પણ તે ઈશ્વરનો સંદેશો જણાવતા રહ્યા. શા માટે? તેમણે જણાવ્યું: “જાણે મારા હાડકાંમાં બળતો અગ્નિ સમાએલો હોય, એવી મારા હૃદયમાં પીડા થાય છે અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે: હું બોલ્યા વગર રહી શકતો નથી.”—યિર્મે. ૨૦:૭-૯.
લોકો આપણો સંદેશો ન સાંભળે ત્યારે કદાચ આપણે પણ યિર્મેયાની જેમ નિરુત્સાહ થઈ જઈએ. એવી લાગણી પર જીત મેળવવા આપણે શું કરી શકીએ? આપણે જે સંદેશો જણાવીએ છીએ એના પર મનન કરી શકીએ. એમ કરીશું તો જાણે આપણા “હાડકાંમાં બળતો અગ્નિ સમાએલો હોય” એવો અહેસાસ થશે. દરરોજ બાઇબલ વાંચવાની ટેવ પણ એ અગ્નિ બળતો રાખવામાં મદદ કરશે.
તેઓ ખોટી લાગણીઓના વશમાં થયા નહિ
અમુક ભાઈ-બહેનો પોતાને મળેલી સોંપણી પૂરી રીતે સમજી ન શકવાને લીધે મૂંઝાઈ જતાં હોય છે. પ્રબોધક હોશિયાના કિસ્સામાં એવું બન્યું હોય શકે. કારણ કે, યહોવાએ તેમને આવી આજ્ઞા આપી હતી: “જઈને એક વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાનાં છોકરાંને પોતાનાં કરી લે.” (હોશી. ૧:૨) જરા કલ્પના કરો કે તમારે લગ્ન કરવાના છે અને યહોવા તમને કહે છે કે તમારે એક વેશ્યાને પરણવાનું છે. ત્યારે તમને કેવું લાગશે? પણ, હોશિયાએ એવી સોંપણી સ્વીકારી. તેમણે ગોમેર નામની વેશ્યા જોડે લગ્ન કર્યા અને તેને એક દીકરો થયો. પછીથી ગોમેરને એક દીકરી અને દીકરો થયાં. એ બે સંતાનો કદાચ હોશિયાથી નહિ, પણ ગોમેરના લગ્ન બહારના સંબંધોથી જન્મ્યાં હતાં. યહોવાએ હોશિયાને અગાઉથી જણાવ્યું હતું કે તેમની એ ભાવિ પત્ની “પોતાના પ્રીતમોની પાછળ જશે.” ધ્યાન આપો કે અહીં “પ્રીતમો” શબ્દ એકથી વધારે વ્યક્તિને બતાવે છે. ઉપરાંત, યહોવાએ કહ્યું હતું કે હોશિયાની પત્ની તેમની પાસે પાછી ફરવાનો પ્રયત્ન કરશે. જો તમે એ પ્રબોધકની જગ્યાએ હોત, તો શું એવી પત્નીને પાછી સ્વીકારી હોત? પણ, યહોવાએ તો હોશિયાને એ જ પ્રમાણે કરવા કહ્યું હતું! એટલું જ નહિ, હોશિયાએ એવી પત્નીને પાછી મેળવવા મોટી કિંમત પણ ચૂકવી!—હોશી. ૨:૭; ૩:૧-૫.
હોશિયાને થયું હશે કે એવું કામ કરીને કોનું ભલું થશે? તોપણ તેમણે એ સોંપણી પૂરી વફાદારીથી નીભાવી. અરે, તેમને જો ફક્ત નાટકમાં એવું પાત્ર ભજવવાનું હોત તો સહેલું હોત, પણ હોશિયાએ તો અંગત જીવનમાં એ પાત્ર ભજવવાનું હતું. ખરેખર, તેમનું એ પાત્ર આપણને સર્વોપરી યહોવાને થયેલાં એ દુઃખનો અહેસાસ કરાવે છે, જે તેમને ઈસ્રાએલીઓની બેવફાઈને લીધે થયું. ઇતિહાસ એ પણ બતાવે છે કે પછીથી નમ્ર દિલના અમુક ઈસ્રાએલીઓ યહોવા પાસે પાછા આવ્યા હતા.
હોશિયાની જેમ આજના સમયમાં યહોવા કોઈને ‘વેશ્યા સાથે લગ્ન કરવાનું’ કહેતા નથી. તોપણ, આપણે હોશિયાના દાખલા પરથી એક બોધપાઠ લઈ શકીએ છીએ. કયો? એ જ કે કોઈ સોંપણી ભલે પડકારજનક લાગે, તોપણ આપણે હોશિયાની જેમ એ સોંપણી સ્વીકારવા તૈયારી બતાવવી જોઈએ. દાખલા તરીકે, ‘જાહેરમાં તથા ઘરેઘરે’ પ્રચાર કરવો ભલે આપણને પડકારજનક લાગે, તોપણ આપણે એમાં ભાગ લેવો જોઈએ. (પ્રે.કૃ. ૨૦:૨૦) બની શકે કે પ્રચારકાર્યની અમુક રીતો તમને અઘરી લાગતી હોય. જેમ કે, યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી અભ્યાસ કરનાર ઘણાને શરૂ શરૂમાં એમ લાગતું હતું. તેઓને બાઇબલમાંથી અભ્યાસ કરવાનું ગમતું, પણ તેઓ કહેતા કે તેઓ ઘરેઘરે ફરીને સંદેશો કદી નહિ જણાવે. પરંતુ, પછીથી તેઓમાંના ઘણાએ પ્રચાર કામમાં ભાગ લેવાનું શરૂ કર્યું. હા, એ જ કામ જે તેઓને એક સમયે અશક્ય લાગતું હતું! એના પરથી શું આપણે પણ બોધપાઠ લેવો ન જોઈએ?
હોશિયાના દાખલા પરથી બીજો એક બોધપાઠ મળે છે. હોશિયાએ ચાહ્યું હોત તો યહોવાએ આપેલી સોંપણી સ્વીકારવામાં આનાકાની કરી શક્યા હોત. અરે, જો તેમણે એના વિશે પોતાના પુસ્તકમાં લખ્યું ન હોત, તો એની કોઈને કાનોકાન ખબર પણ ન પડી હોત, ખરુંને! આપણને પણ યહોવા વિશે લોકોને જણાવવાની એવી તકો મળે છે, જેના વિશે બીજા કોઈને ખબર હોતી નથી. અમેરિકાની એક સ્કૂલમાં ભણતી આપણી બહેન આન્ના સાથે એવું જ બન્યું હતું. તેના શિક્ષકે બધા વિદ્યાર્થીઓને એવા વિષય પર નિબંધ લખવા જણાવ્યું, જેમાં તેઓ દૃઢ રીતે માનતા હોય. તેમ જ, જણાવ્યું કે બીજા વિદ્યાર્થીઓને પણ પોતાની માન્યતા સાથે સહમત કરી લેવાનો પ્રયત્ન કરે. આન્નાએ ચાહ્યું હોત તો ક્લાસમાં સાક્ષી આપવાની તક જતી કરી હોત. પણ તે જોઈ શકી કે એ તો ઈશ્વર તરફથી એક તક છે. આન્નાએ વિચાર્યું કે સાક્ષી આપવાનાં કેવાં પરિણામો આવી શકે, એટલે તેણે યહોવાને પ્રાર્થના કરી. એના લીધે એ તક ઝડપી લેવાની તેની ઇચ્છા વધુ પ્રબળ બની. એટલે આન્નાએ આ વિષય પર નિબંધ લખ્યો, ‘ઉત્ક્રાંતિવાદ: પણ પુરાવા શું કહે છે?’
આપણા તરુણો સર્જનહાર યહોવા વિશે હિંમતથી જણાવીને પ્રબોધકોના વલણને અનુસરે છે
આન્નાએ આખા ક્લાસ સામે પોતાનો નિબંધ રજૂ કર્યો. પરંતુ, ઉત્ક્રાંતિવાદમાં માનતી એક છોકરીએ, આન્ના પર સવાલોનાં તીર ચલાવ્યાં. જોકે, આન્નાએ પોતાની માન્યતાને પુરવાર કરતા યોગ્ય ઉત્તર આપ્યા. એ જોઈને તેના શિક્ષક પ્રભાવિત થયા અને સૌથી અસરકારક નિબંધ રજૂ કરવા બદલ તેને ઇનામ આપ્યું. એ પછી પેલી છોકરી સાથે સર્જનહાર વિશે ચર્ચા કરવાની આન્નાને ઘણી તકો મળી. યહોવા પાસેથી મળેલી “સોંપણી”ને સ્વીકારવાનું શું પરિણામ આવ્યું? આન્ના જણાવે છે, ‘હવે હું જરાય ડર અને ખચકાટ વગર લોકોને ખુશખબર જણાવી શકું છું.’
ખરું કે, આપણે પોતાને પ્રબોધક કહી શકતા નથી. પણ આપણે હઝકીએલ, યિર્મેયા અને હોશિયા જેવા પ્રબોધકોનું વલણ અનુસરીને યહોવાની ઇચ્છા જરૂર પૂરી કરી શકીએ છીએ. એટલે, કેમ નહિ કે તમારા વ્યક્તિગત બાઇબલ અભ્યાસમાં અથવા કુટુંબ તરીકેની ભક્તિમાં તમે પ્રબોધકો વિશે અભ્યાસ કરો! એમ કરો ત્યારે તેઓના દાખલાને અનુસરવા પર મનન કરી શકો.