મુખ્ય વિષય | બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવો
શરૂઆત કઈ રીતે કરું?
બાઇબલ વાંચનનો પૂરો આનંદ માણવા અને એમાંથી લાભ મેળવવા શું મદદ કરી શકે? ચાલો પાંચ સૂચનો પર ચર્ચા કરીએ, જેનાથી અનેક લોકોને ફાયદો થયો છે.
યોગ્ય માહોલ પસંદ કરો. શાંત જગ્યા શોધો. ખલેલ પહોંચાડતી વસ્તુઓને દૂર રાખો, જેથી વાંચન પર મન લગાડી શકો. વાંચનનો પૂરો લાભ મેળવવા સારા હવા-ઉજાશનું પણ ધ્યાન રાખો.
યોગ્ય વલણ કેળવો. બાઇબલ આપણા સ્વર્ગમાંના પિતાનો સંદેશો છે. તેથી, એનો પૂરો લાભ મેળવવા બાળકો જેવું મન કેળવો, જેઓ પોતાનાં માતા-પિતા પાસેથી શીખવા હંમેશાં આતુર હોય છે. બાઇબલ પ્રત્યે જો તમારા મનમાં કોઈ પૂર્વગ્રહ હોય, તો એને બાજુએ મૂકો, જેથી ઈશ્વર પાસેથી શીખી શકો.—ગીતશાસ્ત્ર ૨૫:૪.
વાંચતા પહેલાં પ્રાર્થના કરો. બાઇબલમાં ઈશ્વરના વિચારો છે. તેથી, સ્વાભાવિક છે કે એને સમજવા તેમની મદદની જરૂર છે. ઈશ્વરે વચન આપ્યું છે કે, ‘જેઓ પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપશે.’ (લુક ૧૧:૧૩) ઈશ્વરના વિચારોને સમજવા પવિત્ર શક્તિ મદદ કરી શકે. સમય જતાં, ‘ઈશ્વર વિશેની ઊંડી વાતો’ સમજવા એ તમારું મન ખોલશે.—૧ કોરીંથીઓ ૨:૧૦.
સમજવાની કોશિશ કરો. ફક્ત વાંચવા ખાતર ન વાંચો. જે વાંચો છો એના પર મનન કરો. તમે આવા સવાલો પર વિચાર કરી શકો: ‘જે વ્યક્તિ વિશે હું વાંચી રહ્યો છું, એનામાં કયા સારા ગુણો છે? વાંચેલી માહિતીને હું કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકું?’
ધ્યેયો બાંધો. બાઇબલ વાંચનનો પૂરો ફાયદો ઉઠાવવા એવા વિષય પર અભ્યાસ કરો, જે તમારા જીવનને નિખારે. કદાચ તમે આવા ધ્યેયો બાંધી શકો: ‘હું ઈશ્વર વિશે વધુ જાણવા ચાહું છું. હું એક સારી વ્યક્તિ બનવા ચાહું છું. હું એક સારો પતિ કે પત્ની બનવા ચાહું છું.’ ધ્યેય બાંધ્યા પછી, બાઇબલના એવા અહેવાલો પસંદ કરો જે તમને એ ધ્યેયો હાંસલ કરવા મદદ કરે.a
સારી શરૂઆત કરવા આ પાંચ સૂચનો તમને મદદ કરશે. પરંતુ, વાંચનને વધુ રસપ્રદ બનાવવા તમે શું કરી શકો? આ પછીનો લેખ એનો જવાબ આપે છે.
a કયા બાઇબલ અહેવાલો તમારા માટે યોગ્ય રહેશે, એ વિશે જો તમે અસમંજસમાં હો, તો યહોવાના સાક્ષીઓ રાજીખુશીથી તમને મદદ કરવા તૈયાર છે.