માટીના પાત્ર પર, બાઇબલનું પાત્ર
સાલ ૨૦૧૨માં પુરાતત્ત્વશાસ્ત્રીઓને ૩,૦૦૦ વર્ષ જૂની બરણીના ટુકડા મળી આવ્યા. એનાથી સંશોધકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો. શા માટે? બરણીના એ ટુકડાઓને લીધે નહિ, પણ એની ઉપરના લખાણને લીધે.
પુરાતત્ત્વશાસ્ત્રીઓએ એ ટુકડા જોડ્યા ત્યારે, એની પર કોતરેલું કનાની ભાષાનું લખાણ તેઓ વાંચી શક્યા. એના પર લખ્યું હતું, “એશબઆલ બેન બેદા,” જેનો અર્થ થાય “એશબઆલ, બેદાનો પુત્ર.” આ પહેલો એવો કિસ્સો છે, જ્યારે સંશોધકોને કોઈ પ્રાચીન વસ્તુ પર આ નામ મળી આવ્યું હોય.
એશબઆલ નામની એક વ્યક્તિનો ઉલ્લેખ બાઇબલમાં પણ થયો છે. તે રાજા શાઊલનો દીકરો હતો. (૧ કાળ. ૮:૩૩; ૯:૩૯) પ્રોફેસર યોસેફ ગારફિન્કેલ એ સંશોધકોમાંના એક હતા. તેમણે કહ્યું: ‘એ જાણવું રસપ્રદ છે કે, એશબઆલ નામનો ઉલ્લેખ બાઇબલમાં છે અને હવે પુરાતત્ત્વશાસ્ત્રની નોંધણીમાં પણ છે, એ પણ રાજા દાઊદના રાજ્યકાળ દરમિયાન.’ પુરાતત્ત્વશાસ્ત્ર બાઇબલને ટેકો આપે છે એની સાબિતીમાં એક વધુ ઉમેરો!
બાઇબલમાં રાજા શાઊલના પુત્ર એશબઆલને “ઈશ-બોશેથ” પણ કહેવામાં આવ્યો છે. (૨ શમૂ. ૨:૧૦) શા માટે એ નામમાંથી “બઆલ” કાઢીને “બોશેથ” મૂકવામાં આવ્યું? સંશોધકો પ્રમાણે બીજા શમૂએલ પુસ્તકના લેખક “એશબઆલ” નામ વાપરવા માંગતા ન હતા. કારણ કે, એ નામ ઇઝરાયેલીઓને કનાની દેવ બઆલની યાદ અપાવતું, જે તોફાનનો દેવ હતો. જોકે, પહેલા કાળવૃત્તાંતના પુસ્તકમાં એશબઆલ નામ હજીયે જોવા મળે છે.