સાદા જીવનથી મળતો આનંદ
સાલ ૨૦૦૦માં ડેનિયલ અને મિરિયમના લગ્ન થયા. તેઓ સ્પેનના બાર્સિલોના શહેરમાં આરામદાયક જીવન જીવી રહ્યાં હતાં. ડેનિયલ જણાવે છે: ‘અમારી પાસે સારી નોકરી હતી. અમે સારાં સારાં કપડાં પહેરતાં, મોંઘી હોટલોમાં જમવા જતાં અને વિદેશ ફરવા જતાં. અમે નિયમિત રીતે પ્રચારમાં પણ ભાગ લેતાં.’ પછી, તેઓનાં જીવનમાં મોટો વળાંક આવ્યો.
૨૦૦૬માં સંમેલન વખતે ડેનિયલે એક પ્રવચનમાં આ સવાલ સાંભળ્યો: ‘“જેઓ માર્યા જવાની તૈયારીમાં છે” તેઓને જીવનના માર્ગે લાવવા શું તમે બનતો પ્રયત્ન કરી રહ્યા છો?’ (નીતિ. ૨૪:૧૧) પ્રવચનમાં સમજાવવામાં આવ્યું કે, બાઇબલનો સંદેશો લોકો સુધી પહોંચાડવો મોટી જવાબદારી છે, કારણ કે એમાં લોકોનું જીવન સમાયેલું છે. (પ્રે.કા. ૨૦:૨૬, ૨૭) ડેનિયલ યાદ કરતા કહે છે, ‘મને લાગ્યું જાણે યહોવા મને કહી રહ્યા હતા.’ એ પ્રવચનમાં જણાવ્યું હતું કે, યહોવાની સેવામાં વધુ કરવાથી ખુશીમાં ઉમેરો થાય છે. એ હકીકતથી ડેનિયલ સારી રીતે વાકેફ હતા, કારણ કે તેમની પત્નીએ પાયોનિયરીંગ શરૂ કર્યું ત્યારથી તે ખૂબ ખુશ હતી.
એ પ્રવચનની ડેનિયલ પર ઊંડી અસર થઈ. તેમને ખ્યાલ આવી ગયો કે, જીવનમાં મોટા ફેરફાર કરવાની ઘડી આવી ગઈ છે. તેમણે જીવન સાદું બનાવવાની મનમાં ગાંઠ વાળી. તેમણે નોકરીના કલાકો ઘટાડ્યા અને પાયોનિયરીંગ શરૂ કર્યું. તેમને થયું, વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપીએ તો, કેટલી વધારે ખુશી મળશે!
પહેલા પડકાર, પછી સારા સમાચાર
મે ૨૦૦૭માં નોકરી છોડીને ડેનિયલ અને મિરિયમ પનામા દેશમાં રહેવાં ગયાં. તેઓએ અગાઉ પણ એ દેશની મુલાકાત લીધી હતી. તેઓનો નવો પ્રચારવિસ્તાર કૅરિબિયન સમુદ્રના બોકાસ દેલ ટોરો આરકીપેલ્ગોમાં હતો, જે નાના ટાપુઓથી બનેલો છે. ત્યાં રહેતા મોટા ભાગના લોકો ગુઆમી હતા. ડેનિયલ અને મિરિયમની ગણતરી પ્રમાણે તેઓ પોતાની જમા-પૂંજીથી આઠેક મહિના ગુજરાન ચલાવી શકતા હતા.
એ ટાપુઓ પર તેઓ હોડી અને સાયકલથી મુસાફરી કરતાં. ધગધગતા તાપમાં ઊંચા પહાડો પર સાયકલથી કરેલી પહેલી મુસાફરી તેઓને હજી પણ યાદ છે. ત્રીસેક કિલોમીટર સાયકલ ચલાવ્યા પછી ડેનિયલ થાકીને લોથપોથ થઈ ગયા હતા, બેભાન થવાની આરે હતા. જોકે, ત્યાંના ગુઆમી કુટુંબોએ સારી પરોણાગત બતાવી. ખાસ કરીને તેઓ સ્થાનિક ભાષાના અમુક વાક્યો શીખ્યા ત્યાર પછી. થોડા જ સમયમાં, તેઓએ ૨૩ બાઇબલ અભ્યાસો શરૂ કર્યા.
તેઓની જમા-પૂંજી વપરાઈ ગઈ પછી શું થયું? ડેનિયલ કહે છે: ‘સ્પેન પાછા જવાના વિચાર માત્રથી અમારી આંખો ભરાઈ જતી. બાઇબલ વિદ્યાર્થીઓને છોડીને જવું પડશે, એ વિચારથી અમે દુઃખી દુઃખી થઈ ગયાં.’ પણ એક મહિના પછી તેઓને રોમાંચક સમાચાર મળ્યાં. મિરિયમ કહે છે: ‘અમને ખાસ પાયોનિયર તરીકે સેવા આપવા આમંત્રણ મળ્યું. અમે સેવા ચાલુ રાખી શક્યાં માટે ખૂબ આનંદી હતાં.’
સૌથી મોટો આનંદ
સંગઠનમાં થયેલા ફેરફારોને કારણે ડેનિયલ અને મિરિયમે ૨૦૧૫માં ખાસ પાયોનિયર સેવા બંધ કરવી પડી. હવે શું? તેઓએ ગીતશાસ્ત્ર ૩૭:૫ના આ વચન પર ભરોસો મૂક્યો: “તારા માર્ગો યહોવાને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.” તેઓએ કામકાજ શોધી લીધું, જેથી પાયોનિયરીંગ કરી શકે અને ગુજરાન ચલાવી શકે. આજે તેઓ પનામાના વેરાગસના એક મંડળમાં સેવા આપે છે.
ડેનિયેલ જણાવે છે, ‘સ્પેન છોડતા પહેલાં અમને લાગતું ન હતું કે અમે સાદા જીવનમાં ઢળી શકીશું. પણ આજે અમે એવું જ જીવન જીવી રહ્યાં છીએ અને અમને કશાની ખોટ નથી.’ તેઓનો સૌથી મોટો આનંદ કયો છે? તેઓ જણાવે છે, ‘નમ્ર લોકોને યહોવા વિશે શીખવવાથી સૌથી વધારે આનંદ મળે છે, એની તોલે કશું જ ન આવી શકે!’