તમારા મનની લડાઈ પર જીત મેળવો
તમારા પર હુમલો થઈ રહ્યો છે! તમારો દુશ્મન શેતાન તમારી વિરુદ્ધ એક ખતરનાક હથિયાર વાપરી રહ્યો છે. આ એક એવું હથિયાર છે, જે તમારા શરીર પર નહિ, પણ તમારા મન પર હુમલો કરવા માટે બનાવવામાં આવ્યું છે. એ હથિયાર છે, શેતાનનાં જૂઠાણાં.
પ્રેરિત પાઊલ જાણતા હતા કે, શેતાને ફેલાવેલાં જૂઠાણાં ઘણા ખતરનાક છે. પણ બધા ખ્રિસ્તીઓ એનાથી અજાણ હતા. દાખલા તરીકે, કોરીંથ મંડળમાં કેટલાક એવા હતા, જેઓને લાગતું કે તેઓ સત્યમાં એટલા મજબૂત છે કે તેઓ શેતાનની જાળમાં ક્યારેય ફસાશે નહિ. (૧ કોરીં. ૧૦:૧૨) એટલે, પાઊલે તેઓને ચેતવ્યા: “મને ડર છે કે જેમ સર્પે પોતાની ચાલાકીથી હવાને લલચાવી, તેમ તમારું મન પણ કોઈક રીતે ભ્રષ્ટ થઈને ખ્રિસ્ત માટેના શુદ્ધ અને ખરા પ્રેમથી દૂર ન થઈ જાય.”—૨ કોરીં. ૧૧:૩.
પાઊલના શબ્દોથી જોવા મળે છે કે વધુ પડતો આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. શેતાનના કાવાદાવા સામે જીત મેળવવા માટે, પહેલાં આપણે સમજવાની જરૂર છે કે એ કેટલા ખતરનાક છે અને એનાથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ.
શેતાનનાં જૂઠાણાં કેટલા ખતરનાક છે?
આપણે જે જૂઠાણાં વિશે વાત કરી રહ્યા છીએ, એ શું છે? એ ખોટી કે છેતરામણી માહિતી છે, જે લોકોને ગેરમાર્ગે દોરે છે અને લોકોનાં વિચારો અને કાર્યો પર પકડ જમાવે છે. પ્રોપેગેન્ડા એન્ડ પર્સ્વેઝન નામનું પુસ્તક, એવાં જૂઠાણાંઓને ‘નીતિ વગરનાં, નુકસાનકારક અને ગેરવાજબી’ કહે છે. લોકો એને આવા શબ્દોથી વર્ણવે છે: ‘ખોટી, છેતરામણી, આડી-અવળી, ભમાવનારી અને મનન કાબૂમાં રાખતી વાતો.’
શેતાનનાં જૂઠાણાં એટલા ખતરનાક છે કે, ધીરે-ધીરે આપણા મનમાં ઘર કરી જાય ને ખ્યાલ પણ ન આવે. આપણે એને એવા ઝેરી ગેસ સાથે સરખાવી શકીએ, જેને જોઈ શકતા નથી અને જેની ગંધ આવતી નથી છે. માનવ સ્વભાવના નિષ્ણાત વાન્સ પેકર્ડ કહે છે કે, છેતરામણી માહિતી ‘ધાર્યા કરતાં પણ વધારે’ આપણાં કાર્યોને અસર કરે છે. બીજા એક નિષ્ણાત કહે છે કે એ ભમાવનારી માહિતી લોકોને જાતિ અને ધર્મના નામે ખતરનાક અને ગેરવાજબી રીતે વર્તવા ઉશ્કેરે છે. પરિણામે, નરસંહાર (આખી જાતિનો વિનાશ), યુદ્ધ અને સતાવણીઓ થાય છે.—ઈઝીલી લેડ—અ હિસ્ટ્રી ઓફ પ્રોપેગેન્ડા.
જો માણસો આપણને મૂર્ખ બનાવી શકે, તો વિચારો કે શેતાન કેટલી હદે આપણને છેતરી શકે? મનુષ્યોનું સર્જન થયું ત્યારથી જ શેતાને માનવ સ્વભાવનો અભ્યાસ કર્યો છે. હમણાં “આખી દુનિયા” તેની મુઠ્ઠીમાં છે અને જૂઠાણું ફેલાવવા તે દુનિયાના કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરી શકે છે. (૧ યોહા. ૫:૧૯; યોહા. ૮:૪૪) શેતાને પોતાનાં જૂઠાણાંથી ઘણા “લોકોના મન આંધળા કર્યા છે” અને તે “આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” (૨ કોરીં. ૪:૪; પ્રકટી. ૧૨:૯) તમે શેતાનનાં જૂઠાણાંથી કેવી રીતે બચી શકો?
શ્રદ્ધા દૃઢ કરો
શેતાનનાં જૂઠાણાં સામે લડવા ઈસુએ એક સાદો સિદ્ધાંત જણાવ્યો: “તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.” (યોહા. ૮:૩૧, ૩૨) એક સૈનિકને ખબર હોવી જોઈએ કે યુદ્ધ દરમિયાન ભરોસાપાત્ર માહિતી ક્યાંથી મળશે. કારણ કે, દુશ્મનો ચારેબાજુ છેતરામણી માહિતી ફેલાવતા હોય છે. તમારા વિશે શું? શેતાનના કાવાદાવા સામે લડવા તમને ભરોસાપાત્ર માહિતી ક્યાંથી મળશે? એ માટે યહોવાએ આપણને બાઇબલ આપ્યું છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭.
શેતાન જાણે છે કે આપણી પાસે કયું હથિયાર છે. શેતાન ચાહે છે કે આપણે બાઇબલ વાંચવાનું અને અભ્યાસ કરવાનું બંધ કરી દઈએ. એટલે, બાઇબલ પરથી આપણું ધ્યાન ફંટાય જાય એ માટે તે પોતાની દુનિયાનો ઉપયોગ કરે છે. તેથી, દુષ્ટ “શેતાનની કુયુક્તિઓ”થી છેતરાશો નહિ. (એફે. ૬:૧૧, ફૂટનોટ) એ માટે સત્યનું પાયારૂપ શિક્ષણ પૂરતું નથી. સત્યનું ઊંડું જ્ઞાન લેવા જરૂરી છે કે આપણે મહેનત કરીએ. (એફે. ૩:૧૮) નાઓમ ચોમસ્કી નામના એક લેખકે કહ્યું, ‘તમારા મગજમાં કોઈ સત્ય રેડી જવાનું નથી. એ તમારે જાતે શોધવું પડશે.’ તેથી, ‘સત્યને જાતે શોધવા’ તમે “ધ્યાનથી દરરોજ શાસ્ત્રવચનો તપાસતાં” રહો.—પ્રે.કા. ૧૭:૧૧.
મનની લડાઈ જીતવા માટે, પહેલાં આપણે સમજવાની જરૂર છે કે એ કેટલા ખતરનાક છે અને એનાથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ
શેતાન ચાહે છે કે તમે વગર વિચાર્યે અને સત્ય જાણ્યા વગર કામ કરો. શા માટે? કારણ કે, જો લોકો ‘નિરાશ થઈને વિચારવાનું માંડી વાળે,’ તો શેતાનનાં જૂઠાણાંની ‘તેઓ પર વધુ અસર થાય છે.’ (મિડીયા એન્ડ સોસાયટી ઈન ધ ટ્વેન્ટીએથ સેન્ચુરી) એટલે તમે જે પણ સાંભળો, એ વગર વિચાર્યે માની ન લેશો. (નીતિ. ૧૪:૧૫) ઈશ્વરે આપેલી “વિવેકબુદ્ધિ” અને “સમજ-શક્તિ”નો ઉપયોગ કરીને તમારી શ્રદ્ધા દૃઢ બનાવો.—નીતિ. ૨:૧૦-૧૫; રોમ. ૧૨:૧, ૨.
એકતામાં રહો
જે સૈનિકો દુશ્મનોની ચાલમાં ફસાય છે, તેઓ ડરી જાય છે અને લડવા તૈયાર થતા નથી. એવા દાવપેચને લીધે કદાચ તેઓ અંદરોઅંદર ઝઘડે અથવા ટુકડીથી અલગ થઈ જાય. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની હારી ગયું હતું. ત્યાંના જનરલના કહેવા પ્રમાણે એનું એક કારણ હતું, જૂઠાણાં. તેમણે જણાવ્યું કે એની લોકો પર એટલી અસર થઈ હતી કે જાણે વશીકરણ કરવામાં આવ્યું હોય. શેતાન પણ એવી જ રીતોનો ઉપયોગ કરીને ઈશ્વરભક્તોની એકતા તોડવા માંગે છે. દાખલા તરીકે, ભાઈ-બહેનો વચ્ચે તે તકરાર ઊભી કરવા પ્રયાસ કરે છે. અથવા તે તેઓને એવું વિચારવા પ્રેરે છે કે યહોવાના સંગઠને તેઓ સાથે અન્યાય કર્યો છે કે કંઈક ખોટું કર્યું છે, એટલે તેઓએ સંગઠન છોડી દેવું જોઈએ.
છેતરાશો નહિ! બાઇબલની સલાહ પાળો અને ભાઈ-બહેનો સાથે એકતામાં રહો. દાખલા તરીકે, બાઇબલ ઉત્તેજન આપે છે કે “એકબીજાને દિલથી માફ કરો” અને મતભેદ હોય તો તરત જ થાળે પાડો. (કોલો. ૩:૧૩, ૧૪; માથ. ૫:૨૩, ૨૪) બાઇબલ આપણને મંડળથી અલગ ન થવા વિશે ચેતવણી આપે છે. (નીતિ. ૧૮:૧) શેતાનના કાવાદાવાનો સામનો કરવા તમે તૈયાર રહો. પોતાને પૂછો: “કોઈ ભાઈ કે બહેનથી મને માઠું લાગ્યું ત્યારે, મારું વર્તન કેવું હતું? ઈશ્વરને પસંદ છે એવું કે શેતાનને ગમે છે એવું?”—ગલા. ૫:૧૬-૨૬; એફે. ૨:૨, ૩.
ભરોસો ગુમાવશો નહિ
એક સૈનિક પોતાના ઉપરીને વફાદાર નહિ હોય તો, તે સારી રીતે લડી શકશે નહિ. એટલે, દુશ્મનો એવા દાવપેચ વાપરે છે, જેથી સૈનિકોનો પોતાના ઉપરી પરથી ભરોસો ઊઠી જાય. જો ઉપરીથી કોઈ ભૂલ થઈ જાય, તો દુશ્મનો એવી વાતો ફેલાવશે: “તેનો ભરોસો કરશો નહિ!” અને “તેનું માર્ગદર્શન પાળશો તો મુસીબત આવશે.” શેતાન પણ એવી જ કોશિશ કરે છે. યહોવા સંગઠનમાં જે આગેવાનોનો ઉપયોગ કરે છે, તેઓ વિરુદ્ધ તે આપણા મનમાં શંકાનાં બી વાવે છે.
તમે પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકો? યહોવાના સંગઠનને વળગી રહેવાનો દૃઢ નિશ્ચય કરો. ખરું કે, આગેવાની લેતા ભાઈઓથી ભૂલો થાય છે. છતાં, તેઓને વફાદાર રહો અને સહકાર આપો. (૧ થેસ્સા. ૫:૧૨, ૧૩) સાચા ધર્મનો ત્યાગ કરનારા લોકો અને છેતરનારા લોકો સંગઠન વિશે ખોટી વાતો ફેલાવી શકે. ભલે એ વાતો સાચી લાગે તોપણ, “તમે ગૂંચવાશો નહિ.” (૨ થેસ્સા. ૨:૨; તિત. ૧:૧૦) પાઊલે તિમોથીને આપેલી આ સલાહ પાળો: ‘તું જે શીખ્યો છે એ કરતો રહેજે.’ અને “તું કોની પાસેથી એ શીખ્યો છે” એ યાદ રાખજે. (૨ તિમો. ૩:૧૪, ૧૫) આશરે સો વર્ષથી સત્ય શીખવવા યહોવાએ વિશ્વાસુ ચાકરનો ઉપયોગ કર્યો છે. એ ચાકર ભરોસાપાત્ર છે એના અનેક પુરાવા છે. એ પુરાવાઓ પર તમે વિચાર કરો.—માથ. ૨૪:૪૫-૪૭; હિબ્રૂ. ૧૩:૭, ૧૭.
ડરશો નહિ
શેતાન સીધેસીધો હુમલો કરવાનો પણ પ્રયાસ કરે છે. કેટલીક વાર તે આપણને ડરાવવાનો પ્રયત્ન કરે છે. ડર, ‘એક સૌથી જૂની ચાલબાજી છે.’ (ઈઝી લેડ—અ હિસ્ટ્રી ઓફ પ્રોપેગેન્ડા) દાખલા તરીકે, બ્રિટનના પ્રોફેસર ફિલિપ એમ. ટેલરે લખ્યું કે, આશ્શૂરીઓ ડર અને ચાલબાજી વાપરીને દુશ્મનો પર હાવી થઈ જતા. તમે યહોવાની ભક્તિ કરવાનું પડતું મૂકો એ માટે શેતાન પણ એવા ડરનો ઉપયોગ કરશે. જેમ કે, માણસોનો ડર, સતાવણીનો ડર અને મોતનો ડર.—યશા. ૮:૧૨; યિર્મે. ૪૨:૧૧; હિબ્રૂ. ૨:૧૫.
શેતાનને તમારા પર હાવી થવા ન દો. ઈસુએ કહ્યું હતું: “જેઓ તમને મારી નાખી શકે છે અને પછી વધારે કંઈ કરી નથી શકતા, તેઓથી ડરશો નહિ.” (લુક ૧૨:૪) યહોવાએ તમારી કાળજી રાખવાનું વચન આપ્યું છે. એ વચન પર ભરોસો રાખો. તે તમને “માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી” શક્તિ આપશે અને શેતાનના હુમલા સામે ટકી રહેવા મદદ કરશે.—૨ કોરીં. ૪:૭-૯; ૧ પીત. ૩:૧૪.
ખરું કે, અમુક સંજોગોમાં આપણે નબળા પડી જઈએ કે ગભરાઈ જઈએ. પણ, યહોશુઆને ઉત્તેજન આપવા યહોવાએ કહેલા આ શબ્દો યાદ રાખો: “બળવાન તથા હિમ્મતવાન થા; ભયભીત ન થા, ને ગભરાતો મા; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે છે.” (યહો. ૧:૯) તમને ચિંતા સતાવે ત્યારે, તરત યહોવા આગળ તમારું દિલ ઠાલવો. તમે ખાતરી રાખી શકો કે, “ઈશ્વરની શાંતિ . . . તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.” એનાથી તમને શેતાનના કાવાદાવા સામે ટકી રહેવા તાકાત મળશે.—ફિલિ. ૪:૬, ૭, ૧૩.
તમને યાદ છે, યહોવાના લોકોને ડરાવવા આશ્શૂરીઓના સંદેશવાહક રાબશાકેહે કઈ ચાલબાજીનો ઉપયોગ કર્યો હતો? તે લોકોના મનમાં ઠસાવવા ચાહતો હતો કે તેઓને આશ્શૂરીઓથી કોઈ છોડાવી શકશે નહિ, યહોવા પણ નહિ. તેણે એવો પણ દાવો કર્યો કે યહોવાએ તેઓને યરૂશાલેમનો વિનાશ કરવાનું જણાવ્યું છે. એ વિશે યહોવાએ શું કહ્યું? “જે વચનો તેં સાંભળ્યાં છે, ને જે વડે આશ્શૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે તેથી તારે બીવું નહિ.” (૨ રાજા. ૧૮:૨૨-૨૫; ૧૯:૬) પછી, યહોવાએ સ્વર્ગદૂત મોકલીને એક જ રાતમાં ૧,૮૫,૦૦૦ આશ્શૂરી સૈનિકોનો નાશ કર્યો!—૨ રાજા. ૧૯:૩૫.
બુદ્ધિમાન બનો—હંમેશાં યહોવાની વાત માનો
શું તમને એવી કોઈ ફિલ્મ યાદ છે, જેમાં કોઈ વ્યક્તિ કોઈકની જાળમાં ફસાવવાની તૈયારીમાં છે? કદાચ તમે બોલી ઊઠ્યા હશો: “એનું કહ્યું ના માનીશ! એ તો જૂઠું બોલી રહ્યો છે!” કલ્પના કરો, સ્વર્ગદૂતો પણ બૂમ પાડીને તમને એવું જ કહી રહ્યા છે: “શેતાનનાં જૂઠાણાંથી છેતરાશો નહિ!”
શેતાનનાં જૂઠાણાંને જરાય કાન ધરશો નહિ. (નીતિ. ૨૬:૨૪, ૨૫) યહોવાની વાત માનો અને ભરોસો રાખો કે તે તમને સાથ આપશે. (નીતિ. ૩:૫-૭) તે તમને પ્રેમ કરે છે અને અરજ કરે છે: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ.” (નીતિ. ૨૭:૧૧) જો તમે એમ કરશો, તો શેતાનનાં જૂઠાણાં તમારા મન પર હાવી નહિ થાય અને જીત તમારી થશે.