સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—વિદ્યાર્થી પ્રશ્નો પૂછે ત્યારે શું કરવું જોઈએ?
૧ વ્યક્તિ સાથે થોડો સમય અભ્યાસ કર્યા પછી, જુદા જુદા વિષયો પર ચર્ચા કરવાને બદલે, પુસ્તક કે બ્રોશરમાંથી ક્રમ પ્રમાણે અભ્યાસ શરૂ કરવો જોઈએ. એમ કરવાથી તમે વ્યક્તિના દિલમાં સત્યનો સારો પાયો નાખી શકશો. એનાથી, તેમની શ્રદ્ધા વધતી જશે. (કોલો. ૧:૯, ૧૦) પરંતુ, ઘણી વાર એવું બને છે કે અભ્યાસ કરનાર કોઈ જુદા જ વિષય પર સવાલ કરે ત્યારે શું કરવું જોઈએ?
૨ પારખતા શીખો: ફકરા વિષે પ્રશ્ન પૂછવામાં આવે તો, તમે તરત જ એનો જવાબ આપી શકો. પૂછેલો પ્રશ્ન અભ્યાસને લગતો ન હોય તો, અભ્યાસ પછી એનો જવાબ આપી શકાય. અથવા તેઓને જણાવી શકો કે એની ચર્ચા પછી કરીશું. તમે ફરીવાર જાવ ત્યારે સંશોધન કરીને પણ એનો જવાબ આપી શકો. ઘણા ભાઈ-બહેનો એ પ્રશ્નની નોંધ કરી લે છે. જેથી, વ્યક્તિને એવું ન થાય કે તેમના પ્રશ્નો નકામા છે. આ રીતે અભ્યાસ એક જ વિષય પર સારી રીતે ચાલી શકે.
૩ આપણા પુસ્તકોમાં બધા વિષયોની ઊંડી સમજણ આપવામાં આવતી નથી. અભ્યાસ કરનારને બાઇબલનું અમુક શિક્ષણ ગળે ન ઉતરે અથવા પોતે જે માને છે એને છોડવા તૈયાર ન હોય તો શું કરવું જોઈએ? તો વધારે સંશોધન કરીને બાઇબલ શું કહે છે એની ચર્ચા કરી શકો. એનાથી પણ જો તેમને સંતોષ ન થાય, તો બીજી વાર એની ચર્ચા કરો, પરંતુ અભ્યાસ બંધ કરશો નહિ. (યોહા. ૧૬:૧૨) બાઇબલમાંથી તે જેમ જેમ વધારે શીખતા રહેશે તેમ તેમ તેમને વધારે સમજણ પડશે. સમય જતાં તે બાઇબલનું સત્ય સમજી શકશે.
૪ નમ્ર બનો: પૂછેલા પ્રશ્નનો જવાબ શું છે એ તમને ખબર ન હોય તો, તમારા પોતાના વિચારો જ જણાવશો નહિ. (૨ તીમો. ૨:૧૫; ૧ પીત. ૪:૧૧) તેઓને જણાવો કે સંશોધન કરીને તમે એનો જવાબ આપશો. બની શકે તો વ્યક્તિને સંશોધન કરતા શીખવી શકો. એટલે યહોવાહે પૂરા પાડેલાં સાહિત્યોમાં કઈ રીતે સંશોધન કરવું એ ધીમે ધીમે શીખવી શકો. આ રીતે તે પોતાના સવાલોના જવાબો શોધતા શીખી શકશે.—પ્રે.કૃ. ૧૭:૧૧.