રવિવારે પ્રચાર કરવાનો આનંદ માણો
૧. ફિલિપીમાં પાઊલ અને તેમના સાથીદારોએ જે કર્યું એમાંથી શું શીખી શકીએ?
૧ પાઊલ અને તેમના સાથીદારો પ્રચારની એક મુસાફરીમાં ફિલિપી શહેરમાં ગયા હતા. ત્યાંના મોટા ભાગના યહુદીઓ વિશ્રામવારના દિવસે આરામ કરતા. એ દિવસે પ્રચારમાં જવાને બદલે પાઊલ અને તેમના સાથીદારો પણ આરામ કરી શક્યા હોત. એનાથી કોઈએ વાંધો ન ઉઠાવ્યો હોત. જોકે પાઊલ અને તેમના સાથીદારો જાણતા હતા કે શહેરની બહાર યહુદીઓ પ્રાર્થના કરવા એક જગ્યાએ ભેગા થતા હતા. તેથી તેઓએ પ્રચાર કરવાની તક ઝડપી લીધી. એનું શું પરિણામ આવ્યું? લુદીઆએ તેઓનો સંદેશો ધ્યાનથી સાંભળ્યો. પછી તેણે અને તેના આખા કુટુંબે સત્ય સ્વીકારીને બાપ્તિસ્મા લીધું. એનાથી પાઊલ અને તેમના સાથીદારોને કેટલી ખુશી મળી હશે! (પ્રે. કૃ. ૧૬:૧૩-૧૫) આજે પણ ઘણા લોકો રવિવારે આરામ કરતા હોય છે. ચાલો આપણે પણ રવિવારે પ્રચાર કરવાની તક ઝડપી લઈએ.
૨. રવિવારના પ્રચાર કરી શકીએ માટે ભાઈ-બહેનોએ કેવી મુશ્કેલીનો સામનો કર્યો છે?
૨ રવિવારે પ્રચાર કરવા માટેનો સંઘર્ષ: યહોવાહના ભક્તોને ૧૯૨૭માં ઉત્તેજન મળ્યું કે દર રવિવારે પ્રચારમાં અમુક સમય વિતાવો. તેઓ એમ કરવા માંડ્યા ત્યારે લોકોએ સખત વિરોધ કર્યો. અમેરિકામાં ઘણા ભાઈ-બહેનોની ધરપકડ કરવામાં આવી. તેઓ પર આરોપ મૂકવામાં આવ્યો કે રવિવાર-વિશ્રામવારનો ભંગ કરે છે, શાંતિમાં ખલેલ પહોંચાડે છે અને લાઇસન્સ વગર સાહિત્ય વેચે છે. તોપણ યહોવાહના લોકો હિંમત ન હાર્યા. ૧૯૩૦ના દાયકામાં ગોઠવણ કરવામાં આવી કે થોડા મંડળો ભેગા મળીને વિરોધ થએલા વિસ્તારમાં પ્રચાર કરે. અમુક સમયે જ્યારે પોલીસ તેઓને ગિરફતાર કરવા આવતી, ત્યારે ભાઈ-બહેનોની મોટી સંખ્યા જોઈને કંઈ કરી ન શકતી. એ ભાઈ-બહેનોની મહેનતની કદર કરીને શું આપણે તેઓના જેવો ઉત્સાહ બતાવીએ છીએ?
૩. કેમ રવિવાર પ્રચાર કરવાનો સૌથી સારો દિવસ છે?
૩ પ્રચાર કરવાનો સૌથી સારો દિવસ: રવિવારે રજા હોવાથી મોટા ભાગના લોકો ઘરે નિરાંતનો આનંદ માણતા હોય છે. ચર્ચમાં જતા અમુક લોકો કદાચ રવિવારે ઈશ્વર વિષે વાત કરવાનું વધારે પસંદ કરશે. સભા માટે રવિવારે તૈયાર તો થઈએ જ છીએ. તો પછી, કેમ નહિ કે સભા પછી કે પહેલાં થોડો સમય પ્રચાર કરીએ. જો જરૂર હોય તો સાથે હળવો નાસ્તો પણ લઈ જઈ શકીએ.
૪. રવિવારે પ્રચારમાં અમુક સમય આપીશું તો કેવો આનંદ અનુભવીશું?
૪ આપણે રવિવારે અમુક સમય પ્રચારમાં આપીશું, તોપણ આરામ માટે પૂરતો સમય મળશે. તેમ જ, આરામની સાથે સંતોષ મળશે કે યહોવાહની સેવામાં આપણે અમુક સમય આપ્યો. (નીતિ. ૧૯:૨૩) કોણ જાણે કદાચ આપણને પણ લુદીઆ જેવી વ્યક્તિ પ્રચારમાં મળી જાય!