તમારી પાસે ‘ગર્વ લેવાનું’ કયું કારણ છે?
૧. મહિનાના અંતે ગર્વ કરવાનું કયું કારણ છે?
૧ મહિનાને અંતે આપણને પ્રચારનો રિપોર્ટ આપવાનું જણાવવામાં આવે છે, ત્યારે આપણી પાસે ‘ગર્વ લેવાનું’ કયું કારણ હોય છે? (ગલા. ૬:૪, ઈઝી-ટુ-રીડ) ભલે આપણે સ્પેશિયલ પાયોનિયર હોઈએ અને મહિનાના ૧૩૦ કલાક કરતા હોઈએ કે પછી સંજોગોને લીધે ફક્ત ૧૫ મિનિટ પ્રચાર કરતા હોઈએ. તોય, પૂરા તન-મનથી યહોવાની સેવા કરીએ છીએ, એ માટે આપણે બધાએ ખુશ થવું જોઈએ.—ગીત. ૧૦૦:૨.
૨. આપણે શા માટે યહોવાની ભક્તિમાં બનતું બધું કરવું જોઈએ?
૨ યહોવા આખા વિશ્વના માલિક છે, એટલે આપણે તેમને સૌથી ઉત્તમ આપવું જોઈએ. (માલા. ૧:૬) યહોવા માટે પ્રેમ હોવાથી આપણે પોતાનું જીવન તેમની ઇચ્છા પ્રમાણે જીવવા સમર્પિત કર્યું છે. દરેક દિવસ કે મહિનાને અંતે આપણે જો એવું કહી શકતા હોઈએ કે મેં ઈશ્વરને પોતાના સમય-શક્તિ અને આવડતનું “પ્રથમ ફળ” આપ્યું છે, તો ચોક્કસ એમાં ગર્વ લેવો જોઈએ. (નીતિ. ૩:૯) પણ જો આપણું મન ડંખે, તો વિચારવું જોઈએ કે ક્યાં સુધારો કરવાની જરૂર છે.—રોમ. ૨:૧૫.
૩. બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી એ કેમ વાજબી નહિ કહેવાય?
૩ ‘બીજાઓ સાથે સરખામણી ન કરીએ’: પોતાને બીજાઓ સાથે સરખાવવા ન જોઈએ અથવા પહેલાંના સારાં સમય-સંજોગો સાથે હાલના સમયને સરખાવવા ન જોઈએ. આમ કરવું વાજબી નહિ કહેવાય. સમય-સંજોગો બદલાયા કરે છે અને બધાની આવડતો પણ એકસરખી નથી હોતી. સરખામણી કરવાથી હંમેશાં હરીફાઈનું વલણ અથવા નકામાપણાની લાગણી આવી જાય છે. (ગલા. ૫:૨૬; ૬:૪) ઈસુ કદી કોઈની સરખામણી કરતા નહિ. એને બદલે, વ્યક્તિ જે કંઈ કરતી એની તે કદર કરતા.—માર્ક ૧૪:૬-૯.
૪. ઈસુના તાલંતના દાખલામાંથી આપણે શું શીખી શકીએ છીએ?
૪ ઈસુએ તાલંતનો દાખલો આપ્યો હતો. એમાં દરેક નોકરને “પોતપોતાની શક્તિ પ્રમાણે” તાલંત મળ્યા હતા. (માથ. ૨૫:૧૫) પછી માલિકે પાછા આવીને નોકર પાસેથી તેઓના કામનો અહેવાલ માંગ્યો. જે નોકરોએ પોતાની ક્ષમતા અને સંજોગો પ્રમાણે મન લગાવીને કામ કર્યું હતું, તેઓને શાબાશી મળી. તેમ જ, તેઓને માલિકના આનંદમાં સામેલ થવાનો મોકો પણ મળ્યો. (માથ. ૨૫:૨૧, ૨૩) એવી જ રીતે, આપણે પણ પ્રચાર કામમાં મંડ્યા રહીશું તો, ચોક્કસ ઈશ્વર આપણાથી ખુશ થશે. અરે આપણી પાસે ગર્વ કરવાનું યોગ્ય કારણ હશે!