બાઇબલ અભ્યાસ મેળવવાની પાંચ રીત
૧. બાઇબલ અભ્યાસ મેળવવો અઘરો લાગે તો, શું કરવું જોઈએ અને શા માટે?
૧ શું તમને બાઇબલ અભ્યાસ મેળવવો અઘરો લાગે છે? જો એમ હોય, તો પ્રયત્ન કરવાનું છોડશો નહિ. જેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે કરવામાં હિંમત નથી હારતા તેઓને તે આશીર્વાદ આપે છે. (ગલા. ૬:૯) નીચે આપેલી પાંચ રીતો તમને બાઇબલ અભ્યાસ મેળવવા મદદ કરશે.
૨. બાઇબલ અભ્યાસ મેળવવા ક્યારે સીધેસીધું પૂછી શકીએ?
૨ સીધેસીધું પૂછો: ઘણા લોકોને ખબર છે કે આપણે ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન આપીએ છીએ. પણ બાઇબલ અભ્યાસ કરાવીએ છીએ એ કદાચ તેઓ જાણતા નથી. તેથી, ઘરઘરના પ્રચારમાં બાઇબલ અભ્યાસ માટે સીધેસીધું પૂછી શકો. રસ ધરાવતી વ્યક્તિની ફરીમુલાકાત કરતી વખતે પણ તેને બાઇબલ અભ્યાસ માટે પૂછી શકો. જો તેઓ ના પાડે તોય સાહિત્ય આપવાનું ચાલું રાખો અને તેમનો રસ કેળવો. એક ભાઈ વર્ષોથી એક યુગલને નિયમિત રીતે મૅગેઝિન આપતા હતા. એક દિવસે તે નવું મૅગેઝિન આપીને પાછા ફરતા હતા ત્યારે, તેમને વિચાર આવ્યો. તેમણે યુગલને પૂછ્યું: “શું તમને બાઇબલ અભ્યાસ કરવો ગમશે?” એ યુગલે તરત જ ‘હા’ પાડી. હવે તેઓ બાપ્તિસ્મા પામેલા પ્રકાશક છે.
૩. સભામાં આવનાર રસ ધરાવતી વ્યક્તિઓનો અભ્યાસ ચાલતો જ હશે એવું કેમ ન માની લેવું જોઈએ? સમજાવો!
૩ સભામાં આવનારા: સભામાં આવનાર રસ ધરાવતી વ્યક્તિઓનો અભ્યાસ ચાલતો જ હશે એવું ન માની લેવું જોઈએ. એક ભાઈ જણાવે છે: ‘મારા અડધા કરતાં વધારે અભ્યાસો, સભામાં આવતા લોકોને પૂછવાથી શરૂ થયા છે.’ બે સાક્ષી બહેનોની માતા સત્યમાં ન હતાં. તે ઘણા શરમાળ હતાં અને સભા શરૂ થાય ત્યારે જ આવે અને પૂરી થતા જ નીકળી જતાં. આવું તે ૧૫ વર્ષથી કરી રહ્યાં હતાં. એક દિવસે મંડળના એક સાક્ષી બહેને તેમને બાઇબલ અભ્યાસ માટે પૂછ્યું. તે તૈયાર થઈ ગયાં અને સમય જતા તેમણે સત્ય સ્વીકાર્યું. અભ્યાસ ચલાવનાર બહેન કહે છે: ‘કાશ, મેં તેમને બાઇબલ અભ્યાસ માટે ૧૫ વર્ષ પહેલાં પૂછ્યું હોત!’
૪. ઓળખાણથી કઈ રીતે બાઇબલ અભ્યાસ મેળવી શકાય?
૪ ઓળખાણ: એક બહેન બીજા ભાઈબહેનો સાથે તેઓના બાઇબલ અભ્યાસમાં જાય છે. અભ્યાસ પૂરો થયા પછી, ભાઈ કે બહેનની પરવાનગી લઈને તે વિદ્યાર્થીને પૂછે છે કે ‘તમારા કોઈ ઓળખીતાને અભ્યાસ કરવો ગમશે?’ આપણે પણ બાઇબલ શીખવે છે પુસ્તક આપતી વખતે પૂછી શકીએ કે, ‘તમે કોઈને જાણો છો જેને આ પુસ્તક વાંચવું ગમશે?’ ઘણા સમયે પ્રકાશકો અને પાયોનિયરો પ્રચારમાં મળેલી રસ ધરાવતી વ્યક્તિ સાથે સંજોગોને લીધે અભ્યાસ કરી શકતા નથી. એટલે તમે અભ્યાસ ચલાવવા ઇચ્છો છો એવું ભાઈબહેનોને જણાવો.
૫. સત્યમાં ન હોય એવા લગ્નસાથીને બાઇબલ અભ્યાસ વિશે આપણે કેમ પૂછવું જોઈએ?
૫ સત્યમાં ન હોય એવા લગ્નસાથી: શું તમારા મંડળમાં એવા પ્રકાશકો છે જેમના લગ્નસાથી સત્યમાં નથી? અમુક વખતે જેઓ સત્યમાં નથી તેઓ પોતાના સાથી જોડે બાઇબલ વિશે ચર્ચા કરવાનું ટાળે છે. પણ કુટુંબના સભ્ય સિવાય જો બીજું કોઈ તેમને બાઇબલ અભ્યાસ માટે પૂછે, તો તે કદાચ સ્વીકારે. જોકે સારું રહેશે કે બાઇબલ અભ્યાસ વિશે પૂછતાં પહેલાં તેમના સાથી જે સત્યમાં છે તેમની સાથે વાત કરીએ.
૬. બાઇબલ અભ્યાસ મળે એ માટે પ્રાર્થના કરવી કેટલી જરૂરી છે?
૬ પ્રાર્થના: પ્રાર્થનાની તાકાતને ઓછી આંકશો નહિ. (યાકૂ. ૫:૧૬) યહોવા આપણને વચન આપે છે કે તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માંગીશું તો તે ચોક્કસ આપશે. (૧ યોહા. ૫:૧૪) એક ભાઈ કામકાજમાં ખૂબ વ્યસ્ત રહેતા. તોપણ તેમણે બાઇબલ અભ્યાસ મળે એવી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તેમની પત્નીને ચિંતા હતી કે ‘શું મારા પતિ સારી રીતે અભ્યાસ ચલાવી શકશે? ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીને ઘણી મુશ્કેલીઓ હોય?’ પત્નીએ પણ પ્રાર્થનામાં એ ચિંતાઓ જણાવી. બે અઠવાડિયા પછી તેઓની પ્રાર્થનાઓનો જવાબ મળ્યો. મંડળના એક પાયોનિયર બહેનને એક માણસ મળ્યો, જેને બાઇબલ અભ્યાસ કરવો હતો. પાયોનિયર બહેને એ અભ્યાસ ચલાવવાનું આ ભાઈને કહ્યું. તેમની પત્ની લખે છે: ‘બાઇબલ અભ્યાસ ચલાવવા સમય કાઢવો મુશ્કેલ લાગે તો, એ માટે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. ધાર્યા કરતાં અમને વધારે ખુશી મળી.’ પ્રાર્થનામાં લાગુ રહેવાથી તમને પણ બાઇબલ અભ્યાસ મળશે. બીજાઓને ‘જીવનના માર્ગ’ પર દોરી લાવવાનો તમે પણ આનંદ અનુભવશો.—માથ. ૭:૧૩, ૧૪.