શું તમે કોઈને મદદ કરી શકો, ભલે પછી એ કોઈ પણ ઉંમર, દેશ કે મઝહબનો હોય?
લોકોને મદદ કરવાથી તમને બરકત મળશે
દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓને એક ટંક ખાવા નથી મળતું. અમુકને રહેવા માટે ઘર પણ નથી. અમુક લોકોને તો આશાની કોઈ જ ઉમીદ નથી. જો આપણે એવા લોકોને મદદ કરીશું તો ખુદા આપણને બરકત આપશે.
ખુદાની કિતાબ શું જણાવે છે?
‘ગરીબ પર રહેમ કરનાર યહોવા ખુદાને ઉછીનું આપે છે, યહોવા ખુદા તેના સારાં કામોનો બદલો આપશે.’ —નીતિવચનો ૧૯:૧૭.
આપણે કેવી રીતે બીજાઓને મદદ કરી શકીએ?
ઈસુએ એક ઇન્સાનની કહાની કહી. એ ઇન્સાનને લૂંટારાઓએ લૂંટી લીધો હતો. તેને મારીને બેહાલ છોડી દીધો હતો. (લુક ૧૦:૨૯-૩૭) એક મુસાફર ત્યાંથી પસાર થતો હતો. તેની નજર એ ઘાયલ ઇન્સાન પર પડી. તે તેની પાસે ગયો અને મલમપટ્ટી કરી. નવાઈની વાત તો એ કે મુસાફર બીજી કોમનો હતો.
તે એટલું કરીને જતો ન રહ્યો. તેણે ઘાયલ ઇન્સાનના ઇલાજ માટે પૈસા પણ આપ્યા. તેની દેખભાળ માટે ઈન્તેજામ કર્યો અને તેને તસલ્લી આપી.
એ કહાનીમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે બીજાઓને મદદ કરવા બનતું બધું કરીએ. (નીતિવચનો ૧૪:૩૧) ખુદાએ પોતાની કિતાબમાં જણાવ્યું છે કે તે બહુ જલદી ગરીબી અને મુસીબતો દૂર કરી દેશે. પણ એવું તે ક્યારે અને કેવી રીતે કરશે? હવે પછીના લેખમાં જોઈશું કે રબ કઈ રીતે સુખ-ચેનની જિંદગી આપશે.