વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr24 મે પાન ૧-૧૪
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૪
  • મથાળાં
  • મે ૬-૧૨
  • મે ૧૩-૧૯
  • મે ૨૦-૨૬
  • મે ૨૭–જૂન ૨
  • જૂન ૩-૯
  • જૂન ૧૦-૧૬
  • જૂન ૧૭-૨૩
  • જૂન ૨૪-૩૦
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૪
mwbr24 મે પાન ૧-૧૪

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania

મે ૬-૧૨

બાઇબલમાં રહેલો ખજાનો ગીતશાસ્ત્ર ૩૬-૩૭

“દુષ્ટ માણસોને લીધે ગુસ્સાથી તપી ન જા”

w૧૭.૦૪ ૧૦ ¶૪

ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે શું જતું રહેશે?

૪ દુષ્ટ લોકોની આપણા પર કેવી અસર થાય છે? પ્રેરિત પાઊલે કહ્યું હતું કે, “છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે.” પછી તેમણે કહ્યું: “દુષ્ટ માણસો અને ધુતારાઓ બીજાઓને છેતરીને અને પોતે પણ છેતરાઈને વધારે ને વધારે ખરાબ થતા જશે.” (૨ તિમો. ૩:૧-૫, ૧૩) આપણાં અનેક ભાઈ-બહેનોએ દુષ્ટ લોકો તરફથી ઘણા જુલમ સહ્યા છે. તેઓ ગુંડાગર્દી, જાતિવાદ અને રીઢા ગુનેગારોનો શિકાર બન્યા છે. એ દુષ્ટ લોકો ખુલ્લેઆમ ગુના કરે છે, તેઓને કોઈનો ડર નથી. બીજા અમુક સારા હોવાનો દેખાડો કરે છે, પણ અસલમાં તો તેઓ વરૂઓ જેવા છે. ભલે આપણે સીધેસીધા એ દુષ્ટોના પંજામાં આવ્યા ન હોઈએ, પણ બાળકો, વૃદ્ધો અને લાચાર લોકો જોડે થતી ક્રૂરતા આપણને પણ અસર કરે છે. એવા ક્રૂર બનાવો વિશે સાંભળીને કે જોઈને આપણા રૂંવાડાં ઊભા થઈ જાય છે. એ દુષ્ટ લોકો જંગલી જાનવર જેવા છે અને વિકૃત માનસ ધરાવે છે. (યાકૂ. ૩:૧૫) પણ બાઇબલ આપણને એક સુંદર આશા આપે છે!

w૨૨.૦૬ ૧૦ ¶૧૦

માફ કરો અને યહોવાના આશીર્વાદ મેળવો

૧૦ મનમાં કડવાશ ભરી રાખીશું તો પોતાને જ નુકસાન થશે. મનમાં કડવાશ કે ગુસ્સો ભરી રાખવો તો ભારે બોજ ઉઠાવીને ચાલવા જેવું છે. યહોવા ચાહે છે કે આપણે એ બોજ ઉતારી દઈએ. (એફેસીઓ ૪:૩૧, ૩૨ વાંચો.) તે અરજ કરે છે, “ગુસ્સો પડતો મૂક અને ક્રોધ છોડી દે.” (ગીત. ૩૭:૮) એ સલાહથી આપણને જ ફાયદો થાય છે. મનમાં કડવાશ ભરી રાખીશું તો આપણને નુકસાન થશે. આપણી તબિયત બગડશે. (નીતિ. ૧૪:૩૦) એ તો જાણે ઝેર પીવા બરાબર છે. એનાથી સામેવાળાને નહિ, આપણને જ નુકસાન થશે. પણ જો બીજાઓને માફ કરીશું તો આપણું ભલું થશે. (નીતિ. ૧૧:૧૭) આપણને મનની શાંતિ મળશે અને તબિયત સારી રહેશે. આપણે ખુશ રહી શકીશું અને યહોવાની સારી રીતે ભક્તિ કરી શકીશું.

w૦૩ ૧૨/૧ ૧૪ ¶૨૦

‘યહોવાહમાં આનંદ કરો’

૨૦ પછી, “નમ્ર લોકો દેશનું વતન પામશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧ક) પરંતુ, આ “નમ્ર લોકો” કોણ છે? એવા લોકો જેઓ પોતાના પર આવી પડેલી વિપત્તિનો સામનો કરવા યહોવાહની નમ્રતાથી રાહ જુએ છે. સાચે જ, “પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧ખ) અરે, હમણાં પણ આપણને મંડળમાં સુખ-શાંતિ મળે છે. કેમ કે આપણે યહોવાહને ખુશ કરે એવી ભક્તિ કરીએ છીએ.

કીમતી રત્નો

it-૨-E ૪૪૫

પહાડ, પર્વત

હંમેશાં અડગ રહે એવું કે ઊંચું. પહાડ હંમેશાં પોતાની જગ્યાએ અડગ રહે છે. એને કદી હલાવી શકાતો નથી. (યશા ૫૪:૧૦; હબા ૩:૬; ગી ૪૬:૨ સરખાવો.) એટલે, જ્યારે ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું કે યહોવાનો ન્યાય “ઈશ્વરના પર્વતો” જેવો છે, ત્યારે કદાચ તેમના કહેવાનો અર્થ હતો કે ઈશ્વરનાં ધોરણો કદી બદલાતા નથી. (ગી ૩૬:૬, ફૂટનોટ) અથવા કદાચ એનો અર્થ થાય કે ઈશ્વરનાં ધોરણો માણસોનાં ધોરણો કરતાં અનેક ગણાં ઊંચાં છે. (યશા ૫૫:૮, ૯ સરખાવો.) પ્રકટીકરણ ૧૬:૨૦થી જાણવા મળે છે કે જ્યારે ઈશ્વરના કોપનો સાતમો વાટકો રેડવામાં આવશે, ત્યારે દુનિયામાં જે કંઈ ઊંચા ઊંચા પહાડો જેવું છે એ પણ નહીં ટકે.—યર્મિ ૪:૨૩-૨૬ સરખાવો.

મે ૧૩-૧૯

બાઇબલમાં રહેલો ખજાનો ગીતશાસ્ત્ર ૩૮-૩૯

પોતાને વધારે પડતો દોષ ન આપો, એ બોજો ફેંકી દો

w૨૦.૧૧ ૨૭ ¶૧૨-૧૩

ભાવિ પર નજર રાખો

૧૨ ૧ યોહાન ૩:૧૯, ૨૦ વાંચો. આપણને બધાને અમુક વાર દોષની લાગણી થાય છે. ઘણાને સત્ય શીખતા પહેલાં જે ભૂલો કરી હતી એ માટે દોષની લાગણી થાય છે. બીજા કેટલાકને બાપ્તિસ્મા પછી જે ભૂલો કરી હતી એ માટે દોષની લાગણી થાય છે. (રોમ. ૩:૨૩) આપણે જે ખરું છે એ કરવા ચાહીએ છીએ, પણ “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.” (યાકૂ. ૩:૨; રોમ. ૭:૨૧-૨૩) ભલે દોષની લાગણીથી આપણું દિલ દુભાય, પણ એનાથી અમુક ફાયદા થાય છે. એના લીધે આપણે પોતાની ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલું જ નહિ, આપણે એવી ભૂલો ફરી ન કરવાનું મનમાં નક્કી કરીએ છીએ.—હિબ્રૂ. ૧૨:૧૨, ૧૩.

૧૩ અમુક વાર ભૂલો માટે આપણને વધુ પડતી દોષની લાગણી થાય છે. આપણે પસ્તાવો કર્યો હોય અને યહોવાએ માફ કરી દીધા હોય, તો પણ એ લાગણી આપણા મનમાંથી જતી નથી. વધુ પડતી દોષની લાગણીથી આપણને નુકસાન થાય છે. (ગીત. ૩૧:૧૦; ૩૮:૩, ૪) કઈ રીતે? એ સમજવા ચાલો એક બહેનનો દાખલો જોઈએ. સત્ય શીખ્યાં એ પહેલાં તેમણે પાપ કર્યાં હતાં. તે કહે છે: ‘મને થતું કે મારા જેવા લોકો યહોવાની સેવામાં જે કરે છે એ નકામું છે. મેં એવાં કામ કર્યાં છે કે મારો કદી બચાવ થશે નહિ.’ આપણામાંથી ઘણાને એવું લાગતું હશે. પણ વધુ પડતી દોષની લાગણી ન થાય એનું આપણે ધ્યાન રાખીએ. યહોવાએ માફી આપી હોય, તોપણ એવું વિચારીએ કે આપણે નકામા છીએ અને તેમની ભક્તિ છોડી દઈએ તો શેતાન કેટલો ખુશ થશે!—૨ કોરીંથીઓ ૨:૫-૭, ૧૧ સરખાવો.

w૦૨ ૧૧/૧૫ ૨૦ ¶૧-૨

તમે કોના માટે જીવો છો?

આપણું જીવન ફૂલ જેવું છે. એ થોડા દિવસો ખીલે છે, અને પછી કરમાઈ જાય છે. તેથી, રાજા દાઊદે પ્રાર્થનામાં પોકાર્યું: “હે યહોવાહ, મારો અંત ક્યારે છે, તથા મારા આયુષ્યનું માપ કેટલું છે, તે મને જણાવ; હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવ. તેં મારા દિવસ મૂઠીભર કર્યા છે; મારૂં આયુષ્ય તારી આગળ શૂન્ય જેવું છે.” હા, દાઊદને ચિંતા હતી કે યહોવાહને ખુશ કરે એવું જીવન તે કઈ રીતે જીવશે. પરંતુ, ખોટી ચિંતા કરવાને બદલે તે યહોવાહ પર ભરોસો મૂકતા કહે છે: “હવે, પ્રભુ, . . . મારી આશા તારા પર છે.” (ગીતશાસ્ત્ર ૩૯:૪, ૫, ૭) તો શું યહોવાહે દાઊદનો પોકાર સાંભળ્યો? હા, તેમણે દાઊદના જીવનનો જમા-ઉધારનો હિસાબ લઈને સારો બદલો આપ્યો.

સમય એક નદી છે. એમાં એક પાંદડું આમ તેમ વહી જાય છે, એની કોઈને ખબર પડતી નથી. તેમ જ, સમયની નદીમાં આપણું જીવન વહી જાય છે, એની કોને ખબર પડે છે? તમે ઘણી વાર કહ્યું હશે કે “મારે ઘણું કરવું છે, પણ ટાઈમ ક્યાં છે!” વળી, શું આપણે દાઊદની જેમ ચિંતા કરીએ છીએ, જે યહોવાહને જીવનભર ખુશ કરવા માંગતા હતા. શા માટે? એનું કારણ એ કે યહોવાહ આપણા જીવનનો પણ હિસાબ માંગશે. લગભગ ૩,૬૦૦ વર્ષ પહેલાં, યહોવાહના ભક્ત અયૂબ એમ જ માનતા હતા. તેમને ખબર હતી કે યહોવાહ તેમનું દિલ જોઈ શકે છે. એ માટે અયૂબે પૂછ્યું: “તે મારી પાસે જવાબ માગે ત્યારે હું તેને શો ઉત્તર આપું?” (અયૂબ ૩૧:૪-૬, ૧૪) તમે કેવો જવાબ આપશો? એના માટે આપણે આવા પ્રશ્નો પર વિચાર કરીએ: શું મારું જીવન યહોવાહને ખુશ કરે છે? મારા જીવનમાં યહોવાહની ભક્તિ ક્યાં છે? વળી, શું મારા જીવનની એક-એક પળ હું સમજી વિચારીને વાપરું છું?

w૨૧.૧૦ ૧૫ ¶૪

યહોવા સાથે ફરી સંબંધ કેળવો

યહોવા સાથે વાત કરતા રહો. આપણા પિતા યહોવા સારી રીતે જાણે છે કે દોષની લાગણી દૂર કરવી સહેલું નથી. એટલે પ્રાર્થના કરવી અઘરું લાગી શકે. (રોમ. ૮:૨૬) પણ તમે “પ્રાર્થનામાં લાગુ રહો.” યહોવાને જણાવો કે તમે ફરી તેમના દોસ્ત બનવા માંગો છો. (રોમ. ૧૨:૧૨) આન્દ્રેભાઈએ એવું જ કર્યું. તેમને ઘણો ફાયદો થયો. તે જણાવે છે: “હું પોતાને ઘણો જ દોષ આપતો અને શરમ અનુભવતો. પણ પ્રાર્થના પછી તરત મારું મન શાંત થઈ જતું.” જો તમને ન સમજાય કે પ્રાર્થનામાં શું કહેવું જોઈએ તો દાઉદ રાજાની પ્રાર્થનાનો વિચાર કરી શકો. તેમણે પસ્તાવો કર્યા પછી એ પ્રાર્થનાઓ લખી હતી. એ પ્રાર્થનાઓ ગીતશાસ્ત્રના અધ્યાય ૫૧ અને ૬૫માં નોંધેલી છે.

કીમતી રત્નો

w૨૨.૦૯ ૧૨ ¶૧૬

શું ભાઈ-બહેનો તમારા પર ભરોસો કરી શકે છે?

૧૬ પોતાના પર કાબૂ રાખીએ. ભરોસાપાત્ર બનવા પોતાના પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. એમ કરવાથી આપણે ખાનગી વાત પોતાના પૂરતી જ રાખીશું. ભલે એ વાત જણાવવાનું કેટલું પણ મન થાય, આપણે એ નહિ જણાવીએ. (નીતિવચનો ૧૦:૧૯ વાંચો.) સોશિયલ મીડિયા વાપરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીએ. જો ધ્યાન નહિ રાખીએ તો અજાણતાં એવી કોઈ માહિતી જણાવી દઈશું જે આપણે ખાનગી રાખવાની હતી. એક વખત ઇન્ટરનેટ પર કોઈ માહિતી પહોંચી ગઈ, પછી એના પર આપણો કોઈ કાબૂ રહેતો નથી. એ માહિતી કેટલા લોકો જોશે, એનો કેવો ઉપયોગ થશે અને એનાથી કેવી કેવી મુશ્કેલીઓ ઊભી થશે, એ વિશે પણ આપણે કંઈ કરી શકતા નથી. બની શકે, આપણા કામનો વિરોધ કરતા લોકો ચાલાકીથી આપણાં ભાઈ-બહેનો વિશે અમુક માહિતી કઢાવવાની કોશિશ કરે. એ સમયે પણ આપણે પોતાના પર કાબૂ રાખવો જોઈએ અને ચૂપ રહેવું જોઈએ. આપણે કદાચ એવા દેશમાં રહેતા હોઈએ જ્યાં આપણા કામ પર પ્રતિબંધ હોય અથવા અમુક નિયંત્રણ હોય. અમુક પોલીસવાળા આપણી પૂછપરછ કરી શકે. એ સમયે આપણે પોતાના “મોં પર લગામ” રાખીએ. આપણે તેઓને એવી કોઈ માહિતી નહિ આપીએ જેનાથી ભાઈ-બહેનો ખતરામાં આવી પડે. (ગીત. ૩૯:૧) આપણે બધા ચાહીએ છીએ કે કુટુંબ, દોસ્તો, ભાઈ-બહેનો અને બીજા લોકો આપણા પર ભરોસો કરે. તેઓનો ભરોસો જીતવા આપણે પોતાના પર કાબૂ રાખીએ.

મે ૨૦-૨૬

બાઇબલમાં રહેલો ખજાનો ગીતશાસ્ત્ર ૪૦-૪૧

આપણે કેમ બીજાઓને મદદ કરવી જોઈએ?

w૧૮.૦૮ ૨૨ ¶૧૬-૧૮

ઉદારતાથી આપનાર લોકો સુખી છે

૧૬ દિલથી ઉદારતા બતાવનાર લોકો એવી આશા રાખતા નથી કે બદલામાં તેઓને કંઈ પાછું મળશે. ઈસુએ કહ્યું, “જ્યારે તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલાં-લંગડાં અને આંધળાઓને આમંત્રણ આપ; અને તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા તેઓ પાસે કંઈ નથી.” (લુક ૧૪:૧૩, ૧૪) બાઇબલ જણાવે છે: “ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે.” બાઇબલમાં એમ પણ લખ્યું છે કે, “જે દરિદ્રીની ચિંતા કરે છે તેને ધન્ય છે.” (નીતિ. ૨૨:૯; ગીત. ૪૧:૧) બીજાઓને મદદ કરીશું તો આપણને સાચી ખુશી મળશે.

૧૭ પાઊલે ઈસુના આ શબ્દો ટાંક્યા હતા કે, “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” એ સમયે પાઊલ ફક્ત ચીજવસ્તુઓ આપવા વિશે જ જણાવતા ન હતા. આપણે લોકોને ઉત્તેજન, બાઇબલમાંથી સલાહ અને વ્યવહારું મદદ પણ આપી શકીએ છીએ. (પ્રે.કા. ૨૦:૩૧-૩૫) પાઊલે જે કહ્યું અને કર્યું એમાંથી શીખવા મળે છે કે, બીજાઓને ઉદારતાથી આપણાં સમય-શક્તિ, ધ્યાન અને પ્રેમ આપવાં કેટલું મહત્ત્વનું છે!

૧૮ માનવ સ્વભાવ પર સંશોધન કરનારાઓને જાણવા મળ્યું કે, બીજાઓને આપવાથી ખુશી મળે છે. એક લેખમાં જણાવ્યા પ્રમાણે, લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ બીજાઓ માટે સારાં કામો કરે છે, ત્યારે તેઓને ઘણી ખુશી થાય છે. સંશોધકોનું કહેવું છે કે બીજાઓને મદદ કરીએ છીએ ત્યારે, જીવનને એક હેતુ મળે છે. એટલે અમુક નિષ્ણાતો સલાહ આપે છે કે તંદુરસ્ત અને ખુશ રહેવા લોકોએ સમાજ સેવા કરવી જોઈએ. જોકે, તેઓએ જે શોધી કાઢ્યું છે, એ જાણીને આપણને નવાઈ લાગતી નથી. કારણ કે, આપણા પ્રેમાળ સર્જનહાર યહોવાએ તો પહેલેથી કહ્યું છે કે બીજાઓને આપવાથી ખુશી મળે છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭.

w૧૫ ૧૨/૧૫ ૨૪ ¶૭

બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે

૭ પરંતુ, જો તમે બીમાર હો તો યાદ રાખો કે અગાઉના ભક્તોની જેમ યહોવા તમને પણ રાહત અને સહાય આપશે. રાજા દાઊદે લખ્યું: ‘જે ગરીબોની ચિંતા કરે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે. યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે.’ (ગીત. ૪૧:૧, ૨) જોકે, દાઊદનો કહેવાનો અર્થ એવો ન હતો કે ગરીબોને મદદ કરનારા એ સમયના ભલા લોકો ક્યારેય મરશે નહિ. તો પછી, યહોવા કઈ રીતે એવા ભલા લોકોને મદદ કરે છે? દાઊદ સમજાવે છે કે ‘બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે. તેની માંદગીમાં આખી પથારી યહોવા, તમે બિછાવો છો.’ (ગીત. ૪૧:૩) યહોવાને બરાબર ખબર છે કે તેમના સેવકો કેવાં દુઃખોથી પીડાઈ રહ્યા છે. યહોવા તેઓને ભૂલતા નથી. યહોવા તેઓને હિંમત અને સમજદારી આપે છે. એટલું જ નહિ, તેમણે આપણા શરીરમાં એવી ક્ષમતા મૂકી છે કે એ આપોઆપ પોતાને સાજું કરી શકે.

w૧૭.૦૯ ૧૨ ¶૧૭

યહોવાની જેમ કરુણા બતાવો

૧૭ ખરું કે, કરુણા બતાવવાથી આપણને ફાયદો થાય છે. પરંતુ, કરુણા બતાવવાનું મુખ્ય કારણ છે, આપણે યહોવાને અનુસરવા ચાહીએ છીએ અને તેમને મહિમા આપવા માંગીએ છીએ. તે પ્રેમ અને કરુણાનાં ઉદ્‍ભવ છે. (નીતિ. ૧૪:૩૧) તેમણે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. તેથી, ઈશ્વર જેવી કરુણા બતાવવા બનતી મહેનત કરીએ. એનાથી આપણે ભાઈ-બહેનોની નજીક જઈ શકીશું અને બીજાઓ સાથે આપણા સંબંધો સારા બનશે.—ગલા. ૬:૧૦; ૧ યોહા. ૪:૧૬.

કીમતી રત્નો

it-૨-E ૧૬

યહોવા

બાઇબલનો મુખ્ય સંદેશો છે કે આખા વિશ્વ પર રાજ કરવાની યહોવાની રીત જ સાચી છે. એનાથી યહોવાનો મુખ્ય હેતુ સાફ જોવા મળે છે. એ છે, તેમનું નામ પવિત્ર મનાય. એ હેતુ પૂરો થાય માટે જરૂરી છે કે યહોવાના નામ પર લાગેલું એકેએક કલંક દૂર થાય. એના કરતાં પણ વધારે જરૂરી છે કે બધા જ સ્વર્ગદૂતો અને માણસો યહોવાને માન આપે અને તેમને વિશ્વના માલિક માને. યહોવા માટે પ્રેમ હોવાને લીધે તેઓ રાજીખુશીથી તેમની સેવા કરે અને તેમની ઇચ્છા પૂરી કરવાનો આનંદ માણે. એ જ વાત દાઉદે ગીતશાસ્ત્ર ૪૦:૫-૧૦માં પોતાની પ્રાર્થનામાં સુંદર રીતે જણાવી છે. એમાં તેમણે એ પણ જણાવ્યું છે કે આપણે કઈ રીતે યહોવાના નામને પવિત્ર મનાવી શકીએ. (ધ્યાન આપો કે ગીતશાસ્ત્રના આ અધ્યાયમાં લખેલી અમુક વાતો કઈ રીતે હિબ્રૂઓ ૧૦:૫-૧૦ પ્રમાણે ખ્રિસ્ત ઈસુમાં પૂરી થઈ.)

મે ૨૭–જૂન ૨

બાઇબલમાં રહેલો ખજાનો ગીતશાસ્ત્ર ૪૨-૪૪

યહોવા તરફથી મળતું માર્ગદર્શન પાળો

w૦૬ ૬/૧ ૭ ¶૪

ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૨

૪૨:૪, ૫, ૧૧; ૪૩:૩-૫. કોઈ અણધાર્યા સંજોગોને લીધે આપણે થોડો સમય મિટિંગમાં જઈ ન શકીએ તો, ભાઈ-બહેનો સાથેના સંગતની મીઠી યાદો આપણને ટકાવી રાખશે. મિટિંગમાં જઈ શકતા ન હોવાથી શરૂઆતમાં આપણને ખૂબ જ દુઃખ લાગશે. સૂનું સૂનું લાગશે. એ આપણને યાદ દેવડાવશે કે ઈશ્વરમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. તે બધું સુધારે ત્યાં સુધી તેમની રાહ જોવી જોઈએ.

w૧૨-E ૧/૧૫ ૧૫ ¶૨

બાઇબલ વાંચનને વધારે અસરકારક અને મજેદાર બનાવો

૧ પ્રાર્થના કરો: પહેલું પગલું છે, પ્રાર્થના કરીએ. (ગીત. ૪૨:૮) શા માટે? કેમ કે બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો, એ આપણી ભક્તિનો ભાગ છે. એટલે યહોવાને વિનંતી કરવી જોઈએ કે અભ્યાસ કરવા માટે તે આપણું મન તૈયાર કરે અને તેમની પવિત્ર શક્તિ આપે. (લૂક ૧૧:૧૩) બાર્બરાબહેન ઘણા સમયથી મિશનરી સેવા કરે છે. તે જણાવે છે: “બાઇબલ વાંચતા પહેલાં કે એનો અભ્યાસ કરતા પહેલાં હું હંમેશાં પ્રાર્થના કરું છું. પછી મને અહેસાસ થાય છે કે યહોવા મારી સાથે છે અને હું જે કરું છું, એનાથી તે ખુશ છે.” જો બાઇબલનો અભ્યાસ કરતા પહેલાં પ્રાર્થના કરીશું, તો યહોવા આપણને જે શીખવવા માંગે છે એનો પૂરેપૂરો ફાયદો મેળવવા આપણું મન અને હૃદય તૈયાર કરી શકીશું.

w૧૬.૦૯ ૫ ¶૧૧-૧૨

‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ’

૧૧ આપણને બળવાન કરવા યહોવા મંડળની સભાઓ, સંમેલનો અને બીજી શાળાઓ દ્વારા મદદરૂપ સૂચનો આપે છે. એ સૂચનો આપણને સારા ઇરાદાથી યહોવાની સેવા કરવા, યોગ્ય ધ્યેયો રાખવા અને મંડળની જવાબદારીઓ નિભાવવા મદદ કરે છે. (ગીત. ૧૧૯:૩૨) યહોવાનાં એ સૂચનોથી બળવાન થવા શું તમે આતુર છો?

૧૨ અમાલેકીઓ અને ઇથિયોપિયાના સૈન્યને હરાવવા યહોવાએ ઇઝરાયેલીઓને મદદ કરી. યરૂશાલેમની દીવાલનું બાંધકામ પૂરું કરવા તેમણે નહેમ્યા અને બીજા યહુદીઓને બળવાન કર્યા. એવી જ રીતે, પ્રચારમાં લાગુ રહેવા યહોવા આપણને બળવાન કરે છે. એટલે, વ્યક્તિગત ચિંતાઓ, વિરોધ અને લોકો ખુશખબરમાં રસ ન બતાવે છતાં આપણે એ કામમાં લાગુ રહી શકીએ છીએ. (૧ પીત. ૫:૧૦) આપણી મુશ્કેલીઓને દૂર કરવા યહોવા કોઈ ચમત્કાર નહિ કરે. આપણે પોતે મહેનત કરવાની છે. કઈ રીતે? આપણે દરરોજ બાઇબલ વાંચવાનું છે; સભાઓ માટે સારી તૈયારી કરવાની છે; કોઈ પણ સભા ચૂકવાની નથી; નિયમિત રીતે વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિ કરવાની છે; તેમજ યહોવા પર આધાર રાખવા પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે. આપણને બળવાન કરવા અને ઉત્તેજન આપવા યહોવાએ ઘણી ગોઠવણ કરી છે. એ પરથી આપણું ધ્યાન ક્યારેય ફંટાવા ન દઈએ. જો આપણને લાગે કે યહોવાની સેવામાં આપણા હાથ ઢીલા પડી રહ્યા છે, તો તેમની પાસે મદદ માંગીએ. તે ચોક્કસ આપણને “શક્તિ” આપશે, જેનાથી આપણને “તેમનું કામ કરવાની ઇચ્છા જ નહિ, એ પૂરું કરવાનું બળ” પણ મળશે. (ફિલિ. ૨:૧૩) પરંતુ, શું આપણે બીજાઓના હાથ બળવાન કરી શકીએ?

કીમતી રત્નો

w૦૯ ૧૧/૧ ૧૪ ¶૧૧-૧૨

બાઇબલ વાંચવાથી પ્રાર્થના કરવા મદદ મળે છે

૧૧ ગીતશાસ્ત્ર પુસ્તકનો અભ્યાસ કરવાથી આપણે વધારે સારી રીતે પ્રાર્થના કરી શકીશું. એટલું જ નહિ, યહોવાહ જવાબ આપે ત્યાં સુધી રાહ જોવા મદદ મળશે. ચાલો એક લેવી વિષે જોઈએ. તેમણે સંજોગવસાત્‌ બીજા દેશમાં રહેવું પડ્યું. તે યહોવાહના મંદિરમાં જઈ શકતા ન હોવાથી ગીત ગાઈને આવી આજીજી કરી: ‘હે મારું અંતર, તું કેમ ઉદાસ થયું છે? તું કેમ ગભરાયું છે? તું ઈશ્વરની આશા રાખ. કેમકે જે મારા મુખનું તારણ તથા મારો ઈશ્વર છે, તેની હું સ્તુતિ હજી કરીશ.’—ગીત. ૪૨:૫, ૧૧; ૪૩:૫.

૧૨ આપણે આ લેવી પાસેથી શું શીખી શકીએ? ધારો કે વિશ્વાસમાં મક્કમ રહેવા બદલ આપણને જેલમાં પૂરવામાં આવે છે. આપણે મંડળમાં ભાઈ-બહેનો સાથે ભક્તિ કરી શકતા નથી. આવા સંજોગોમાં આપણે ધીરજ રાખીને યહોવાહમાં ભરોસો મૂકવો જોઈએ, તે આપણા વતી પગલા ભરશે. (ગીત. ૩૭:૫) આપણે ‘આશા રાખીએ’ કે ભાઈ-બહેનો સાથે ફરી મિટિંગમાં જોડાઈ શકીએ. એ સમય દરમિયાન આપણે યહોવાહની ભક્તિમાં મળેલા આનંદને યાદ કરીએ. મુશ્કેલીમાં ટકી રહેવા પ્રાર્થના કરીએ.

જૂન ૩-૯

બાઇબલમાં રહેલો ખજાનો ગીતશાસ્ત્ર ૪૫-૪૭

એક રાજાના લગ્‍ન વિશેનું ગીત

w૧૪ ૨/૧૫ ૯-૧૦ ¶૮-૯

હલવાનના લગ્‍નની ખુશી મનાવીએ

૮ ગીતશાસ્ત્ર ૪૫:૧૩, ૧૪ક વાંચો. કન્યા રાજવી લગ્‍ન માટે “સંપૂર્ણ ગૌરવવાન” દેખાય છે. પ્રકટીકરણ ૨૧:૨માં તેને ‘નવા યરૂશાલેમ શહેર’ સાથે સરખાવવામાં આવી છે. આમ, કન્યાને ‘પોતાના વરને માટે શણગારવામાં’ આવી છે. એ સ્વર્ગીય શહેરમાં ‘ઈશ્વરનો મહિમા’ છે અને એ શહેર ‘યાસપિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ છે.’ (પ્રકટી. ૨૧:૧૦, ૧૧) પ્રકટીકરણના પુસ્તકમાં એ નવા યરૂશાલેમની સુંદરતાનું અદ્‍ભુત વર્ણન કરવામાં આવ્યું છે. (પ્રકટી. ૨૧:૧૮-૨૧) સાચે જ, કન્યા “સંપૂર્ણ ગૌરવવાન” છે અને કેમ ન હોય? તેના તો, સ્વર્ગમાં રાજવી લગ્‍ન થવાના છે!

૯ વરરાજા, જે મસીહી રાજા છે, તેમની પાસે કન્યાને લાવવામાં આવે છે. રાજા કન્યાને તૈયાર કરે છે. એ માટે તે તેને ‘વચનરૂપી પાણીના સ્નાનથી શુદ્ધ’ કરે છે. કન્યા “પવિત્ર તથા નિર્દોષ” છે. (એફે. ૫:૨૬, ૨૭) કન્યાએ પણ પ્રસંગને ધ્યાનમાં રાખીને પોશાક પહેરેલો હોવો જોઈએ. અને કન્યાએ એમ જ કર્યું છે. તેનાં વસ્ત્રો “જરી” એટલે કે સોનાથી શણગારેલાં છે. તેને ‘બુટ્ટેદાર વસ્ત્ર પહેરાવીને રાજા પાસે લાવવામાં આવે છે.’ હલવાનના લગ્‍ન માટે કન્યાને “તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે; તે બારીક શણનું વસ્ત્ર સંતોનાં ન્યાયી કૃત્યો રૂપ છે.”—પ્રકટી. ૧૯:૮.

w૨૨.૦૫ ૧૭ ¶૧૦-૧૨

પ્રકટીકરણનું પુસ્તક—ભાવિ વિશે શું જણાવ્યું છે?

૧૦ વફાદાર ભક્તો પર હુમલો થશે ત્યારે યહોવાને કેવું લાગશે? તે જણાવે છે: “મારો ક્રોધ ભભૂકી ઊઠશે.” (હઝકિ. ૩૮:૧૮, ૨૧-૨૩) પછી તે શું કરશે એ વિશે પ્રકટીકરણ અધ્યાય ૧૯માં જણાવ્યું છે. વફાદાર ભક્તોનું રક્ષણ કરવા અને દુશ્મનોનો સંહાર કરવા તે પોતાના દીકરાને મોકલશે. ઈસુ “સ્વર્ગનાં સૈન્યો” એટલે કે દૂતો અને ૧,૪૪,૦૦૦ સાથે મળીને દુશ્મનો સામે યુદ્ધ કરશે. (પ્રકટી. ૧૭:૧૪; ૧૯:૧૧-૧૫) એ યુદ્ધનું કેવું પરિણામ આવશે? યહોવાનો વિરોધ કરનારા બધા લોકોનો અને સંગઠનોનો પૂરેપૂરો નાશ થઈ જશે.—પ્રકટીકરણ ૧૯:૧૯-૨૧ વાંચો.

૧૧ દુશ્મનોના નાશ પછી પૃથ્વી પર યહોવાના વફાદાર ભક્તો ખુશીથી ઝૂમી ઊઠશે. એ કેટલો ખુશીનો સમય હશે! સ્વર્ગમાં કેવો માહોલ હશે? મહાન બાબેલોનનો નાશ થયો ત્યારે સ્વર્ગમાં બધા ખુશખુશાલ હતા, પણ હવે એવું કંઈક બનશે જેના લીધે સ્વર્ગમાં બધાની ખુશી બમણી થઈ જશે. (પ્રકટી. ૧૯:૧-૩) એ ખાસ બનાવ કયો હશે? પ્રકટીકરણના પુસ્તકમાં છેલ્લે જણાવ્યું છે કે “ઘેટાનું લગ્‍ન” થશે.—પ્રકટી. ૧૯:૬-૯.

૧૨ ઘેટાનું લગ્‍ન ક્યારે થશે? આર્માગેદનના યુદ્ધ પહેલાં બધા ૧,૪૪,૦૦૦ લોકો સ્વર્ગમાં પહોંચી ગયા હશે. પણ એ સમયે ઘેટાનું લગ્‍ન નહિ થાય. (પ્રકટીકરણ ૨૧:૧, ૨ વાંચો.) આર્માગેદનમાં ઈશ્વરના બધા દુશ્મનોનો નાશ થશે, એ પછી જ લગ્‍ન થશે.—ગીત. ૪૫:૩, ૪, ૧૩-૧૭.

it-૨-E ૧૧૬૯

યુદ્ધ

આ યુદ્ધ પછી ધરતી પર એક હજાર વર્ષ સુધી શાંતિ હશે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “[યહોવા] આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત લાવે છે. તે ધનુષ્ય તોડી નાખે છે અને ભાલાના ચૂરેચૂરા કરી નાખે છે. તે યુદ્ધના રથોને બાળીને ભસ્મ કરી નાખે છે.” (ગી ૪૬:૮-૧૦) અગાઉ એ ભવિષ્યવાણી ઇઝરાયેલીઓના સમયમાં પૂરી થઈ હતી. ઇઝરાયેલમાં શાંતિ લાવવા માટે ઈશ્વરે તેઓના દુશ્મનોનાં યુદ્ધનાં બધાં હથિયારોનો નાશ કરી દીધો હતો. ભાવિમાં આર્માગેદનના યુદ્ધમાં ખ્રિસ્ત એવા બધા લોકોનો ખાતમો કરી નાખશે, જેઓ યુદ્ધ માટે જવાબદાર છે. એ પછી આ ધરતી પર બધા લોકો એકદમ સુખ-શાંતિથી જીવશે. જેઓએ “પોતાની તલવારો ટીપીને હળની કોશો” બનાવી છે, “પોતાના ભાલાઓનાં દાતરડાં” બનાવ્યાં છે અને ‘યુદ્ધ કરવાનું શીખતા નથી,’ તેઓને હંમેશ માટેનું જીવન મળશે. આપણે કેમ એ ભવિષ્યવાણી પર ભરોસો રાખી શકીએ? “કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાના મુખમાંથી એ શબ્દો નીકળ્યા છે.”—યશા ૨:૪; મીખ ૪:૩, ૪.

કીમતી રત્નો

w૧૭.૦૪ ૧૧ ¶૯

ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે શું જતું રહેશે?

૯ ભ્રષ્ટ સંગઠનોના સ્થાને કોણ આવશે? આર્માગેદન પછી, શું આ પૃથ્વી પર કોઈ સંગઠન કાર્યરત હશે? હા. બાઇબલ જણાવે છે કે, “ઈશ્વરે આપેલા વચન પ્રમાણે, નવા આકાશ અને નવી પૃથ્વીની આપણે રાહ જોઈએ છીએ, જ્યાં ચારે બાજુ સત્ય હશે.” (૨ પીત. ૩:૧૩) જૂનાં આકાશ અને પૃથ્વી ભ્રષ્ટ સરકારો અને એની પ્રજાને દર્શાવે છે. તેઓનું સ્થાન કોણ લેશે? ‘નવા આકાશ અને નવી પૃથ્વી.’ નવા આકાશ નવી સરકારને રજૂ કરે છે, જેમાં ખ્રિસ્ત ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સત્તા ચલાવશે. નવી પૃથ્વી ઈશ્વરના રાજ્યની પ્રજાને રજૂ કરે છે. ઈસુ અને તેમના સાથીદારો પૂરેપૂરી રીતે યહોવાને અનુસરે છે, જે વ્યવસ્થાના ઈશ્વર છે. (૧ કોરીં. ૧૪:૩૩) તેથી, ‘નવી પૃથ્વી’ પર બધું વ્યવસ્થામાં હશે. ભલા માણસો આ પૃથ્વીની દેખરેખ રાખશે. (ગીત. ૪૫:૧૬) તેઓ ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તોના માર્ગદર્શન પ્રમાણે કામ કરશે. જરા એ સમયનો વિચાર કરો, જ્યારે એક જ સરકાર રાજ કરતી હશે અને એ ક્યારેય ભ્રષ્ટ નહિ થાય.

જૂન ૧૦-૧૬

બાઇબલમાં રહેલો ખજાનો ગીતશાસ્ત્ર ૪૮-૫૦

મમ્મી-પપ્પા, યહોવાના સંગઠન પર ભરોસો વધારવા તમારાં બાળકોને મદદ કરો

w૨૨.૦૩ ૨૨ ¶૧૧

સાચી ભક્તિ લાવે અનેરી ખુશી

૧૧ બાઇબલનો અભ્યાસ કરવો અને બાળકોને યહોવા વિશે શીખવવું એ તેમની ભક્તિનો ભાગ છે. સાબ્બાથના દિવસે ઇઝરાયેલીઓ યહોવાની ભક્તિમાં પોતાનું મન પરોવતા અને બીજું કોઈ કામ ન કરતા. એ દિવસે તેઓ યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરતા. (નિર્ગ. ૩૧:૧૬, ૧૭) વફાદાર ઇઝરાયેલીઓ પોતાનાં બાળકોને યહોવા અને તેમનાં ભલાઈનાં કામો વિશે શીખવતા. આજે પણ આપણે બાઇબલ વાંચવા અને એનો અભ્યાસ કરવા સમય નક્કી કરવો જોઈએ. એ પણ યહોવાની ભક્તિનો એક ભાગ છે. એનાથી આપણે યહોવાની નજીક જઈ શકીશું. (ગીત. ૭૩:૨૮) આપણે કુટુંબ તરીકેની ભક્તિ કરીએ છીએ ત્યારે, આવનાર પેઢીઓ એટલે કે બાળકોને પ્રેમાળ પિતા યહોવા સાથે પાકી દોસ્તી કરવા મદદ કરીએ છીએ.—પુનર્નિયમ ૬:૬, ૭ વાંચો.

w૧૧-E ૩/૧૫ ૧૯ ¶૫-૭

તમે ખુશ રહી શકો છો

“સિયોન ફરતે કૂચ કરો, એની ચારે બાજુ પ્રદક્ષિણા કરો. એના મિનારાઓની ગણતરી કરો. એની અડીખમ દીવાલોનો વિચાર કરો, એના મજબૂત મિનારાઓ પર ધ્યાન આપો, જેથી આવનાર પેઢીઓને તમે એ વિશે જણાવી શકો.” (ગીત. ૪૮:૧૨, ૧૩) એમ કહીને ગીતના લેખકે ઇઝરાયેલીઓને અરજ કરી કે તેઓ યરૂશાલેમને ધ્યાનથી જુએ. કલ્પના કરો, જે ઇઝરાયેલી કુટુંબો દર વર્ષે એ પવિત્ર શહેરમાં તહેવાર માટે જતા હશે અને યહોવાના ભવ્ય મંદિરને જોતા હશે, તેઓનાં મનમાં કેટલીયે મીઠી યાદો વસેલી હશે! તેઓએ ચોક્કસ ‘આવનાર પેઢીઓને એ વિશે જણાવ્યું હશે.’

શેબાની રાણીનો વિચાર કરો. તેણે સુલેમાનના શાનદાર રાજ અને તેમની બુદ્ધિ વિશે સાંભળ્યું, પણ એ બધું તેના માનવામાં ન આવ્યું. તો પછી તેને શાનાથી ખાતરી થઈ કે તેણે સાંભળેલી વાતો સોએ સો ટકા સાચી છે? તેણે કહ્યું, “મેં અહીં આવીને મારી નજરે ન જોયું ત્યાં સુધી હું માનતી ન હતી.” (૨ કાળ. ૯:૬) સાચે જ, આપણે પોતાની “નજરે” જે જોઈએ છીએ, એ આપણાં મનમાં છપાઈ જાય છે.

તમે કઈ રીતે તમારાં બાળકોને મદદ કરી શકો, જેથી તેઓ પોતાની “નજરે” જોઈ શકે કે યહોવાનું સંગઠન ખૂબ જોરદાર છે? તમારી નજીક યહોવાના સાક્ષીઓની શાખા કચેરી હોય તો તમારાં બાળકો સાથે એ જોવા જાઓ. ચાલો મેન્ડી અને બેથનીનો દાખલો જોઈએ. તેઓના દેશમાં આવેલું બેથેલ તેઓના ઘરેથી લગભગ ૧,૫૦૦ કિ.મી. દૂર હતું. તોપણ તેઓનાં માતા-પિતા તેઓને નાનપણથી જ ઘણી વાર બેથેલ જોવા લઈ જતાં. મેન્ડી અને બેથની કહે છે: “અમે બેથેલ ગયાં એ પહેલાં વિચારતાં કે ત્યાં બધા બહુ કડક હશે અને ફક્ત વૃદ્ધ લોકો જ કામ કરતા હશે. પણ ત્યાં અમે એવા યુવાનોને મળ્યા, જેઓ યહોવાની સેવામાં ખૂબ મહેનત કરે છે અને તેઓ ઘણા ખુશ છે. અમે જોઈ શક્યાં કે યહોવાના લોકો ફક્ત અમારા નાનકડા શહેરમાં જ નહિ, પણ આખી દુનિયામાં ફેલાયેલા છે. જ્યારે પણ અમે બેથેલ જતાં, ત્યારે યહોવાની ભક્તિ માટે અમારામાં એક અલગ જ જોશ ભરાઈ જતો.” બેથેલ જોવાથી મેન્ડી અને બેથનીને પાયોનિયર સેવા શરૂ કરવા મદદ મળી. એટલું જ નહિ, તેઓને થોડા સમય માટે બેથેલમાં સેવા આપવાનું પણ આમંત્રણ મળ્યું.

w૧૨ ૮/૧ ૧૯ ¶૫

રાજ્યના નાગરિકો તરીકે વર્તો!

૫ ઇતિહાસ જાણવો. કોઈ પણ દેશના નાગરિક બનવા વ્યક્તિએ એના ઇતિહાસ વિષે કદાચ અમુક બાબતો શીખવી પડે. એ જ રીતે, જેઓ ઈશ્વરના રાજ્યના નાગરિક બનવા માંગે છે, તેઓએ એ રાજ્ય વિષે બનતું બધું જ શીખવું જોઈએ. પ્રાચીન ઈસ્રાએલમાં સેવા આપતા કોરાહના દીકરાઓના દાખલા પર ધ્યાન આપીએ. તેઓને યરૂશાલેમ, ભક્તિની જગ્યા અને શહેરના ઇતિહાસ વિષે વાતો કરવી ઘણું ગમતું. તેઓ બાંધકામથી નહિ પણ શહેર અને ભક્તિની જગ્યા જે દર્શાવતા હતા, એનાથી પ્રભાવિત હતા. યરૂશાલેમ “મોટા રાજાનું નગર” એટલે કે યહોવાનું નગર હતું, કેમ કે એ સાચી ભક્તિનું સ્થાન હતું. ત્યાં લોકોને યહોવાના નિયમો શીખવવામાં આવતા હતા. યરૂશાલેમના રાજા દ્વારા યહોવા પોતાની પ્રજાને પ્રેમ અને દયા બતાવતા. (ગીતશાસ્ત્ર ૪૮:૧, ૨, ૯, ૧૨, ૧૩ વાંચો.) તેઓની જેમ, શું તમે પણ યહોવાના સંગઠન વિષે શીખવા અને એના ઇતિહાસ વિષે બીજાઓને જણાવવાની હોંશ રાખો છો? ઈશ્વરના સંગઠન વિષે અને યહોવાએ પોતાના લોકોને કઈ રીતે મદદ કરી એ વિષે વધારે શીખશો તેમ, ઈશ્વરના રાજ્યમાં તમારી શ્રદ્ધા વધશે. એનાથી ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાની તમારી ઇચ્છા વધારે દૃઢ થશે.—યિર્મે. ૯:૨૪; લુક ૪:૪૩.

કીમતી રત્નો

it-૨-E ૮૦૫

ધનદોલત

ઇઝરાયેલીઓ પાસે ઘણી ધનદોલત હતી. એના લીધે તેઓ ખાઈ-પીને આનંદ કરતા હતા. (૧રા ૪:૨૦; સભા ૫:૧૮, ૧૯) એટલું જ નહિ, ગરીબીને લીધે આવતી તકલીફોથી પણ તેઓનું રક્ષણ થતું હતું. (ની ૧૦:૧૫; સભા ૭:૧૨) યહોવાની ઇચ્છા હતી કે ઇઝરાયેલીઓ મહેનત કરીને પૈસા કમાય. (ની ૬:૬-૧૧; ૨૦:૧૩; ૨૪:૩૩, ૩૪ સરખાવો.) પણ તેમણે તેઓને બે ચેતવણી આપી. તેઓ કદી ન ભૂલે કે તેઓ પાસે જે કંઈ છે એ યહોવા તરફથી છે અને તેઓ ફક્ત પોતાની ધનદોલત પર ભરોસો ન રાખે. (પુન ૮:૭-૧૭; ગી ૪૯:૬-૯; ની ૧૧:૪; ૧૮:૧૦, ૧૧; યર્મિ ૯:૨૩, ૨૪) તેઓને યાદ કરાવવામાં આવ્યું કે ધનદોલત તો આજે છે ને કાલે નથી, (ની ૨૩:૪, ૫) ઈશ્વરને કિંમત ચૂકવીને મરણથી છુટકારો ન મેળવી શકાય (ગી ૪૯:૬, ૭) અને ગુજરી ગયેલાઓ માટે ધનદોલત નકામી છે. (ગી ૪૯:૧૬, ૧૭; સભા ૫:૧૫) ઇઝરાયેલીઓને એ પણ ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ પૈસા પાછળ આંધળી દોટ મૂકશે તો બેઈમાન બની જશે અને તેઓના માથે યહોવાનો હાથ નહિ રહે. (ની ૨૮:૨૦; યર્મિ ૫:૨૬-૨૮; ૧૭:૯-૧૧ સરખાવો.) તેઓને ઉત્તેજન આપવામાં આવ્યું હતું કે તેઓ પોતાની ‘કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરે.’—ની ૩:૯.

જૂન ૧૭-૨૩

બાઇબલમાં રહેલો ખજાનો ગીતશાસ્ત્ર ૫૧-૫૩

મોટી ભૂલ ન થાય એ માટે શું કરી શકો?

w૧૯.૦૧ ૧૫ ¶૪-૫

તમારાં હૃદયનું રક્ષણ કરો!

૪ નીતિવચનો ૪:૨૩માં “હૃદય” શબ્દ વપરાયો છે. એ આપણાં વિચારો, લાગણીઓ, ધ્યેયો અને ઇચ્છાઓને રજૂ કરે છે. એટલે કે આપણે બહારથી કેવા છીએ એને નહિ, પણ અંદરથી કેવા છીએ એને રજૂ કરે છે.

૫ એ સમજવા ચાલો આપણા શરીરનો વિચાર કરીએ. શરીરની તંદુરસ્તી માટે આપણે સારો ખોરાક લેવો જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ. એ જ રીતે આપણા વિચારોની સંભાળ રાખવા બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્ય વાંચવા જોઈએ. તેમ જ, યહોવામાં શ્રદ્ધા બતાવતા રહેવું જોઈએ. એ માટે શીખેલી વાતો લાગુ પાડવી જોઈએ અને આપણી શ્રદ્ધા વિશે બીજાઓને જણાવવું જોઈએ. (રોમ. ૧૦:૮-૧૦; યાકૂ. ૨:૨૬) આપણું શરીર કદાચ બહારથી સારું દેખાતું હોય. એટલે લાગે કે આપણે તંદુરસ્ત છીએ, પણ શરીરની અંદર ઘણી બીમારીઓ હોય. એવી જ રીતે યહોવાની સેવામાં આપણે જે કરીએ છીએ, એનાથી લાગે કે આપણી શ્રદ્ધા મજબૂત છે. પણ હૃદયમાં ખોટી ઇચ્છાઓ વધી રહી હોય. (૧ કોરીં. ૧૦:૧૨; યાકૂ. ૧:૧૪, ૧૫) યાદ રાખીએ, શેતાન આપણા વિચારો ભ્રષ્ટ કરવા ટાંપીને બેઠો છે. એ માટે તે શાનો સહારો લે છે? આપણે કઈ રીતે હૃદયનું રક્ષણ કરી શકીએ?

w૧૫ ૬/૧૫ ૧૪ ¶૫-૬

આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ

૫ ખોટા વિચારો સામે લડવા આપણે પ્રાર્થનામાં યહોવાની મદદ માંગતા રહીશું તો, તે જરૂર મદદ કરશે. આપણે શુદ્ધ અને પવિત્ર આચરણ જાળવી શકીએ માટે તેમની પવિત્ર શક્તિ આપણને બળ આપશે. પ્રાર્થનામાં યહોવાને જણાવીએ કે આપણે પોતાના વિચારોથી પણ તેમને ખુશ કરવા ચાહીએ છીએ. (ગીત. ૧૯:૧૪) આપણે નમ્રભાવે તેમને પૂછીએ કે આપણા દિલમાં શું એવી કોઈ ખોટી ઇચ્છા છે, જે આપણને પાપમાં પાડી શકે. (ગીત. ૧૩૯:૨૩, ૨૪) અઘરા સંજોગોમાં પણ ખોટાં કામોથી દૂર રહેવા અને જે સારું છે એ કરવા યહોવા પાસે મદદ માંગતા રહીએ.—માથ. ૬:૧૩.

૬ આપણે યહોવા વિશે શીખવા લાગ્યા એ પહેલાં કદાચ એવી બાબતો કરતા હતા, જેનાથી તેમને નફરત છે. બની શકે એવી ખોટી ઇચ્છાઓ હજી પણ આપણામાં જાગતી હોય. છતાં, આપણામાં પૂરેપૂરું બદલાણ લાવવા અને યહોવાને ગમતું કરવા તે આપણને મદદ કરી શકે છે. રાજા દાઊદે એ અનુભવ્યું હતું. બાથશેબા સાથે વ્યભિચારનું પાપ કર્યાનો તેમણે પસ્તાવો બતાવ્યો. તેમણે પ્રાર્થનામાં યહોવા પાસે “શુદ્ધ હૃદય” માંગ્યું. તેમજ, તેમની આજ્ઞા માને એવું મન આપવા વિનંતી કરી. (ગીત. ૫૧:૧૦, ૧૨) પરંતુ, ખોટી ઇચ્છાઓનાં મૂળ મનમાં ઊંડાં ઊતર્યાં હોય અને સારા વિચારોને ઘેરી લેતાં હોય તો શું? એવા સંજોગોમાં પણ યહોવા આપણને મદદ કરી શકે છે. તેમની આજ્ઞાઓ પાળવાની અને સારું કરવાની ઇચ્છા, તે આપણા મનમાં એટલી હદે વધારશે કે ખોટી ઇચ્છાઓ દૂર થઈ જશે. તે આપણને અયોગ્ય વિચારો પર કાબૂ રાખવા મદદ કરશે.—ગીત. ૧૧૯:૧૩૩.

કીમતી રત્નો

it-૧-E ૬૪૪

દોએગ

દોએગ અદોમી હતો. તેના માથે એક મોટી જવાબદારી હતી. તે શાઉલ રાજાના ઘેટાંપાળકોનો ઉપરી હતો. (૧શ ૨૧:૭; ૨૨:૯) કદાચ તે યહોવાનો ભક્ત બન્યો હતો. બની શકે કે કોઈ માનતા, અશુદ્ધતા કે કદાચ રક્તપિત્તને લીધે નોબમાં “તેને યહોવા આગળ રોકી રાખવામાં આવ્યો હતો.” એ વખતે તેણે જોયું હતું કે પ્રમુખ યાજક અહીમેલેખ દાઉદને અર્પણની રોટલી અને ગોલ્યાથની તલવાર આપી રહ્યા હતા. સમય જતાં, શાઉલને શંકા થઈ કે કોઈ કાવતરું ઘડાઈ રહ્યું છે ત્યારે દોએગે તેને એ બધું જણાવી દીધું, જે તેણે જોયું હતું. શાઉલે પોતાના અંગરક્ષકોને હુકમ આપ્યો કે બધા યાજકોને મારી નાખવામાં આવે. પણ તેઓ એવું કરતા અચકાતા હતા. શાઉલે દોએગને હુકમ કર્યો અને દોએગે જરાય અચકાયા વગર ૮૫ યાજકોને રહેંસી નાખ્યા. આવું દુષ્ટ કામ કર્યા પછી તેણે નોબના નાના-મોટા બધા લોકોને અને પ્રાણીઓને મારી નાખ્યા.—૧શ ૨૨:૬-૨૦.

ગીતશાસ્ત્ર ૫૨મા અધ્યાયના મથાળાથી ખ્યાલ આવે છે કે દાઉદે દોએગ વિશે લખ્યું: “તારી જીભ ધારદાર અસ્ત્રા જેવી છે. એ બસ કાવતરાં ઘડે છે અને કપટી કામો કરે છે. તને ભલાઈને બદલે બૂરાઈ અને સાચું બોલવા કરતાં જૂઠું બોલવું વધારે ગમે છે. અરે કપટી જીભ, નુકસાન કરનાર દરેક શબ્દ તને પસંદ છે!”—ગી ૫૨:૨-૪.

જૂન ૨૪-૩૦

બાઇબલમાં રહેલો ખજાનો ગીતશાસ્ત્ર ૫૪-૫૬

ઈશ્વર તમારી સાથે છે

w૦૬ ૮/૧ ૨૩ ¶૧૦-૧૧

ઈશ્વરનો ડર રાખો!

૧૦ એક વાર દાઊદે નાસતા નાસતા ગાથ શહેરના રાજા આખીશ પાસે આશરો લેવો પડ્યો. એ તો પલિસ્તી ગોલ્યાથનું શહેર હતું! (૧ શમૂએલ ૨૧:૧૦-૧૫) રાજાના ચાકરોએ દાઊદને જોઈને કહ્યું કે ‘આ તો આપણો દુશ્મન છે!’ દાઊદે આવા ખતરનાક સંજોગોમાં શું કર્યું? તેમણે મદદ માટે યહોવાહને કાલાવાલા કર્યા. (ગીતશાસ્ત્ર ૫૬:૧-૪, ૧૧-૧૩) દાઊદે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. યહોવાહે તેમના ઢોંગને કામયાબ બનાવ્યો. દાઊદ જાણતા હતા કે યહોવાહની મદદથી જ તે ત્યાંથી છટકી શક્યા હતા. દાઊદ યહોવાહનો ડર રાખીને ચાલનાર માણસ હતા.—ગીતશાસ્ત્ર ૩૪:૪-૬, ૯-૧૧.

૧૧ આપણે પણ મુશ્કેલીઓમાં દાઊદની જેમ જ વર્તીએ. દાઊદે કહ્યું કે ‘તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને સહાય કરશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૫) એનો અર્થ એમ નહિ કે આપણે યહોવાહ પર જ બધું છોડી દઈએ. પછી હાથ જોડીને બેસી રહીએ કે ક્યારે યહોવાહ કંઈક કરે. દાઊદ યહોવાહને પ્રાર્થના કરીને બેસી રહ્યા નહિ. યહોવાહે આપેલી શક્તિ અને બુદ્ધિ તેમણે વાપરી અને મુશ્કેલીમાંથી બહાર નીકળી આવ્યા. દાઊદને ખબર હતી કે તકલીફો સહન કરવા, ફક્ત પોતાના પ્રયત્નો જ નહિ, યહોવાહની મદદ પણ જોઈએ. આપણે પણ બનતું બધું જ કરીને, બાકીનું યહોવાહ પર છોડી દઈએ. ઘણી વાર એ સિવાય આપણે બીજું કંઈ કરી શકતા નથી. આવા સમયે આપણે પોતે બતાવી શકીએ કે આપણે પણ દિલથી યહોવાહની ભક્તિ કરીએ છીએ, તેમનો જ ડર રાખીએ છીએ. દાઊદના આ શબ્દો આપણા દિલને ઠંડક આપે છે: “યહોવાહનો મર્મ [મનની વાત] તેના ભક્તોની પાસે છે.”—ગીતશાસ્ત્ર ૨૫:૧૪.

cl-E ૨૪૩ ¶૯

“કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ”

૯ આપણે ધીરજ બતાવીએ છીએ, એ પણ યહોવાની નજરમાં અનમોલ છે. (માથ્થી ૨૪:૧૩) યાદ રાખો, શેતાન ચાહે છે કે તમે યહોવાથી મોં ફેરવી લો. દરેક દિવસ યહોવાને વફાદાર રહીને તમે તેમને મદદ કરો છો. કઈ રીતે? તમે તેમને હજુ એક મોકો આપો છો, જેથી તે શેતાનનાં મહેણાં-ટોણાંનો જવાબ આપી શકે. (નીતિવચનો ૨૭:૧૧) ધીરજ બતાવવી અમુક વાર સહેલું નથી હોતું. બીમારી, પૈસાની તંગી, નિરાશા અને બીજી ઘણી તકલીફોને લીધે એક એક દિવસ પહાડ જેવો લાગે. આપણે ચાહીએ એવું ન બને ત્યારે પણ નિરાશ થઈ જઈએ છીએ. (નીતિવચનો ૧૩:૧૨) મુશ્કેલીઓમાં પણ ધીરજ બતાવીએ છીએ ત્યારે, યહોવા એને વધારે કીમતી ગણે છે. એટલે દાઉદ રાજાએ યહોવાને અરજ કરી કે તેમનાં આંસુ “મશકમાં” ભરી લે. દાઉદે પૂરી ખાતરીથી કહ્યું: “શું એ બધું તારા પુસ્તકમાં નોંધેલું નથી?” (ગીતશાસ્ત્ર ૫૬:૮) સાચે જ, યહોવાને વફાદારી બતાવવામાં આપણે જેટલાં આંસુ વહાવ્યાં છે અને જેટલાં દુઃખો સહન કર્યાં છે, એને યહોવા ક્યારેય નહિ ભૂલે. એ પણ તેમની નજરે ખૂબ કીમતી છે.

w૨૨.૦૬ ૧૮ ¶૧૬-૧૭

યહોવાના પ્રેમથી ડર પર જીત મેળવીએ

૧૬ શેતાન જાણે છે કે બધાને પોતાનો જીવ બહુ વહાલો છે. તે દાવો કરે છે કે જીવ બચાવવા આપણે કોઈ પણ હદે જઈશું. યહોવા સાથેની આપણી દોસ્તી પણ દાવ પર લગાડી દઈશું. (અયૂ. ૨:૪, ૫) શેતાનનો એ દાવો એકદમ ખોટો છે! પણ બાઇબલમાં જણાવ્યું છે કે શેતાન ‘મરણ પર સત્તા ધરાવે છે.’ (હિબ્રૂ. ૨:૧૪, ૧૫) એટલે તે મરણના ડરનો ફાયદો ઉઠાવીને આપણને યહોવાથી દૂર કરવાની કોશિશ કરે છે. શેતાન અમુક વાર લોકો કે સરકારો દ્વારા આપણાં મનમાં મરણનો ડર ઊભો કરે છે. તેઓ આપણને ડરાવે-ધમકાવે કે જો યહોવાની ભક્તિ નહિ છોડીએ, તો આપણને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. આપણે વધારે બીમાર હોઈએ ત્યારે પણ શેતાન કદાચ આપણાં મનમાં મરણનો ડર ઊભો કરે. ડૉક્ટરો કે આપણું કુટુંબ જીવ બચાવવા લોહી લેવાનું દબાણ કરી શકે. કદાચ કોઈ આપણને એવી સારવાર લેવાનું કહે જેનાથી યહોવાના સિદ્ધાંતો તૂટતા હોય.

૧૭ આપણને કોઈને મરવું નથી. જો આપણે મરી જઈએ તોપણ યહોવા હંમેશાં આપણને પ્રેમ કરતા રહેશે. (રોમનો ૮:૩૭-૩૯ વાંચો.) યહોવાના દોસ્તો ગુજરી જાય તોપણ તે ક્યારેય તેઓને ભૂલતા નથી. યહોવાની નજરમાં તેઓ જાણે હજીયે જીવે છે. (લૂક ૨૦:૩૭, ૩૮) તે પોતાના દોસ્તોને ફરી જીવતા કરવા આતુર છે. (અયૂ. ૧૪:૧૫) આપણને ‘હંમેશ માટેનું જીવન મળે’ એટલે યહોવાએ ઘણી મોટી કિંમત ચૂકવી. તેમણે આપણા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપી દીધું. (યોહા. ૩:૧૬) આપણને પૂરી ખાતરી છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણી બહુ સંભાળ રાખે છે. એટલે આપણે બીમાર હોઈએ કે લોકો આપણને ડરાવે-ધમકાવે ત્યારે યહોવાને છોડી ન દઈએ. એના બદલે તેમને અરજ કરીએ કે આપણને દિલાસો, સમજણ અને હિંમત આપે. વેલેરીબહેન અને તેમના પતિએ એવું જ કર્યું.—ગીત. ૪૧:૩.

કીમતી રત્નો

it-૧-E ૮૫૭-૮૫૮

અગાઉથી કોઈ વાતની ખબર હોવી અથવા કોઈ વાત નક્કી હોવી

યહૂદા ઇસ્કારિયોતે દગો દીધો ત્યારે બાઇબલની એક ભવિષ્યવાણી પૂરી થઈ. એનાથી જોઈ શકાય છે કે યહોવા અને તેમના દીકરાને પહેલેથી કોઈ વાતની ખબર હોય છે. (ગી ૪૧:૯; ૫૫:૧૨, ૧૩; ૧૦૯:૮; પ્રેકા ૧:૧૬-૨૦) છતાં આપણે એમ ન કહી શકીએ કે ઈશ્વરે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે યહૂદા જ આવું કામ કરશે. ભવિષ્યવાણીઓ બતાવે છે કે ઈસુનો એક દોસ્ત તેમને દગો દેશે, પણ એમાં એ નથી બતાવ્યું કે એ દોસ્ત કોણ હશે. એ ઉપરાંત બાઇબલ સિદ્ધાંતો પણ એ વાત સાથે મેળ નથી ખાતા કે ઈશ્વરે પહેલેથી એવાં કામો માટે યહૂદાને પસંદ કર્યો હતો. પવિત્ર શક્તિની પ્રેરણાથી પ્રેરિત પાઉલ લખી શક્યા: “કોઈ માણસની નિમણૂક કરવામાં ઉતાવળ ન કરતો. બીજાનાં પાપમાં ભાગીદાર ન બનતો અને તારું ચારિત્ર શુદ્ધ રાખજે.” (૧તિ ૫:૨૨; ૩:૬ સરખાવો.) ૧૨ શિષ્યોને પસંદ કરતી વખતે ઈસુએ આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી. તેમની પાસે બુદ્ધિ અને માર્ગદર્શન માંગ્યા પછી નિર્ણય લીધો. (લૂક ૬:૧૨-૧૬) જો ઈશ્વરે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હોત કે યહૂદા જ ઈસુને દગો દેશે અને પછી તેમણે જ ઈસુને શિષ્યો બનાવવા માર્ગદર્શન આપ્યું હોય, તો એ બંને વાત એકબીજા સાથે મેળ નથી ખાતી. એ ઉપરાંત, એવું કરીને તો ઉપર આપેલા નિયમ પ્રમાણે ઈસુ પણ યહૂદાનાં પાપોમાં સરખા ભાગીદાર ગણાયા હોત.

એનાથી સાફ ખબર પડે છે કે જ્યારે યહૂદાને પ્રેરિત તરીકે પસંદ કરવામાં આવ્યો, ત્યારે તેના દિલમાં કપટ ન હતું અને એવું પણ ન હતું કે તે કોઈને દગો દે. પણ તેણે પોતાના દિલમાં ‘ઝેરી મૂળ ફૂટવા’ દીધાં અને પોતાને ભ્રષ્ટ કર્યો. એના લીધે તેણે ઈશ્વરના નિયમો પાળવાનું છોડી દીધું અને તેમના માર્ગદર્શન પ્રમાણે ન ચાલ્યો. અરે, તે તો શેતાનના રસ્તે ચાલ્યો. તે ચોરી કરવા લાગ્યો અને આગળ જતાં દગો દીધો. (હિબ્રૂ ૧૨:૧૪, ૧૫; યોહ ૧૩:૨; પ્રેકા ૧:૨૪, ૨૫; યાકૂ ૧:૧૪, ૧૫; it-2-E યહૂદામાં આપેલો મુદ્દો ૪ જુઓ.) જ્યારે યહૂદાનું વર્તન ખરાબ થવા લાગ્યું, ત્યારે ઈસુ જોઈ શક્યા કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે અને તે પહેલેથી કહી શક્યા કે યહૂદા તેમને દગો આપશે.—યોહ ૧૩:૧૦, ૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો