યહોવાના સાક્ષીઓ છૂટાછેડા વિશે શું માને છે?
લગ્ન હોય કે છૂટાછેડા, યહોવાના સાક્ષીઓ દરેક સંજોગોમાં બાઇબલના ધોરણો પ્રમાણે ચાલે છે. લગ્નની શરૂઆત ઈશ્વરે કરી છે, એટલે તે ચાહે છે કે પતિ-પત્નીનું લગ્નબંધન હંમેશાં ટકે. શાસ્ત્ર પ્રમાણે ફક્ત વ્યભિચારના કારણથી જ છૂટાછેડા લઈ શકાય છે.—માથ્થી ૧૯:૫, ૬, ૯.
જે પતિ-પત્ની વચ્ચે સમસ્યા ઊભી થઈ હોય, શું યહોવાના સાક્ષીઓ તેઓને મદદ કરે છે?
હા, કરે છે. તેઓ ઘણી રીતે મદદ કરે છે:
સાહિત્ય. અમારાં સાહિત્યમાં નિયમિત રીતે એવા લેખો આવે છે, જેનાથી પતિ-પત્નીનો સંબંધ મજબૂત થઈ શકે છે. જે પતિ-પત્નીને લાગતું હોય કે હવે કોઈ રસ્તો નથી, તેઓને પણ આવા લેખોથી ઘણી મદદ મળી શકે છે. દાખલા તરીકે, આ લેખો જુઓ: “વફાદાર રહો,” “માફ કઈ રીતે કરવું?” અને “દોબારા ભરોસા કાયમ કરના.”
સભાઓ. લગ્નજીવન માટે શાસ્ત્રમાં કઈ સલાહ આપવામાં આવી છે એ વિશે અમારી સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં ચર્ચા કરવામાં આવે છે.
વડીલો. અમારા મંડળમાં જવાબદારી ઉપાડતા અમુક ભાઈઓને વડીલો કહેવામાં આવે છે. તેઓ પતિ-પત્નીને વ્યક્તિગત રીતે મદદ કરે છે. તેઓ શાસ્ત્રમાંથી એફેસીઓ ૫:૨૨-૨૫ જેવી સારી સલાહ આપે છે.
કોઈ યહોવાનો સાક્ષી છૂટાછેડા લેવા માંગે તો, શું તેણે વડીલોની મંજૂરી લેવી પડે?
ના. જો પતિ-પત્ની વચ્ચે તકલીફો હોય અને એ માટે તેઓ વડીલોની મદદ લેતા હોય, તોપણ વડીલો પાસે એવો હક નથી કે તેઓ પતિ-પત્નીને જણાવે કે કેવો નિર્ણય લેવો. (ગલાતીઓ ૬:૫) જોકે કોઈ વ્યક્તિ બાઇબલમાં જણાવેલા કારણ વગર પોતાના સાથીને છૂટાછેડા આપે તો, શાસ્ત્ર પ્રમાણે તે ફરીથી લગ્ન કરી શકતી નથી.—૧ તિમોથી ૩:૧, ૫, ૧૨.
પતિ-પત્નીના અલગ થવા વિશે યહોવાના સાક્ષીઓ શું વિચારે છે?
બાઇબલમાં પતિ-પત્ની માટે સલાહ આપવામાં આવી છે કે તેઓ હંમેશાં એકબીજાનો સાથ નિભાવે. અરે, એકબીજા સાથે બનતું ના હોય ત્યારે પણ. (૧ કોરીંથીઓ ૭:૧૦-૧૬) મોટા ભાગની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. જો પતિ-પત્ની ખરા દિલથી પ્રાર્થના કરે, બાઇબલમાં આપેલા સિદ્ધાંતો પાળે અને એકબીજા સાથે પ્રેમથી વર્તે, તો તેઓના સંબંધો સુધરી શકે છે.—૧ કોરીંથીઓ ૧૩:૪-૮; ગલાતીઓ ૫:૨૨.
જોકે અમુક યહોવાના સાક્ષીઓએ પોતાના સાથીથી અલગ થવાનો નિર્ણય લીધો છે, કેમ કે તેઓના સંજોગો વધારે વણસી ગયા હતા. જેમ કે,
જાણીજોઈને કુટુંબનું ભરણપોષણ કરવાની ના પાડે.—૧ તિમોથી ૫:૮.
સખત મારઝૂડ કરે.—ગીતશાસ્ત્ર ૧૧:૫.
ઈશ્વરની ભક્તિ કરતા અટકાવે. જેમ કે, પતિ કે પત્ની પોતાના સાથીને કોઈને કોઈ રીતે ઈશ્વરની આજ્ઞા તોડવા મજબૂર કરે. એવા સમયે સહન કરનાર સાથીએ કદાચ અલગ થવાનો નિર્ણય લેવો પડે. એવા સંજોગોમાં પણ તે ‘માણસોના બદલે આપણા રાજા ઈશ્વરની જ આજ્ઞા’ પાળશે.—પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯.