વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૨/૮ પાન ૬-૮
  • શું યુદ્ધ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું યુદ્ધ
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈકોલોજીનાં ત્રણ નક્કર સત્ય
  • કેટલું નુકસાન થઈ ચૂક્યું છે?
  • શું માણસ એ કોયડા હાથ ધરી શકે?
  • આપણા ગ્રહને
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૨/૮ પાન ૬-૮

શું યુદ્ધ

જીતવામાં આવી રહ્યું છે?

“આ ગ્રહની સંભાળ રાખો, આપણી પાસે ફક્ત એક જ છે.” એવી નાટકીય દરખાસ્ત બ્રિટનના પ્રિન્સ ફિલિપે કરી જે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરના પ્રમુખ છે.

હજારો વર્ષો અગાઉ ગીતકર્તાએ લખ્યું: “આકાશો તે યહોવાહનાં આકાશો છે; પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.” (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬) દેવે પૃથ્વી આપણને આપણા ઘર તરીકે આપી છે, અને આપણે એની સંભાળ રાખવી જ જોઈએ. ઈકોલોજી એ વિષેની જ માહિતી ધરાવે છે.

“ઈકોલોજી” શબ્દાવલિનો શાબ્દિક અર્થ “ઘરનો અભ્યાસ” થાય છે.a “પર્યાવરણ પર આધુનિક સંસ્કૃતિની હાનિકારક અસરોને જતન દ્વારા અટકાવવાનો કે ઉલટાવવાનો અભ્યાસ,” એવી વ્યાખ્યા ધ અમેરિકન હેરિટેજ ડિક્ષનરીએ આપી. સાદા શબ્દોમાં કહીએ તો, ઈકોલોજી એટલે માણસે કરેલું નુકસાન શોધવું તથા એને સમારવાના માર્ગો શોધવા. એમાંનું કોઈ પણ કામ સહેલું નથી.

a ગ્રીક ઈકોસ (મકાન, ઘર) અને લોજિયા (અભ્યાસ) પરથી.

ઈકોલોજીનાં ત્રણ નક્કર સત્ય

જીવવૈજ્ઞાનિક બેરી કોમનર પોતાના પુસ્તક મેકીંગ પીસ વિથ ધ પ્લેનેટમાં ઈકોલોજીના ત્રણ સાદા નિયમો સૂચવે છે જે પૃથ્વી શા માટે અત્યાચાર પ્રત્યે ખુબ નબળી છે એ સમજવામાં મદદ કરે છે.

સર્વ બાબતો બીજી બધી બાબતો સાથે સંકળાયેલી છે. એક દુઃખતો દાંત આપણા આખા શરીરને અસર કરે છે તેમ, એક પ્રાકૃતિક ઉદ્‍ભવને થયેલું નુકસાન આખી પર્યાવરણીય કોયડાની સાંકળ શરૂ કરી શકે છે.

દાખલા તરીકે, છેલ્લા ૪૦ વર્ષો દરમ્યાન નેપાળના હિમાલયનાં ૫૦ ટકા જંગલો બળતણ માટે કે લાકડાની વસ્તુઓ બનાવવા માટે કાપી નાખવામાં આવ્યાં. એક વાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા પછી, પર્વતના ઢોળાવની જમીન ચોમાસામાં વરસાદ આવવાથી તરત જ ધોવાઈ ગઈ. નવા વૃક્ષો કસવાળી જમીન વગર સરળતાથી મૂળ નાખી શક્યાં નહિ, અને તેથી ઘણા પર્વતો ઉજ્જડ બની ગયા. નેપાળ હવે વનવિનાશને કારણે દર વર્ષે કરોડો ટન કસવાળી જમીન ગુમાવે છે. અને એ કોયડા નેપાળ પૂરતા જ મર્યાદિત નથી.

બાંગ્લાદેશમાંનો ધોધમાર વરસાદ એક વખત વૃક્ષો દ્વારા શોષાઈ જતો, એ હવે ઉજ્જડ પર્વતો પરથી નિર્વિઘ્નપણે કાંઠા તરફ વહીને દુર્ઘટનામય પૂર સર્જે છે. ભૂતકાળમાં, બાંગ્લાદેશમાં દર ૫૦ વર્ષે એક વાર ભયંકર પૂર આવતું; હવે એ દર ૪ કે એથી ઓછા વર્ષોમાં આવે છે.

જગતના બીજા ભાગોમાં, વનવિનાશ રણપ્રદેશ બનાવવામાં અને સ્થાનિક આબોહવાના બદલાણમાં દોરી ગયો છે. જંગલો તો માત્ર એક કુદરતી સંપત્તિ છે જેને માણસ શોષી રહ્યો છે. ઈકોલોજીસ્ટ્‌સ આપણી વિશાળ પરિસ્થિતિવ્યવસ્થા વિષે હજુ પણ પ્રમાણમાં ઓછું જ્ઞાન ધરાવતા હોવાથી, ગંભીર નુકસાન ન થઈ જાય ત્યાં સુધી કોયડો ઓળખાઈ ન પણ શકે. એ કચરાના નિકાલના કિસ્સામાં સાચું છે, જે ઈકોલોજીનો બીજો નિયમ સારી રીતે સમજાવે છે.

દરેક બાબતને ક્યાંક જવાનું હોય છે. કચરાનો નિકાલ કરવામાં ન આવ્યો હોય એવું ઘર કેવું દેખાશે એની કલ્પના કરો. આપણો ગ્રહ એવી જ એક બંધ વ્યવસ્થા છે—આપણો સર્વ કચરો પાર્થિવ ઘરમાં કોઈક જગ્યાએ ભેગો થવો જ જોઈએ. ઓઝોન સ્તરનો અંશત: નાશ બતાવે છે કે ક્લોરોફ્લુરોકાર્બન્સ (CFCs, સીએફસીઝ) જેવા બિનહાનિકારક જણાતા વાયુઓ માત્ર હવામાં અદૃશ્ય થઈ જતા નથી. આકાશમાં, નદીઓમાં, અને મહાસાગરોમાં છોડવામાં આવતા હોય એવા શક્યપણે સેંકડો જોખમકારક તત્ત્વોમાંથી CFCs તો માત્ર એક જ છે.

સાચું, કેટલીક પેદાશોને—જેને “જૈવિકવિભાજક” (biodegradable, બાયોડીગ્રેડેબલ) કહેવાય છે—સમય જતાં ભાંગી શકાય છે અને કુદરતી પ્રક્રિયા એનું શોષણ કરી જાય છે, પરંતુ બીજી પેદાશોને એમ કરી શકાતું નથી. જગતભરના દરિયાકિનારાઓ પ્લાસ્ટિકનાં પાત્રોથી દૂષિત કરવામાં આવ્યા છે જે આવનાર કેટલાય દાયકાઓ સુધી ત્યાં પડી રહેશે. ઉદ્યોગોનો ઝેરી કચરો ઓછો દૃશ્યમાન છે જેને સામાન્ય રીતે ક્યાંક દાટવામાં આવે છે. અદૃશ્ય હોવા છતાં, એ હંમેશ માટે ભૂલી જવાશે એની કોઈ બાંયધરી હોતી નથી. એ હજુએ ભૂગર્ભના પાણીના પુરવઠામાં પ્રવેશીને માણસ તથા પ્રાણીઓ માટે ઘાતક જોખમ બની શકે છે. “આધુનિક ઉદ્યોગોએ પેદા કરેલા બધા રસાયણો સાથે શું કરવું એ અમે જાણતા નથી,” બુડાપેસ્ટની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી ખાતેના એક હંગેરિયન વૈજ્ઞાનિકે કબૂલ્યું. “અરે અમે એની નોંધ પણ રાખી શકતા નથી.”

એ સર્વમાં સૌથી વધુ જોખમકારક કિરણોત્સર્ગી કચરો છે, અર્થાત્‌ ન્યૂક્લિયર પાવર સ્ટેશનોનો કચરો. કેટલોક ન્યૂક્લિયર કચરો મહાસાગરોમાં ઠાલવવામાં આવી ચૂક્યો હોવા છતાં, હજારો ટનનો ન્યૂક્લિયર કચરો હંગામી સ્થળોએ ખડકવામાં આવ્યો છે. વર્ષો સુધી વૈજ્ઞાનિક સંશોધન કર્યું હોવા છતાં, સલામત તથા કાયમી સંગ્રહ કે નિકાલ માટેનો ઉકેલ હજુ સુધી મળ્યો નથી તથા ભાવિમાં મળે એમ લાગતું નથી. ઈકોલોજીનો એ ટાઈમ બોમ્બ ક્યારે ફાટશે એ કોઈ જાણતું નથી. એ કોયડાનો અંત આવશે નહિ—નિશ્ચે એ કચરો સદીઓ કે આવનાર હજારો વર્ષો સુધી અથવા દેવ પગલાં લે ત્યાં સુધી કિરણોત્સર્ગી હશે. (પ્રકટીકરણ ૧૧:૧૮) કચરાના નિકાલની બાબતે માણસની ઉપેક્ષા ઈકોલોજીનો ત્રીજો નિયમ યાદ અપાવે છે.

કુદરતને એનું કામ કરવા દો. બીજા શબ્દોમાં, માણસે પોતાને સારી લાગતી કોઈ બાબત દ્વારા કુદરતી વ્યવસ્થા ઓળંગી જવાનો પ્રયત્ન કરવાને બદલે એને સહકાર આપવાની જરૂર છે. અમુક જંતુનાશક દવાઓ એનો એક દાખલો છે. દવા સૌપ્રથમ શરૂ કરવામાં આવી ત્યારે, એણે ખેડૂતોને નીંદણ પર કાબૂ રાખવા અને વિનાશક જંતુઓનો લગભગ પૂરેપૂરો નાશ કરવા શક્તિમાન કર્યા. મબલખ પાકની ખાતરી મળી હોય એમ લાગ્યું. પરંતુ પછી બાબતો વણસી ગઈ. એક પછી બીજી જંતુનાશક દવા નીંદણ તથા જંતુને માફક આવી ગઈ, અને દેખીતી રીતે જંતુનાશક દવાને લીધે જંતુઓના કુદરતી ભક્ષકોને, અર્થાત્‌ વન્યજીવનને, તથા ખુદ માણસને ઝેર ચઢવા લાગ્યું. કદાચ તમે પણ જંતુનાશક દવાના ઝેરથી અસર પામ્યા હોય શકો. તો પછી તમે જગતવ્યાપી ઓછામાં ઓછા દશ લાખ જેટલા ભોગ બનેલાઓમાંના એક છો.

જંતુનાશક દવાઓ લાંબે ગાળે પાકની ઉપજ વધારી શકતી નથી એનો વધી રહેલો પુરાવો આખરી વ્યંગ છે. યુનાઈટેડ સ્ટેટ્‌સમાં, જંતુઓ જંતુનાશક દવાની ચળવળ થઈ એના અગાઉ કરતાં અત્યારે ફસલનો મોટો ભાગ ખાઈ જાય છે. એ જ રીતે, ફિલિપાઈન્સમાં આવેલી ઇન્ટરનેશનલ રાઇસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટને જાણવા મળ્યું કે જંતુનાશક દવાઓ અગ્‍નિ એશિયામાં થતા ડાંગરના પાકને સુધારતી નથી. હકીકતમાં, ઈન્ડોનેશિયાની સરકાર આયોજિત કાર્યક્રમ જે જંતુનાશક દવા પર વધુ નિર્ભર નથી એણે ૧૯૮૭થી જંતુનાશક દવાના વપરાશમાં ૬૫ ટકા ઘટાડો કર્યો હોવા છતાં, ડાંગરના ઉત્પાદનમાં ૧૫ ટકા વધારો હાંસલ કર્યો છે. હકીકત એમ હોવા છતાં પણ, દર વર્ષે જગતભરના ખેડૂતો હજુ પણ પુષ્કળ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે.

ઉપર જણાવવામાં આવેલા ઈકોલોજીના ત્રણ નિયમોની રૂપરેખા બાબતો શા માટે વણસે છે એ સમજાવવામાં મદદ કરે છે. કેટલું નુકસાન થઈ ચૂક્યું છે? અને શું એને સુધારી શકાય? જેવા બીજા મહત્ત્વના પ્રશ્નો છે.

કેટલું નુકસાન થઈ ચૂક્યું છે?

આપવામાં આવેલો જગતનો નકશો (જુઓ પાન ૮-૯) કેટલાક મુખ્ય પર્યાવરણીય કોયડા અને એ ક્યાં સૌથી વધુ ગંભીર છે એના પર ભાર મૂકે છે. દેખીતી રીતે, વસવાટ કે બીજા ઘટકોના અભાવને કારણે કોઈક છોડ કે પ્રાણીના જૂથપ્રકારનો નાશ થાય છે ત્યારે, માણસ નુકસાન સમારી શકતો નથી. બીજું નુકસાન—જેમ કે ઓઝોનના સ્તરનું ઓછું થવું—થઈ ચૂક્યું છે. પર્યાવરણની સતત થઈ રહેલી અધોગતિ વિષે શું? એને રોકવાની કે ઓછામાં ઓછું એને ધીમું કરવાની બાબતે પ્રગતિ કરવામાં આવી રહી છે?

ઈકોલોજીને થયેલું નુકસાન માપવાના બે સૌથી મહત્ત્વના પ્રમાણ કૃષિ તથા મત્સ્યોદ્યોગ છે. શા માટે? કેમ કે તેઓની ઉત્પાદકતા આરોગ્યપ્રદ પર્યાવરણ પર આધારિત છે અને આપણાં જીવન ભરોસાપાત્ર ખાદ્ય પુરવઠા પર આધારિત છે.

બન્‍ને પાસાં અધોગતિનાં ચિહ્‍નો બતાવે છે. યુનાઈટેડ નેશન્સની ખોરાક અને કૃષિ સંસ્થાએ ગણતરી કરી કે જગતનો માછીમારોના વહાણનો કાફલો મચ્છીના જથ્થાને ગંભીરપણે નુકસાન પહોંચાડ્યા વિના ૧૦ કરોડ ટનથી વધારે મચ્છી પકડી શકતો નથી. એ કુલ સંખ્યા ૧૯૮૯માં વટાવવામાં આવી, અને ધાર્યા મુજબ, પછીના વર્ષે જગતવ્યાપી પકડવામાં આવેલી મચ્છી ૪૦ લાખ ટન જેટલી ઓછી હતી. કેટલીક જગ્યાએ સમુદ્રમાં એકત્ર થતી મચ્છીમાં ઘણો જ ઘટાડો થયો છે. દાખલા તરીકે, એટ્‌લાંટિકના ઈશાન ખૂણે છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન પકડવામાં આવેલી મચ્છીમાં ૩૨ ટકાનો ઘટાડો થયો છે. બેહદ મચ્છી પકડવી, મહાસાગરોમાં પ્રદૂષણ થવું, અને ઈંડા સેવતા વિસ્તારોનો નાશ થવો એ મુખ્ય કોયડા છે.

એ ચોંકાવનારી અસર પાકના ઉત્પાદનમાં સ્પષ્ટ દેખાય છે. સાઠ અને સિત્તેરના દાયકા દરમ્યાન, સુધારવામાં આવેલા પાક ઉપરાંત સિંચાઈ અને તીવ્રપણે કરવામાં આવેલા જંતુનાશક રસાયણ તથા ખાતરના ઉપયોગે જગતના અનાજ ઉત્પાદનમાં સારો એવો વધારો આણ્યો છે. હવે, જંતુનાશક દવાઓ તથા ખાતર એની અસરકારકતા ગુમાવી રહ્યાં છે, અને પાણીની તંગી તથા પ્રદૂષણે પણ કસહીન કાપણીમાં ફાળો આપે છે.

દર વર્ષે લગભગ ૧૦ કરોડ વધારાની વ્યક્તિઓને પોષવાની હોવા છતાં, ગયા દાયકા દરમ્યાન ખેતીલાયક જમીનના કુલ વિસ્તારમાં ઘટાડો થયો છે. અને એ ખેતીલાયક જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે. વર્લ્ડવોચ ઇન્સ્ટિટ્યૂટ અંદાજ કાઢે છે કે છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન જમીનના ખવાણે ખેડૂતો પાસેથી ૫૦૦ અબજ ટન જેટલી ફળદ્રુપ જમીન ખૂંચવી લીધી છે. અનિવાર્યપણે, ખોરાકનું ઉત્પાદન ઘટવા માંડ્યું છે. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ૧૯૯૩નો એક અહેવાલ વિવેચન કરે છે કે “૧૯૮૪થી માંડીને ૧૯૯૨ સુધીમાં વ્યક્તિ દીઠ અન્‍નના ઉત્પાદનમાં ૬ ટકા ઘટાડો થવો એ કદાચ આજે જગતમાં સૌથી વધુ પજવતો આર્થિક કોયડો [છે].”

સ્પષ્ટપણે જ, માણસે પર્યાવરણની કરેલી ઉપેક્ષાને કારણે લાખો લોકોનાં જીવન જોખમમાં આવી ચૂક્યાં છે.

શું માણસ એ કોયડા હાથ ધરી શકે?

કઈ બાબત ખોટી થઈ રહી છે એ માણસ હવે સમજે છે છતાં, એ સમારવી સરળ નથી. પ્રથમ કોયડો એ છે કે એ ઘણાં નાણાં જરૂરી બનાવશે—વર્ષના ઓછામાં ઓછા $૬૦૦ અબજ—જેથી ૧૯૯૨માંની પૃથ્વી પરિષદ ખાતે રજૂ કરવામાં આવેલા સ્પષ્ટ સૂચનોનો અમલ થાય. ખરાં બલિદાનો પણ જરૂરી થશે—જેમ કે ઓછો બગાડ કરવો, વધુ રીસાયક્લીંગ કરવું, પાણી તથા ઉર્જાને કાળજીથી વાપરવાં, ખાનગીને બદલે જાહેર વાહનવ્યવહાર વાપરવો, અને સૌથી વધુ મુશ્કેલ તો એ કે સ્વાર્થ જોવા કરતાં ગ્રહને વિચારણામાં લેવો. યુ.એસ.ની જળચર પરિસ્થિતિવ્યવસ્થાની સ્થાપના કરવા માટેની સમિતિના ચેરમેન જોન કાર્ન્ઝ જૂનિયર એ કોયડાને ટૂંકાણમાં મૂકે છે: “આપણે શું કરી શકીએ એ વિષે હું આશાવાદી છું. આપણે શું કરીશું એ વિષે હું નિરાશાવાદી છું.”

બહોળા પાયા પર સફાઈ કરવાનો ખર્ચ એવો છે કે મોટા ભાગના દેશો હિસાબ ચૂકવણીના દિવસને મુલતવી રાખવાનું પસંદ કરે છે. આર્થિક મંદીના સમયમાં, પર્યાવરણીય પગલાંને નોકરીઓને ધમકીરૂપ કે અર્થતંત્રને ધીમા પાડનાર તરીકે ગણવામાં આવે છે. કરવા કરતાં કહેવું સહેલું છે. કેરીંગ ફોર ધ અર્થ પુસ્તક અત્યાર સુધીના પ્રત્યુત્તરને “અલંકારિક વાતોના વાવાઝોડા પછી કૃત્યના દુકાળ” તરીકે વર્ણવે છે. પરંતુ પગલું ભરવામાં નિષ્ફળ જવા છતાં, શું નવી ટેકનોલોજી ગ્રહની બીમારી માટે પીડાહીન સારવાર ન શોધી શકે? દેખીતી રીતે જ નહિ.

યુ.એસ. નેશનલ અકાડમી ઓફ સાયન્સીઝ અને રોયલ સોસાયટી ઓફ લંડને એક સંયુક્ત નિવેદનમાં નિખાલસપણે કબૂલ્યું: “વસ્તી વધારાની તાજેતરની આગાહીઓ ચોક્કસ પૂરવાર થાય અને ગ્રહ પર માનવ પ્રવૃત્તિની ઢબો ન બદલાય તો, વિજ્ઞાન અને ટેકનોલોજી પર્યાવરણની ઉલટાવી ન શકાય એવી અધોગતિને કે મોટા ભાગના જગત માટે સતત ગરીબીને અટકાવી શકે એમ નથી.”

ન્યૂક્લિયર કચરાનો નિકાલ કરવાનું કોઈ સ્થળ ન હોવાથી એ ડરામણો કોયડો યાદ દેવડાવે છે કે વિજ્ઞાન સર્વશક્તિમાન નથી. વૈજ્ઞાનિકો ઊંચી માત્રાનો કિરણોત્સર્ગી કચરો કાયમી ધોરણે ખડકવાનું સલામત સ્થળ છેલ્લા ૪૦ વર્ષોથી શોધી રહ્યા છે. એ તપાસ એટલી મુશ્કેલ પુરવાર થઈ રહી છે કે ઈટાલી અને આર્જેન્ટિના જેવા કેટલાક દેશો નિર્ણય પર આવ્યા કે વહેલામાં વહેલું વર્ષ ૨૦૪૦ સુધી એવું કોઈ સ્થળ તૈયાર નહિ હોય. એ ક્ષેત્રમાં સૌથી વધુ આશાવાદી દેશ જર્મની ૨૦૦૮ સુધીમાં યોજનાઓ પાર પાડવાની આશા રાખે છે.

શા માટે ન્યૂક્લિયર કચરો આટલો મોટો કોયડો છે? “કોઈ વૈજ્ઞાનિક કે ઇજનેર પૂરેપૂરી બાંયધરી આપી શકતો નથી કે કિરણોત્સર્ગી કચરો સૌથી સારા ગોદામમાંથી પણ કોઈ દિવસ ભયજનક પ્રમાણમાં ગળશે નહિ,” ભૂસ્તરશાસ્ત્રી કોનરાડ ક્રાઉસકોફ સમજાવે છે. પરંતુ કચરાના નિકાલના કોયડા અંગેની અગાઉથી ચેતવણીઓ આપ્યા છતાં, સરકારો અને ન્યૂક્લિયર ઉદ્યોગોએ આવતી કાલની ટેકનોલોજી ઉપાય શોધી કાઢશે એમ ધારીને આનંદથી પ્રગતિ કરી. એ આવતી કાલ ક્યારેય આવી નહિ.

ટેકનોલોજી પાસે પર્યાવરણીય કટોકટીનો ઉપાય ન હોય તો, બીજા કયા વિકલ્પો બાકી રહ્યા? શું જરૂરિયાત આખરે રાષ્ટ્રોને ગ્રહનું રક્ષણ કરવા સાથે મળી કામ કરવા ફરજ પાડશે? (g96 1/8)

[પાન ૭ પર બૉક્સ]

પુનઃનવીન કરી શકાય એવી ઉર્જા સંપત્તિ માટેની શોધ

આપણામાંના ઘણા ઉર્જાને ગૃહિત માને છે—અંધારું ન થાય કે પેટ્રોલના ભાવ વધી ન જાય ત્યાં સુધી. જોકે, ઉર્જાનો વપરાશ પ્રદૂષણ થવાનું એક મુખ્ય કારણ છે. વાપરવામાં આવેલી મોટા ભાગની ઉર્જા લાકડાં બાળવાથી કે ખનીજના બળતણમાંથી આવે છે, અર્થાત્‌ એવી પ્રક્રિયા જે લાખો ટન કાર્બન ડાયોક્ષાઈડ વાતાવરણમાં ઠાલવે છે અને જગતનાં મોટાં ભાગનાં જંગલોનો નાશ કરે છે.

ન્યૂક્લિયર શક્તિ એ બીજો એક વિકલ્પ છે જે અકસ્માતનો ભય તથા કિરણોત્સર્ગી કચરાને સંગ્રહવાની મુશ્કેલીને કારણે વધુને વધુ અપ્રચલિત બની રહ્યો છે. બીજા વિકલ્પો પુનઃનવીન કરી શકાતી ઉર્જા સંપત્તિ તરીકે જાણીતા છે, કેમ કે એ મુક્તપણે પ્રાપ્ય હોય એવી કુદરતી ઉર્જા સંપત્તિ પર આધારિત હોય છે. એના મુખ્ય પાંચ પ્રકારો છે.

સૂર્ય ઉર્જા. એને સહેલાઈથી ગરમી માટે ભેગી કરી શકાય છે, અને ઈસ્રાએલ જેવા દેશોમાં, ઘણા ઘરોમાં પાણી ગરમ કરવા સૂર્ય સંચાલિત યંત્રો હોય છે. સૂર્યના ઉપયોગથી વીજળી પેદા કરવી ઘણી જ મુશ્કેલ છે, પરંતુ આધુનિક ફોટોવોલ્ટેઈક સેલ્સ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પૂરી પાડી રહ્યા છે અને ઘણા જ ઓછા ખર્ચાળ બની રહ્યા છે.

વાયુ ઉર્જા. જગતનાં પવન ફૂંકાતા ઘણા ભાગોમાં હવે વિસ્તૃતપણે ગંજાવર પવનચક્કીઓ જોવા મળે છે. એ પવનચક્કીથી પૂરી પાડવામાં આવેલી વીજળી, જે એઓલિયન ઉર્જા (eolian energy) પણ કહેવાય છે, એ ઓછી ખર્ચાળ બની છે, અને હવે એ કેટલાક વિસ્તારોમાં બીજા રૂઢિગત વીજળી પુરવઠા કરતાં ઓછી ખર્ચાળ છે.

જળવિદ્યુત. જગતની ૨૦ ટકા વીજળી જળવિદ્યુત યોજનાઓ (hydroelectric plants)માંથી આવે છે, પરંતુ દુઃખની વાત છે કે વિકસિત દેશોના મોટા ભાગના આશાસ્પદ સ્થળોનું શોષણ થઈ ચૂક્યું છે. વિશાળ બંધો પણ ઘણું બધું પારિસ્થિતિક નુકસાન કરી શકે છે. ખાસ કરીને વિકસતા દેશોમાં ઘણી નાનાં કદની જળવિદ્યુત યોજનાઓ બાંધવામાં સારી સંભાવના હોય એમ લાગે છે.

ભૂતાપીય ઉર્જા. ખાસ કરીને આઈસલેન્ડ તથા ન્યૂઝીલેન્ડ જેવા કેટલાક દેશો ભૂગર્ભમાં “ગરમ પાણીની વ્યવસ્થા”નો ઉપયોગ કરવા શક્તિમાન થયા છે. ભૂગર્ભમાંની જ્વાળામુખીય પ્રવૃત્તિ પાણી ગરમ કરે છે, જેનો ઉપયોગ ઘર હૂંફાળું રાખવા અને વીજળી ઉત્પન્‍ન કરવા થઈ શકે છે. ઈટાલી, જાપાન, મેક્ષિકો, ફિલિપાઈન્સ, અને યુનાઈટેડ સ્ટેટ્‌સે પણ એ કુદરતી ઉર્જાના ઉદ્‍ભવને કેટલેક અંશે વિકસાવ્યો છે.

ભરતી ઉર્જા. બ્રિટન, ફ્રાન્સ, અને રશિયા જેવા કેટલાક દેશોએ સમુદ્રીય ભરતીનો ઉપયોગ વીજળી ઉત્પન્‍ન કરવા કર્યો છે. જોકે, જગત ફરતે એવા સ્થળો ઓછાં છે જે ઓછી કિંમતે ઉર્જાનો પુરવઠો પૂરો પાડવા માટે અનુકૂળ હોય.

[પાન ૮, ૯ પર બૉક્સ/ચિત્રો]

જગતના કેટલાક મુખ્ય પર્યાવરણીય કોયડા

જંગલોનો વિનાશ. જગતનાં સમશીતોષ્ણ જંગલોના ત્રણ ચતુર્થાંસ અને ઉષ્ણકટિબંધના અડધાં જંગલોનો વિનાશ થઈ ચૂક્યો છે, અને છેલ્લા દાયકા દરમ્યાન વનવિનાશનું પ્રમાણ જોખમકારકપણે વધ્યું છે. છેલ્લા અંદાજ પ્રમાણે દર વર્ષે ૧,૫૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલા, અર્થાત્‌ લગભગ યુરુગ્વેના વિસ્તાર જેટલા, ઉષ્ણકટિબંધના જંગલોનો વિનાશ થાય છે.

ઝેરી કચરો. હાલમાં ઉત્પન્‍ન કરવામાં આવતા ૭૦,૦૦૦ રસાયણોમાંથી અડધાનું ઝેરી તરીકેનું વર્ગીકરણ કરવામાં આવ્યું. યુનાઈટેડ સ્ટેટ્‌સ એકલું જ દર વર્ષે ૨૪ કરોડ ટનનો ઝેરી કચરો પેદા કરે છે. અપૂરતી માહિતી જગતવ્યાપી ગણતરી કરવી અશક્ય બનાવે છે. વધુમાં, વર્ષ ૨૦૦૦ સુધીમાં, લગભગ ૨,૦૦,૦૦૦ ટન કિરણોત્સર્ગી કચરો હંગામી સ્થળોએ એકત્ર થયો હશે.

જમીનનું અધઃપતન. જગતની સપાટીના ત્રીજા ભાગનો વિસ્તાર રણ બનવાના જોખમ હેઠળ છે. આફ્રિકાના કેટલાક ભાગોમાં, સહારાનું રણ માત્ર ૨૦ વર્ષોમાં જ ૩૫૦ કિલોમીટર જેટલું વિસ્તર્યું છે. લાખો લોકોનો જીવનનિર્વાહ જોખમ હેઠળ આવી ચૂક્યો છે.

પાણીની તંગી. લગભગ બે અબજ લોકો કાયમી પાણીની તંગીવાળા વિસ્તારોમાં રહે છે. કુવાઓ જેના પર નિર્ભર હોય છે એવા પેટાળના પાણીનું સ્તર નીચું જવાથી હજારો કુવા સૂકાઈને તંગીમાં વધારો કરે છે.

નિર્મુળ થવાના જોખમ હેઠળના જૂથપ્રકારો. આંકડાઓ અનુમાન કરેલા છે છતાં, વૈજ્ઞાનિકો અંદાજ કાઢે છે કે વર્ષ ૨૦૦૦ સુધીમાં પ્રાણીઓ, છોડ, અને જીવડાંના ૫,૦૦,૦૦૦થી ૧૦,૦૦,૦૦૦ જેટલા જૂથપ્રકારો નાશ પામ્યા હશે.

વાતાવરણીય પ્રદૂષણ. યુનાઈટેડ નેશન્સે ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં કરેલા અભ્યાસથી જાણવા મળ્યું કે એક અબજ લોકો એવા શહેરી વિસ્તારોમાં રહે છે જે આરોગ્યને ધમકીરૂપ પ્રમાણમાં રાખ કે સલ્ફર ડાયોક્ષાઈડ, નાઇટ્રોજન ડાયોક્ષાઈડ, અને કાર્બન મોનોક્ષાઈડ જેવા ઝેરી વાયુઓથી રોજ પ્રદૂષિત થતા હોય છે. છેલ્લા દાયકામાં શહેરોમાં થયેલા ઝડપી વધારાએ નિઃશંકપણે એ કોયડામાં વધારો કર્યો છે. વધુમાં, વર્ષે ૨૪ અબજ ટન કાર્બન ડાયોક્ષાઈડ વાતાવરણમાં છોડવામાં આવે છે, અને એ “ગ્રીનહાઉસ વાયુ” ગોળાવ્યાપી ગરમી પેદા કરી શકે એવો ભય છે.

વનવિનાશ

ઝેરી કચરો

વાતાવરણીય પ્રદૂષણ

પાણીની તંગી

પ્રાણીઓના જૂથપ્રકારો ભય હેઠળ

જમીનનું અધઃપતન

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો