સામ્યવાદી દેશમાં દેવમાં વિશ્વાસ દ્વારા શાસિત
ઓન્ડ્રે કેડેલેત્સના કહ્યા પ્રમાણે
હું ૧૯૬૬ના ઉનાળામાં, મારા વતન—પ્રાગ, ઝેકોસ્લોવેકિયા—માં જોવા લાયક સ્થળોના પર્યટનનું સંચાલન કરી રહ્યો હતો. મેં વૃંદને અમારા શહેરના પ્રભાવશાળી ચર્ચો અને મંદિરો બતાવ્યા ત્યારે, મારા નવા ધર્મના ઉત્સાહને લીધે હું દેવ વિષે બોલ્યો.
“તમે યહોવાહના સાક્ષી છો?” વાણિજ્યના એક અમેરિકી પ્રોફેસરે પૂછ્યું.
“ના,” મેં જવાબ આપ્યો. “મેં યહોવાહના સાક્ષીઓ વિષે કદી સાંભળ્યું નથી. હું રોમન કેથલિક છું.”
દેવમાં વિશ્વાસી બન્યો
હું એવાં માબાપ દ્વારા ઉછેર પામ્યો હતો જેઓ શિક્ષણ, રાજકારણ, અને વૈદકશાસ્ત્રનાં ક્ષેત્રોમાં આગળ પડતાં હતાં. મારો જન્મ ૧૯૪૪માં થયો, અને પછીના વર્ષે વિશ્વયુદ્ધ ૨નો અંત આવ્યો તેને થોડા વખત પછી મારા પપ્પા સામ્યવાદી બન્યા. હકીકતમાં, તે સામ્યવાદી સુધારાવાદી ચળવળના સહસ્થાપક હતા, અને ૧૯૬૬માં તે પ્રાગમાં આવેલી યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સના ચાન્સેલર બન્યા. બેએક વર્ષ પછી, તેમને, સામ્યવાદી અને નાસ્તિક બનેલા દેશ, ઝેકોસ્લોવેકિયાના શિક્ષણ પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા.
મમ્મી ચીવટપૂર્વકની પ્રમાણિક, અને કુદરતી બક્ષિસવાળી સ્ત્રી હતી. તે આંખની સર્જન હતી, જે આખા દેશમાં સૌથી સારી હોવાની શાખ ધરાવતી હતી. તોપણ, તે જરૂરિયાતવાળાઓને વિનામૂલ્યે સારવાર આપતી. તે કહેતી: “વ્યક્તિને જે કુદરતી બક્ષિસ હોય, એને સમાજ અને દેશના લાભ માટે લાગુ પાડવી જ જોઈએ.” મારો જન્મ થયો ત્યારે તેણે સગર્ભાવસ્થા દરમ્યાનની રજા પણ ન લીધી જેથી તે પોતાના ક્લિનિક ખાતે સારવાર આપવા પ્રાપ્ય હોય શકે.
હું વિદ્વત્તામાં ઉત્કૃષ્ટ બનું એવી અપેક્ષા રાખવામાં આવી હતી. પપ્પા પૂછતા: “શું કોઈક તારા કરતા વધારે સારું કરી રહ્યું છે?” હું હરીફાઈમાં આનંદ લેવા લાગ્યો, કેમ કે ઘણી વાર મેં વિદ્વત્તા માટે શ્રેષ્ઠતાના એવોડ્ર્સ જીત્યા. હું રશિયન, ઈંગ્લીશ, અને જર્મન શીખ્યો અને મેં સામ્યવાદી જગતમાં તથા એની પાર વિસ્તૃતપણે મુસાફરી કરી. મેં ધાર્મિક માન્યતાઓને નિરર્થક વહેમો તરીકે રદિયો આપવામાં આનંદ માણ્યો. અને મેં નાસ્તિકતા પૂરેપૂરી સ્વીકારી હોવા છતાં, હું એના રાજકીય વક્તવ્યને ધિક્કારવા લાગ્યો.
હું ફક્ત ૨૧ વર્ષનો હતો ત્યારે ૧૯૬૫માં ઈંગ્લેન્ડની મુસાફરીએ મારા પર ગહન અસર કરી. હું એવા લોકોને મળ્યો જેઓએ સર્વોચ્ચ દેવમાંના તેઓના વિશ્વાસનો ખાતરી તથા તર્કસહિત બચાવ કર્યો. હું પ્રાગ પહોંચ્યો પછી, એક રોમન કેથલિક સગાએ સૂચવ્યું: “ખ્રિસ્તીધર્મ વિષે ન વાંચો. પરંતુ બાઇબલ વાંચો.” મેં એમ જ કર્યું. મને એ પૂરું કરતા ત્રણ મહિના લાગ્યા.
બાઇબલ લેખકોએ જે રીતે પોતાના સંદેશા રજૂ કર્યા હતા એણે મને પ્રભાવિત કર્યો. તેઓ નિખાલસ અને સ્વ-ટીકાત્મક હતા. હું માનવા લાગ્યો કે તેઓ જે ભવ્ય ભાવિ વિષે બોલ્યા એ એવું કંઈક હતું જે ફક્ત દેવ જ કલ્પી શકે અને પૂરું પાડી શકે.
મહિનાઓ સુધીના વ્યક્તિગત બાઇબલ વાચન અને મનન પછી, મને લાગ્યું કે હું મારા પપ્પા અને મિત્રોનો સામનો કરવા તૈયાર હતો. મને ખબર હતી કે તેઓ મારા નવા ધર્મને પડકાર ફેંકશે. ત્યાર પછી, હું પ્રખર ધર્માંતર કરાવનાર બન્યો. જે કોઈ મારી નજીક હોય—જેમ કે શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલા પેલા અમેરિકી પ્રોફેસર—તેણે મારા ધર્માંતર કરાવવાના પ્રયત્નનો સામનો કરવો પડતો. મેં મારા ધર્મની દરેકને જાણ કરવા માટે મારા પલંગ પાસે દિવાલ પર મોટો ક્રોસ પણ લટકાવ્યો.
જોકે, મમ્મીએ વાંધો ઉઠાવ્યો કે, હું મારા પ્રખર સામ્યવાદી પિતાને એટલો બધો મળતો આવું છું કે, હું ખ્રિસ્તી ન હોય શકું. તોપણ, હું લાગુ રહ્યો. મેં બીજી અને ત્રીજી વાર બાઇબલ વાંચ્યું. ત્યાર સુધીમાં મને સમજાયું કે વધુ પ્રગતિ કરવા માટે, મારે માર્ગદર્શનની જરૂર હતી.
મારી શોધનો બદલો મળ્યો
મેં રોમન કેથલિક ચર્ચનો સંપર્ક સાધ્યો. યુવાન પાદરીનો મુખ્ય ધ્યેય મને ચર્ચના સિદ્ધાંતો શીખવવાનો હતો, જે મેં પૂરેપૂરું સ્વીકાર્યું. પછી, ૧૯૬૬માં—મારા પપ્પા માટે એ શરમજનક હોવા છતાં—હું બાપ્તિસ્મા પામ્યો. મારા પર પાણી છાંટ્યા પછી, પાદરીએ સૂચવ્યું કે હું બાઇબલ વાંચું, પરંતુ તેણે ઉમેર્યું: “પોપે ઉત્ક્રાંતિવાદનો સ્વીકાર કરી લીધો છે, માટે ચિંતા કરશો નહિ; આપણે ઘઉંમાંથી કડવા દાણા છૂટા પાડીશું.” મને આઘાત લાગ્યો કે જે પુસ્તકે મને વિશ્વાસ પૂરો પાડ્યો હતો એના વિષે શંકા ઉઠાવવામાં આવી.
એ દરમ્યાન, ૧૯૬૬ની પાનખરમાં, મેં કેથલિક કુટુંબમાંથી આવતા મારા એક મિત્રને વાત કરી અને તેની સાથે મારી માન્યતાઓનો સહભાગી થયો. તે પણ બાઇબલથી પરિચિત હતો, અને તેણે મને આર્માગેદન વિષે વાત કરી. (પ્રકટીકરણ ૧૬:૧૬) તેણે કહ્યું કે તે યહોવાહના સાક્ષીઓના સંપર્કમાં હતો, જેઓ વિષે હું શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલા જોવા લાયક સ્થળોના પર્યટનનું સંચાલન કરી રહ્યો હતો ત્યારે મેં બે મહિના પહેલાં સાંભળ્યું હતું. જોકે, મેં મારા શક્તિશાળી, ધનવાન, અને મોટી સંખ્યા ધરાવતા રોમન કેથલિક ચર્ચ સાથે સરખાવતા તેના વૃંદને મામૂલી ગણ્યું.
વધુ ચર્ચાઓ દરમ્યાન, અમે ત્રણ પ્રાથમિક મહત્ત્વના વાદવિષયો તપાસ્યા. પ્રથમ, શું રોમન કેથલિક ચર્ચ પ્રથમ સદીના ખ્રિસ્તીધર્મનું વારસ છે? બીજો, શાને છેવટની સત્તા ગણવી—મારા ચર્ચને કે બાઇબલને? અને ત્રીજો, કયું સાચું છે, બાઇબલનો ઉત્પત્તિનો અહેવાલ કે ઉત્ક્રાંતિવાદ?
બાઇબલ અમારા બંનેના વિશ્વાસનું ઉદ્ભવ હોવાથી, કેથલિક ચર્ચનું શિક્ષણ શરૂઆતના ખ્રિસ્તીઓના શિક્ષણથી ઘણું ભિન્ન છે એવી મને ખાતરી કરાવવામાં મારા મિત્રને જરા પણ મુશ્કેલી ન પડી. દાખલા તરીકે, મને જાણવા મળ્યું કે કેથલિક ઉદ્ભવો પણ સ્વીકારે છે કે ત્રૈક્યનું ચર્ચનું આગળ પડતું શિક્ષણ ઈસુ ખ્રિસ્ત અને તેમના પ્રેષિતોના શિક્ષણ પર આધારિત નથી.
એ અમને એ સંબંધિત પ્રશ્ન પર દોરી ગયું કે આપણી છેવટની સત્તા કઈ હોવી જોઈએ? મેં સંત ઓગસ્ટિનના અવતરણનો ઉલ્લેખ કર્યો: “રોમા લોકુતા એસ્ત; કૌસા ફીનીતા એસ્ત,” એટલે કે, “રોમે કહ્યું છે; એટલે વાત પૂરી થઈ.” પરંતુ મારો મિત્ર એ વાતને વળગી રહ્યો કે દેવનો શબ્દ, બાઇબલ, આપણી સર્વોચ્ચ સત્તા હોવો જોઈએ. મારે પ્રેષિત પાઊલના આ શબ્દો સાથે સહમત થવું પડ્યું: “દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ દેવ સાચો ઠરો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—રૂમી ૩:૪.
છેવટે, મારા મિત્રે મને ઈવોલ્યુશન વર્સસ ધ ન્યૂ વર્લ્ડ શીર્ષકવાળી જર્જરિત, ટાઈપરાઈટરથી ટાઈપ કરેલી પ્રત આપી. ઝેકોસ્લોવેકિયામાં ૧૯૪૦ના દાયકાના પાછલા ભાગમાં યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ હતો તેથી, તેઓ પોતાના પ્રકાશનોની નકલ કરતા અને કોને આપવામાં આવે છે એની બહુ કાળજી રાખતા. એ પુસ્તિકા વાંચતા, મને ખબર પડી કે એમાં સત્ય હતું. મારા મિત્રે મારી સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. તે મને “લેટ ગોડ બી ટ્રુ” પુસ્તકમાંથી દર વખતે કેટલાંક પાના આપતો, અને અમે ભેગા મળી એ પાનાઓની ચર્ચા કરતા.
અમે એ ચર્ચાઓ શરૂ કરી તેને થોડા સમય પછી જ—૧૯૬૬ની નાતાલના સમયે—વેસ્ટ જર્મનીમાંના કેટલાક મિત્રો પ્રાગમાં મને મળવા આવ્યા. અમારી એક ચર્ચા દરમ્યાન, તેઓએ યુદ્ધ ભડકાવનારા ઢોંગીઓ તરીકે ખ્રિસ્તીઓની મશ્કરી કરી. “નેટો (NATO)માંના દેશોના સૈનિકો તરીકે, અમે વોરસો પેક્ટના સામ્યવાદી દેશમાંના કહેવાતા ખ્રિસ્તી તરીકે તમારી સાથે યુદ્ધ કરી શકીએ,” તેઓએ કહ્યું. તેઓનો નિષ્કર્ષ હતો: “ઢોંગી બનવાને બદલે ટીકાકારી બનવું વધારે સારું છે.” મને લાગ્યું કે કદાચ તેઓ સાચા હતા. તેથી અમારા ત્યાર પછીના બાઇબલ અભ્યાસમાં, મેં મારા મિત્રને પૂછ્યું કે સાચા ખ્રિસ્તીઓ યુદ્ધ અને એને માટેની તાલીમને કઈ રીતે હાથ ધરે છે.
મેં સામનો કરેલા નિર્ણયો
મારા મિત્રે આપેલી સ્પષ્ટ સમજણથી મને બહુ જ આશ્ચર્ય થયું. તોપણ, ‘તરવારોને ટીપીને કોશો બનાવવાના’ બાઇબલ શિક્ષણના સુમેળમાં આવવા માટે મારા જીવનમાં અને ઇચ્છિત કારકિર્દીમાં નાટકીય ફેરફારો જરૂરી હતા. (યશાયાહ ૨:૪) હું પાંચ મહિનામાં તબીબી યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થવાનો હતો, અને પછી મારે કેટલોક સમય ફરજિયાત લશ્કરી સેવા બજાવવાની હતી. મારે શું કરવું જોઈએ? હું બાવરો બની ગયો. તેથી મેં દેવને પ્રાર્થના કરી.
કેટલાક દિવસો સુધી ઊંડો, ચિંતનાત્મક વિચાર કર્યા પછી, મને શાંતિપૂર્ણ વ્યક્તિઓ બનવાની સાચા ખ્રિસ્તીઓ માટેની જરૂરિયાત પૂરી ન કરવા માટે કોઈ બહાનું મળી શક્યું નહિ. યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, મેં નક્કી કર્યું કે મને અંતઃકરણને લીધે વાંધો ઉઠાવનાર તરીકે સજા કરવામાં આવે ત્યાં સુધી હું એક હોસ્પિટલમાં પદવીનો સ્વીકાર કરીશ. પરંતુ મારી નોકરી મને લોહીની આપલેમાં સંડોવી શકે એ જાણવાને લીધે, મેં હોસ્પિટલમાંની નોકરી છોડવાનો નિર્ણય કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૯, ૨૦, ૨૮, ૨૯) એ નિર્ણયને પરિણામે મારી વિસ્તૃત પ્રમાણમાં જાહરે બદનામી થઈ.
હું જાણીજોઈને મારા પપ્પાની રાજકીય કારકિર્દી બરબાદ કરવા ઇચ્છતો ન હતો એની ખાતરી કર્યા પછી, મારા પપ્પાએ વચ્ચે પડી મારી ફરજિયાત લશ્કરી સેવા એક વર્ષ મુલતવી રખાવી. એ ૧૯૬૭નો ઉનાળો મારે માટે મુશ્કેલ સમય હતો. મારી સ્થિતિનો વિચાર કરો: હું નવો બાઇબલ વિદ્યાર્થી હતો જેનો અભ્યાસ ચલાવનાર, જે એકમાત્ર સાક્ષી હતો જેના સંપર્કમાં અત્યાર સુધી હું આવ્યો હતો, તે ઉનાળા દરમ્યાન બહાર ગામ જવાનો હતો. અને તેણે મારા વ્યક્તિગત અભ્યાસ માટે “લેટ ગોડ બી ટ્રુ” પુસ્તકના ફક્ત થોડા જ પ્રકરણો રહેવા દીધા હતા. એ તથા મારું બાઇબલ આત્મિક માર્ગદર્શન માટેનાં એકમાત્ર ઉદ્ભવ હતાં.
પછીથી, હું બીજા સાક્ષીઓથી પરિચિત થયો, અને માર્ચ ૮, ૧૯૬૮ના રોજ મેં પાણીના બાપ્તિસ્મા દ્વારા યહોવાહ દેવને મારું સમર્પણ ચિહ્નિત કર્યું. પછીના વર્ષે મને ઈંગ્લેન્ડમાંની યુનિવર્સિટી ઓફ ઓક્ષફર્ડ ખાતે બે વર્ષનો અનુસ્નાતક અભ્યાસનો કોર્સ ઓફર કરવામાં આવ્યો. કેટલાકે સૂચવ્યું કે મારે ઓફર સ્વીકારી ઈંગ્લેન્ડ જવું જોઈએ, જ્યાં સાક્ષીઓ પ્રતિબંધ હેઠળ નથી એવા દેશમાં હું આત્મિક રીતે પ્રગતિ કરી શકું. તે જ સમયે, હું સારી વ્યવસાયી કારકિર્દી માટે તૈયારી કરી શકું. તોપણ, એક ખ્રિસ્તી વડીલે કહ્યું કે ઝેકોસ્લોવેકિયામાં મારી સેવાની જેટલી જરૂર હતી એટલી ઈંગ્લેન્ડમાં ન હતી. તેથી મેં મારું દુન્યવી શિક્ષણ આગળ વધારવાની ઓફરનો નકાર કરવાનું નક્કી કર્યું, અને હું ભૂગર્ભમાંની અમારી પ્રચાર પ્રવૃત્તિમાં મદદ કરવા ઝેકોસ્લોવેકિયામાં રહ્યો.
મને ૧૯૬૯માં રાજ્ય સેવા શાળાના કોર્સમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું, જે કોર્સ ખ્રિસ્તી નિરીક્ષકો માટે ખાસ શિક્ષણ ધરાવે છે. તે જ વર્ષે મેં ઝેકોસ્લોવેકિયામાં સૌથી સારા યુવાન ઔષધશાસ્ત્રી તરીકે શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) મેળવી. પરિણામે, મેં સ્વિત્ઝરલેન્ડમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ફાર્માકોલોજીના મહાસંમેલનમાં હાજરી આપી.
એક વૈજ્ઞાનિક પોતાની દૃષ્ટિ બદલે છે
મેં ૧૯૭૦માં જેમાં હાજરી આપી એ ભાષણ દરમ્યાન, ફ્રાન્ટીશેક વીસ્કોચીલ નામના એક વૈજ્ઞાનિકે જ્ઞાનતંતુ-તરંગોના વહનનો જટિલ વિષય સમજાવ્યો. તેણે કહ્યું કે જટિલ શરીર-રચનામાં જ્યારે પણ જરૂર ઊભી થઈ, ત્યારે એક નોંધપાત્ર ઉકેલ પૂરો પાડવામાં આવ્યો. “એ બધું કઈ રીતે કરવું તે કુદરત, મુગ્ધ કરનાર, જાણે છે,” તેણે નિષ્કર્ષ બાંધ્યો.
ભાષણ પછી હું તેને મળ્યો. “તમને નથી લાગતું,” મેં પૂછ્યું, “કે જીવંત વસ્તુઓમાંની એ ઉત્કૃષ્ટ રચનાનો યશ દેવને જવો જોઈએ?” મારા પ્રશ્નથી તેને નવાઈ લાગી, કેમ કે તે નાસ્તિક હતો. તેણે ભિન્ન પ્રકારના પ્રશ્નોથી પ્રત્યુત્તર આપ્યો. તેણે પૂછ્યું: “દુષ્ટતા ક્યાંથી આવી?” અને “આટલા બધા બાળકો અનાથ છે એનો દોષ કોને આપવો?”
મેં વાજબી, બાઇબલાધારિત જવાબ આપ્યા ત્યારે, તેનો રસ જાગ્યો. પરંતુ તેણે પૂછ્યું કે શા માટે બાઇબલ કોષની રચનાના વર્ણન જેવી ચોક્કસ વૈજ્ઞાનિક માહિતી આપતું નથી, જેથી લોકો સહેલાઈથી સમજી શકે કે એના કર્તા ઉત્પન્નકર્તા છે. “વધારે મુશ્કેલ શું છે,” મેં પ્રત્યુત્તર આપ્યો, “વર્ણન કરવું કે ઉત્પન્ન કરવું?” મેં તેને ડિડ મેન ગેટ હીયર બાય ઈવોલ્યુશન ઓર બાય ક્રીએશન? પુસ્તક આપ્યું.
ફ્રાન્ટીશેકે એને ઉપરછલ્લું વાંચ્યા પછી, એ સાદું અને ભૂલભરેલું હોવાનો દાવો કર્યો. તેણે બહુપત્નીત્વ, દાઊદનો વ્યભિચાર, અને તેણે એક નિર્દોષ માણસના કરેલા ખૂન વિષે બાઇબલે જે કહ્યું એની પણ ટીકા કરી. (ઉત્પત્તિ ૨૯:૨૩-૨૯; ૨ શમૂએલ ૧૧:૧-૨૫) બાઇબલ દેવના સેવકોની ભૂલો, તેમ જ સીધેસીધા ઉલ્લંઘનો, વિષે પ્રમાણિકપણે અહેવાલ આપે છે એનો નિર્દેશ કરી, મેં તેના વાંધાઓને રદિયો આપ્યો.
છેવટે, અમારી એક ચર્ચા દરમ્યાન, મેં ફ્રાન્ટીશેકને કહ્યું કે વ્યક્તિ સારું પ્રેરણાબળ ધરાવતી ન હોય, અર્થાત્ તે સત્ય માટેના પ્રેમની ખામી ધરાવતી હોય, તો કોઈ પણ પ્રકારની દલીલો કે વિચારદલીલ તેને દેવના અસ્તિત્વની ખાતરી આપશે નહિ. હું જવાની તૈયારીમાં જ હતો ત્યારે, તેણે મને થોભાવી બાઇબલ અભ્યાસની માગણી કરી. તેણે કહ્યું કે તે ડિડ મેન ગેટ હીયર બાય ઈવોલ્યુશન ઓર બાય ક્રીએશન? પુસ્તક ફરીથી વાંચશે—આ વખતે ખુલ્લું મન રાખીને. પછીથી, તેનું વલણ તદ્દન બદલાયું, જેનો પુરાવો તેના એક પત્રમાંના નીચેના અવતરણમાં મળે છે: “તે સમયે માણસનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે; અને એકલો યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.”—યશાયાહ ૨:૧૭.
ફ્રાન્ટીશેક અને તેની પત્નીએ ૧૯૭૩ના ઉનાળામાં યહોવાહના સાક્ષીઓ તરીકે બાપ્તિસ્મા લીધું. હાલમાં, તે પ્રાગના એક મંડળમાં વડીલ તરીકે સેવા કરે છે.
પ્રતિબંધ હેઠળ પ્રચાર કરવો
પ્રતિબંધ દરમ્યાન અમને ઘણી સાવધાનીપૂર્વક અમારી ક્ષેત્રસેવા ચાલુ રાખવાની દોરવણી આપવામાં આવી હતી. એકવાર, એક યુવાન સાક્ષીએ મને તેની સાથે પ્રચારમાં ભાગ લેવાની વિનંતી કરવાનું ચાલુ રાખ્યું. તેણે શંકા ઉઠાવી કે યહોવાહના સાક્ષીઓના સંગઠનમાં આગેવાની લેનારાઓ પોતે ખરેખર સેવાકાર્યમાં જાય છે કે કેમ. અમે અમારા અવિધિસરના સેવાકાર્યમાં ઘણી સારી વાતચીતનો આનંદ માણ્યો. પરંતુ છેવટે અમે એવા એક માણસને મળ્યા જેણે રાજ્યની છૂપી પોલીસના આલ્બમમાંના ફોટામાંથી મારો ચહેરો ઓળખી કાઢ્યો, જે હું તે સમયે સમજ્યો નહિ. મારી ધરપકડ કરવામાં આવી નહિ છતાં, ત્યારથી માંડીને અધિકારીઓ મારા પર ચાંપતી નજર રાખવા માંડ્યા જેણે અમારી ભૂગર્ભ પ્રચાર પ્રવૃત્તિમાં મારી અસરકારકતાને અવરોધી.
આગલા વર્ષોના મારા રિવાજ પ્રમાણે, ૧૯૮૩ના ઉનાળામાં દેશના દૂરના ભાગમાં અવિધિસર સાક્ષી આપવામાં થોડાક દિવસો વિતાવવા માટે મેં યુવાન સાક્ષીઓનું એક વૃંદ સંગઠિત કર્યું. શાણી સલાહને કાન ધરવામાં નિષ્ફળ જઈ, જાહેર પરિવહનનો ઉપયોગ કરવાને બદલે હું મારી કાર લઈ ગયો કેમ કે એ વધારે સગવડભર્યું હતું. દુકાનેથી થોડી વસ્તુઓ ખરીદવા માટે અમે થોડી વાર થોભ્યા ત્યારે, મેં દુકાનની સામે કાર ઊભી રાખી. વસ્તુઓ માટે પૈસા ચૂકવતી વખતે, મેં દુકાનમાં કામ કરતા કેટલાક યુવાનો તરફ નિર્દેશ કરી એક કામદાર વૃદ્ધાને કહ્યું: “ભવિષ્યમાં, આપણે બધા યુવાન બની શકીએ.” સ્ત્રીએ સ્મિત કર્યું. “જોકે, એ આપણ માનવીઓ માટે શક્ય નથી,” મેં કહેવાનું ચાલુ રાખ્યું. “ઉપરથી મદદ જરૂરી છે.”
વધુ પ્રત્યુત્તર ન મળ્યો તેથી, હું જતો રહ્યો. હું ધાર્મિક દૃષ્ટિ ફેલાવી રહ્યો હતો એવી શંકાથી, મને ખબર ન હતી તેમ, તે કામદારે મને મારી ગાડીમાં વસ્તુઓ મૂકતા દુકાનની બારીમાંથી નિહાળ્યો. પછી તે સ્ત્રીએ પોલીસને ખબર આપી. કેટલાક કલાકો પછી, ગામના બીજા ભાગોમાં અવિધિસરનું સાક્ષીકાર્ય કર્યા પછી, હું અને મારો જોડીદાર કાર પાસે પાછા આવ્યા. અચાનક, બે પોલીસ આવ્યા અને અમને ચોકીમાં લઈ ગયા.
અમને છોડવામાં આવ્યા તે પહેલાં ઘણાં કલાકો, પોલીસચોકીમાં, અમારી પૂછપરછ કરવામાં આવી. મારો પહેલો વિચાર એ હતો કે તે દિવસે અમે રસ ધરાવતી વ્યક્તિઓના સરનામા મેળવ્યાં હતાં તેનું શું કરવું. તેથી હું એને ફેંકી દેવા માટે જાજરૂમાં ગયો. પરંતુ હું એમ કરી શકું એ પહેલાં પોલીસના મજબૂત હાથે મને રોક્યો. તેણે જાજરૂમાંથી કાગળ બહાર કાઢ્યા અને એને સાફ કર્યા. એનાથી મને વધુ તણાવ થયો, કેમ કે મને સરનામા આપનારા લોકો હવે જોખમમાં મૂકાયા હતા.
પછીથી, અમને બધાને અમારી હોટલે લઈ જવામાં આવ્યા, જ્યાં પોલીસ અમારી રૂમની જાંચતપાસ કરી ચૂકી હતી. પરંતુ બહુ કાળજીપૂર્વક સંતાડવામાં આવ્યા ન હોવાં છતાં, તેઓને બીજી રસ ધરાવતી વ્યક્તિઓના સરનામા મળ્યાં નહિ. પછીથી, ગેરકાનૂની પ્રવૃત્તિમાં મારી સંડોવણીને માટે મને, જ્ઞાનતંતુઔષધશાસ્ત્રી (neuropharmacologist) તરીકેની મારી નોકરીના સ્થળે, જાહેરમાં ઠપકો આપવામાં આવ્યો. વળી, ઝેકોસ્લોવેકિયામાં પ્રચારકાર્યના નિરીક્ષકે પણ મને શિક્ષા કરી, જેમણે અગાઉ મને સેવાકાર્યમાં ભાગ લેવા મુસાફરી કરતી વખતે મારી કારનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી હતી.
શિસ્તને આધીન થવું
મને ૧૯૭૬માં ઝેકોસ્લોવેકિયામાં યહોવાહના સાક્ષીઓના પ્રચારકાર્યનું નિરીક્ષણ કરતી સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ઉપર જણાવેલી બાબતોમાં મારી નબળી નિર્ણાયકતાને લીધે મારું જીવન છૂપી પોલીસની ચાંપતી નજર હેઠળ આવ્યું હોવાથી, મને પ્રદેશ સમિતિ (કન્ટ્રી કમિટી)માં સેવા આપવામાંથી અને બીજા વિવિધ લહાવાઓમાંથી મુક્ત કરવામાં આવ્યો. મને ખાસ ગમતો એક લહાવો પ્રવાસી નિરીક્ષકો અને પાયોનિયરો કહેવાતા પૂરેપૂરા સમયના સેવકો માટેની શાળાઓમાં શીખવવાનો લહાવો હતો.
મેં આપવામાં આવેલી શિસ્ત સ્વીકારી, પરંતુ ૧૯૮૦ના દાયકાના મધ્યથી પાછલા ભાગ સુધીનો એ સમયગાળો મારે માટે સ્વતપાસનો મુશ્કેલ સમયગાળો હતો. શું હું વધુ ડહાપણભરી રીતે કાર્ય કરતા શીખીને વધુ અનિર્ણાયક પગલાં નિવારીશ? ગીતશાસ્ત્ર ૩૦, કલમ ૫, કહે છે: “રૂદન રાત પર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.” મારે માટે એ સવાર નવેમ્બર ૧૯૮૯માં ઝેકોસ્લોવેકિયામાં સામ્યવાદી સરકારના પતન સાથે આવી.
અદ્ભુત લહાવાઓ
અમારા સેવાકાર્યમાં મુક્તપણે ભાગ લેવો અને બ્રૂક્લીન, ન્યૂ યોર્ક ખાતેના યહોવાહના સાક્ષીઓના વડામથક સાથે ખુલ્લો સંચાર હોવો કેટલો મોટો ફેરફાર હતો! થોડા જ વખતમાં મને પ્રવાસી નિરીક્ષક તરીકેની કામગીરી સોંપવામાં આવી, અને મેં જાન્યુઆરી ૧૯૯૦માં એ કાર્ય શરૂ કર્યું.
પછી, ૧૯૯૧માં, મને માન્ચેસ્ટર, ઈંગ્લેન્ડમાં સેવકાઈ તાલીમ શાળામાં હાજરી આપવાનો લહાવો મળ્યો. પરિપક્વ ખ્રિસ્તી માણસોની સંગત અને તેઓના શિક્ષણનો આનંદ માણવામાં બે મહિના વિતાવવા કેવો આશીર્વાદ હતો! દરરોજ કેટલોક સમય, અમારે વિદ્યાર્થીઓએ કેટલુંક કામ કરવાનું હતું, જેણે અમારા તીવ્ર સિદ્ધાંતલક્ષી શિક્ષણમાં રાહત પૂરી પાડી. મને બારીઓ સાફ કરવાનું સોંપવામાં આવ્યું.
ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તરત જ, મેં પ્રાગમાં વિશાળ સ્ટ્રાહોફ સ્ટેડિયમ ખાતે ઓગસ્ટ ૯થી ૧૧ દરમ્યાન ભરવામાં આવેલા યહોવાહના સાક્ષીઓના મહત્ત્વના મેળાવડાની તૈયારીમાં મદદ કરવાનું શરૂ કર્યું. એ પ્રસંગે ઘણા દેશોમાંથી ૭૪,૫૮૭ લોકો આપણા દેવ યહોવાહની ઉપાસના કરવા માટે મુક્તપણે ભેગા થયા!
પછીના વર્ષે મેં જ્ઞાનતંતુઔષધશાસ્ત્રી તરીકેની નોકરી છોડી દીધી. લગભગ ચાર વર્ષથી, હું પ્રાગમાંની ઓફિસમાં કામ કરું છું, જ્યાં હું ચેક રીપબ્લિકમાં યહોવાહના સાક્ષીઓના કાર્યનું નિરીક્ષણ કરતી સમિતિમાં ફરીથી સેવા આપું છું. તાજેતરમાં યહોવાહના સાક્ષીઓને પ્રદાનમાં આપવામાં આવેલા દસ માળના એક મકાનને નવેસરથી સજાવીને શાખા કચેરી તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું. મે ૨૮, ૧૯૯૪ના રોજ, આ સુંદર સવલતને યહોવાહની સેવા માટે સમર્પિત કરવામાં આવી.
મારા સૌથી મોટા આશીર્વાદોમાં, મારા સગાઓનો સમાવેશ કરતા, બીજાઓ સાથે બાઇબલ સત્યના સહભાગી થવાનો લહાવો છે. હજુ સુધી, મારા પપ્પા અને મમ્મી સાક્ષીઓ બન્યા નથી, પરંતુ હવે તેઓ મારી પ્રવૃત્તિની તરફેણમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેઓએ આપણી કેટલીક સભાઓમાં હાજરી આપી છે. મારી નિષ્ઠાપૂર્વકની આશા છે કે, પ્રમાણિક હૃદયની બીજી લાખો વ્યક્તિઓની સાથે, તેઓ પણ દેવના રાજ્યના શાસનને નમ્રતાપૂર્વક આધીન થશે અને દેવની સેવા કરવાનું પસંદ કરનારાઓ માટે દેવે રાખી મૂક્યા છે એ અનંત આશીર્વાદોનો આનંદ માણશે.
(આ લેખમાં ઉલ્લેખવામાં આવેલા પ્રકાશનો વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત છે.)
(g96 4/22)
હું યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતો ત્યારે
મારા પપ્પા, જે ઝેકોસ્લોવેકિયાના શિક્ષણ પ્રધાન બન્યા, અને મારી મમ્મી, જે આંખની આગળ પડતી સર્જન હતી
ફ્રાન્ટીશેક વીસ્કોચીલ, એક વૈજ્ઞાનિક અને નાસ્તિક, જે સાક્ષી બન્યો
સામ્યવાદના પતનથી માંડીને, યહોવાહના સાક્ષીઓએ પૂર્વીય યુરોપમાં ઘણાં મોટાં
મહાસંમેલનો યોજ્યાં છે. અહીં ૧૯૯૧માં પ્રાગમાં ૭૪,૦૦૦થી વધુએ હાજરી આપી
ઈંગ્લેન્ડમાં સેવકાઈ તાલીમ શાળામાં હાજરી આપતી વખતે મારી કાર્ય સોંપણી પર
પ્રાગમાં આપણી શાખા સવલતો, જેને મે ૨૮, ૧૯૯૪માં સમર્પિત કરવામાં આવી