“બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે”
એ ઝેકોસ્લોવેકિયા (હવે ચેક રીપબ્લિક)માં યહોવાહના સાક્ષીઓના ખાસ સંમેલન દિવસનું બપોર પછીનું સત્ર હતું, અને સેંકડો વ્યક્તિઓ બાઇબલનું શિક્ષણ મેળવવા ભેગી મળી હતી. હું મારા ભાગનું પુનરાવર્તન કરતો મંચની પાછળ ઊભો હતો. મારો ભાગ બહુ મોટો ન હતો. બે યુવાન સાક્ષીઓ અનુભવો વર્ણવવાના હતા, અને હું ફક્ત તેઓના સભાપતિ તરીકે સેવા બજાવવાનો હતો. એ સવારે મને અંદરખાનેથી તણાવ લાગ્યો, અને હવે એ વધી રહ્યો હતો. મને શાબ્દિક રીતે લકવો થયો હોય, અત્યંત ચિંતાતુર બની ગયો હોઉં, અને બોલી ન શકતો હોઉં એવું લાગ્યું.
તમે વિચારતા હશો કે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ બેચેન બની શકે. પરંતુ આ બેચેની હોવાના કિસ્સાથી વધુ હતું. એનું કારણ મને સમજાવવા દો.
બોલવાનો મારો કોયડો
હું ૧૨ વર્ષની ઉંમરે પડી ગયો, અને મને માથામાં, ગળામાં, અને કરોડરજ્જુમાં ઈજા થઈ. ત્યાર પછી, પ્રસંગોપાત મારી જીભ ચોંટી જતી અથવા શબ્દો રચવામાં મને મુશ્કેલી પડતી, ખાસ કરીને પ, ક, ટ, ડ, અને મ અક્ષરોથી શરૂ થતા શબ્દોમાં. કેટલીકવાર હું બોલી પણ શકતો ન હતો.
એ સમયે મને એ કોયડા વિષે કંઈ ખાસ ચિંતા ન થઈ; એ ફક્ત અગવડતાભર્યું લાગ્યું. પરંતુ વર્ષો પસાર થયાં તેમ, મારામાં કોઈ પણ પ્રકારના જાહેર વક્તૃત્વ વિષે ખરેખરો ભય વિકસ્યો. એકવાર શાળામાં અહેવાલ વાંચતી વખતે મને મૂર્છા આવી ગઈ. અને કેટલીકવાર ખરીદી કરતી વખતે, દુકાનદાર પૂછતો કે મને શું જોઈએ છે ત્યારે, હું તેઓને જવાબ આપી શકતો નહિ. હું બોલવા માટે સંઘર્ષ કરતો તેમ, તેઓની ચીડ વધતી: “જલદી કરો. મારી પાસે આખો દિવસ નથી. બીજા ગ્રાહકો રાહ જોઈ રહ્યા છે.” પરિણામે, હું મને જોઈતી વસ્તુઓ ખરીદી શકતો નહિ.
શાળામાંના મારા વર્ષો બહુ મુશ્કેલ હતાં. મારે અહેવાલ વાંચવાનો થતો ત્યારે, સહાધ્યાયીઓ બોબડા હોવા વિષે મારી મશ્કરી કરતા. તોપણ, હું હાઇસ્કૂલમાંથી સ્નાતક થયો અને ૧૯૭૯માં ઝેકોસ્લોવેકિયાના પ્રાગમાંની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો. મને વ્યાયામમાં મઝા આવતી હોવાથી, મેં વ્યાયામશાળાના શિક્ષક બનવાનો કોર્સ લીધો. પરંતુ હું મારો ધ્યેય કઈ રીતે સિદ્ધ કરી શકું? શંકા હોવા છતાં, મેં પ્રગતિ ચાલુ રાખી.
મદદ શોધવી
બોલવાનો મારો કોયડો દૂર કરવાની કોઈ રીત હોવી જ જોઈએ. તેથી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, મેં નિષ્ણાત મદદ મેળવવાનો નિર્ણય કર્યો. મેં પ્રાગમાં બોલવાના કોયડામાં નિષ્ણાત હોય એવું એક ક્લિનિક શોધી કાઢ્યું. શરૂઆતની તપાસ દરમ્યાન, એક નર્સે ભૂલમાં કહી દીધું: “તમારા મગજની આ બીમારી તો કંઈ જુદી જ બાબત છે!” નિષ્ણાતો સહમત થાય છે કે જીભ ચોંટવી એ મગજની બીમારી નથી છતાં એ જાણવાથી મને દુઃખ થયું કે મને મગજની બીમારી થઈ છે એમ તેને લાગ્યું. હું અજોડ પડકારનો સામનો કરી રહ્યો હતો એ સમજતા મને વાર ન લાગી: હું ૨૪ વર્ષનો નવયુવક હતો, અને બીજા બધા દર્દીઓ બાળકો હતાં.
થોડા જ વખતમાં માનસશાસ્ત્રીઓસહિત બધા કર્મચારીઓ મને મદદ કરવામાં જોડાયા. તેઓએ બધું અજમાવી જોયું. એકવાર, તેઓએ મને પાંચ સપ્તાહ સુધી કોઈની પણ સાથે વાત કરવાની મનાઈ ફરમાવી. બીજા સમયે, તેઓએ મને એક સૂરે અને બ-હુ- જ ધીમે બોલવાની પરવાનગી આપી. એ અભિગમે મદદ કરી ત્યારે, એને લીધે ઘણાએ મારું નામ મદારી પાડ્યું કેમ કે હું અહેવાલ વાંચતો એ દરમ્યાન ઘણાં જણા ઊંઘી જતાં.
યહોવાહના સાક્ષીઓનો સંપર્ક
હું ૧૯૮૪માં ઉનાળાના એક દિવસે શહેરમાં ફરી રહ્યો હતો ત્યારે, બે યુવકો મારી પાસે આવ્યા. તેઓના બાહ્ય દેખાવે નહિ પરંતુ તેઓએ જે કહ્યું એણે મને આશ્ચર્ય પમાડ્યું. તેઓએ કહ્યું કે દેવ પાસે એવી સરકાર છે, એક રાજ્ય, જે માણસજાતના બધા કોયડાનો અંત લાવશે. તેઓએ મને તેઓનો ફોન નંબર આપ્યો, અને પછીથી મેં તેઓને ફોન કર્યો.
એ સમયે ઝેકોસ્લોવેકિયામાં યહોવાહના સાક્ષીઓને કાયદેસર ધાર્મિક સંગઠન તરીકે માન્ય કરવામાં આવ્યા ન હતા. તોપણ, થોડા જ વખતમાં મારો રસ એટલો બધો વધ્યો કે મેં તેઓની સભાઓમાં હાજરી આપવાનું શરૂ કર્યું. સાક્ષીઓને એકબીજા માટે હતાં એ પ્રેમ અને ચિંતા હું અનુભવી શક્યો.
આત્મવિશ્વાસ તરફનો માર્ગ
મારા બોલવાના કોયડા માટેની મદદ દેવશાહી સેવા શાળાના રૂપમાં આવી, જે શાળા યહોવાહના સાક્ષીઓના દરેક મંડળમાં દર અઠવાડિયે ચલાવવામાં આવે છે. મને એમાં જોડાવાની અરજ કરવામાં આવી, અને હું જોડાયો. શાળાના પાઠ્યપુસ્તકોમાંના એક, દેવશાહી સેવા શાળા માર્ગદર્શિકામાં રજૂ કરવામાં આવેલા સૂચનોને આધારે, મેં અસ્ખલિતપણે બોલવું, ઉચ્ચાર, અર્થ પર ભાર, અને સૂરનિયમન જેવા બોલવાના ગુણો પર કાર્ય કર્યું.a
a વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
વિદ્યાર્થી તરીકેનો બાઇબલ વાચનનો મારો પ્રથમ વાર્તાલાપ તદ્દન ભવાડો હતો. હું બેચેનીથી ભાંગી પડ્યો અને ઘરે પાછા જવું પણ અતિમુશ્કેલ બન્યું હતું. હું ગરમ પાણીના તાજગીદાયક સ્નાન માટે કેટલો આભારી હતો!
એ પ્રથમ વાર્તાલાપ પછી, શાળા નિરીક્ષકે મને વ્યક્તિગતપણે ધ્યાન આપ્યું. તેમણે મને સુધારાત્મક સલાહ આપી એટલું જ નહિ પરંતુ મારી પ્રશંસા પણ કરી. એણે મને પ્રયત્ન કરતા રહેવાની હિંમત આપી. ત્યાર પછી થોડા જ વખત પછી, ૧૯૮૭માં, હું બાપ્તિસ્મા પામેલો સાક્ષી બન્યો. થોડા મહિનાઓ પછી, હું પ્રાગમાંથી સડાર નાડ સાઝાવો નામના નાના શાંતિભર્યા ગામમાં રહેવા ગયો. સ્થાનિક સાક્ષીઓના નાના વૃંદે મારો આવકાર કર્યો. તેઓએ મારી હજુ પણ અટકી જતી વાણીનો સ્વીકાર કર્યો, અને એણે મારું સ્વમાન વધાર્યું.
સમય જતાં, મેં બાઇબલ અભ્યાસનું નાનું વૃંદ ચલાવવાનું શરૂ કર્યું, અને પછી મેં મારો પ્રથમ જાહેર બાઇબલ વાર્તાલાપ આપ્યો. છેવટે, ઝેકોસ્લોવેકિયામાં સરકાર બદલાયા પછી, મેં એવા વાર્તાલાપ પડોશી મંડળોમાં આપવાના શરૂ કર્યા. અપરિચિત જગ્યાએ બોલવાના મારા કોયડા ઊથલો મારતા. પરંતુ મેં પડતું મૂક્યું નહિ.
ખાસ પડકારોનો સામનો કરવો
એક દિવસ એક ખ્રિસ્તી વડીલે મને તેની નોકરીની જગ્યાએ બોલાવ્યો. તેમણે કહ્યું: “પીટર, મારી પાસે તમારે માટે કંઈક સારા સમાચાર છે! અમારી ઇચ્છા છે કે તમે આવી રહેલા સરકીટ સંમેલનમાં ભાગ લો.” મને જાણે કે મૂર્છા આવી ગઈ અને મારે બેસી જવું પડ્યું. મારા મિત્રની નિરાશા વચ્ચે, મારે પ્રસ્તાવનો નકાર કરવો પડ્યો.
એ નકારે મને સતાવ્યો. હું એને ભૂલી જઈ શક્યો નહિ. ખ્રિસ્તી સભાઓ દરમ્યાન જ્યારે પણ દેવમાં ભરોસો રાખવાનો ઉલ્લેખ થતો, ત્યારે એ નકાર યાદ કરીને મને દુઃખ થતું. દેવના માર્ગદર્શન હેઠળ ફક્ત ૩૦૦ માણસોથી આખા મિદ્યાની સૈન્યનો સામનો કરનાર ગિદઓનનો કેટલીકવાર સભાઓમાં ઉલ્લેખ કરવામાં આવતો. (ન્યાયાધીશ ૭:૧-૨૫) તે એવો માણસ હતો જેણે પોતાના દેવ યહોવાહમાં સાચે જ ભરોસો મૂક્યો હતો! પેલી કાર્યસોંપણીનો નકાર કરવામાં શું હું ગિદઓનનું ઉદાહરણ અનુસર્યો હતો? પ્રમાણિકપણે કહું તો, હું એ ઉદાહરણ અનુસર્યો ન હતો. હું શરમિંદો થયો.
તોપણ, મારા ખ્રિસ્તી ભાઈઓએ મને પડતો મૂકવાની ના પાડી. તેઓએ મને બીજી તક આપી. મને ખાસ સંમેલન દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આ વખતે હું સહમત થયો. એ લહાવા માટે હું ઘણો આભારી હતો છતાં, નિખાલસપણે કહેતા, લોકોથી ભરેલા સંમેલનગૃહમાં સંબોધન કરવાના વિચારથી હું હેબતાઈ ગયો. મારે યહોવાહમાંનો મારો ભરોસો વધારવા મહેનત કરવી પડી. પરંતુ કઈ રીતે?
બીજા સાક્ષીઓને તેમનામાં જે વિશ્વાસ અને ભરોસો હતાં એનો નિકટથી વિચાર કરીને. એમ કરવાથી હું મજબૂત બન્યો. અરે એક મિત્રની છ વર્ષની દીકરી વીરુકાના પત્રએ પણ મારે માટે સારું ઉદાહરણ બેસાડ્યું. તેણે લખ્યું: “સપ્ટેમ્બરમાં, હું શાળામાં જવાની છું. રાષ્ટ્રગીત વિષે શું થશે એની મને ખબર નથી. હું માનું છું કે યહોવાહે ઈસ્રાએલને માટે કર્યું તેમ તે મારે માટે પણ લડશે.”
વારુ, મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એ ખાસ સંમેલન દિવસના બપોર પછીના સત્રમાં દોરી જતાં એ કેટલાક બનાવો હતા. મેં નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી હતી. હવે હું એ મોટા શ્રોતાગણ સમક્ષ દેવના મહાન નામની સ્તુતિ કરવા વિષે જેટલો ચિંતાતુર હતો એટલો મારી વાણીની અસ્ખલિતતા વિષે ન હતો.
આમ હું મારી સમક્ષ મૂકેલા માઈકની સામે સેંકડો લોકો સમક્ષ ઊભો રહ્યો. પછી, સંદેશવાહક કરતા સંદેશો વધુ મહત્ત્વનો છે એ સમજીને, મેં ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. પછીથી, બાબતોને તપાસવાનો મને સમય મળ્યો. શું હું બેચેન હતો? નિશ્ચે, અને કેટલીકવાર મારી જીભ પણ ચોંટી ગઈ. તોપણ, મને ખબર હતી કે, દેવની મદદ વગર હું જરા પણ બોલી શક્યો ન હોત.
એક ખ્રિસ્તી ભાઈએ એકવાર મને કહ્યું હતું એ વિષે હું પછીથી વિચારવા લાગ્યો: “તમને જીભ ચોંટી જવાનો કોયડો છે એનાથી ખુશ થાઓ.” તેમણે એમ કહ્યું ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું હતું. તે એવું કઈ રીતે કહી શકે? ભૂતકાળમાં નજર કરતાં, તેમના કહેવાનો અર્થ શું હતો એ હવે હું સમજી શકું છું. બોલવાના મારા કોયડાએ મને પોતાને બદલે દેવ પર આધાર રાખવામાં મદદ કરી છે.
એ ખાસ સંમેલન દિવસના બપોર પછીના સત્રને કેટલાક વર્ષો થઈ ગયાં. એ વર્ષો દરમ્યાન મોટા શ્રોતાગણ સમક્ષ બોલવાનો સમાવેશ કરતા બીજા લહાવાઓ મને મળ્યા છે. મને સડાર નાડ સાઝાવોમાં ખ્રિસ્તી વડીલ તરીકે, અને યહોવાહના સાક્ષીઓના પૂરેપૂરા સમયના સેવકો કહેવાય છે તે પાયોનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. એની કલ્પના કરો! ત્યારે હું દેવના રાજ્ય વિષે બીજાઓને વાત કરવામાં દર મહિને એકસોથી વધુ કલાકો પસાર કરતો, અને દર અઠવાડિયે આપણી ખ્રિસ્તી સભાઓમાં શીખવવામાં પસાર કરેલા સમયની તો વાત જ બાજુએ રહી. અને હવે હું સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી દરેક સપ્તાહે જુદા જુદા મંડળમાં વાર્તાલાપો આપું છું.
હું બાઇબલના યશાયાહના પુસ્તકમાં આ ભવિષ્યવાણી વાંચું છું ત્યારે મારું હૃદય કદરથી ઊભરાય છે: “બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે.” (યશાયાહ ૩૨:૪; નિર્ગમન ૪:૧૨) યહોવાહે ખરેખર મારી સાથે રહી મને તેમના માન, સ્તુતિ, અને મહિમા માટે ‘સ્પષ્ટપણે બોલવા’ મદદ કરી છે. હું આપણા બહુ જ દયાળુ દેવની સ્તુતિ કરી શકવાને લીધે બહુ જ સંતુષ્ટ અને ખુશ છું.—પીટર કુન્ત્ઝના કહ્યા પ્રમાણે.
(g96 8/22)