વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૬/૮
  • ઘાતક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઘાતક
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઘાતક રોગ
  • મરકી રોકવી
  • ઉદ્‍ભવની શોધ કરવી
  • મરકી જતી રહે છે
  • વાઇરસથી બચો, પગલાં ભરો
    બીજા વિષયો
  • એઈડ્‌સ એની સામ કઈ રીત લડત આપવી
    સજાગ બનો!—૧૯૯૮
  • ૩. બીમારી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ફ્લૂથી તમારા કુટુંબને બચાવો
    સજાગ બનો!—૨૦૧૦
સજાગ બનો!—૧૯૯૬
g96 ૬/૮

ઘાતક

વાયરસ

ઝાઈર પર

ત્રાટકે છે

સજાગ બનો!ના આફ્રિકામાંના ખબરપત્રી તરફથી

ઝાઈરનું કીક્વિત વિષુવવૃત્તીય વર્ષા જંગલોને કિનારે આવેલું ફાલી રહેલું નગર છે. શહેર બહાર રહેતો, ૪૨ વર્ષનો ગસ્પાર મેન્ગા કિતામ્બલા તેના કુટુંબમાં એકલો જ યહોવાહનો સાક્ષી હતો. મેન્ગા કોલસાનો વેપારી હતો. તે જંગલની વચ્ચે પોતાના કોલસા બનાવતો, એના પોટલા બાંધતો, અને માથે ઉપાડીને કીક્વિત લઈ જતો.

જાન્યુઆરી ૬, ૧૯૯૫ના રોજ તેને પોતે માંદો હોય એવું લાગ્યું. જંગલેથી ઘરે જતા રસ્તામાં તે બે વાર પડી ગયો. તે ઘરે પહોંચ્યો ત્યારે, તેણે ક્હ્યું કે તેનું માથું દુઃખે છે અને તેને તાવ આવે છે.

ત્યાર પછીના થોડા દિવસો દરમ્યાન, તેની પરિસ્થિતિ વણસી. જાન્યુઆરી ૧૨ના રોજ, તેનું કુટુંબ તેને કીક્વિત જનરલ હોસ્પિટલમાં લઈ ગયું. મેન્ગાના મંડળમાંના સાક્ષીઓએ તેના કુટુંબને હોસ્પિટલમાં તેની સંભાળ લેવામાં મદદ કરી. દુઃખદપણે, તેની પરિસ્થિતિ વણસી. તેણે લોહીની ઊલટી કરવા માંડી. તેના નાક અને કાનમાંથી બેકાબૂપણે લોહી વહેવા લાગ્યું. જાન્યુઆરી ૧૫ના રોજ તે મરણ પામ્યો.

થોડા જ વખતમાં મેન્ગાના શરીરને સ્પર્શનાર તેના કુટુંબમાંના બીજાઓ માંદા પડવા લાગ્યા. માર્ચની શરૂઆત સુધીમાં, મેન્ગા સાથે નીકટથી સંકળાયેલા ૧૨ જણા મરણ પામ્યા, જેમાં તેની પત્ની અને તેઓના છ બાળકોમાંથી બેનો સમાવેશ થાય છે.

એપ્રિલની અધવચ સુધીમાં, હોસ્પિટલના કર્મચારીઓ અને બીજાઓ મેન્ગા અને તેના કુટુંબની જેમ જ માંદા પડીને મરણ પામવા લાગ્યા. થોડા જ વખતમાં એ બીમારી એ વિસ્તારના બીજા બે નગરોમાં ફેલાઈ. સ્પષ્ટપણે જ, બાહ્ય મદદની જરૂર હતી.

મે ૧ના રોજ ઝાઈરના આગવા વાયરસશાસ્ત્રી પ્રોફેસર મુયેમ્બે કીક્વિત ગયા. પછીથી તેમણે સજાગ બનો!ને કહ્યું: “અમે તારવ્યું કે કીક્વિત બે મરકીથી પીડાતું હતું: એક હતી બેક્ટેરિયાથી થતો મરડો, અને બીજી હતી વાયરસથી થતો ભારે રક્તસ્રાવવાળો તાવ. અલબત્ત, અમારે એ નિદાનની પુષ્ટિ કરવાની જરૂર હતી. તેથી અમે દર્દીઓ પાસેથી કેટલુંક લોહી લઈ યુ.એસ.એ.ના એટ્‌લાન્ટામાંના સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ (CDC, સીડીસી) ખાતે તપાસવા માટે મોકલ્યું.”

CDCએ મુયેમ્બે અને ઝાઈરમાંના બીજા ડોક્ટરોની શંકાની પુષ્ટિ કરી. એ રોગ ઈબોલા હતો.

ઘાતક રોગ

ઈબોલા વાયરસ ઘાતક હોય છે. એ ઝડપથી મરણ નિપજાવી શકે છે. એની વિરુદ્ધ કોઈ રસી નથી, અને એનો ભોગ બનેલાઓ માટે સારવારની જાણ નથી.

પ્રથમ ૧૯૭૬માં ઈબોલાને પારખવામાં આવ્યો. એનું નામ ઝાઈરમાંની એક નદી પરથી આપવામાં આવ્યું છે, જે રોગ દક્ષિણી સુદાનમાં અને પછી થોડા જ સમય પછી ઉત્તરીય ઝાઈરમાં ત્રાટક્યો હતો. ફરીથી ૧૯૭૯માં સુદાનમાં એ રોગ નાના પાયા પર ફાટી નીકળ્યો. એ પછી, ઈબોલા જેવા લક્ષણોથી મરણ પામેલી એકલદોકલ વ્યક્તિઓ સિવાય, એ રોગ વર્ષો સુધી નષ્ટ થયો.

ઈબોલા વાયરસ એટલો ઘાતક છે કે એટ્‌લાન્ટામાં વૈજ્ઞાનિકો સૌથી વધુ સલામતીવાળી પ્રયોગશાળામાં એનો અભ્યાસ કરે છે જેમાં એવી સંવાતન (ventilation) વ્યવસ્થા બાંધવામાં આવી છે કે એ હવા દ્વારા પણ કોઈ પણ માઈક્રોબને છટકી જતા અટકાવે. પ્રયોગશાળામાં પ્રવેશતા પહેલાં, વૈજ્ઞાનિકો રક્ષણાત્મક “અવકાશયાત્રીઓનાં કપડાં”થી સજ્જ થાય છે. તેઓ બહાર નીકળે ત્યારે જંતુમુક્ત કરતી દવાથી નહાય છે. કીક્વિત આવેલા ડોક્ટરોની ટુકડીઓ રક્ષણાત્મક સાધનો પોતાની સાથે લાવી—વાપર્યા પછી ફેંકી દેવાના હાથના મોજાં અને ટોપીઓ, ગોગલ્સ, અને વાયરસ પાર ન જઈ શકે એવાં ખાસ કપડાં.

એથી ભિન્‍ન, કીક્વિતના મોટા ભાગના રહેવાસીઓ પોતાના રક્ષણ માટે જરૂરી જ્ઞાન અને સાધનો ધરાવતા ન હતા. બીજાઓએ પોતાના બીમાર પ્રિયજનની કાળજી લેવામાં જાણ્યા છતાં જોખમ ઉઠાવ્યું અથવા જીવન ગુમાવ્યું. મિત્રો અને કુટુંબના સભ્યોએ માંદા અને મરણ પામેલાઓને કોઈ પણ રક્ષણ વિના પોતાની પીઠ કે ખભા પર ઉઠાવ્યા. પરિણામે જીવનની ભારે ખુવારી થઈ; વાયરસે આખા કુટુંબોને તારાજ કર્યા.

મરકી રોકવી

આંતરરાષ્ટ્રીય સમાજે પૈસા અને તબીબી સાધનોનું પ્રદાન કરી મદદ માટેના કીક્વિતના પોકારને પ્રત્યુત્તર આપ્યો. યુરોપ, સાઉથ આફ્રિકા, અને યુનાઈટેડ સ્ટેટ્‌સમાંથી તપાસ કરનારાઓની ટુકડીઓ આવી. ત્યાં આવવામાં તેઓનો બમણો હેતુ હતો: પ્રથમ, મરકી રોકવાનો; અને બીજો, બે રોગચાળા વચ્ચેના સમયગાળા દરમ્યાન વાયરસ ક્યાં રહે છે એ શોધી કાઢવાનો.

રોગચાળો અટકાવવામાં મદદ કરવા, આરોગ્ય કાર્યકરોએ એ રોગનાં લક્ષણ બતાવતા કોઈને પણ શોધી કાઢવા શેરીએ શેરીએ તપાસ કરી. માંદાઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓને અલગ રાખી શકાય અને તેઓની સલામત રીતે કાળજી લઈ શકાય. મરણ પામેલાઓને પ્લાસ્ટિકમાં લપેટી જલદીથી દફનાવી દેવામાં આવ્યા.

આરોગ્યના કાર્યકરો અને આમજનતાને એ રોગ વિષે ચોકસાઈભરી માહિતી પૂરી પાડવા માટે મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી. સંદેશાના એક ભાગે રૂઢિગત દફનક્રિયા વિરુદ્ધ સખત ચેતવણી આપી, જેમાં કુટુંબ મૂએલાને વિધિપૂર્વક હાથ ધરતું અને નવડાવતું.

ઉદ્‍ભવની શોધ કરવી

વૈજ્ઞાનિકો વાયરસ ક્યાંથી આવ્યો એ શોધી કાઢવા માગતા હતા. આટલું જાણમાં છે: વાયરસ મુક્તપણે જીવતાં જંતુઓ નથી, જે પોતે જ ખાય, પીએ, અને વૃદ્ધિ કરી શકે. બચવા માટે અને વૃદ્ધિ કરવા માટે, એણે જીવંત કોષ પર આક્રમણ કરી એની જટિલ રચનાનો ગેરલાભ ઉઠાવવો પડે.

પશુને વાયરસનો ચેપ લાગે ત્યારે, એ ઘણી વાર પરસ્પર સહઅસ્તિત્વનો સંબંધ હોય છે—અર્થાત્‌ પશુ વાયરસને મારી નાખતું નથી, અને વાયરસ પશુને મારી નાખતો નથી. પરંતુ માનવી ચેપ લાગેલા પશુના સંપર્કમાં આવે છે અને વાયરસ કોઈક રીતે પસાર થઈને માનવીમાં આવે છે ત્યારે, વાયરસ ઘાતક બની શકે છે.

ઈબોલા વાયરસ લોકોને અને વાંદરાઓને આટલી ઝડપથી મારી નાખતો હોવાથી, વૈજ્ઞાનિકો અનુમાન કરે છે કે એ વાયરસ બીજી કોઈ શરીરરચનામાં વસતો હોવો જ જોઈએ. વાયરસ કેવી શરીરરચનામાં રહે છે એ આરોગ્ય અધિકારીઓ શોધી કાઢે તો, તેઓ ભાવિ રોગચાળો નિવારવા માટે અસરકારકપણે નિયંત્રણ કરી શકે અને અટકાવનાં પગલાં લઈ શકે. ઈબોલા વિષે અનુત્તરિત પ્રશ્ન છે કે, બે માનવ મરકીઓ વચ્ચેના સમયગાળામાં એ વાયરસ ક્યાં રહે છે?

એ પ્રશ્નનો જવાબ આપવા માટે, સંશોધકોએ વાયરસનું મૂળ શોધવું પડે. અગાઉના રોગચાળા પછી પશુઓના ટોળાં શોધી કાઢવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. પરંતુ કીક્વિત મરકીએ એક નવી તક પૂરી પાડી.

વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે કીક્વિત મરકીનો ભોગ બનનાર પ્રથમ વ્યક્તિ ગસ્પાર મેન્ગા હતો. પરંતુ તેને ચેપ કઈ રીતે લાગ્યો? કોઈ પશુમાંથી ચેપ લાગ્યો હોય તો, એ પશુનો કયો જૂથપ્રકાર હતો? તર્કપૂર્ણ રીતે જ, મેન્ગા જ્યાં કામ કરતો હતો એ જંગલમાં જવાબ મળી શકે. મેન્ગા પોતાના કોલસા તૈયાર કરવા જ્યાં કામ કરતો હતો એવી જગ્યાઓએ ટુકડીઓએ ૩૫૦ ફાંદા મૂક્યા. એણે ઉંદર, છછુંદર, દેડકાં, કાંચીડા, સાપ, મચ્છર, માખ, ચાંચડ, માંકડ, જૂ, જીવાત, અને માખીઓ પકડ્યા—કુલ ૨,૨૦૦ નાનાં પ્રાણીઓ અને ૧૫,૦૦૦ જીવડાં. રક્ષણાત્મક સાધનો પહેરેલા વૈજ્ઞાનિકોએ બેહોશ કરવાના વાયુ દ્વારા એ પ્રાણીઓને મારી નાખ્યાં. પછી તેઓએ રેશાઓના નમૂના યુનાઈટેડ સ્ટેટ્‌સ મોકલ્યા, જ્યાં વાયરસ માટે એની ચકાસણી થઈ શકે.

વાયરસને સંતાવાની સંભવિત જગ્યાઓ લગભગ અમર્યાદિત હોવાથી, ઉદ્‍ભવ શોધી કાઢવામાં આવશે એવું નક્કી નથી. CDCની ખાસ નિદાન શાખાના વડા ડો. સી. જે. પીટર્સે કહ્યું: “મને લાગતું નથી કે આ વખતે આપણે ઈબોલા વાયરસનો જથ્થો શોધી કાઢી શકીએ એની શક્યતા ૫૦ ટકાથી વધુ હોય.”

મરકી જતી રહે છે

ઓગસ્ટ ૨૫ના રોજ, મરકી બંધ થઈ હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું, કેમ કે ૪૨ દિવસથી કોઈ નવો કિસ્સો નોંધવામાં આવ્યો ન હતો, જે સમયગાળો એના સેવનના સમયગાળા કરતા બમણો છે. શા માટે રોગ મોટા વિસ્તારમાં ફેલાયો નહિ? એક ઘટક એ મરકી અટકાવવા માટેના આંતરરાષ્ટ્રીય તબીબી પ્રયત્નો હતા. એ મરકી ટૂંકાવનાર બીજો ઘટક એ રોગની સખતાઈ હતી. એ બહુ ઝડપથી લાગુ પડ્યો અને એણે દર્દીને મારી નાખ્યા તથા એ ફક્ત નીકટના સંપર્કથી જ ફેલાતો હોવાથી, એ ઘણા લોકોમાં ફેલાયો નહિ.

સત્તાવાર અહેવાલો બતાવે છે કે ૩૧૫ જણાને એ રોગ લાગુ પડ્યો અને એમાંથી ૨૪૪ મરણ પામ્યા—ઘાતક હોવાનો દર ૭૭ ટકા. હાલમાં ઈબોલા શાંત છે. યહોવાહની નવી દુનિયામાં એને હંમેશ માટે શાંત પાડવામાં આવશે. (જુઓ યશાયાહ ૩૩:૨૪.) એ દરમ્યાન, લોકોને નવાઈ લાગે છે, કે ‘શું ઈબોલા ભોગ લેવા ફરીથી દેખા દેશે?’ કદાચ. પરંતુ કોઈને ખબર નથી કે ક્યાં અને ક્યારે. (g96 5/8)

વૈજ્ઞાનિકો ઘાતક વાયરસનો ઉદ્‍ભવ શોધે છે

મરકીનું પ્રમાણ

ઈબોલા ઘાતક છે, તથાપિ ઓછા કુતૂહલજનક રોગોની વધુ મોટી ધમકી આફ્રિકનો માટે રહેલી છે. એ રોગચાળાઓ દરમ્યાન, બીજા રોગોએ ચૂપચાપ ભોગ લીધો. એવો અહેવાલ આપવામાં આવ્યો છે કે કીક્વિતથી થોડાક કિલોમીટર દૂર પૂર્વમાં, ૨૫૦ જણાને તાજેતરમાં પોલિયો થયો. વાયવ્ય ખૂણે, માલીમાં કોલેરાના એક પ્રકારે ખુવારી કરી. દક્ષિણમાં, અંગોલામાં, ૩૦,૦૦૦ જણાને નિંદ્રા રોગ થયો. વેસ્ટ આફ્રિકાના બહોળા વિસ્તારમાં, મેનિન્જાઈટીસની મરકીમાં હજારો માર્યા ગયા. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સએ જણાવ્યું: “આફ્રિકનો માટે, મૂંઝવતો પ્રશ્ન એ છે કે મોટા ભાગના નિવારી શકાય એવા રોગોના [આફ્રિકાના] દૈનિક, અને ઘાતકી સામનાનું એક પણ દૃશ્ય શા માટે કદી પણ જગતના અંતઃકરણના પડદે દૃશ્યમાન થતું નથી.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો