એક ગોળાવ્યાપી નગર પરંતુ હજુ પણ વિભાજિત
સજાગ બનો!ના નાઇજીરિયામાંના ખબરપત્રી તરફથી
શું તમે કદી એવી કોમના લોકોની વાર્તાઓ સાંભળી છે જેઓ પાસે મોઢું ન હતું અને તેથી તેઓ ખાય કે પી શકતા ન હતા? એમ કહેવામાં આવતું કે તેઓ સૂંઘીને જીવતા, ખાસ કરીને સફરજન. દુર્ગંધ તેઓને મારી નાખતી.
પશ્ચિમ આફ્રિકાના લોકોની વાર્તા પણ હતી જેઓ સોનાનો વેપાર કરતા. એ સમયના એક પોર્ટુગીઝ વહાણના કેપ્ટને અહેવાલ આપ્યો: “[માલી] રાજ્યથી બસો લીગ દૂર, એક દેશ જોવા મળે છે જેના રહેવાસીઓના માથાં અને દાંત કૂતરાનાં છે અને તેઓને કૂતરા જેવી પૂંછડી છે. એ અશ્વેત લોકો છે જેઓ વાતચીતમાં ઊતરવાનો નકાર કરે છે કેમ કે તેઓ બીજા માણસોને જોવા ઇચ્છતા નથી.” આ કેટલાક વિચિત્ર વિચારો છે જે મુસાફરી અને શોધખોળના યુગ પહેલાં, ઘણા વર્ષો અગાઉ માનવામાં આવતા.
લોકો એકબીજાના સંપર્કમાં આવે છે
એવી વાર્તાઓ સદીઓ સુધી ગંભીરતાથી માનવામાં આવતી. પરંતુ અન્વેષકોએ ગ્રહનું અન્વેષણ કર્યું તેમ, તેઓને કોઈ સફરજન સૂંઘનાર મોઢાં વગરના લોકો, કે કૂતરાનાં મોઢાવાળા લોકો ન મળ્યા. આજે આપણી સરહદોથી બહાર રહેનારા લોકો વિષેનું ભાગ્યે જ કોઈ રહસ્ય રહ્યું છે. જગત એક ગોળાવ્યાપી નગર બન્યું છે. ટેલિવિઝન પરદેશ તથા ત્યાંનાં લોકોને આપણા બેઠકખંડમાં લાવે છે. હવાઈ યાત્રા થોડા કલાકોમાં જ એવા દેશોની મુલાકાત લેવી શક્ય બનાવે છે; લાખો લોકો દર વર્ષે એમ કરે છે. બીજાઓ આર્થિક કે રાજકીય કારણોસર સ્થળાંતર કરતા હોય છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફન્ડનો અહેવાલ જણાવે છે: “ઇતિહાસમાં અજાણ હતું એટલા મોટા પ્રમાણમાં—અને એ ચોક્કસ વધશે—જગત ફરતેના લોકો સારા જીવનની શોધમાં સ્થળાંતર કરી જુદી જગ્યાએ વસી રહ્યા છે.” લગભગ ૧૦ કરોડ લોકો પોતે જે દેશમાં જન્મ્યા હતા તેની બહાર રહે છે.
રાષ્ટ્રો મધ્યે આર્થિક આંતરનિર્ભરતા વધી રહી છે. વિશાળ કેન્દ્રિય જ્ઞાનતંતુના તંત્રની જેમ ગોળાવ્યાપી સંચારનું નેટવર્ક પૃથ્વીના દરેક રાષ્ટ્રોને જોડે છે. વિચારો, માહિતી, અને ટેકનોલોજીની આપલે કરવામાં આવે છે તેમ, સંસ્કૃતિઓ ભળે છે અને એકબીજીને અનુકૂળ બને છે. આખા જગતમાં લોકો અગાઉ કરતાં વધુ એકસરખાં કપડાં પહેરે છે. જગતનાં શહેરોમાં ઘણી બાબતો સામાન્ય હોય છે—પોલીસ, સુખસગવડવાળી હોટલો, વાહનોની ભીડ, દુકાનો, બેન્કો, પ્રદૂષણ. આમ, જગતના લોકો ભેગા થાય છે તેમ, જેને કેટલાક લોકો બહાર આવતી જગત સંસ્કૃતિ તરીકે વર્ણવે છે, એના આપણે સાક્ષી બનીએ છીએ.
શા માટે લોકો વિભાજિત રહ્યા છે
પરંતુ લોકો અને સંસ્કૃતિઓ આંતરમિશ્રિત થાય છે ત્યારે, સ્પષ્ટપણે જ બધા કંઈ એકબીજાને ભાઈઓ ગણતા નથી. “દરેક વ્યક્તિ જલદીથી પરદેશીનો વાંક કાઢતી હોય છે,” એમ કંઈક ૨,૦૦૦ વર્ષ અગાઉ એક ગ્રીક નાટ્યકારે લખ્યું. દુ:ખની વાત છે કે, એ જ બાબત આજે સાચી છે. ધર્માંધતા, પરદેશીઓ પ્રત્યેનો ધિક્કાર, “કોમી સફાઈ,” જ્ઞાતિય સંઘર્ષ, ધાર્મિક હુલ્લડો, નાગરિકોનો હત્યાકાંડ, વધ ક્ષેત્રો, બળાત્કારની છાવણીઓ, રિબામણી, કે જાતિ સંહારના વર્તમાનપત્રના અહેવાલોમાં પુરાવો જોવા મળે છે.
અલબત્ત, આપણામાંના મોટા ભાગનાઓ કોમી વિગ્રહોને બદલવા માટે થોડું કે કંઈ પણ કરી શકતા નથી. આપણને એની સીધેસીધી અસર ન પણ થતી હોય. જોકે, આપણામાંના મોટા ભાગનાઓને આપણા સંપર્કમાં આવતા પરદેશીઓ—પડોશીઓ, સહકર્મચારીઓ, કે સહાધ્યાયીઓ—સાથેના સંચારના અભાવથી કોયડો થતો હોય છે.
શું એ વિચિત્ર લાગતું નથી કે ભિન્ન કોમી વૃંદના લોકોને ઘણીવાર બીજી કોમનો ભરોસો કરવો કે એકબીજાની કદર કરવી મુશ્કેલ લાગે છે? છેવટે તો, આપણો ગ્રહ અસાધારણ ભિન્નતા, અનંત વિવિધતાવાળો છે. આપણામાંના મોટા ભાગનાઓ ખોરાક, સંગીત, અને રંગ ઉપરાંત, ઘણા પ્રકારનાં છોડ, પક્ષીઓ, અને પ્રાણીઓની સમૃદ્ધ વિવિધતાની કદર કરીએ છીએ. પરંતુ કોઈક રીતે વિવિધતા પ્રત્યેની આપણી કદરમાં એવા લોકોનો સમાવેશ થતો નથી જેઓ આપણી માફક વિચારતા અને વર્તતા ન હોય.
લોકો મધ્યેની ભિન્નતાનું હકારાત્મક પાસું જોવાને બદલે, ઘણા લોકો તફાવતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ ધરાવે છે અને એને તકરારનો પાયો બનાવે છે. એમ શા માટે છે? આપણાથી ભિન્ન સંસ્કૃતિ ધરાવનારા લોકો સાથે હળવા-મળવામાં કયો ફાયદો રહેલો છે? આપણે સંચારમાં આવતી દીવાલ તોડી નાખી એને ઠેકાણે પુલ કઈ રીતે બાંધી શકીએ? હવે પછીના લેખ એ પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્ન કરશે. (g96 7/8)