વિશ્વને નિહાળતા
સ્ત્રીઓ મધ્યે ખરાબ વર્તણૂકમાં થયેલો વધારો
_
• બ્રિસ્બનનું સન્ડે મેઈલ અહેવાલ આપે છે કે ઓસ્ટ્રેલિયામાંની વધુ ને વધુ મોડર્ન યુવતીઓ અશ્લીલ ભાષા વાપરી રહી છે. ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોડર્ન લેંગ્વેજીસના ડાયરેક્ટર, પ્રોફેસર મેક્ષ બ્રેન્ડલ સમજાવે છે: “તમને જોવા મળશે કે સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં પહેલા કરતાં હવે વધુ પીવે છે, વધુ ધૂમ્રપાન કરે છે. તેઓ અસંસ્કારી ભાષા પણ વધુ વાપરે છે. દુઃખદપણે, પરિણામ એ આવ્યું છે કે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો કેટલોક રૂઢિગત શિષ્ટાચાર પણ ઓછો થયો છે. બન્ને જાતિઓ અસંસ્કારી ભાષા વાપરે છે ત્યારે, ભૂતકાળનો રોમાંચનો આત્મા ઝડપથી અદૃશ્ય થાય છે. શરૂઆતની પેઢીઓએ વાપરેલી રોમાંચની ભાષાને આજના સમાજમાં કોઈ સ્થાન નથી. મને એ ઉકરડા જેવી ભાષા આજના યુવાનો મધ્યે ખુબ જ સામાન્ય લાગે છે.”
• બ્રાઝિલમાં સ્ત્રીઓએ આચરેલા ગુનાઓનું પ્રમાણ ૧૯૯૫ દરમ્યાન બમણું થઈ ગયું. પોલિસ અધિકારી ફ્રાંસેસ્કુ બાસિલે અનુસાર, વધુ ને વધુ સ્ત્રીઓ હુમલાઓમાં, લૂંટફાટમાં, અને ડ્રગ્સના ધંધામાં પણ સંડોવાઈ રહી છે, એમ ઓ એસ્ટાડો ડ સાઓં પાઊલો વર્તમાનપત્ર અહેવાલ આપે છે. ઘણી સ્ત્રીઓ પોતાનું ગુનાઈત જીવન પાર્ટીઓ ખાતે કોકેઈનનું ધૂમ્રપાન કરીને શરૂ કરે છે જ્યાં ડ્રગ્સ વેચનારાઓ મફત કોકેઈન આપતા હોય છે. સ્ત્રીઓ ડ્રગ્સ પર નિર્ભરતા કેળવે છે એટલું નહિ પરંતુ ઘણીવાર ખુદ ડ્રગ્સ વેચનારી બની જાય છે. વર્તમાનપત્ર અનુસાર, પોલિસવડા અન્ટોનિયુ વેલીલા સમજાવે છે: “ડ્રગ્સ વેચનારી સ્ત્રીઓની સંખ્યામાં કઈ રીતે વધારો થયો છે એ આશ્ચર્યની બાબત છે . . . , અને ઉંમર મર્યાદાની કોઈ બાધ નથી.” ઘણી યુવતીઓ તેઓના ૨૦ના દાયકામાં છે, પરંતુ કેટલીક પોતાના ૫૦ના દાયકામાં છે.
સામાન્ય મૂળ?
_
પેરિસના ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રીબ્યુન અનુસાર, પ્રભાવશાળી જેઝ્યુઈટ સામયિક લા શીવીલ્ટા કાટોલેકાનો એક લેખ જાહેર કરે છે કે “દેવ મુસ્લિમોના કુરાન, હિંદુઓના વેદ અને ભગવદ્-ગીતા અને ચીનના તાઓવાદ તથા જાપાનના શિન્ટોવાદના પવિત્ર લખાણો જેવા વિવિધ પુસ્તકો દ્વારા બોલ્યા હોય શકે.” લેખ દર્શાવે છે કે એ અને એવા બીજા ધાર્મિક લખાણો “માત્ર સાહિત્ય અને ફિલસૂફી જ રજૂ કરતાં નથી, પરંતુ એને બદલે ‘પ્રકટીકરણ’ રજૂ કરે છે—દેવ માણસ મારફતે બોલે છે.” સામયિકના લેખો વેટિકનના અભિવેચકો અવિધિસરપણે તપાસતા હોવાને કારણે, એ પ્રશ્નો ઊભા થયા છે કે બાબત પરનું એ દૃષ્ટિબિંદુ પોપનું પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે કે કેમ. ટ્રીબ્યૂનએ અવલોક્યું કે જોન પોલ ૨એ પોતાના પુસ્તક ક્રોસીંગ ધ થ્રેસહોલ્ડ ઓફ હોપમાં નોંધ્યું કે ચર્ચ બીજા ધર્મોમાં એવું કંઈક શોધી રહ્યું હતું જે ચર્ચના શિક્ષણ સાથે કોઈ પ્રકારનું સામાન્ય મૂળ રચતું હોય.
ટીબી—એક “ગોળાવ્યાપી કટોકટી”
_
દર વર્ષે એઈડ્સ, મેલેરિયા, તથા ઉષ્ણકટિબંધના સર્વ રોગો કરતાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) પુખ્તવયના વધુ લોકોને મારે છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO, હુ) જણાવે છે. દર સેક્ન્ડે, કોઈક વ્યક્તિ કોઈક જગ્યાએ ટીબીથી ચેપગ્રસ્ત થાય છે. ટીબીના કીટાણુંઓ ખાંસી કે છીંકથી વહન થઈ શકે છે. હુ અપેક્ષા રાખે છે કે હવે પછીના દશ વર્ષો દરમ્યાન, ૩૦ કરોડ લોકો ટીબીથી ચેપગ્રસ્ત બનશે અને ૩ કરોડ લોકો એનાથી મરી જશે. એથી ભૂંડું તો એ કે, ટીબીનો એવો દવાપ્રતિકારક પ્રકાર બહાર આવ્યો છે જે એ રોગને અસાધ્ય બનાવવાની ધમકી આપે છે. હુ અનુસાર, “ટીબીથી ચેપગ્રસ્ત થયેલા ફક્ત પથી ૧૦% લોકો જ ખરેખર બીમાર પડે છે કે ખુદ ચેપી બને છે કેમ કે પ્રતિકારતંત્ર ટીબીના કીટાણુંઓને ‘અવરોધે’ છે.” તથાપિ, વકરી રહેલો રોગચાળો એટલો ગંભીર છે કે હુએ એને એક “ગોળાવ્યાપી કટોકટી” તરીકે જાહેર કર્યો છે—હુના ઇતિહાસમાં પ્રથમવાર કરવામાં આવેલી જાહેરાત.
જગતનો બીજા નંબરનો સૌથી મોટો “ઉદ્યોગ”
_
ડ્રગ્સનો ગેરકાયદે વેપાર ફાલી રહ્યો છે જેનો વાર્ષિક વકરો $૪૦૦ અબજ (યુ.એસ.)ને વટાવી જાય છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થાનું સામયિક વર્લ્ડ હેલ્થ જણાવે છે. એ તેને જગતમાં સૌથી વધુ ઝડપે વધતો “ઉદ્યોગ” બનાવે છે. એ જગતનો બીજા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ પણ છે—શસ્ત્રોના વેપાર કરતાં ઊતરતો પરંતુ તેલના વેપાર કરતાં આગળ. ગત ૩૦ વર્ષો દરમ્યાન, ગેરકાયદે ડ્રગ્સની પ્રાપ્યતા છગણી વધી છે. વિલાયક દ્રાવ્યો, ડોક્ટરે લખી આપેલી દવાઓ, અને આલ્કોહોલ જેવા કાયદેસરનાં પદાર્થોનો દુરુપયોગ એટલા જ પ્રમાણમાં વધી રહ્યો છે.
ટીવીનું ધોરણ કથડ્યું
_
ટેલિવિઝન જોનારાઓ ટીવીમાંની જાતીયતા અને નગ્નતા તરફ દશ વર્ષ અગાઉ હતા તેનાથી વધુ છુટછાટવાળા બન્યા છે, એમ લંડનનું ઈન્ડીપેન્ડન્ટ વર્તમાનપત્ર અહેવાલ આપે છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન માટે કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, ટીવીમાંની જાતીયતા અને નગ્નતા સાંખી લેવાની આધેડ વયની સ્ત્રીઓની વૃત્તિ વધી છે. લગભગ ૪૧ ટકા વૃદ્ધાઓને પણ હવે એ પ્રકારના ટીવી કાર્યક્રમ વાંધાજનક લાગતા નથી. યુવાન લોકો મધ્યે, એક દાયકા અગાઉના ૬૯ ટકા સાથે સરખાવતા, લગભગ ૭૫ ટકા બીભત્સ ભાષા સાંખી લે છે. સજાતીય કુકર્મ તરફના વર્તનમાં સૌથી મોટો ફેરફાર થયો છે. પંચાવન વર્ષથી વધુ વયની સ્ત્રીઓના ચાળીસ ટકા, ૩૫થી ૫૫ વર્ષની વયના પુરુષોના ૫૬ ટકા, અને ૧૮થી ૩૪ વર્ષની વયના યુવકોના ૭૦ ટકાને ટેલિવિઝન પર બતાવવામાં આવતી સજાતીય જીવનઢબ વાંધાજનક લાગતી નથી—છેલ્લા દશ વર્ષમાં થયેલો ૨૦ ટકા વધારો.
બિશપ બાઇબલના ડહાપણ પર શંકા કરે છે
_
ભારતમાં એક પરિષદ ખાતે “ખ્રિસ્તીઓ મધ્યે લગ્ન અને છૂટાછેડાનું સંચાલન કરતો ધારો” વિષય પર બોલતા, નેસ્ટોરિયન બિશપ પાઉલુઝ માર પાઉલુઝે જણાવ્યું કે કોઈ વ્યક્તિ નૈતિક મૂલ્યના ધારા તરીકે બાઇબલ પાસે જઈ શકતી નથી. ઈન્ડિયન એક્ષપ્રેસમાં અહેવાલ આપવામાં આવ્યો તેમ, તેમણે કહ્યું કે છૂટાછેડા માટેનું બાઇબલ શિક્ષણ અપરિવર્તનીય છે એમ આગ્રહ કરવાનો અર્થ આધુનિક માણસે પતિ-પત્ની વચ્ચેના સંબંધની પોતાની સમજણમાં કરેલી પ્રગતિને નકારવી થાય છે. એક્ષપ્રેસ અનુસાર, બિશપે એક હિંદુ વિદ્વાનને એમ કહેતા ટાંક્યા કે દરેક શાસ્ત્રનાં બે પાસાં હોય છે, એક હંગામી અને નાશવંત, જે એ ગાળાના લોકો અને દેશના વિચારો સાથે સંબંધિત હોય છે જેમાં એ લખવામાં આવ્યાં હતાં, અને બીજું અનંત અને અવિનાશી તથા સર્વ યુગો અને દેશોમાં લાગુ પાડી શકાય એવું. “બાઇબલમાં,” બિશપે કહ્યું, “આપણે કોચલું કયું છે અને ફળ કયું છે એ જાણવું જ પડશે. આપણે કાયમી સત્ય અને સાંસ્કૃતિક પૂર્વગ્રહ નક્કી કરવા જોઈએ . . . તથા આપણા પોતાના જીવન માટે દિશા નક્કી કરવી જોઈએ.”
ભારતના HIVનો પ્રકાર
_
વૈજ્ઞાનિકોએ ભારતના પુનામાંની નેશનલ એઈડ્સ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હાર્વડ્ર્સ એઈડ્સ ઇન્સ્ટિટ્યૂટના ડો. મેક્ષ એસેક્ષની દોરવણી હેઠળ સંશોધકોની એક ટૂકડીના સહકારથી, ભારતના HIV(એચઆઈવી)નો સર્વ સામાન્ય પ્રકાર જૂદો તારવી કાઢ્યો. એ HIV-1C છે, જે યુરોપ અને અમેરિકામાં સામાન્ય છે એવા HIV-1B કરતાં પાંચથી દશ ગણો વધુ અસરકારકપણે વહન થતો હોવાનું માનવામાં આવે છે. ઈન્ડિયન એક્ષપ્રેસ અનુસાર, ડો. એસેક્ષે કહ્યું કે ભારતમાં HIVના ફેલાવાનો દર જગતના બીજા ઘણા ભાગો કરતાં ખુબ ઊંચો હોવાની શક્યતા છે. વૈજ્ઞાનિક ડો. વી. રામલિંગસ્વામીએ અવલોક્યું કે થોડીક રસીઓ એઈડ્સ અવરોધક તરીકે સફળતાનું વચન આપે છે, એમાંની એક પણ HIV-1C માટે અસરકારક નથી.
૧૦૦ વર્ષ જૂની આગ બુઝાવવામાં આવી
_
ચીનમાં ૧૦૦થી વધારે વર્ષ પહેલાં, વપરાશમાં ન હતા એવા કોલસાના એક ઢગલામાં આગ લાગી હતી, અને એ આગ અત્યાર સુધી સળગવાની ચાલુ રહી. એ આગે લગભગ ૬ ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવર્યો અને વાર્ષિક ૩,૦૦,૦૦૦ ટન કોલસો બાળ્યો. ઘણા વર્ષોથી એ પ્રચંડ આગને ઓલવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. તેમ છતાં, અહેવાલ પ્રમાણે આગ ઓલવવાવાળાઓને આખરે આગ ઓલવવામાં સફળતા મળી. જ્વાળા પર પાણી છાંટવા માટે આગ બુઝાવવાવાળાઓએ કાણાં પાડવા વિસ્ફોટનો ઉપયોગ કર્યો અને પછી જ્વાળાઓ પર રેતી, પથ્થર, અને પાણી નાખ્યાં.
અકાળ માતૃત્વ
_
બ્રાઝિલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓગ્રાફી એન્ડ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, બ્રાઝિલમાં ૧૯૯૪માં, ૧૫થી ઓછી વયની ૧૧,૪૫૭ છોકરીઓએ જન્મ આપ્યો. છેલ્લા ૧૮ વર્ષમાં એવા અકાળ માતૃત્વમાં ૩૯૧ ટકાનો વધારો થયો છે, જ્યારે કે એ જ ગાળા દરમ્યાન વસ્તી વધારો માત્ર ૪૨.૫ ટકા થયો છે. જન્મ આપનાર ૧૫ અને ૧૯ વર્ષ વચ્ચેની છોકરીઓની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થયો. રિઓ ડી જનૈરોની ફેડરલ યુનિવર્સિટીના ડો. રીકાર્ડુ રેગો બારોસે સમજાવ્યું કે “અકાળ જાતીયતા વાતાવરણ, ટેલિવિઝન, પુસ્તકો, અને સામયિકોથી પેદા થાય છે,” એમ વેજા સામયિક કહે છે. બીજા નિષ્ણાતે વિવેચન કર્યું કે માબાપ અને શાળાઓને હજુ પણ બાળકોને એ બાબતોમાં શિક્ષણ આપવું અઘરું લાગે છે.
લોહીનું ઊંચુ દબાણ અને યાદશક્તિ ગુમાવવી
_
“એક નવો અભ્યાસ બતાવે છે કે લોહીના ઊંચા દબાણવાળા આધેડ વયના પુરુષો એકવાર પોતાની વયના ૭૦ના દાયકાના અંત તરફ પહોંચી જાય પછી યાદશક્તિ, નિર્ણાયક શક્તિ અને એકાગ્રતા બગડવાની શક્યતા છે, સાયકોલોજી ટૂડે અહેવાલ આપે છે. સંશોધકોને જાણવા મળ્યું કે હૃદયના સંકોચાવાથી લોહીના દબાણમાં થતા દર દશ પોઈંટના વધારાથી, મગજની કાર્યક્ષમતા ૯ ટકા ઓછી થવાની શક્યતા વધી. “આપણે જાણીએ છીએ કે લોહીનું ઊંચુ દબાણ સ્ટ્રોક અને હૃદયરોગ સાથે સંબંધ ધરાવે છે,” અભ્યાસ નિર્દેશક લેનોર લાઉનર, પીએચડી કહે છે, તથા ઉમેરે છે: “એ દબાણ ઓછું કરવાનું બીજું એક કારણ છે.”
અકસ્માતથી શોધી કાઢવામાં આવેલો ગ્રહ
_
ઈંગ્લેન્ડના બ્રેડફીલ્ડ નામના ગામડામાંના શીખાઉ ખગોળશાસ્ત્રી, જ્યોર્જ સોલ્ટે તાજેતરમાં પોતાના બગીચાની ઝૂંપડીમાંના ટેલિસ્કોપ દ્વારા એક નાનો ગ્રહ શોધી કાઢ્યો. “એ એક પૂરેપૂરો અકસ્માત હતો,” તેણે કબૂલ્યું. “મેં એક ફોટો પાડ્યો અને ધ્યાનથી જોયો ત્યારે, મને સમજાયું કે એ એક ગ્રહ હતો જે ધીમે ધીમે ખસી રહ્યો હતો.” એ નવો ગ્રહ જેને અત્યારે સોલ્ટ વન કહેવામાં આવે છે, એનો વ્યાસ ફક્ત લગભગ ૩૦ કિલોમીટર છે અને એ પૃથ્વીથી ૬૦ કરોડ કિલોમીટર દૂર છે. તેની ભ્રમણકક્ષા મંગળ અને ગુરુની વચ્ચે આવે છે. વાપરવામાં આવેલું દૂરબીન ૩૦ સેન્ટિમીટર વ્યાસવાળું, કોમ્પ્યુટર સંચાલિત છે જેની કિંમત $૭,૦૦૦ છે પરંતુ હબલ ટેલિસ્કોપ પર વાપરવા બનાવવામાં આવેલ સોફ્ટવેર સાધનસામગ્રી વાપરે છે, એમ લંડનનું ધ ટાઈમ્સ અહેવાલ આપે છે. એવા હજારો નાનાં ગ્રહો, કે ગ્રહિકાઓ આપણી સૂર્યમાળામાં હોય શકે છે.
ડાંગરના ખેડૂતો માટે
એક આશ્ચર્ય
_
વર્ષો સુધી એશિયામાંના ડાંગર પકવતા ખેડૂતો પાંદડાંમાં રહેતી, ડાંગરના છોડના પાંદડાં ખાતી, જીવાતની ઈયળોને મારી નાખવા ઋતુના શરૂઆતના ભાગમાં પાક પર જંતુનાશક દવાનો ભારે છંટકાવ કરતા; જોકે, તાજેતરના અખતરા સૂચવે છે કે ડાંગરના છોડ એ પકવે છે એ ચોખાના પ્રમાણ પર કોઈ પણ અસર પાડ્યા વિના પોતાનાં લગભગ અડધાં પાંદડાં ગુમાવી શકે છે. કેટલાક વિએટનામીઝ ખેડૂતોએ શરૂઆતનો છંટકાવ—એશિયાઈ ખેડૂતો વાપરે છે એ સર્વ જંતુનાશક દવાના ૩૦થી ૫૦ ટકા—કર્યા વિના ખેતી કરવાનો આગ્રહ રાખ્યો અને તેઓને જાણવા મળ્યું કે પાકની ઊપજને કોઈ નુકસાન થયું ન હતું. (g96 8/8 & 8/22)