યહોવાહના સામર્થ્યથી દુર્ઘટનાનો સામનો કરવો
સજાગ બનો!ના સ્પેનમાંના ખબરપત્રી તરફથી
આ વર્ષના ફેબ્રુઆરીમાં, સ્પેનના બેઇલન મંડળમાંના ઘણા યહોવાહના સાક્ષીનાઓએ નજીકના સિએરા નેવાડા પર્વતોમાં એક મઝાનો દિવસ વિતાવ્યો. પરંતુ ઘરથી માત્ર પાંચ કિલોમીટર દૂર, સામેથી આવી રહેલી એક કાર પ્રવાસ કરી રહેલી તેઓની બસના રસ્તામાં ફંટાઈ અને સામસામે અથડાઈ. એક વિસ્ફોટ થયો, અને બસ જ્વાળામાં લપેટાઈ. કેટલાક મુસાફરો સમયસર બહાર નીકળી આવી શક્યા, પરંતુ બસની પાછળના ભાગમાંના ઘણાઓ ધુમાડાથી ઘેરાઈ ગયા અને મરણ પામ્યા.
કુલ ૨૬ સાક્ષીઓએ પોતાનાં જીવન ગુમાવ્યાં, જેમાં ચાર પૂરેપૂરા સમયના સેવકોનો તથા ઘણાં બાળકોનો સમાવેશ થતો હતો—લગભગ બેઇલન મંડળનો ચોથો ભાગ. સ્પેનના રાજા, ક્વાન કારલોસે બેઇલનના મેયરને ટેલિગ્રામ કર્યો ત્યારે તેમાં મોટા ભાગના સ્પેનવાસીઓની લાગણીનો પડઘો પડતો હતો: “અમને કરુણ અકસ્માતથી ઘણો જ આઘાત લાગ્યો છે. અમારા હાર્દિક દિલાસાની ખાતરી રાખો. કૃપા કરી ભોગ બનેલાઓનાં કુટુંબોને આ દુઃખદ સમય દરમ્યાન અમારી ગહન સહાનુભૂતિ અને ટેકો પાઠવો.”
દફનક્રિયામાં હાજરી આપનારા હજારોમાંથી કેટલાકના મનમાં પ્રશ્ન હતો કે, શા માટે આવી દુર્ઘટના બને છે? સ્પષ્ટપણે જ, “પ્રસંગ તથા દૈવયોગની અસર”થી થયેલા અકસ્માતો પ્રત્યેક વ્યક્તિની જેમ યહોવાહના લોકોને પણ અસર કરી શકે છે. (સભાશિક્ષક ૯:૧૧, ૧૨) તથાપિ, યહોવાહ વચન આપે છે કે થોડા જ સમયમાં એવી દુર્ઘટનાઓને દૂર કરવામાં આવશે.—પ્રકટીકરણ ૨૧:૪, ૫.
સ્પેનમાંના યહોવાહના સાક્ષીઓના શાખા કુટુંબના ઘણા સભ્યોએ અને દેશના બીજા ભાગોમાંના હજારો સાક્ષીઓએ સ્થાનિક ભાઈઓને દિલાસો અને ટેકો આપવા બેઇલન જવા મુસાફરી કરી. સ્થાનિક અને પ્રાદેશિક અધિકારીઓની સાથે બેઇલનના લોકો પણ સાક્ષી કુટુંબોના દુઃખમાં સહભાગી થયા. ઘણા અવલોકનકર્તાઓ વિયોગી સાક્ષીઓના મનોબળથી પ્રભાવિત થયા.
“હું સાક્ષીઓને ઘણા વર્ષોથી ઓળખું છું,” બેઇલનના મેયર, અન્ટોન્યો ગોમેઝે વિવેચન કર્યું, “અને હું વ્યક્તિગતપણે એક અજ્ઞેયવાદી હોવા છતાં, તમારા વિશ્વાસના વખાણ કરું છું. અકસ્માત થયો ત્યારે, મેં તરત જ વિચાર્યું કે તમારી ધાર્મિક અને માનવ એકતા તમને બીજા કોઈ પણ વૃંદ કરતાં વધારે સારી રીતે દુર્ઘટનાનો સામનો કરવા શક્તિમાન કરશે. આખા નગરે દુઃખી કુટુંબોને પોતાનો ટેકો કઈ રીતે આપ્યો છે એ મેં જોયું છે. કદાચ પહેલાં, તમે કેવા લોકો છો એ વિષે લોકોને ખોટી ધારણા હતી, પરંતુ મને કહેતા આનંદ થાય છે કે એ ખોટી ધારણાઓ અદૃશ્ય થઈ ગઈ છે. તમારી પાસે એક એવી આંતરિક શક્તિ છે જે સાક્ષી ન હોય એવી વ્યક્તિ માટે સમજવી અઘરી છે.”
સ્પેનિશ સરકારના પ્રતિનિધિ તરીકે દફનક્રિયામાં હાજરી આપનાર જાહેર બાંધકામના મંત્રી, હોસે બોરેલે કબૂલ કર્યું: “જેઓએ એક જ ગોઝારી ઘટનામાં પોતાનું લગભગ આખું કુટુંબ ગુમાવ્યું હોય એવાઓને તમે શું કહી શકો? તેઓ પોતાના વિશ્વાસમાંથી જ પોતે મેળવી શકતા ન હોય એવું કંઈ જ નહિ. . . . તમારી પાસે અદ્ભુત વિશ્વાસ છે.”
“એકબીજાને દિલાસો આપતા રહો”
તેઓને ‘પોતાના વિશ્વાસમાંથી’ શું ‘મળ્યું’? સર્વ ઉપરાંત, તેઓને યહોવાહમાંથી દિલાસો મળ્યો, જે “સર્વ દિલાસાનો દેવ . . . અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે.” (૨ કોરીંથી ૧:૩, ૪) તેઓને દુઃખ હોવા છતાં, થેસ્સાલોનીકીઓને લખેલા પાઊલના શબ્દોને હૃદયમાં રાખવાથી તેઓને એકબીજાને દિલાસો આપવાની શક્તિ મળી: “એકબીજાને દિલાસો આપતા રહો અને એકબીજાને દૃઢ કરતા રહો.”—૧ થેસ્સાલોનીકી ૫:૧૧, NW.
ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોને જોવાનો એ એક હૃદયસ્પર્શી અનુભવ હતો, જેઓમાંના કેટલાકે આઠ સગાં ગુમાવ્યાં હતાં, જેઓ મંડળના બીજા વિયોગી સભ્યોની મુલાકાત લઈ રહ્યાં હતાં. “અમે એકબીજાને જોયાં ત્યારે, અમે રડ્યાં. પરંતુ આંસુઓ દ્વારા અમે પોતાને પુનરુત્થાનની આશા યાદ દેવડાવી, અને અમને દિલાસો મળ્યો,” પ્રમુખ નિરીક્ષક ફ્રાન્સિસ્કો સાએઝે સમજાવ્યું, જેમણે પોતે પોતાનાં બન્ને બાળકો ગુમાવ્યાં હતાં.
“અમે પ્રચારની અમારી પ્રવૃતિ અવગણી નથી, અને અમે વેન સમવન યુ લવ ડાઈઝ મોટી પુસ્તિકાનો ઉપયોગ કરીને મરણ પામેલી વ્યક્તિઓનાં સાક્ષી ન હોય એવા સગાઓની મુલાકાત લેવાનો ખાસ પ્રયત્ન આદર્યો છે.” ફ્રાન્સિસ્કોએ કહેવાનું ચાલુ રાખ્યું: “વ્યક્તિગતપણે, હું પ્રચાર કરવા માંગતો હતો, કેમ કે હું જાણતો હતો કે બીજાઓને પ્રચાર કરવાથી મને સારું લાગશે. અને નિઃશંકપણે, હું રડતો રડતો બહાર નીકળ્યો હોવા છતાં, દિલાસો પામીને ઘરે પાછો ફર્યો.”
બેઇલનના લોકોએ એ પ્રચાર કાર્યનો ઘણી જ સાનુકૂળ રીતે પ્રત્યાઘાત પાડ્યો. અકસ્માત થયાને એક સપ્તાહ પછી, એન્કાર્ના, જે બે દીકરીઓ અને ચાર પૌત્રોને ગુમાવવાથી દુઃખી હતી, તેણે એક સ્ત્રીની મુલાકાત લીધી જેની સાથે તેણે તાજેતરમાં જ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો. એન્કાર્ના એ સ્ત્રીને શાસ્ત્રીય દિલાસો આપી રહી હતી, જેનો પતિ ચાર મહિના અગાઉ મરણ પામ્યો હતો. તેઓએ મોટી પુસ્તિકા વેન સમવન યુ લવ ડાઈઝની વિચારણા ચાલુ રાખી તેમ, તેણે ક્હ્યું, “હવે આપણે એકબીજાને દિલાસો આપવો પડશે.”
વિશ્વવ્યાપી ભ્રાતૃત્વનો ટેકો પણ તરત જ આવવા માંડ્યો. “અમે મેળવ્યા એ હજારો કાગળો અને ટેલિગ્રામથી આખા મંડળને ઘણું જ ઉત્તેજન મળ્યું,” મંડળના સેક્રેટરી, ફ્રાન્સિસ્કો કાપીયાએ સમજાવ્યું. “પોસ્ટ ઓફિસને ટપાલ અમને પહોંચાડવા માટે દરરોજ એક મોટી વાન સીધી અમારા ઘરે મોકલવી પડે છે. અમે ભાઈઓની પ્રેમાળ કાળજી માટે ઘણા જ આભારી છીએ.”
દુર્ઘટના આશા આપે છે
શું એવી દુર્ઘટનામાંથી કંઈ સારું નિપજી શકે? “જ્ઞાનીનું અંતઃકરણ શોકના ઘરમાં હોય છે,” પ્રાચીન સુલેમાન રાજાએ લખ્યું. (સભાશિક્ષક ૭:૪) એ સિદ્ધાંતના સુમેળમાં, બેઇલનમાંની દુર્ઘટનાએ કેટલાક લોકોને દેવ સાથેના તેઓના સંબંધ વિષે વધુ ગંભીરપણે વિચારતા કર્યા છે. ફાઉસ્ટિનો, એક અવિશ્વાસી પતિ જેણે અકસ્માતમાં પોતાનાં છમાંથી બે બાળકો ગુમાવ્યાં, તેણે તેની પત્ની ડોલોરાસને કહ્યું: “મારી પાસે તને કહેવા માટે સારા સમાચાર છે. હું બાઇબલનો અભ્યાસ શરૂ કરવાનો છું, કેમ કે હું મારા બાળકોને નવી દુનિયામાં જોવા માગું છું.”
બેઇલનમાંના આપણા ભાઈબહેનો જલદી જ પોતાનું દુઃખ ભૂલશે નહિ છતાં, તેઓ બીજાઓને દિલાસો આપી રહ્યા છે અને પોતે પણ દિલાસો મેળવી રહ્યા છે. યહોવાહ તેઓને પોતાના આત્માથી અને ઘણા પ્રેમાળ ભાઈબહેનોના ટેકાથી મજબૂત કરી રહ્યા છે. તેઓ માટેની આપણી પ્રાર્થના આપણા આકાશી પિતા પાસે પહોંચવાનું ચાલુ જ રાખે છે.
(g96 8/22)
મરણ પામેલાઓમાંથી ચાર