વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧૦/૮ પાન ૨૯
  • વિશ્વને નિહાળતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વને નિહાળતા
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ધર્મની સ્વતંત્રતાને ટેકો આપવામાં આવ્યો
  • લોથપોથ થઈ જવાનું અટકાવો!
  • કૃપા કરી જીવડાં આપો!
  • બાળકોને ઝેર ચઢતું અટકાવો
  • ખર્ચાળ પડોશી
  • નવાં કપડાંની ચેતવણી
  • કપટી સાધુઓ
  • ભારે ધાતુઓ માટે ભૂખ્યા
  • દરિયાખેડુ પતંગિયાં
  • વિશ્વાસુ જળઘોડો
  • “ગેસથી રાંધવું—અને શ્વાસ ચઢવો”
  • વિશ્વ નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૭
  • વિ શ્વ નિ હા ળ તા
    સજાગ બનો!—૧૯૯૮
  • વિશ્વને નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧૦/૮ પાન ૨૯

વિશ્વને નિહાળતા

ધર્મની સ્વતંત્રતાને ટેકો આપવામાં આવ્યો

_

માર્ચ ૮, ૧૯૯૬ના રોજ, જાપાનની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે કોબે મ્યુનિસિપલ ઇન્ડસ્ટ્રિયલ ટેકનિકલ કોલેજે યુદ્ધકળા (માર્શલ આટ્‌ર્સ)માં ભાગ લેવાની ના પાડવા માટે કુનિહિતો કોબાયાશી નામના એક યહોવાહના સાક્ષીને બરતરફ કરીને કાયદાનો ભંગ કર્યો હતો, એમ ટોકિયોનું ધ ડેઈલી યોમિઉરી અહેવાલ આપે છે. એમ કરવામાં, જાપાની સર્વોચ્ચ અદાલતે કોલેજની અપીલ નકારી અને ભાવિ કેસો માટે એક ઢબ બેસાડી. (વધુ વિગતો માટે કૃપા કરી સજાગ બનો!નો નવેમ્બર ૮, ૧૯૯૫નો અંક જુઓ.) અદાલતે સ્વીકાર્યું કે કેન્ડો યુદ્ધકળાના મહાવરામાં ભાગ લેવાની ના પાડવા માટેનું વિદ્યાર્થીનું કારણ “નિષ્ઠાપૂર્વકનું અને” તેના વિશ્વાસના “મૂળ સાથે નિકટથી સંબંધિત હતું.” અદાલતે કોબાયાશીને “એક નોંધપાત્ર વિદ્યાર્થી” કહ્યો અને જણાવ્યું કે શાળા તેને કેન્ડોની જગ્યાએ વૈકલ્પિક શારીરિક શિક્ષણનો કાર્યક્રમ રજૂ કરી શકી હોત.

લોથપોથ થઈ જવાનું અટકાવો!

_

બધા પ્રકારનો તણાવ વધી રહ્યો છે, અને યુ.એસ.ના હેલ્થ સામયિકમાં લખતા માનસશાસ્ત્રી ઈલેન મક્ગ્રાથ તમારા જીવનમાં તણાવને લીધે લોથપોથ થઈ જવાનું ટાળવા કેટલીક યુક્તિઓ રજૂ કરે છે.

▪ કોઈ પણ પ્રકારનો વિરામ લો: દસ મિનિટ ચાલો કે પાંચ મિનિટ શાંત, ઊંડા શ્વાસ લો. દરરોજ શરૂઆતમાં કે અંતે વાંચવા કે વિચારવા ૧૫ મિનિટ ફાળવો.

▪ કાબૂ ધરાવો: તમારા મુખ પર સ્મિત લાવે એવી વસ્તુઓ આસપાસમાં રાખો—ફોટા, ફૂલ, કે યાદગીરીની વસ્તુઓ. પોતાનું સમયપત્રક ગોઠવવાની જવાબદારી ઉઠાવો અને જરૂરી બાબતો કરવા માટે ઓછા તણાવવાળો સમય ગોઠવો.

▪ સારું ભોજન કરો: અતિશય ભૂખ લાગે ત્યાં સુધી કામ કર્યા ન કરો, અથવા આચરકૂચર ખાઈને ચલાવી ન લો—તમે ગમે તેટલા વ્યસ્ત હો છતાં. વારંવાર ફળફળાદી અને શાકભાજીવાળું ભોજન કરવાથી તમને થાક નિવારવામાં મદદ મળશે.

▪ કાર્યરત રહો: શ્રમભરી કસરત તણાવ ઓછો કરે છે અને સંતોષ તથા કાબૂ હોવાની લાગણી વધારે છે. એને એક મઝાની બાબત બનાવો!

કૃપા કરી જીવડાં આપો!

_

દેખીતી રીતે જ બધા નહિ, પરંતુ ઘણા લોકોને જીવડાં ખાઈને રોગ મટાડવો અરૂચિકર લાગશે. તથાપિ, એશિયાવીક સામયિક અનુસાર, એમ કરવાનો વિચાર કંઈ નવો નથી. સિંગાપોરમાં ઇમ્પીરિયલ હર્બલ રેસ્ટોરન્ટ, પૌષ્ટિક જ નહિ પરંતુ આરોગ્યપ્રદ ગણાતી કીડીઓ અને વીંછીઓ જેવી વસ્તુઓ ધરાવતી વાગનીઓ પીરસે છે. રેસ્ટોરન્ટની માલિકણ શ્રીમતિ ટી ઈ વા-લી કહે છે કે કીડીઓ સંધિવા માટે સારી હોય છે, જ્યારે કે વીંછીનું ઝેર બેચેની ઓછી કરે છે અને માથાનો આધાશીશીનો દુખાવો હળવો કરે છે. જીવડાઓવાળી બીજી દવાઓમાં પીડા ઓછી કરવા માટે સૂકી ઇયળ; ગેસ, શરદીથી થતાં ચાંદાં, અને ઓરીનો સામનો કરવા સાઈકેડા ઇયળ; અને પરોપજીવીને મારી નાખવા ભમરાના સૂકવેલા દરનો સમાવેશ થાય છે. એ પ્રાણીઓનો સ્વાદ કેવો લાગે છે? કીડીઓનો સ્વાદ ખાટો, સરકા જેવો હોય છે, અને વીંછીઓ રબર જેવા હોય છે. શ્રીમતિ વા-લી નિર્દેશ કરે છે: “એનો સ્વાદ કેળવવો પડે છે.”

બાળકોને ઝેર ચઢતું અટકાવો

_

એફડીએ કન્ઝ્યુમર સામયિક કહે છે કે, બાળકો તેઓ માટે ન હોય એવી દવાની ફક્ત એક જ ગોળી ખાઈને તેઓના પોતાના ઘરમાં જ ઝેર પામવાના જોખમ હેઠળ હોય છે. દવા, ઘરેલુ રસાયણો, અને આલ્કોહોલિક પીણા ગળવાથી નાનું બાળક માંદુ પડી જઈ શકે અને મરણ પણ પામી શકે. તેથી, એવી વસ્તુઓ તેઓની પહોંચ અને દૃષ્ટિથી દૂર રાખવી જોઈએ. બાળકોનાં વિટામિનનો સમાવેશ કરતી આયર્ન પૂરું પાડતી દવાઓનો વધુ પડતો ઉપયોગ ખાસ ચિંતાનો વિષય છે. “[બાળકોને લગતા વિટામિન] ચોકલેટ કે કાર્ટૂનના પાત્રો જેવા દેખાવમાં વેચવામાં આવે છે તેથી, એ ચોકલેટ જેવા દેખાય છે અને દવા જેવા નહિ,” યુ.એસ.એ.ની કેન્ટકી રીજિઓનલ પોઈઝનીંગ સેન્ટરના ડો. જ્યોર્જ રોજર્સ સમજાવે છે. બાળક આંખનું અસાધારણ હલનચલન કે વધુ પડતું ઊંઘવા જેવા અસાધારણ લક્ષણો વિકસાવે, અથવા દવાની ખુલ્લી બાટલી મળી આવે તો, નિષ્ણાતો સલાહ આપે છે કે, ડોક્ટરનો કે ઝેર નિયંત્રણ કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક સાધો, અને તેઓની સૂચના ચીવટપૂર્વક અનુસરો.

ખર્ચાળ પડોશી

_

બ્રિટનમાં ઘરમાલિક પોતાનું ઘર વેચે ત્યારે, તેઓની કાયદેસર ફરજ થાય છે કે તેઓ ભૂતકાળમાં પોતાના પડોશીઓ સાથેના કોઈ પણ વિખવાદની વિગતો પ્રગટ કરે, એમ લંડનનું ધ સન્ડે ટાઈમ્સ અહેવાલ આપે છે. એક ૮૦ વર્ષની વિધવાએ ઘર ખરીદનારાઓને જણાવ્યું નહિ કે તેણે ઘોંઘાટિયા પડોશી વિષે સ્થાનિક અધિકારીઓને બે વખત ફરિયાદ કરી હતી. તેના પર ખોટી રજૂઆત કરવા માટે સફળતાપૂર્વક દાવો માંડવામાં આવ્યો. હવે તે $૪૫,૦૦૦ ભરવાનો ચૂકાદો મેળવ્યા પછી દેવાળુ કાઢવાનો સામનો કરી રહી છે. નવા માલિકોએ કોર્ટને કહ્યું કે, તેઓ એ ઘરમાં છ વર્ષ રહ્યા, પરંતુ તેઓને પોતાના પડોશીની બાજુમાં રહેવું અસહ્ય લાગ્યું અને તેઓ પાસે ઘર વેચી દેવા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો ન હતો. એવા કોયડા નિવારવા માટે, કેટલાક ખરીદનારાઓ પોતાના ભાવિ પડોશીઓનું વર્તન તપાસવા ખાનગી જાસૂસ રોકે છે. ઉપરછલ્લી તપાસ માટે $૭૫ જેટલો ખર્ચ થઈ શકે, પરંતુ કેટલાક ખરીદનારાઓ વધુ ઊંડી તપાસ માટે $૧,૫૦૦ ચૂકવવા પણ તૈયાર હોય છે.

નવાં કપડાંની ચેતવણી

_

એશિયાવીક સામયિક અહેવાલ આપે છે કે, કપડાંના ઉત્પાદનમાં વપરાતા રસાયણોના જોખમો વિષે ફ્રાંસ, ઇંગ્લેન્ડ, અને થાઈલેન્ડમાં જાહેરાત કરવામાં આવી રહી છે. રંગ જાળવી રાખવા માટેની અસરકારક દવા, ફોર્મલડીહાઈડ, ઘણા કાપડમાં મળી આવે છે, અને એ ચામડી, આંખો, તથા શ્વસનના કોયડા પેદા કરતી હોવાનું કહેવામાં આવે છે. અહેવાલ અનુસાર, કાપડ ઉદ્યોગમાંના કામદારોના કારખાનાઓ સારા હવાઉજાસવાળા અને સૂકા ન હોય તો તેઓ જોખમ હેઠળ હોય શકે, અને ગ્રાહકોએ શક્ય વિપરિત પ્રત્યાઘાત નિવારવા માટે નવાં કપડાં પહેરતાં પહેલાં એને ધોઈ નાખવાં જોઈએ.

કપટી સાધુઓ

_

વર્લ્ડ પ્રેસ રીવ્યુ અહેવાલ આપે છે કે, થાઈલેન્ડમાં એમ્ફીટામિન્સ દવાઓના બંધાણી એક નવા બૌદ્ધ સાધુએ ૨૩ વર્ષની બ્રિટિશ પર્યટક પર બળાત્કાર કરી તેને મારી નાખ્યાનું કબૂલ્યું. જોકે, તાજેતરમાં બૌદ્ધ સાધુઓને અસર કરી રહેલી “કૌભાંડોની શૃંખલા”માં આ ગુનો તો ફક્ત એક જ છે. “ગુનાઈત કૃત્યોની સંખ્યામાં થયેલા વધારા ઉપરાંત, ભૌતિકવાદી લોભ બૌદ્ધધર્મને ભ્રષ્ટ કરી રહ્યો છે.” કઈ રીતે? “સૌભાગ્યના માદળિયા વેચવા એ કેટલાક સાધુઓ માટે લોભામણો વેપાર બન્યો છે, જે સાધુઓ શોફરવાળી લીમોઝીન ગાડીઓમાં ફરતા હોય છે.” પરિણામે, “એક વખતના માનપાત્ર બૌદ્ધ સાધુઓમાંના લોકોના વિશ્વાસને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.” સામયિક એમ પણ નોંધે છે કે સાધુઓ મધ્યે “ડ્રગ્સનો દુરુપયોગ” ઘટાડવા માટે, “મઠોએ ડ્રગ્સની અસર આંબવાના કેન્દ્રો ખોલ્યાં છે.”

ભારે ધાતુઓ માટે ભૂખ્યા

_

નિકલ, સીસુ, જસત, અને કલાઈ જેવી ભારે ધાતુઓ માટીને દૂષિત કરે છે ત્યારે, જમીન જોખમકારક અને નકામી બને છે. શુદ્ધિકરણની હાલની પદ્ધતિઓ જરૂરી બનાવે છે કે જમીનનું ઉપલું પડ ખોતરીને એને ઉકરડામાં નાખવામાં આવે અથવા દૂષિત માટી દૂર કરી એને તીવ્ર તેજાબના સંપર્કમાં લાવવામાં આવે જે એમાંની ફસાએલી ધાતુને મુક્ત કરે છે. જોકે, શુદ્ધિકરણની આ પદ્ધતિઓ બહુ ખર્ચાળ હોય છે. હવે વૈજ્ઞાનિકો એ કોયડો ઉકેલવાની વધુ સસ્તી અને ચોખ્ખાઈભરી રીતનો અભ્યાસ કરી રહ્યા છે. એને ફિટોરેમેડિએશન કહેવામાં આવે છે. એ પ્રક્રિયામાં એવા છોડનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે જે ભારે ધાતુઓને માટીમાંથી ગ્રહણ કરી પાંદડાં, ડાળી, અને છોડના જમીન બહારના કોઈક ભાગમાં ખસેડે છે. એકવાર ભારે ધાતુઓ જમીનમાંથી ખેંચી લેવામાં આવે પછી, એ છોડ પર પ્રક્રિયા કરી વધુ કીમતી ધાતુઓને રીસાયકલ કરી શકાય છે, એમ સાયન્સ સામયિક કહે છે.

દરિયાખેડુ પતંગિયાં

_

દર માર્ચ મહિનામાં મોનાર્ક પતંગિયાઓના ટોળાં મેક્ષિકોથી નીકળી ૮૦૦ કિલોમીટરના ખુલ્લા દરિયા પરથી પ્રવાસ કરી યુ.એસ.એ.ના લુઈઝિયાનાના કિનારેના એક નાના ભાગમાં સ્થળાંતર કરે છે. પછી મોનાર્ક ઉત્તર તરફ જવાનું ચાલુ રાખે છે, અને કેટલાક તો છેક કેનેડા સુધી પહોંચે છે. પછીના ઓક્ટોબરમાં તેઓની પાંચમી પેઢીનાં પતંગિયાં એ જ રસ્તે મેક્ષિકો પાછાં ફરે છે. પરંતુ ફક્ત ટાંકણીના માથા જેટલા કદના તેઓના નાના મગજમાં તેઓને કઈ રીતે ખબર પડે છે કે ક્યાં ઊડવાનું છે? એ હજુ પણ એક રહસ્ય છે. કેલિફોર્નિયાના ચિકોનું એન્ટરપ્રાઈઝ-રેકોર્ડ અહેવાલ આપે છે કે પતંગિયાના સંશોધક ડો. ગેરી નોએલ રોસ માને છે કે પતંગિયાં ચુંબકત્વથી દોરવણી પામતા હોય શકે. મૂંઝવતો પ્રશ્ન એ છે કે મેક્ષિકો સુધીના પાછા ફરતા ઉડ્ડયનની માહિતી પાંચ પેઢી સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે છે? “એ સર્વની જટિલતા સમજ બહારની બાબત છે,” ડો. રોસે કહ્યું.

વિશ્વાસુ જળઘોડો

_

ઓક્ષફર્ડની પ્રાણીશાસ્ત્રી અમાન્ડા વિન્સેન્ટે શોધી કાઢ્યું છે કે દેખીતી રીતે જ જળઘોડા પોતાના સાથીને જીવનભર વિશ્વાસુ રહે છે. લંડનનું ધ ટાઈમ્સ નોંધે છે કે, ઓસ્ટ્રેલિયાના અગ્‍નિખૂણે દસ સેન્ટિમીટર લાંબા હિપ્પોકેમ્પસ વ્હિટેઈ જૂથપ્રકારનો અભ્યાસ કરતા, ડો. વિન્સેન્ટને નવાઈ લાગી કે માછલીઓમાં પણ આવી વફાદારી હોય છે. અવલોકવામાં આવ્યું કે દર સવારે નર પોતાની સાથી માટે અગાઉથી નક્કી કરેલા સ્થળે રાહ જુએ છે. એકબીજાને મળતાની સાથે, જળઘોડા પોતાનો રંગ બદલે છે અને પછી નૃત્ય કરે છે. સંતાન પેદા કરવું એ સહભાગી અનુભવ હોય છે. માદા ઈંડા મૂકે છે અને એને નરની પૂંછડીમાંની, બચ્ચા માટેની, એક ખાસ કોથડીમાં મૂકે છે, જ્યાં નર એને ફલિત કરે છે અને એ જન્મ સુધી ત્યાં રહે છે. સાથી મરી જાય તો, બચેલો જળઘોડો બીજા સાથે બંધનમાં ન હોય એવા જળઘોડા સાથે જ જોડાય છે. દુઃખદ બાબત છે કે, આવા આનંદમય પ્રાણીઓ જોખમ હેઠળ છે, કેમ કે દર વર્ષે લાખોને મચ્છીઘર માટે અને રૂઢિગત એશિયાઈ દવામાં વાપરવા માટે પકડવામાં આવે છે.

“ગેસથી રાંધવું—અને શ્વાસ ચઢવો”

_

એ શીર્ષક હેઠળ, સાયન્સ ન્યૂઝએ અહેવાલ આપ્યો કે બ્રિટિશ સંશોધકોને જણાયું છે કે “ગેસ પર રાંધનારી સ્ત્રીઓ ઇલેક્ટ્રિક ચૂલા તથા ભઠ્ઠીમાં રાંધનારી સ્ત્રીઓ કરતાં ઓછામાં ઓછા બમણા પ્રમાણમાં શ્વાસ ચઢવો, હાંફી જવું, અને દમના બીજા લક્ષણો અનુભવે છે.” લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલ ખાતે સંચાલિત અભ્યાસે નોંધ્યું કે, એક્ષ્હોસ્ટ પંખાનો ઉપયોગ કરવામાં આવ્યો છતાં પણ લક્ષણો ચાલુ જ રહ્યાં. અને પુરુષો તથા સ્ત્રીઓએ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો છતાં, “ફક્ત સ્ત્રીઓમાં જ અસરો દેખાઈ—કદાચ એ કારણને લીધે કે સ્ત્રીઓ રસોડામાં વધુ સમય વિતાવે છે.”

(g96 9/8 & 9/22)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો