પરવાળા
જોખમમાં છે અને મરી રહ્યાં છે
સમુદ્ર કોઈપણ ઠેકાણે ઉષ્ણકટિબંધ જેટલો ચોખ્ખો નથી. સ્ફટિક જેવો ચોખ્ખો. ભૂરો સ્ફટિકમય. પંદર મીટર ઊંડું સફેદ રેતાળ તળિયું જાણે કે તમે અડકી શકો એટલું નજીક લાગે છે! તરવાનાં ફિન્સ તથા ચહેરાનો માસ્ક પહેરી લો. તમે હૂંફાળા પાણીમાં સરકો છો તેમ તમારું ર્સ્નોકલ ઠીક કરો, થોડીવાર માટે પરપોટાનાં વાદળ ઊપસી આવે છે. પછી નીચે જુઓ. ત્યાં! હવે પરવાળાને બચકાં ભરતી અને ટુકડા થૂંકતી મોટી લાલ અને ભૂરી પેરટ માછલી જુઓ, જેણે થૂંકેલા ટુકડા રેતાળ તળિયાનો ભાગ બને છે. અચાનક, ઉષ્ણકટિબંધની માછલીનું રૂપેરી મેઘધનુષ્ય—લાલ, પીળો, ભૂરો, કેસરી, જાંબલી રંગ—ચમકારા મારે છે. દરેક ઠેકાણે જીવન ગતિશીલ છે. એ તમારી ઇંદ્રિયોને દિગ્મૂઢ કરી નાખે છે.
એ પરવાળાનું જંગલ છે. એ રેતાળ તળિયેથી શરૂ થાય છે અને હજારો જીવંત હાથ ધરાવે છે. થોડેક આગળ એક એલ્કહોર્ન નામનો પરવાળો છે, જે ૬ મીટર ઊંચો અને એટલો જ પહોળો છે. કંઈક ૨૩ મીટર દૂર સ્ટેગહોર્ન પરવાળા છે, જે એલ્કહોર્ન કરતાં નાનાં હોય છે અને તેઓની પાતળી ડાળખીઓ વિસ્તારને જંગલની જેમ ભરી દે છે. કેટલી યોગ્ય રીતે એ પરવાળાનાં નામ પાડવામાં આવ્યાં છે—દેખાવમાં જાણે કે પશુના શિંગડા હોય! માછલાં અને બીજું દરિયાઈ જીવન એની ડાળખીઓમાંથી ખોરાક અને રહેઠાણ મેળવે છે.
એક વખત માનવામાં આવતું કે પરવાળા છોડમાંથી બનતા, પરંતુ હવે પરવાળા ચૂનાના પથ્થરના બંધારણ હોવા માટે જાણીતા છે જે પોલીપ્સ નામના પ્રાણીઓના સમાજો બનાવતા હોય છે. મોટા ભાગનાં પોલીપ્સ નાનાં, વ્યાસમાં ૨.૫ સેન્ટીમીટરથી પણ નાનાં હોય છે. નાજૂક શરીર ધરાવતા પરવાળાના પોલીપ્સ લાળ વીંટાએલા પદાર્થથી પોતાનાં પડોશી સાથે જોડાય છે. પોલીપ્સ તેઓના માળખામાં જતાં રહેતાં હોવાથી, પરવાળા દિવસ દરમ્યાન પથ્થર જેવા દેખાય છે. પરંતુ તેઓ લાંબી કરેલી સ્પર્શિકા ધીમેથી હલાવે છે, અને ખડકને મૃદુ, રુંવાટીવાળો દેખાવ આપે છે ત્યારે, તેઓનું રાતે બદલાણ થાય છે. પોલીપ્સ સહભાગી થાય છે એ પથરાળ “વૃક્ષ” તેઓનું સહિયારું માળખું છે જે સમુદ્રના પાણીમાંથી કેલ્શિયમ કાર્બોનેટ અલગ કરીને બાંધેલું હોય છે.
દરેક પ્રકારના પરવાળાનો સમાજ પોતાનું માળખું અજોડ આકારનું બનાવે છે. જગત ફરતે, પરવાળાના કંઈક ૩૫૦થી વધારે પ્રકારો છે જે દંગ કરતા આકાર, કદ, અને રંગનાં બનેલા હોય છે. એના સામાન્ય નામો તમને જમીન પરના પદાર્થો—વૃક્ષ, સ્તંભ, ટેબલ, કે છત્રીના પરવાળા—કે છોડ—પુષ્પગુચ્છ, લેટિશ, સ્ટ્રોબરી, કે બિલાડીના ટોપના પરવાળા—યાદ દેવડાવશે. પેલો મોટા મગજ જેવો દેખાતો પરવાળો જુઓ? એનું નામ કઈ રીતે પડ્યું એ સમજવું સહેલું છે!
એ પાણી હેઠળનું જંગલ સુક્ષ્મ છોડવા અને પ્રાણીઓથી માંડીને રેઝ માછલી, શાર્ક, મોટી મોરે ઈલ્સ, અને કાચબા સુધીનાં જીવનથી ઊભરાય છે. અને અહીંયા એવી કેટલીક માછલી છે જેના વિષે તમે કદી સાંભળ્યું પણ નહિ હોય—ચમકતા પીળા રંગની ક્લોન માછલી, જાંબલી બો ગ્રેગરીઝ, સફેદ અને કાળી મોરિશ આઈડોલ્સ, કેસરી ટ્રમ્પેટ માછલી, ઘેરી ભૂરી સર્જનફીશ, ઈન્ડિગો હેમલેટ્સ, કે કથ્થાઈ અને બદામી લાયનફીશ. અને બાર્બરશોપ શ્રીમ્પ, ચીતરેલા ઝીંગા, કે લાલ રંગની હોક માછલી વિષે શું? બધા રંગો, બધા કદો, અને બધા આકારો. કેટલુંક સુંદર, કેટલુંક વિચિત્ર—પરંતુ બધું રસપ્રદ. સ્તંભ પરવાળાની પાછળ સંતાઈ રહેલો પેલો ઓક્ટોપસ જુઓ! તે ખોલેલા શંખનું ભોજન કરી રહ્યો છે. જમીન પરના જંગલોમાં હોય છે તેમ, આ જળજગતના બંધારણમાં અસાધારણ જીવનની વિવિધતા ગૂંથાએલી છે, જે સર્વ પરવાળાના જંગલની વિભિન્નતા પર આધારિત છે. પરવાળાનું પુનરુત્પત્તિ ચક્ર અને નવા ખડકના સમાજો બાંધવા માટે સમુદ્રી લહેરોમાં પ્રવાસ કરવાની એની ક્ષમતા જૂન ૮, ૧૯૯૧ના અવેક!માં વિગતવાર આપવામાં આવી છે.
પરવાળાના ખડકો પૃથ્વી પર સૌથી મોટું જૈવિક બંધારણ રચે છે. એમાંનો એક ઓસ્ટ્રેલિયાના ઈશાન કિનારે આવેલો ગ્રેટ બેરિયર રીફ છે, જે ૨,૦૧૦ કિલોમીટર જેટલો વિસ્તરેલો છે અને ઇંગ્લેન્ડ તથા સ્કોટલેન્ડને ભેગા કરતા થયેલા વિસ્તાર જેટલો વિસ્તાર આવરે છે. પરવાળા કેટલાય ટનનું વજન ધરાવે છે અને સમુદ્રના તળિયાથી માંડીને ૯ મીટરથી વધારે ઊંચા વધે છે. પરવાળાના ખડકો ૬૦ મીટર જેટલા ઊંડા ઉષ્ણકટિબંધના છીછરા પાણીમાં ઊછરે છે. તેઓની લાક્ષણિકતા વિસ્તારે વિસ્તારે ભિન્ન હોય છે, તેથી નિષ્ણાતો પરવાળાનો ટૂકડો ચકાસીને સમુદ્ર કહી શકે છે અને એ ક્યાં ઊછર્યો હતો એ પણ ઓળખી શકે છે. પરવાળાના ખડકોના ઉછેર માટે મર્યાદિત પોષણ ધરાવતું પાણી જરૂરી હોય છે, જે સમજાવે છે કે શા માટે એની આસપાસનો સમુદ્રનો વિસ્તાર અસામાન્યપણે ચોખ્ખો હોય છે. પરવાળાનું પોષણ પોલીપના પારદર્શક શરીરમાં રહેલી સેવાળ (જેને વૈજ્ઞાનિક રીતે ઝૂઝેન્થેલા કહેવામાં આવે છે), અને પરવાળાની સ્પર્શિકાઓમાં સપડાએલા સુક્ષ્મ પ્રાણીઓ પૂરું પાડે છે. આખરનું પરિણામ ઉજ્જડ સમુદ્રમાં પરવાળાના ખડકો છે જે હજારો દરિયાઈ જૂથપ્રકારોનું ઘર બને છે.
પરવાળાના ખડકો સર્વ દરિયાઈ ઈકોસિસ્ટમ માટે જૈવિક રીતે સૌથી ફળદ્રુપ હોય છે. યુ.એસ.ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ આ રીતે વર્ણવે છે: “ખડકો ઉષ્ણકટિબંધના વર્ષાજંગલોની દરિયાઈ તુલના છે જે સમૃદ્ધ જીવંત રચનાઓથી ઊભરાય છે: લહેરાતા સી ફેન્સ અને સી વીપ્સ, પીંછેદાર ક્રિનોઈડ્સ, નીયોન પ્રકાશિત માછલીઓ અને વાદળીઓ, શ્રીમ્પ્સ, ઝીંગા, અને સ્ટારફીશ, તદુપરાંત ભયજનક શાર્ક અને ગંજાવર મોરે ઈલ્સ. બધા વસવાટ માટે પરવાળાના ચાલુ ઉદ્યોગ પર આધારિત હોય છે.” પરવાળાના ખડકો ધસમસતા મોજાં અને દરિયાકિનારા વચ્ચે દિવાલ પૂરી પાડીને તથા ઉષ્ણકટિબંધના હજારો ટાપુઓ માટે પાયો નાખીને જમીન પરના જીવનને પણ આધાર આપે છે.
તંદુરસ્ત પરવાળા કથ્થાઈ, લીલા, લાલ, ભૂરા, કે પીળા રંગનાં હોય છે જે યજમાન પારદર્શક પોલીપમાં રહેલી સેવાળના પ્રકાર પર આધારિત છે. સેવાળનો સુક્ષ્મ છોડ તેના સહજીવી પ્રાણીમાં થઈને આવતો સૂર્યપ્રકાશ વાપરે છે અને પોલીપનો વ્યય પદાર્થ ચૂસે છે જેમાં તેઓના પોષણ માટે કાર્બન ડાયોક્ષાઈડનો સમાવેશ થાય છે. પછી, પ્રકાશસંશ્લેષણ દ્વારા સેવાળ પરવાળાના સેન્દ્રિય પદાર્થ માટે ઓક્ષિજન, ખોરાક, તથા બળ પૂરું પાડે છે. સેવાળ સાથેની એ ભાગીદારી પરવાળાને જલદીથી વધવા દે છે અને ઉષ્ણકટિબંધનાં અપૌષ્ટિક પાણીમાં બચવા દે છે. બન્નેમાં સૌથી સારા છોડ તથા પ્રાણી જગત હોય છે. કેવી કુશળ અને ડહાપણભરી રચના!
જીવન વગરનાં ઉજ્જડ માળખાં
સમુદ્રમાં ઘણી પ્રવૃત્તિ થાય એની નવાઈ નથી! પરંતુ પેલું શું છે? જીવન વગરનું ઉજ્જડ માળખું. ડાળખીઓ તૂટેલી અને બરડ થઈ ગયેલી છે. કેટલીક તો નાશ પણ પામી ચૂકી છે. પરવાળાના જંગલનો એ ભાગ મરેલો છે કે મરી રહ્યો છે. માછલી નથી. શ્રીમ્પ્સ નથી. ઝીંગા નથી. કંઈ પણ નથી. એ એક પાણીની અંદરનું રણ છે. તમે માની શકતા નથી. કેવો આઘાત! તમારો સ્વપ્નમય અનુભવ પાયમાલ થઈ ગયો છે. તમે હોડીમાં પાછા આવો છો ત્યારે પણ, વ્યથિત કરતો પ્રશ્ન બાકી જ રહે છે. એ વિનાશ કોણે સર્જ્યો હોય શકે? એક અકસ્માતે? રોગે? કુદરતી આફતે? તમને જવાબ જોઈએ છે.
પથરાળ પરવાળા કઠોર લાગે છતાં, એ અત્યંત નાજૂક હોય છે. માનવ સ્પર્શથી નુકસાન પરિણમી શકે છે, તેથી ચતુર ડૂબકી મારનારાઓ એનો સ્પર્શ ટાળે છે, અને કાળજીપૂર્વક હોડી ચલાવનારાઓ એના પર લંગર નાખવાનું ટાળે છે. રસાયણનું પ્રદૂષણ, તેલ ઢોળાવું, મળમૂત્રનો નિકાલ, વહાણથી થતું નુકસાન, ખેતરોમાંથી સમુદ્રમાં વહી આવેલી જંતુનાશક દવાઓ, સમુદ્ર તળિયું સાફ કરવાનું યંત્ર, સમુદ્ર તળિયા પરનો કાંપનો નિકાલ, અને તાજા પાણી માટે પાડવામાં આવતા કાણાં પરવાળા માટેનાં બીજાં જોખમો છે. હોડીના મૂલાધારથી સીધેસીધી થતી અસર વિનાશકારી હોય છે. અને ઉષ્ણતામાનનો અતિશય ફેરફાર પરવાળાને નુકસાન કરી શકે છે અને મારી નાખી શકે છે. તણાવ પેદા થાય છે ત્યારે, પરવાળા સેવાળનાં જાડાં થરોને બહાર કાઢે છે અને માછલી એ તરત જ ખાઈ જાય છે. તણાવની સ્થિતિ અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલુ રહે તો, પરવાળા ઉજ્જડ થાય છે અને મરણ પામે છે. અને પરવાળા મરી જાય છે ત્યારે, ખડકનું પર્યાવરણ મરી જાય છે. જીવનનું બંધારણ વિખેરાઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે.
ઉષ્ણકટિબંધના બધા સમુદ્રોમાં ઉજ્જડ થવું વ્યાપક બન્યું છે. પરિણામે, વિશ્વવ્યાપી જળવિજ્ઞાનના સમાજમાં ભય પ્રવર્ત્યો છે. પરવાળા મોટા પ્રમાણમાં ઉજ્જડ થાય છે ત્યારે, નુકસાન કાયમી હોય છે. તાજેતરના વર્ષોમાં જગતના સમગ્ર ઉષ્ણકટિબંધના દરિયામાં જે બન્યું એ દ્વારા પરવાળાની ઉજ્જડતાની તીવ્રતા અને પછીથી થયેલા મરણને દુઃખદપણે જગતના ધ્યાન પર લાવવામાં આવ્યું છે. પરવાળાનું પરિક્રમિક અને સ્થાનિકપણે ઉજ્જડ થવું વર્ષોથી થતું આવ્યું છે ત્યારે, તાજેતરનો ફેલાવો પ્રચંડતામાં અપૂર્વ છે અને વ્યાપમાં ગોળાવ્પાપી છે. જીવંત પરવાળાનાં મોટા ભાગના પૃથ્વીવ્યાપી જૂથપ્રકારો પર કોઈક બાબત પ્રહાર કરી રહી છે, જેનાથી ખડકનાં પર્યાવરણો ભાંગી જઈ રહ્યાં છે.
(g96 9/22)