રે ડિ યો
એક શોધ જેણે જગતને બદલ્યું
સ જા ગ બ નો ! ના ઈ ટા લી માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
બંદૂકના ધડાકાએ ઈટાલીના ગ્રામ્યવિસ્તારની શાંતિમાં ભંગ પાડ્યો. એ સંકેતે ગુલ્યેલ્મો માર્કોનીને પુષ્ટિ આપી કે તે ઉપયોગ કરી રહ્યો હતો એ પ્રાથમિક સાધન કામ કરતું હતું. ટ્રાંસમીટર દ્વારા પેદા થયેલા ઈલેક્ટ્રોમેગ્નેટિક મોજાં અવકાશમાં ફેંકવામાં આવ્યાં હતાં અને અઢી કિલોમીટર દૂર આવેલા રિસીવરે એ પકડ્યાં હતાં. એ ૧૮૯૫ની સાલ હતી. જોકે, એ સમયે એની ભાવિ અસરો કોઈ પૂરેપૂરું સમજી શક્યું ન હતું છતાં, બંદૂકના એ ધડાકાએ એવી ટેકનોલોજી—રેડિયો સંચાર—માટે માર્ગ ખોલ્યો જેણે ત્યારથી માંડીને આપણા જગતમાં ક્રાંતિ કરી છે.
ઈલેક્ટ્રોમેગ્નેટિક મોજાંની પ્રકૃતિ વિષે કેટલાક વૈજ્ઞાનિકો અભ્યાસ કરી ચૂક્યા હતા. અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી માઇકલ ફેરાડેએ ૧૮૩૧માં પ્રદર્શિત કર્યું હતું કે ઈલેક્ટ્રિક પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકે છે અને પ્રથમ સરકીટથી અલગ પરંતુ એની નજીક મૂકવામાં આવેલી બીજી સરકીટમાં પ્રવાહ પેદા કરી શકે છે. સ્કોટિશ ભૌતિકશાસ્ત્રી જેમ્સ મેક્ષવેલે ૧૮૬૪માં તાત્ત્વિક સિદ્ધાંત રજૂ કર્યો કે એવા ક્ષેત્રોથી પેદા થયેલી ઉર્જા મોજાં તરીકે બહાર પડી શકે છે—ખાબોચિયાની સપાટી પરના જલતરંગોની જેમ—પરંતુ પ્રકાશની ઝડપે. પછીથી, જર્મન ભૌતિકશાસ્ત્રી હાઈન્રીખ હર્ત્ઝે ઈલેક્ટ્રોમેગ્નેટિક મોજાં પેદા કરીને મેક્ષવેલના તાત્ત્વિક સિદ્ધાંતની પુષ્ટિ કરી અને એને નજીકના અંતરે પારખ્યા, જે અર્નેસ્ટ રધરફર્ડ (પછીથી, લોર્ડ રધરફર્ડ)એ પણ ન્યૂ ઝીલેન્ડમાં કર્યું. પરંતુ માર્કોની પ્રાપ્ય સાધનોમાં ફેરગોઠવણ અને સુધારા કરીને તથા તેનું પોતાનું અણઘડ એન્ટેના ઉમેરીને ઘણે દૂર સુધી ટેલિગ્રાફનો સંકેત મોકલી શક્યો. વાયરલેસ ટેલિગ્રાફીનો જન્મ થયો!
વર્ષ ૧૮૯૬માં, ૨૧ વર્ષનો માર્કોની ઈટાલીથી ઇંગ્લેન્ડ રહેવા ગયો, જ્યાં તેની જનરલ પોસ્ટ ઓફિસના મુખ્ય ઇજનેર, વિલિયમ પ્રીસ સાથે ઓળખાણ કરાવવામાં આવી. પ્રીસને તારથી ન જોડાઈ શકતા સ્થળો વચ્ચે દરિયાકાંઠાના સંચાર માટે માર્કોનીની વ્યવસ્થા લાગુ પાડવામાં રસ હતો. તેણે માર્કોનીને તેના પ્રયોગો માટે ટેકનિશિયનોની મદદ તથા પ્રયોગશાળાનો ઉપયોગ રજૂ કર્યાં. થોડા મહિનામાં, માર્કોની સંકેતોની શક્તિ વધારી એને દસ કિલોમીટર સુધી પહોંચાડી શક્યો. માર્કોનીએ ૧૮૯૭માં વાયરલેસ ટેલિગ્રાફ એન્ડ સિગ્નલ કંપની લિમિટેડની સ્થાપના કરી જેનો હેતુ વાયરલેસ ટેલિગ્રાફીને વ્યાપારી વ્યવસ્થા બનાવવાનો હતો.
વર્ષ ૧૯૦૦માં કોર્નવોલ અને ઇંગ્લેન્ડની દક્ષિણે આવેલા આઈલ ઓફ વ્હાઈટ વચ્ચે ૩૦૦ કિલોમીટરનું રેડિયોટેલિગ્રાફિક જોડાણ બનાવવામાં આવ્યું, જેણે એ પ્રદર્શિત કર્યું જે એક સમયે અશક્ય ગણાતું હતું—પૃથ્વીના ઢોળાવની પેલે પાર રેડિયોનાં મોજાં મોકલવાં. એમ માનવામાં આવતું હતું કે સંકેતો ક્ષિતિજની પેલે પાર પકડી શકાશે નહિ, કેમ કે ઈલેક્ટ્રોમેગ્નેટિક મોજાં સીધી લીટીમાં ગતિ કરે છે.a પછી રેડિયો મેળવવા માટેના પ્રથમ મહત્ત્વના ઓર્ડર આવવા શરૂ થયા. બ્રિટિશ એડ્મીરલ્ટીએ ૨૬ વહાણોમાં રેડિયા બેસાડવાની, તેમ જ ભૂમિ પર છ સ્ટેશનો બાંધવાની તથા એની જાળવણી કરવાની ગોઠવણ કરી. માર્કોની પછીના વર્ષે મોર્સ કોડમાં સ [અંગ્રેજીમાં S] દર્શાવતા ત્રણ ટપકાંનો આછો સંકેત મોકલી એટ્લાન્ટિક પાર કરવામાં સફળ થયો. શોધનું ભાવિ સલામત બન્યું.
a એ ઘટનાની સમજણ ૧૯૦૨માં આવી, જ્યારે ભૌતિકશાસ્ત્રી આર્થર કનેલી અને ઓલિવર હેવિસાઈડે ઈલેક્ટ્રોમેગ્નેટિક મોજાંનું પરાવર્તન કરતા વાતાવરણીય સ્તર—આયનોસ્ફીયર—ના અસ્તિત્વ વિષે તાત્ત્વિક સિદ્ધાંત રજૂ કર્યો.
ટેકનોલોજીનો વિકાસ
શરૂઆતમાં, વાયરલેસ ટેલિગ્રાફી શબ્દો કે સંગીતનું નહિ, પરંતુ ફક્ત મોર્સ કોડનું જ, પ્રસારણ કરી શકતી. જોકે, ૧૯૦૪માં ડાયોડના, પ્રથમ વાલ્વવાળી શૂન્યાવકાશ ધરાવતી નળીના, આગમનથી હરણફાળ ભરવામાં આવી, જેણે અવાજનું પ્રસારણ અને એને પાછો પકડવો શક્ય બનાવ્યું. એણે વાયરલેસ ટેલિગ્રાફીનું આજે આપણે ઓળખીએ છીએ એ રેડિયોમાં રૂપાંતર કર્યું.
યુનાઈટેડ સ્ટેટ્સમાં, રેજિનાલ્ડ ફીસન્ડને ૧૯૦૬માં સંગીતનું પ્રસારણ કર્યું જે ૮૦ કિલોમીટર દૂર આવેલા વહાણોમાં પકડાયું. લી ડી ફોરેસ્ટે ન્યૂ યોર્કમાં રેડિયો ચલાવતા શીખનારાઓના લાભાર્થે ૧૯૧૦માં પ્રખ્યાત ઈટાલિયન ગાયક એનરિકો કારુસોના સંગીત જલસાનું જીવંત પ્રસારણ કર્યું. અગાઉના વર્ષે, પ્રથમવાર, ફ્રાંસના પેરિસમાંના એફિલ ટાવર પરથી સમય નિયંત્રિત કરતા સંકેતોનું પ્રસારણ કરવામાં આવ્યું. એ જ વર્ષ ૧૯૦૯માં, એટ્લાન્ટિકમાં અથડાયેલી બે સ્ટીમરો, ફ્લોરીડા અને રીપબ્લિકમાંથી બચેલાઓને પ્રથમવાર રેડિયોની સહાયથી ઉગારવામાં આવ્યા. ત્રણ વર્ષ પછી, રેડિયો દ્વારા મોકલવામાં આવેલા SOS (એસઓએસ) સંકેતને આભારે ટાઈટાનિક દુર્ઘટનામાંથી બચેલા ૭૦૦ને ઉગારવામાં આવ્યા.
છેક ૧૯૧૬ જેટલી શરૂઆતમાં, દરેક ઘરમાં રેડિયો હોવાની શક્યતાનું સ્વપ્ન સેવવામાં આવ્યું હતું. વાલ્વના ઉપયોગે અસરકારક, સસ્તા રિસીવર બનાવવાનું શક્ય બનાવ્યું, જેણે વ્યાપારી રેડિયોના બહોળા વિકાસનું બારણું ખોલ્યું. યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રથમ ઉછાળો આવ્યો, જ્યાં ૧૯૨૧ના અંત સુધીમાં ૮ સ્ટેશનો હતાં, અને નવેમ્બર ૧, ૧૯૨૨ સુધીમાં ૫૬૪ને લાયસન્સ આપવામાં આવ્યું! ઘણાં ઘરોમાં, વીજળીના પુરવઠા સાથે જોડવામાં આવનાર સાધનોમાં લાઈટની વ્યવસ્થા પછી, રેડિયો પહેલો હતો.
નિયમિત વ્યાપારી પ્રસારણ શરૂ થયાને બે વર્ષમાં જ, યહોવાહના સાક્ષીઓ ત્યારે જે રીતે ઓળખાતા હતા એ બાઇબલ વિદ્યાર્થીઓ પણ પોતાના સંદેશાનું પ્રસારણ કરવા માટે રેડિયોનો ઉપયોગ કરી રહ્યા હતા. વોચ ટાવર સોસાયટીના ત્યારના પ્રમુખ જે. એફ. રધરફર્ડે ૧૯૨૨માં કેલિફોર્નિયામાં પ્રથમ રેડિયો વાર્તાલાપ આપ્યો. બે વર્ષ પછી, વોચ ટાવર સોસાયટીએ બાંધેલા અને એની માલિકીના સ્ટેશન WBBR (ડબ્લ્યૂબીબીઆર)એ ન્યૂ યોર્કના સ્ટેટન આઈલેન્ડ પરથી પ્રસારણ શરૂ કર્યું. છેવટે, સોસાયટીએ બાઇબલ કાર્યક્રમોનું પ્રસારણ કરવા જગતવ્યાપી નેટવર્ક સંગઠિત કર્યું. વર્ષ ૧૯૩૩ સુધીમાં ૪૦૮ સ્ટેશનોની શિખર સંખ્યા દેવના રાજ્યનો સંદેશો લઈ જઈ રહી હતી.—માત્થી ૨૪:૧૪.
જોકે, ઘણા દેશોમાં રેડિયો સરકારના એકાધિકારની બાબત બન્યો. ઈટાલીમાં, મુસોલિનીની સરકારે રેડિયોને રાજકીય મતપ્રચારના સાધન તરીકે જોયો અને પરદેશી પ્રસારણ સાંભળવાની નાગરિકોને મનાઈ કરી. રેડિયોની પ્રચંડ શક્તિ ૧૯૩૮માં પૂરી રીતે પ્રદર્શિત કરવામાં આવી. યુનાઈટેડ સ્ટેટ્સમાં વૈજ્ઞાનિક નવલકથાની એક વાર્તાના પ્રસારણ દરમ્યાન, ઓરસન વેલ્સે વસ્તીમાં ભય નાખ્યો, જેઓમાંના કેટલાકને લાગ્યું કે મંગળગ્રહવાસીઓ ન્યૂ જર્ઝીમાં ઊતર્યા છે અને ભયાવહ “ઉષ્મા કિરણ”નો ઉપયોગ કરી તેઓનો વિરોધ કરનાર સર્વને મારી નાખે છે!
રેડિયોના સો વર્ષ
ઈટાલીમાં ૧૯૫૪માં રેડિયો સાંભળવો એ લોકોનો માનીતો શોખ હતો. ટેલિવિઝનની સફળતા છતાં, રેડિયો હજુ પણ ઘણો લોકપ્રિય છે. મોટા ભાગના યુરોપિયન દેશોમાં, વસ્તીના ૫૦થી ૭૦ ટકા લોકો માહિતી કે મનોરંજન માટે રેડિયો સાંભળે છે. એવો અંદાજ કાઢવામાં આવે છે કે યુનાઈટેડ સ્ટેટ્સમાં, ૯૫ ટકા વાહનોમાં, ૮૦ ટકા શયનખંડમાં, અને ૫૦ ટકાથી વધુ રસોડાઓમાં રેડિયો હોય છે.
ટેલિવિઝનના જમાનામાં પણ રેડિયાની લોકપ્રિયતાનું એક કારણ એની સ્થળાંતરક્ષમતા છે. તદુપરાંત, એક સર્વેક્ષણ અનુસાર, રેડિયો “ટેલિવિઝન કરતા ઘણી જ ચઢિયાતી લાગણીમય અને કલ્પનાપૂર્ણ સંડોવણીની શક્તિ” ધરાવે છે.
વર્ષ ૧૯૯૫ દરમ્યાન, માર્કોનીના પ્રયોગની શતાબ્દી માટેની ઇટાલીમાંની ઊજવણીએ રેડિયોએ કરેલી પ્રગતિનો વિચાર કરવાનો પ્રસંગ પૂરો પાડ્યો. શરૂઆતના અણઘડ સાધનોનું આજની વિકસિત વ્યવસ્થામાં રૂપાંતર કરવામાં સંખ્યાબંધ વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે. હવે, સંકેતોની સંખ્યાયુક્ત કોડવાળી વ્યવસ્થા, અર્થાત્ ડિજિટલ ઓડિયો પ્રસારણનો આભાર કે, અવાજની ઉત્કૃષ્ટ ગુણવત્તાની બાંયધરી આપવામાં આવી છે. પરંતુ રેડિયોના અગણિત રોજિંદા ઉપયોગ ઉપરાંત, એની શોધે ટીવી, રડાર, અને બીજી વિવિધ ટેકનોલોજીની શરૂઆત પણ કરી.
દાખલા તરીકે, રેડિયો ખગોળશાસ્ત્ર આકાશી પદાર્થોએ બહાર પાડેલા રેડિયો મોજાં પકડવા પર અને એના પૃથક્કરણ પર આધારિત છે. રેડિયો વિના અવકાશ ટેકનોલોજીનો વિકાસ શક્ય ન હોત. ઉપગ્રહોના બધા ઉપયોગ—ટેલિવિઝન, ટેલિફોન, માહિતી ભેગી કરવી—રેડિયોનાં મોજાંના ઉપયોગ પર આધાર રાખે છે. ટેકનોલોજિકલ વિકાસથી ટ્રાંઝિસ્ટરમાંથી માઈક્રોચિપ્સ બનાવવામાં આવી એ પ્રથમ ખિસ્સા કદનાં કેલ્ક્યુલેટર તથા કોમ્પ્યુટર અને પછી આંતરરાષ્ટ્રીય માહિતી નેટવર્કમાં દોરી ગયું.
પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બે સ્થળોને, અથવા લગભગ કોઈ પણ બે સ્થળોને, જોડતા મોબાઈલ ફોન વાસ્તવિકતા બની ચૂકી છે. હવે ભાવિમાં હથેળીના કદના વાયરલેસ રિસીવરનું આગમન રહેલું છે—ટીવી, ટેલિફોન, કોમ્પ્યુટર, અને ફેક્ષનું મિશ્રણ. એ રિસીવરો વિડિયો, ઓડિયો, અને લખાણની ચેનલો પકડી શકશે અને એનો ઉપયોગ કરનારાઓ માટે બીજાઓ સાથે ઈલેક્ટ્રોનિક ટપાલની અદલાબદલી કરવી શક્ય બનાવશે.
આ ક્ષેત્રના ભાવિમાં શું રહેલું છે એ વિષે કોઈ ચોક્કસપણે ન કહી શકે. પરંતુ રેડિયોની ટેકનોલોજી પ્રગતિ કરવાનું ચાલુ રાખે છે, તેથી બીજી નોંધપાત્ર વસ્તુઓ વિકસવી શક્ય છે.
ઉપર ડાબે અને જમણે, નીચે ડાબે: “MUSEO della RADIO e della
TELEVISIONE” RAI--TORINO; નીચે જમણે: NASA photo
ટેલિવિઝનની સફળતા છતાં, રેડિયો હજુ પણ ઘણો લોકપ્રિય છે