ચાવીને દુઃખી થવું
સ જા ગ બ નો ! ના ભા ર ત માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
રેડિયો પર ધ્યાનાકર્ષક રણકાર લોકોને એનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપે છે. ફિલ્મી સિતારાઓ ટીવી, સામયિકો, અને વર્તમાનપત્રોમાં એને ઉત્તેજનાપૂર્ણ, પ્રતિષ્ઠિત જીવનઢબ તરફ દોરી જનાર તરીકે પ્રોત્સાહન આપે છે. પરંતુ ઝીણાં અક્ષરોમાંની માહિતી ચેતવણી આપે છે કે એ પેદાશનો ઉપયોગ તમારા આરોગ્યને હાનિ કરી શકે. એ શું છે? વ્યસનકારક અને હાનિકારક પદાર્થ જે પાન તરીકે જાણીતો છે.
પાનનો એશિયામાં ઉપયોગ કરવામાં આવે છે—ભારતમાં બહુ જ વિસ્તૃતપણે. એના રૂઢિગત રૂપમાં, એ સોપારીનો ભૂકો, તમાકુ, અને સ્વાદ વધારતા બીજા પદાર્થોના મિશ્રણનો સમાવેશ કરે છે. તમાકુ અને સોપારી પાનને વ્યસનકારક બનાવે છે. એને ચૂનો અને સરખા પ્રકારના છોડની પેદાશ એવો કાથો લગાડેલા, નાગરવેલના પાંદડા પર મૂકવામાં આવે છે. મૂકવામાં આવેલી વસ્તુઓને પકડી રાખવા માટે પાંદડાને બીડવામાં આવે છે, અને પછી આખા પડીકાને મોંમાં મૂકવામાં આવે છે. એક લોકપ્રિય રૂપ પાન મસાલા છે, જેમાં એ જ પદાર્થો સૂકા રૂપમાં મિશ્રિત હોય છે અને એને સહેલાયથી લઈ જઈ શકાય તથા કોઈ પણ સમયે એનો ઉપયોગ કરી શકાય એટલા માટે નાની પડીકીઓમાં બાંધવામાં આવે છે.
ચાવતા ઘણી વાર લાગે છે અને એ મોટા પ્રમાણમાં લાળ પેદા કરે છે, જેને થોડી થોડી વારે થૂંકી નાખવાની હોય છે. જ્યાં પાન લોકપ્રિય હોય એવા ઘણાં ઘરોમાં થૂંકદાની હોય છે, પરંતુ ઘર બહાર ફૂટપાથ કે દીવાલ એ થૂંકદાની બને છે. એ ભારતમાં ઘણી ઇમારતોના પગથિયાં પર અને પરસાળમાં જોવા મળતા કથ્થાઈ રંગના ડાઘાનું કારણ છે.
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચના એક અભ્યાસ અનુસાર, દર વર્ષે ભારતના કેન્સરના નવા કેસોના ૧૦ ટકા મોંના કેન્સરના હોય છે—જગતની સરેરાશ કરતા બમણા. મોં અને ચહેરાના સર્જન ડો. આર. ગુણેસીલન પાન ચાવવાને ઘણો દોષ દેવામાં ભારતભરના બીજા સર્જનો સાથે જોડાય છે. તે ઇન્ડિયન એક્ષપ્રેસમાં જણાવે છે: “બધા પ્રકારના પાન મોં માટે હાનિકારક છે.” તેમણે નોંધ્યું કે પાન “ચોક્કસ મોંના કેન્સર તરફ દોરી જઈ શકે” અને “એને ચાવવું એ ચહેરાની કદરૂપતાને આમંત્રણ આપવા જેવું છે.” તેથી, પાન ચાવવાનો અર્થ ચાવીને દુઃખી થવું થઈ શકે.
ભારતના કેન્સરના નવા કેસોના ૧૦ ટકા મોંના કેન્સરના હોય છે
WHO photo by Eric Schwab