યુવાન લોકો પૂછે છે . . .
શું મારે મારા પાપની કબૂલાત કરવી જોઈએ?
“હું ખૂબ જ શરમિંદી છું, મને શું કરવું ખબર નથી. હું મારા માબાપ પાસે જવા માંગું છું, પરંતુ હું ખૂબ જ શરમિંદી છું.”—લિસા.a
પરેશાન થયેલી એક યુવતીએ એમ લખ્યું. તે થોડા વર્ષોથી એક અવિશ્વાસી સાથે પ્રેમમાં પડી હતી, જ્યારે એક દિવસ, દારૂની અસર હેઠળ, તેણે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો.
કહેતાં દુઃખ થાય છે કે, ખ્રિસ્તી યુવાનો મધ્યે પણ, વખતોવખત એવી બાબતો બનતી હોય છે. આપણે જેમ ઉંમરમાં નાના તથા ઓછા અનુભવવાળા હોઈએ છીએ તેમ, વધારે ભૂલો કરવાની શક્યતા રહેલી છે. પરંતુ નાની ભૂલ કરવી એક બાબત છે, જ્યારે જાતીય અનૈતિકતા જેવા ગંભીર દુષ્કૃત્યમાં સંડોવાવું એ બીજી બાબત છે. (૧ કોરીંથી ૬:૯, ૧૦) એ બને છે ત્યારે, યુવાનોએ મદદ મેળવવાની જરૂર છે. સમસ્યા એ છે કે પોતાની ભૂલ કબૂલવી સહેલું નથી.
એક ખ્રિસ્તી છોકરી લગ્ન પહેલાની જાતીયતામાં સંડોવાઈ. તેણે પોતાના મંડળના વડીલો આગળ કબૂલાત કરવાનું નક્કી કર્યું, અરે તે એમ કરશે એની તારીખ પણ ગોઠવી. પરંતુ તેણે તારીખ મુલતવી રાખી. પછીથી, તેણે તારીખ ફરીથી મુલતવી રાખી. જલદી જ, આખું એક વર્ષ પસાર થઈ ગયું!
“કંઈપણ છુપાએલું નથી”
તમે ગંભીર પાપમાં ફસાયા હોય તો, તમારે સમજવાની જરૂર છે કે શાંત રહેવું બહુ ખરાબ વિચાર છે. એક બાબત એ છે કે, સત્ય સામાન્યપણે કોઈ પણ રીતે હંમેશા બહાર આવે છે. એક નાના બાળક તરીકે, માર્કે દીવાલ સજાવટનું ચીનાઈ માટીનું વાસણ તોડ્યું. “મેં એ ચોંટાડવા કાળજીભર્યો ઘણો જ પ્રયત્ન કર્યો,” તે યાદ કરે છે, “પરંતુ થોડા જ વખતમાં મારા માબાપે એ તીરાડો જોઈ.” સાચું, તમે હવે એક બાળક રહ્યા નથી. પરંતુ પોતાના બાળકોમાં કંઈક અઘટિત હોય છે ત્યારે, મોટા ભાગનાં માબાપો સામાન્યપણે જાણી શકતાં હોય છે.
“મેં મારી સમસ્યાને જૂઠાણાથી ઢાંકવાનો પ્રયત્ન કર્યો,” ૧૫ વર્ષની એન કબૂલે છે, “પરંતુ એનાથી બાબતો વધારે બગડી.” મોટા ભાગે, જૂઠાણાંનો ઘટસ્ફોટ થતો હોય છે. અને તમારા માબાપને ખબર પડે છે કે તમે જૂઠું બોલ્યા હતા ત્યારે, શક્ય છે કે તેઓ નારાજ થાય—તમારી શરૂઆતની કબૂલાતથી જેટલા નારાજ થઈ શક્યા હોત એનાથી વધારે નારાજ થઈ શકે.
એનાથી પણ વધારે અગત્યનું તો, બાઇબલ કહે છે: “પ્રગટ નહિ કરાશે, એવું કંઈ છાનું નથી; અને જણાશે નહિ, તથા ઉઘાડું નહિ થશે, એવું કંઈ ગુપ્ત પણ નથી.” (લુક ૮:૧૭) યહોવાહ જાણે છે કે આપણે શું કર્યું છે અને આપણે શું કરીએ છીએ. તમે તેમનાથી કંઈ પણ છુપાવી શકતા નથી, જેમ આદમ પણ પોતાને છુપાવી શક્યો નહિ. (ઉત્પત્તિ ૩:૮-૧૧) સમય જતાં, તમારાં પાપ બીજાઓ સમક્ષ પણ ખુલ્લાં થઈ શકે.—૧ તીમોથી ૫:૨૪.
ચૂપ રહેવાથી તમને બીજી રીતોએ પણ નુકસાન થઈ શકે. ગીતકર્તા દાઊદે લખ્યું: “હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં, કેમકે રાતદહાડો મારા ઉપર તારો હાથ ભારે હતો.” (ગીતશાસ્ત્ર ૩૨:૩, ૪) હા, બાબત ખાનગી રાખવાથી થતા તણાવની લાગણી પર ભારે અસર પડી શકે. ચિંતા અને અપરાધ, તે ઉપરાંત ખુલ્લા પડવાનો ભય, તમને હૃદયદુઃખ આપી શકે. તમે મિત્રો અને કુટુંબથી પોતાને અળગા રાખવાનું શરૂ કરી શકો. તમને એમ પણ લાગી શકે કે તમે ખુદ દેવથી પણ વિખૂટા પડી ગયા છો! “મેં યહોવાહને નાખુશ કર્યા હોવાથી, મને મારું અંતઃકરણ અપરાધી લાગ્યા કરતું હતું,” એન્ડ્રુ નામના એક યુવકે લખ્યું. “એ મને કોરી ખાતું હતું.”
ચૂપકીદી તોડવી
શું એ લાગણીમય વ્યાકુળતામાં રાહત મેળવવાનો કોઈ માર્ગ છે? હા, માર્ગ રહેલો છે! ગીતકર્તાએ કહ્યું: “મેં મારાં પાપ તારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી; . . . અને તેં મારાં પાપ માફ કર્યાં.” (ગીતશાસ્ત્ર ૩૨:૫; સરખાવો ૧ યોહાન ૧:૯.) એન્ડ્રુને એ જ રીતે પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવામાં ખરી રાહત મળી. તે યાદ કરે છે: “હું યહોવાહ પાસે પહોંચ્યો અને તેમની માફી માટે આતુરતાથી પ્રાર્થના કરી.”
તમે પણ એમ કરી શકો. યહોવાહને પ્રાર્થના કરો. તમે શું કર્યું છે એ તેઓ જાણે છે પરંતુ પ્રાર્થનામાં નમ્રતાપૂર્વક એની કબૂલાત કરો. તેમની માફી માંગો, અને તમને લાગે કે મદદ મેળવવા માટે તમે ઘણા જ દુષ્ટ છો એ કારણે પડતું ન મૂકો. ઈસુ મરણ પામ્યા જેથી આપણી અપૂર્ણતા છતાં આપણે દેવ સાથે સારા સ્થાનનો આનંદ માણી શકીએ. (૧ યોહાન ૨:૧, ૨) તમે જરૂરી બદલાણો કરવા માટે શક્તિ પણ માંગી શકો છો. દેવ પાસે એ રીતે પહોંચવામાં ગીતશાસ્ત્ર ૫૧નું વાચન સવિશેષપણે મદદરૂપ સાબિત થઈ શકે.
તમારા માબાપને કહેવું
જોકે, દેવ પાસે ફક્ત પ્રાયશ્ચિત્ત કરવા કરતાં વધારે બાબત જરૂરી છે. તમારી ફરજ છે કે તમે તમારાં માબાપને પણ જણાવો. તમને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરવા માટે દેવે તેઓને આજ્ઞા આપી છે. (એફેસી ૬:૪) તેઓ તમારી સમસ્યાઓ જાણે ફક્ત ત્યારે જ એમ કરી શકે છે. ફરીથી, તમારા માબાપને કહેવું સહેલું કે આનંદદાયક ન હોય શકે. પરંતુ તેઓના શરૂઆતના પ્રત્યાઘાત પછી, શક્યપણે તેઓ પોતાની લાગણીને કાબૂમાં લેશે. તેઓ ખુશ પણ થઈ શકે કે તમે તમારી સમસ્યાઓ તેઓ આગળ પ્રગટ કરવા જેટલો ભરોસો તેઓ પર મૂક્યો છે. ઉડાઉ દીકરા વિષેની ઈસુની બોધવાર્તા એક યુવાન માણસ વિષે કહે છે જે જાતીય અનૈતિકતામાં ફસાય છે. પરંતુ તે છેવટે પ્રાયશ્ચિત્ત કરે છે ત્યારે, તેનો પિતા તેનો પૂરા હૃદયથી આવકાર કરે છે! (લુક ૧૫:૧૧-૨૪) નિશંક તમારા માબાપ એ જ રીતે તમારી સહાય માટે આવશે. છેવટે તો, તેઓ તમને પ્રેમ કરે છે.
સાચું, તમને બીક લાગી શકે કે તમે તમારા માબાપને દુઃખ પહોંચાડશો. પરંતુ પાપનું પ્રાયશ્ચિત્ત તમારા માબાપને દુઃખ પહોંચાડતું નથી; એ તો પાપ આચરવું તમારા માબાપને દુઃખ પહોંચાડે છે! એ દુઃખને આશ્વાસન આપવા તરફનું પ્રથમ પગલું એ પ્રાયશ્ચિત્ત છે. શરૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે એને પોતાના માબાપને કહ્યું અને પછીથી પ્રચંડ રાહત અનુભવી.b
કબૂલાત માટેનું બીજું વિઘ્ન શરમ અને મૂંઝવણ છે. વિશ્વાસુ શાસ્ત્રી એઝરાએ ખુદ કોઈ પાપ કર્યું ન હતું, પરંતુ તેણે પોતાના સાથી યહુદીઓનાં પાપો કબૂલ કર્યાં ત્યારે, તેણે કહ્યું: “હે મારા દેવ, હું મારૂં મુખ તારી તરફ ઉઠાવતાં શરમાઉં છું.” (એઝરા ૯:૬) ખરેખર, તમે ખોટું કર્યું હોય ત્યારે, શરમ આવવી યોગ્ય છે. એ દર્શાવે છે કે તમારું અંતઃકરણ હજુ પણ કામ કરી રહ્યું છે. અને સમય જતાં શરમની લાગણી ઓસરી જશે. એન્ડ્રુએ એ આ રીતે વ્યક્ત કર્યું: “કબૂલાત કરવી અત્યંત મુશ્કેલ અને મૂંઝવણભર્યું છે. પરંતુ યહોવાહ સંપૂર્ણ ક્ષમા આપશે એ જાણવું એક રાહત છે.”
વડીલો પાસે મદદ લેવી
તમે એક ખ્રિસ્તી હો તો, તમારા માબાપને કહેવાથી બાબત કંઈ પૂરી થઈ જતી નથી. એન્ડ્રુ કહે છે: “હું જાણતો હતો કે મારે મારી સમસ્યા મંડળના વડીલો પાસે લઈ જવાની હતી. એ જાણવું કેટલું રાહતભર્યું હતું કે તેઓ મને મદદ કરવા તૈયાર હતા!” હા, યહોવાહના સાક્ષીઓ મધ્યેના યુવાનો મદદ તથા ઉત્તેજન માટે મંડળમાંના વડીલો પાસે જઈ શકે અને તેઓએ જવું જોઈએ. પરંતુ શા માટે તમે ફક્ત યહોવાહને પ્રાર્થના કરીને બાબતને રહેવા દઈ શકતા નથી? કેમ કે યહોવાહે ‘તમારા આત્માઓની ચોકી કરવાʼની જવાબદારી મંડળના વડીલોને આપી છે. (હેબ્રી ૧૩:૧૭) ફરીથી પાપમાં પડવાનું ટાળવા માટે તેઓ તમને મદદ કરી શકે.—સરખાવો યાકૂબ ૫:૧૪-૧૬.
તમે પોતાને મદદ કરી શકો છો એવી દલીલ કરીને તમે પોતાને છેતરશો નહિ. તમે એમ કરવા માટે ખરેખર મજબૂત હોત તો, શું તમે સૌ પહેલા પાપમાં પડ્યા હોત? સ્પષ્ટપણે જ, તમારે બહારથી મદદ શોધવાની જરૂર છે. એન્ડ્રુએ હિંમતપૂર્વક એમ કર્યું. તે કઈ સલાહ આપે છે? “દરેક જણ જેઓ ગંભીર પાપમાં સંડોવાયા છે અથવા જેઓ સંડોવાઈ ચૂક્યા છે તેઓને યહોવાહ આગળ અને તેમના પ્રતિપાલક આગળ પોતાનું હૃદય ખોલવા માટે ઉત્તેજન આપું છું.”
પરંતુ તમે એક વડીલ પાસે કઈ રીતે પહોંચી શકો? તમે વાજબીપણે નિશ્ચિંત રહી શકો એવા વડીલને પસંદ કરો. તમે આમ કહીને શરૂ કરી શકો: “મારે કોઈક બાબત વિષે વાત કરવાની જરૂર છે” અથવા “મને એક સમસ્યા છે” અથવા “મને એક સમસ્યા છે અને તમારી મદદ જોઈએ છે.” તમારી પ્રમાણિકતા અને નિખાલસતા તમારા પ્રાયશ્ચિત્તને અને બદલાણ કરવાની ઇચ્છાને સાચે જ બતાવશે.
‘હું બહિષ્કૃત થવાથી ડરું છું’
એ શક્યતા વિષે શું? એ સાચું છે કે ગંભીર પાપનું આચરણ વ્યક્તિને બહિષ્કૃત થવા માટે જવાબદાર બનાવે છે, પરંતુ આપમેળે જ નહિ. બહિષ્કૃત કરવું એવાઓ માટે છે જેઓ પસ્તાવો કરવાનો નકાર કરે—જેઓ બદલાણ કરવાનો જિદ્દીપણે નકાર કરે. નીતિવચન ૨૮:૧૩ કહે છે: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” હકીકત એ છે કે તમે મદદ માટે વડીલ પાસે ગયા છો જે બદલાણ કરવાની તમારી ઇચ્છાનો પુરાવો છે. વડીલો પ્રાથમિકપણે સાજા કરનાર છે, શિક્ષા કરનાર નહિ. તેઓ દેવના લોકો સાથે માયાળુપણે તથા પ્રતિષ્ઠાપૂર્વક વ્યવહાર કરવાની ફરજ હેઠળ છે. તેઓ ‘તમારા પગોને સારૂ પાધરા રસ્તા’ કરવા તમને મદદ કરવા માંગે છે.—હેબ્રી ૧૨:૧૩.
કબૂલ કે, જ્યાં છેતરામણીનો કે લાંબા સમયથી ગંભીર ભૂલ આચરવાનો સમાવેશ થતો હોય ત્યાં, ‘પસ્તાવો કરનારને છાજે એવાં ખાતરી કરાવતાં કૃત્યોનો’ અભાવ હોય શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૦) કેટલીક વાર બહિષ્કૃત કરવું જરૂર પરિણમે છે. અને દુષ્કૃત્ય કરનાર પસ્તાવો કરે ત્યારે પણ, વડીલો કોઈ પ્રકારની શિસ્ત લાદવાની ફરજ હેઠળ છે. શું તમારે તેઓના નિર્ણય પર ગુસ્સે થવું કે ખીજાવું જોઈએ? હેબ્રી ૧૨:૫, ૬ ખાતે પાઊલ અરજ કરે છે: “મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા; કેમકે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.” તમને કોઈ પણ પ્રકારની શિસ્ત મળે એને દેવ તમને પ્રેમ કરે છે એના પુરાવા તરીકે જુઓ. યાદ રાખો, નિખાલસ પસ્તાવો તમને આપણા દયાળુ પિતા, યહોવાહ દેવ સાથેના યોગ્ય સંબંધ સાથે પુનઃસ્થાપિત કરશે.
તમારી ભૂલોને કબૂલ કરવી હિંમત માંગી લે છે. પરંતુ એમ કરવાથી, તમે ફક્ત તમારા માબાપ સાથે જ નહિ પરંતુ ખુદ યહોવાહ દેવ સાથે પણ બાબતો સુધારો છો. બીક, અહંકાર, કે મૂંઝવણ તમને મદદ મેળવવામાં અટકાવે એવું ન થવા દો. યાદ રાખો: યહોવાહ “સંપૂર્ણ ક્ષમા કરશે.”—યશાયાહ ૫૫:૭.
[Footnotes]
a કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.
b તમારા માબાપ પાસે પહોંચવાની માહિતી માટે, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ ન્યૂયૉર્ક દ્વારા પ્રકાશિત પુસ્તક પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છેનું પ્રકરણ ૨ જુઓ.
[Caption on page ૧૧]
તમારા માબાપ સામે કબૂલાત કરવી આત્મિક સાજાપણા તરફ દોરી જઈ શકે
[Caption on page ૧૨]
‘જેઓએ પાપ કર્યાં છે એ સર્વને હું ઉત્તેજન આપું કે તેઓ યહોવાહ આગળ પોતાનાં હૃદય ખોલે.’
—એન્ડ્રુ