પ્રકરણ ૨
શા માટે મારા માબાપ મને સમજતા નથી?
પોતાને સમજવામાં આવે એવું ઇચ્છવું સ્વાભાવિક છે. અને તમને ગમતી અથવા મહત્ત્વની લાગતી બાબતો વિષે તમારા માબાપ ટીકાત્મક હોય—કે રસ ન લેતાં હોય—તો તમે ઘણાં જ ચીડાઈ શકો.
સોળ વર્ષના રોબર્ટને લાગે છે કે તેના પપ્પા સંગીતની તેની પસંદગી સમજતા નથી. “તે ફકત ચીસ પાડીને કહે છે, ‘એ બંધ કર!’ ” રોબર્ટે કહ્યું. “તેથી હું એને અને તેમને બંધ કરી દઉં છું.” માબાપની સમજની ખામી જણાય ત્યારે ઘણાં યુવાનો એવી જ રીતે લાગણીમય રીતે પોતાના અંગત જગતમાં ડૂબી જાય છે. યુવાનોના એક વિસ્તૃત અભ્યાસમાં, સર્વેક્ષણ કરવામાં આવેલા યુવાનોના ૨૬ ટકાએ કબૂલ્યું કે, “હું મોટા ભાગના સમયે ઘરથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું.”
આમ ઘણાં ઘરોમાં યુવાનો અને માબાપ વચ્ચે મોટી ખીણ, કે અંતર, અસ્તિત્વ ધરાવે છે. શાને લીધે એમ થાય છે?
“બળ” વિરુદ્ધ “માથાનાં પળિયાં”
નીતિવચન ૨૦:૨૯ જણાવે છે: “જુવાનોનો [અથવા યુવતીઓનો] મહિમા તેઓનું બળ છે.” જો કે, આ શકિત, અથવા “બળ,” તમે અને તમારા માબાપ વચ્ચેના દરેક પ્રકારના ઝગડાનું મૂળ બની શકે. નીતિવચન જણાવવાનું ચાલુ રાખે છે: “અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પળિયાં છે.” તમારા માબાપને શાબ્દિક રીતે ‘પળિયાં’ ન પણ હોય, પરંતુ તેઓ વધુ મોટા છે, અને જીવનને જુદી દ્રષ્ટિથી જોતાં હોય છે. તેઓ સમજે છે કે જીવનની દરેક સ્થિતિનો સુખદ અંત હોતો નથી. કડવા વ્યકિતગત અનુભવોએ યુવાનો તરીકેના એક વખતના તેઓના આદર્શોને ટાઢા પાડી દીધાં હોય શકે. અનુભવથી આવેલું આવું ડહાપણ—જાણે કે “માથાનાં પળિયાં” હોય તેમ—એને લીધે તેઓ અમુક બાબતો વિષેના તમારા ઉત્સાહમાં ભાગ ન લેતા હોય શકે.
યુવાન જિમ કહે છે: “મારા માબાપ (મંદી-યુગના બાળકો)ને લાગે છે કે ખરીદી અથવા મહત્ત્વની બાબતોમાં વાપરવા માટે પૈસા બચાવવા જોઈએ. પરંતુ હું હમણાં પણ જીવી રહ્યો છું. . . . હું ઘણો પ્રવાસ કરવા માગું છું.” હા, વ્યકિતની યુવાનીના “બળ” અને વ્યકિતના માબાપના “માથાનાં પળિયાં” વચ્ચે ઘણું અંતર રહેલું હોય શકે. આમ ઘણાં કુટુંબો કપડાં અને શણગાર, વિરુદ્ધ જાતિ સાથેનું વર્તન, ડ્રગ્સ અને આલ્કોહોલનો ઉપયોગ, ઘરે પાછા આવી જવાનો સમય (curfew), મિત્રો, અને ઘરકામ જેવાં વાદવિષયોમાં કડવી રીતે વિભાજિત હોય છે. પેઢી અંતર સાધી શકાય છે. પરંતુ તમારા માબાપ તમને સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં, તમારે તેઓને સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
માબાપ પણ માનવી છે
“હું નાનો હતો ત્યારે, સ્વાભાવિકપણે જ મને લાગતું હતું કે મમ્મી ‘સંપૂર્ણ’ હતી, અને તેને મારા જેવી નબળાઈઓ અને લાગણીઓ ન હતી,” જોન કહે છે. પછી તેના માબાપે છૂટાછેડા લીધા, તેથી તેની મમ્મીએ એકલીએ સાત બાળકોની કાળજી રાખવાની હતી. જોનની એપ્રિલ નામે બહેન યાદ કરે છે: “બધે જ પહોંચી વળવાનો પ્રયત્ન કરવો પડતો હોવાથી ચીડને લીધે, તેને રડતાં જોયાનું મને યાદ છે. ત્યારે મને સમજાયું કે અમારું દ્રષ્ટિબિંદુ ખોટું હતું. તે દરેક બાબત હંમેશા યોગ્ય સમયે અને યોગ્ય રીતે ન કરી શકે. અમે જોયું કે તેને પણ લાગણીઓ છે, અને તે પણ માનવી છે.”
તમારા માબાપ પણ તમારા જેવી લાગણીઓવાળા માનવી માત્ર જ છે, એવી સમજ તેઓને સમજવામાં હરણફાળ છે. દાખલા તરીકે, તેઓ તમને યોગ્ય રીતે ઉછેરવાની પોતાની ક્ષમતા વિષે ઘણી અસલામતી અનુભવતા હોય શકે. અથવા, તમારે સામનો કરવાના નૈતિક જોખમો અને પરીક્ષણોને લીધે દબાણ હેઠળ આવી, તેઓ કેટલીક વાર બાબતો પ્રત્યે વધુ પડતો પ્રત્યાઘાત પાડી શકે. તેઓ શારીરિક, નાણાકીય, અથવા લાગણીમય મુશ્કેલી સામે પણ લડી રહ્યાં હોય શકે. દાખલા તરીકે, એક પિતાને પોતાની નોકરી જરા પણ ન ગમતી હોય પરંતુ કદી પણ ફરિયાદ ન કરે. તેથી તેનું બાળક કહે કે, “મને નિશાળ જરા પણ ગમતી નથી” ત્યારે, એમાં કંઈ નવાઈ નથી કે સહાનુભૂતિપૂર્વક પ્રત્યુત્તર આપવાને બદલે, તે સણસણતો જવાબ આપે કે, “તને શું થયું છે? તમને બાળકોને તો લહેર છે!”
“વ્યકિતગત રસ” લો
તો પછી, તમારા માબાપને કેવું લાગે છે એ તમે કઈ રીતે શોધી કાઢી શકો? “પોતાની બાબતોમાં જ વ્યકિતગત રસ નહિ, પરંતુ બીજાઓની બાબતોમાં પણ વ્યકિતગત રસ” લઈને. (ફિલિપી ૨:૪, NW) તમારી મમ્મીને પૂછી જુઓ કે તે તરુણી હતી ત્યારે બાબતો કેવી હતી. તેની લાગણીઓ અને તેના ધ્યેયો કેવા હતાં? “શકય છે,” ટીન સામયિક કહે છે, “કે તેને લાગે કે તમે તેનામાં રસ લો છો, અને તેની લાગણીઓના કેટલાક કારણોથી પરિચિત છો તો, તે તમારી લાગણીઓ વિષે વધુ સજાગ બનવાનો પ્રયત્ન કરશે.” તમારા પપ્પા વિષે પણ નિઃશંક એવું જ થઈ શકે.
વિખવાદ ઊભો થાય તો, તમારા માબાપને લાગણીહીન હોવાનો જલદીથી દોષ ન દો. પોતાને પૂછો: ‘શું મારા મા/બાપની તબિયત સારી નથી કે કશાકની ચિંતા છે? શું કદાચ મારા કોઈક વગર વિચાર્યા કૃત્ય કે શબ્દને લીધે તેમને ખોટું લાગ્યું હશે? શું તેઓને ફકત મારા કહેવાની ગેરસમજ થઈ છે?’ (નીતિવચન ૧૨:૧૮) આવી સહાનુભૂતિ (empathy) બતાવવી, પેઢી અંતર દૂર કરવામાં સારી શરૂઆત છે. હવે તમે તમારા માબાપ તમને સમજતા થાય એ માટે કાર્ય કરી શકો! તેમ છતાં, ઘણાં યુવાનો એ અત્યંત મુશ્કેલ બનાવી દે છે. કઈ રીતે?
બેવડું જીવન જીવવું
સત્તર વર્ષની વિકી પોતાના માબાપની ઇચ્છા વિરુદ્ધ એક છોકરા સાથે મિલનવાયદો કરીને ગુપ્ત રીતે એમ જ કરી રહી હતી. તેને ખાતરી હતી કે તેના માબાપ તેના પુરુષમિત્ર માટેની તેની લાગણીને સમજી શકશે નહિ. સ્વાભાવિક રીતે જ, તેનું અને તેના માબાપ વચ્ચેનું અંતર વધ્યું. “અમે એકબીજાને દુઃખી કરી રહ્યાં હતાં,” વિકી કહે છે. “મને ઘરે આવવાનું ગમતું ન હતું.” તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું— ઘરથી દૂર થવા તે કંઈ પણ કરવા તૈયાર હતી!
તેવી જ રીતે ઘણાં યુવાનો—માબાપથી અજાણ અને તેઓએ મના કરેલી બાબતો કરીને— બેવડું જીવન જીવે છે, અને પછી તેઓના માબાપ ‘તેઓને સમજતા નથી’ એ હકીકતનો વિલાપ કરતાં હોય છે! સદ્ભાગ્યે, એક વૃદ્ધ ખ્રિસ્તી બહેને વિકીને મદદ કરી, જેણે તેને કહ્યું: “વિકી, તારા માબાપનો વિચાર કર . . . તેઓએ તને ઉછેરી છે. તું આ સંબંધ ટકાવી શકતી નથી તો, કઈ રીતે એવા કોઈ સાથેનો સંબંધ ટકાવી શકશે, જેણે તને ૧૭ વર્ષ પ્રેમ કર્યો નથી?”
વિકીએ પોતાના તરફ એક પ્રમાણિક નજર નાખી. તરત જ તેને સમજાયું કે તેના માબાપ સાચાં હતાં, અને તેનું પોતાનું હૃદય ખોટું હતું. તેણે પોતાના પુરુષમિત્ર સાથેનો સંબંધ તોડી નાખ્યો, અને પોતાના માબાપ સાથેનું અંતર ઘટાડવાનું શરૂ કર્યું. તમે તમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ તમારા માબાપથી ગુપ્ત રાખ્યો હોય તો, તેઓ સાથે પ્રમાણિક થવાનો સમય હમણાં જ નથી?—“હું મારા માબાપને કઈ રીતે કહી શકું?” સામેલપત્રક જુઓ.
વાત કરવા સમય ફાળવો
‘મેં મારા પપ્પા સાથે પસાર કરેલો એ સૌથી સારો સમય હતો!’ જોને પોતાના પપ્પા સાથે કરેલા પ્રવાસ વિષે કહ્યું. “મેં મારા આખા જીવનમાં કદી પણ છ કલાક તેમની સાથે એકલા ગાળ્યા ન હતા. છ કલાક જતા, છ કલાક આવતા. કારમાં રેડિયો ન હતો. અમે ખરેખર વાત કરી. જાણે અમે એકબીજાને શોધી કાઢ્યાં હોય એવું હતું. મને લાગતું હતું એ કરતાં તે વધારે મળતાવડા હતા. એણે અમને મિત્રો બનાવ્યાં.” તેવી જ રીતે શા માટે તમારા મમ્મી કે પપ્પાની સાથે સરસ વાતચીત કરવાનો પ્રયત્ન કરતા નથી—નિયમિતપણે?
એ અન્ય પુખ્ત વયની બીજી વ્યકિતઓ સાથે મૈત્રી કરવામાં પણ મદદ કરે છે. વિકી યાદ કરે છે: “મારે વૃદ્ધ વ્યકિતઓ સાથે જરા પણ વ્યવહાર ન હતો. પરંતુ મેં મારા માબાપ પુખ્ત વયની બીજી વ્યકિતઓ સાથે સંગત રાખે ત્યારે, તેઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો. સમય જતાં મેં મારા માબાપની ઉંમરની વ્યકિતઓ સાથે મૈત્રી વિકસાવી, અને એણે મને વધુ બહોળી દ્રષ્ટિ આપી. મારા માબાપ સાથે વાતચીત કરવી વધુ સહેલું બન્યું. ઘરનું વાતાવરણ નાટકીય રીતે સુધર્યું.”
વર્ષો દરમ્યાન ડહાપણ મેળવનારાઓ સાથેની સંગત, તમને પણ જીવનની ટૂંકી, સિમિત દ્રષ્ટિ અપનાવવાથી અટકાવશે, પરંતુ તમે ફકત તમારા યુવાન સમોવડિયાની દોસ્તી જ રાખતા હશો તો, તમને એ લાભ મળશે નહિ.—નીતિવચન ૧૩:૨૦.
તમારી લાગણીઓ વ્યકત કરો
“હું સીધેસીધો મારા હૃદયમાંથી બોલું છું, અને મારા હોઠો પરથી આવતા નિખાલસ જ્ઞાન વિષે વાત કરું છું,” યુવાન અલીહૂએ કહ્યું. (અયૂબ ૩૩:૩, ધ હોલી બાઈબલ ઇન ધ લેન્ગ્વેજ ઓફ ટૂડે, વિલિયમ બેક કૃત) કપડાં, ઘરે પાછા આવી જવાનો સમય, અથવા સંગીત વિષે વિવાદ ઊભો થાય ત્યારે, શું તમે તમારા માબાપ સાથે એવી રીતે વાત કરો છો?
યુવાન ગ્રેગરીને લાગ્યું કે તેની મમ્મી તદ્દન ગેરવાજબી હતી. તેણે બની શકે તેટલું ઘરથી દૂર રહીને તેઓ વચ્ચેના ગરમાગરમ વિખવાદનો સામનો કર્યો. પરંતુ પછી તેણે અમુક ખ્રિસ્તી વડીલોની સલાહ પ્રમાણે કર્યું. તે કહે છે, “મને કેવું લાગતું હતું એ મેં મારી મમ્મીને કહેવાનું શરૂ કર્યું. હું શા માટે અમુક બાબતો કરવા માગતો હતો એ મેં તેને કહ્યું અને તે જાણતી જ હશે એવું ધારી ન લીધું. ઘણી વાર મેં મારું હૃદય ઠાલવ્યું અને સમજાવ્યું કે હું કંઈ પણ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યો ન હતો, અને તે મારી સાથે નાના બાળક તરીકેનો વ્યવહાર રાખે છે એનાથી મને કેટલું ખરાબ લાગે છે. પછી તે સમજવા લાગી અને બધી બાબતો ધીમે ધીમે સારી થઈ.”
એ જ પ્રમાણે તમને પણ જણાશે કે ‘હૃદયમાંથી સીધેસીધા’ બોલવું ઘણી ગેરસમજો દૂર કરવામાં મદદ કરી શકે.
અસહમતી હાથ ધરવી
તેમ છતાં, એનો અર્થ એવો થતો નથી કે તમારા માબાપ તરત જ બાબતોને તમારી દ્રષ્ટિથી જોવા લાગશે. તેથી તમારે તમારી લાગણીઓ પર મજબૂત પકડ રાખવી જોઈએ. “મૂર્ખ માણસ પોતાનો ક્રોધ [આવેગ] બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.” (નીતિવચન ૨૯:૧૧) શાંતિથી તમારા દ્રષ્ટિબિંદુના લાભો ચર્ચો. “બીજા બધા એવું કરે છે!” એવી દલીલ કરવાને બદલે વાદવિષયના મુદ્દાઓને વળગી રહો.
કેટલીક વખત તમારા માબાપ ના પાડશે. એનો અર્થ એવો થતો નથી કે તેઓ તમને સમજતા નથી. તેઓ ફકત આફત અગાઉથી નિવારવા માગતા હોય શકે. “મારી મમ્મી મારી સાથે કડક છે,” એક ૧૬ વર્ષની છોકરી કબૂલે છે. “અમુક બાબત હું ન કરી શકું, અથવા [મારે] અમુક સમયે ઘરે પાછા આવી જવાનું એમ તે કહે છે ત્યારે મને માનસિક ત્રાસ થાય છે. પરંતુ અંદરોઅંદર ઊંડે તે ખરેખર મારી કાળજી રાખે છે. . . . તે મારી ભાળ રાખે છે.”
પરસ્પર સમજણ કુટુંબમાં જે સલામતી અને ઉષ્મા લાવે છે એ અવર્ણનીય છે. એ કઢાપાના સમયમાં ઘરને વિશ્રામસ્થાન બનાવે છે. પરંતુ સંકળાયેલા દરેકને પક્ષે ખરેખરા પ્રયત્નો જરૂરી છે.
“[તમારી મમ્મીને] લાગે કે તમે તેનામાં રસ લો છો, અને તેની લાગણીઓના કેટલાક કારણોથી પરિચિત છો તો, તે તમારી લાગણીઓ વિષે વધુ સજાગ બનવાનો પ્રયત્ન કરશે.”—ટીન સામયિક
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૨
◻ શા માટે યુવાનો અને માબાપ વચ્ચે ઘણી વાર સંઘર્ષ ઊભો થાય છે?
◻ તમારા માબાપ વિષેની વધુ સારી સમજ તેઓ વિષેની તમારી દ્રષ્ટિને કઈ રીતે અસર કરી શકે?
◻ કઈ રીતે તમે તમારા માબાપને વધારે સારી રીતે સમજી શકો?
◻ શા માટે બેવડું જીવન જીવવું, તમારી અને તમારા માબાપ વચ્ચેની ખાઈને ઊંડી બનાવે છે?
◻ તમને ગંભીર કોયડા ઊભા થઈ રહ્યાં હોય તો, એ તમારા માબાપને જણાવવું શા માટે સૌથી સારું છે? તમે તેઓને કઈ રીતે કહી શકો?
◻ તમારા માબાપ તમને વધુ સારી રીતે સમજી શકે માટે તમે તેઓને કઈ રીતે મદદ કરી શકો?
હું મારા માબાપને કઈ રીતે કહી શકું?
પોતાના માબાપ સમક્ષ ભૂલ કબૂલવી આનંદદાયક હોતું નથી. યુવાન વિન્સ કહે છે: “મને હંમેશા લાગતું હતું કે મારા માબાપને મારામાં ઘણો જ ભરોસો છે અને એને લીધે તેઓ પાસે પહોંચવું મારે માટે અઘરું છે કેમ કે હું તેમને દુઃખ પહોંચાડવા માગતો નથી.”
ઢાંકપીછોડો કરનારા યુવાનો ઘણી વાર ઘવાયેલા અંતઃકરણની પીડા સહન કરે છે. (રૂમી ૨:૧૫) તેઓની ભૂલો ઊંચકી ન શકાય એટલો ‘ભારે બોજો’ બની શકે. (ગીતશાસ્ત્ર ૩૮:૪) લગભગ અનિવાર્યપણે, તેઓને પોતાના માબાપને જૂઠું કહેવાની ફરજ પડે છે, અને એમ વધારે ખોટું કરવું પડે છે. આમ દેવ સાથેના તેઓના સંબંધને હાનિ પહોંચે છે.
બાઈબલ કહે છે: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” (નીતિવચન ૨૮:૧૩) જેમ ૧૯ વર્ષની બેટી કહે છે: “ગમે તે હોય છતાં યહોવાહ તો દરેક બાબત જુએ જ છે.”
ગંભીર અપરાધ સંડોવાયેલો હોય તો, પ્રાર્થનામાં તમારી ભૂલ કબૂલ કરી, યહોવાહની માફી માગો. (ગીતશાસ્ત્ર ૬૨:૮) પછી, તમારા માબાપને કહો. (નીતિવચન ૨૩:૨૬) તેઓને જીવનમાં અનુભવ છે અને તેઓ તમને ભૂલ કરતા અટકવામાં અને એનું પુનરાવર્તન નિવારવા તમને ઘણી મદદ કરી શકે. “એ વિષે વાત કરવી, તમને ખરેખર મદદરૂપ થઈ શકે,” ૧૮ વર્ષનો ક્રિસ જણાવે છે. “છેવટે એને તમારા મનમાંથી બહાર કાઢવાથી રાહત થઈ જાય છે.” કોયડો એ છે કે, તમારા માબાપને કઈ રીતે કહેવું?
બાઈબલ ‘પ્રસંગને અનુસરીને બોલેલા શબ્દ’ વિષે કહે છે. (નીતિવચન ૨૫:૧૧; સરખાવો સભાશિક્ષક ૩:૧, ૭.) એ કયારે હોય શકે? ક્રિસ કહેવાનું ચાલુ રાખે છે: “હું સાંજે જમવાના સમય સુધી રાહ જોઉં છું, અને પછી પપ્પાને કહું છું કે મારે તેમની સાથે વાત કરવાની જરૂર છે.” એક એકલવાયી માતાના પુત્રએ હજુ બીજો સમય અજમાવ્યો: “સામાન્ય રીતે હું સૂતા પહેલા મમ્મી સાથે વાત કરતો; ત્યારે તે વધુ સ્વસ્થ હોય છે. તે નોકરી પરથી આવે છે ત્યારે, અકળાયેલી હોય છે.”
કદાચ તમે આવું કંઈક કહી શકો, “પપ્પા અને મમ્મી, મારે થોડીક મુશ્કેલી છે.” અને તમારા માબાપ એટલા બધા વ્યસ્ત હોય કે ધ્યાન ન આપી શકે તો શું? તમે કહી શકો, “મને ખબર છે કે તમે વ્યસ્ત છો, પરંતુ મારે ખરેખરી મુશ્કેલી છે. આપણે વાત કરી શકીએ?” પછી તમે પૂછી શકો: “શું તમે કદી એવું કંઈ કર્યું હતું, જે વિષે વાત કરતા પણ તમને શરમ લાગતી હતી?”
હવે અઘરો ભાગ આવે છે: કરવામાં આવેલી ભૂલ વિષે તમારા માબાપને કહેવું. નમ્ર બનો અને “સત્ય બોલો,” તમારી ભૂલની ગંભીરતા ઓછી ન કરો અથવા કેટલીક વધુ અણગમતી વિગતો પાછી રાખવા પ્રયત્ન ન કરો. (એફેસી ૪:૨૫; સરખાવો લુક ૧૫:૨૧.) તમારા માબાપ સમજી શકે એવા શબ્દોનો ઉપયોગ કરો, ફકત યુવાન લોકો માટે ખાસ અર્થ ધરાવતાં વકતવ્યોનો ઉપયોગ ન કરો.
સ્વાભાવિક રીતે જ, શરૂઆતમાં તમારા માબાપને દુઃખ થશે, અને નિરાશા અનુભવશે. તેથી તમારા પર લાગણી ભરેલાં શબ્દોનો મારો ચલાવવામાં આવે તો નવાઈ ન પામો કે ગુસ્સે ન થાઓ! તમે તેઓની શરૂઆતની ચેતવણીઓને ધ્યાન આપ્યું હોત તો, કદાચ તમે આ સ્થિતિમાં ન હોત. તેથી શાંત રહો. (નીતિવચન ૧૭:૨૭) તમારા માબાપનું સાંભળો અને તેઓ ગમે તે રીતે પૂછે તોપણ તેઓના પ્રશ્નોનો જવાબ આપો.
નિઃશંક બાબતોને સીધી કરવાની તમારી નિષ્ઠા, તેઓ પર ઊંડી છાપ ઉપસાવશે. (સરખાવો ૨ કોરીંથી ૭:૧૧.) તેમ છતાં, કંઈક યોગ્યપણે જ આપવામાં આવનાર શિષ્ત સ્વીકારવા તૈયાર રહો. “કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે; પણ પાછળથી તો તે કસાએલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.” (હેબ્રી ૧૨:૧૧) એ પણ યાદ રાખો કે, તમને તમારા માબાપની મદદની અને પરિપકવ સલાહની આ છેલ્લી વારની જરૂર છે એવું નથી. નાનાં કોયડા વિષે તેઓમાં ભરોસો મૂકવાની ટેવ પાડો, જેથી મોટાં કોયડોઓ આવે ત્યારે, તમારા મનમાં જે હોય એ તેઓને કહેતાં તમને ડર નહિ લાગે.
તમારા માબાપ વધારે ગ્રહણશીલ મનવાળા હોય એવો સમય પસંદ કરો