પ્રકરણ ૩
મારા માબાપ મને વધુ સ્વતંત્રતા આપે એવું હું કઈ રીતે કરી શકું?
તમે કહો છો કે તમે ઉંમરલાયક થયા છો એટલે શનિરવિ મોડે સુધી બહાર રહી શકો. તેઓ કહે છે કે તમારે વહેલા ઘરે આવવાનું છે. તમે કહો છો કે તમારે દરેક જણ જેને વિષે વાત કરી રહ્યું છે એ નવું પિકચર જોવું છે. તેઓ કહે છે કે તમે એ ન જોઈ શકો. તમે કહો છો કે તમને કેટલાક સારા છોકરાઓ મળ્યાં છે જેમની સાથે તમે સંગત રાખવા માગો છો. તેઓ કહે છે કે પહેલા તેઓ તમારા મિત્રોને મળવા માગે છે.
તમે તરુણ હો ત્યારે, કેટલીક વાર એવું લાગી શકે કે તમારા માબાપ તમારા જીવન પર રૂંધી નાખતી પકડ ધરાવે છે. એમ લાગે છે કે દરેક વખતે તમે કહો છો “મારે આમ કરવું છે,” એનો જવાબ અનિવાર્યપણે “ના, તારે એમ નથી કરવાનું” જ હોય છે. તેમ જ તમારા જીવનનો કોઈ પણ ભાગ, તમારા માબાપની “જાસૂસી આંખો”થી સલામત નથી. પંદર વર્ષની ડેબી કહે છે: “મારા પપ્પા હંમેશા જાણવા માગે છે કે હું કયાં જાઉં છું, અને હું ઘરે પાછી કયારે આવીશ. મોટા ભાગના માબાપ એમ કરે છે. શું તેઓએ બધું જ જાણવું જોઈએ? તેઓએ મને વધારે સ્વતંત્રતા આપવી જોઈએ.”
વધુમાં યુવાનો ફરિયાદ કરે છે કે તેઓના માબાપ તેઓને માન આપતાં નથી. કંઈક ખોટું થાય ત્યારે, ભરોસો રાખવાને બદલે મુકદ્દમો ચલાવ્યા વગર, તેઓને દોષિત ઠરાવવામાં આવે છે. પોતાને માટે પસંદગી કરવા દેવાને બદલે, તેઓને નિયમોથી તંગ કરવામાં આવે છે.
“માનસિક વેદના”
શું કેટલીક વાર તમારા માબાપ તમારી સાથે નાનાં બાળક જેવો વ્યવહાર રાખે છે? એમ હોય તો, યાદ રાખો કે થોડા જ સમય પહેલાં તમે ખરેખર બાળક હતા. તમારા માબાપના મનમાં, નિઃસહાય શિશુ તરીકેની તમારી પ્રતિમા તાજી જ છે, અને એને એટલી સહેલાઈથી બાજુએ ન મૂકી શકાય. તેઓને હજુ પણ યાદ છે કે તમે બાળકપણામાં કેવી ભૂલો કરતાં હતાં, અને એમ તેઓ તમારું રક્ષણ કરવા માગે છે—પછી તમને એવું રક્ષણ જોઈતું હોય કે ન હોય.
તમારું રક્ષણ કરવાની એ ઉત્સુકતા શકિતશાળી હોય છે. પપ્પા અને મમ્મી તમારા માથા પર છત રાખવામાં, તમને કપડાં પૂરા પાડવામાં, અથવા તમારું પાલનપોષણ કરવામાં વ્યસ્ત નથી હોતાં ત્યારે, ઘણી વાર તેઓ તમને કઈ રીતે શીખવવું, તાલીમ આપવી, અને હા, રક્ષણ પૂરું પાડવું એના કોયડા સાથે બાથ ભીડતા હોય છે. તમારામાંનો તેઓનો રસ સામાન્ય નથી. તેઓ તમને જે રીતે ઉછેરે છે એ માટે તેઓ દેવ સમક્ષ જવાબદાર છે. (એફેસી ૬:૪) અને કોઈક બાબત તમારી સુખાકારીને ધમકીરૂપ બને ત્યારે, તેઓ ચિંતા કરે છે.
ઈસુ ખ્રિસ્તના માબાપનો વિચાર કરો. તેઓએ યરૂશાલેમની મુલાકાત લીધા પછી અજાણપણે તેમના વિના ઘરે જવા નીકળ્યાં. તેઓને ઈસુની ગેરહાજરીની જાણ થઈ ત્યારે, તેઓએ ખંતથી—અરે બેબાકળા બનીને—તેમને શોધ્યા! અને છેવટે તેઓને ઈસુ “મંદિરમાં” મળ્યાં ત્યારે, તેમની માતાએ ઉદ્ગાર કાઢ્યા, “દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા બાપે તથા મેં દુઃખી થઈને [“માનસિક વેદનાથી,” NW] તારી શોધ કરી.” (લુક ૨:૪૧-૪૮, અક્ષરો અમે ત્રાંસા કર્યાં છે.) હવે ઈસુએ—એક સંપૂર્ણ બાળકે—પોતાના માબાપને ચિંતા કરાવી તો, વિચાર કરો કે તમે તમારા માબાપને કેટલી ચિંતા કરાવતા હશો!
દાખલા તરીકે, તમારે કેટલા વાગે ઘરે પાછા આવવું જોઈએ એ વિષેનો સતત ચાલતો સંઘર્ષ લો. કદાચ તમને આ રીતે મર્યાદિત રહેવાનું કોઈ કારણ દેખાતું નહિ હોય. પરંતુ શું તમે કદી પણ બાબતોને તમારા માબાપની દ્રષ્ટિથી જોઈ છે? ધ કિડ્સ (Kids’) બુક અબાઉટ પેરન્ટસ્ના શાળા-વયના લેખકોએ એમ કરવાનો પ્રયત્ન કર્યો. જેને તેઓએ “બાળકો યોગ્ય સમયે ઘરે પાછા ન આવે તો માબાપનાં મનમાં દોડતાં તરંગો” કહ્યાં એની તેઓએ યાદી બનાવી. એ યાદીમાં ‘ડ્રગ્સ લેવા, કાર અકસ્માતમાં સંડોવાવું, બગીચામાં પડયા રહેવું, ધરપકડ થવી, બીભત્સ પિકચર જોવા જવું, ડ્રગ્સ વેચવા, બળાત્કાર અથવા લૂંટ થવી, જેલમાં આવી પડવું, અને કુટુંબના નામને લાંછન લગાડવું’ જેવી બાબતો હતી.
મોટા ભાગના માબાપ દેખીતી રીતે અસંભવિત લાગતા નિષ્કર્ષ પર કૂદી નહિ પડે. પરંતુ શું એ સાચું નથી કે ઘણાં યુવાન લોકો આવી બાબતોમાં સંડોવાયા છે? તેથી શું તમારે એ સૂચનથી ખીજાવું જોઈએ કે મોડે સુધી બહાર રહેવું અને ખોટી સંગત રાખવી એ બંને હાનિકારક છે? કેમ વળી ઈસુ કયાં હતાં એ વિષે તેમના માબાપ પણ જાણવા માગતાં હતાં!
તેઓ શા માટે રૂંધે છે
કેટલાક યુવાનો કહે છે કે તેઓને હાનિ પહોંચવા વિષેનો તેઓના માબાપનો ભય માનસિક વિકૃતિની હદે પહોંચે છે! પરંતુ યાદ રાખો, તમારામાં ઘણો સમય અને લાગણી સિંચવામાં આવ્યાં છે. તમે મોટા થઈને છેવટે જતાં રહેશો, એ વિચાર તમારા માબાપને વિહ્વળ બનાવી શકે. એક માતાએ લખ્યું: “મારું એકનું એક બાળક, દીકરો, હમણાં ઓગણીશ વર્ષનો છે, અને એ બીજે રહેવા જાય એ વિચાર હું સહન કરી શકતી નથી.”
આમ કેટલાક માબાપ પોતાના બાળકોને રૂંધવાનું અથવા વધુ પડતું રક્ષણ કરવાનું વલણ ધરાવે છે. પરંતુ, બદલામાં તમે વધુ પડતા પ્રત્યાઘાત પાડશો તો, એ તમારી ખરેખરી ભૂલ થશે. એક યુવતી યાદ કરે છે: “હું ૧૮ વર્ષની થઈ ત્યાં સુધી મારી મમ્મી અને હું બહુ નીકટ હતાં. . . . [પરંતુ] હું મોટી થઈ તેમ કોયડા શરૂ થયાં. મારે થોડીક સ્વતંત્રતા જોઈતી હતી, જે તેને અમારા સંબંધને ધમકીરૂપ લાગી હશે. પરિણામે, તેણે મારા પર વધુ મજબૂત પકડ રાખવાનો પ્રયત્ન શરૂ કર્યો, અને મેં વધારે દૂર ખેંચાઈ જઈને પ્રત્યાઘાત પાડ્યો.”
કંઈક માત્રામાં સ્વતંત્રતા સારી છે, પરંતુ એ તમારા કૌટુંબિક બંધનોને ભોગે ન મેળવો. તમે કઈ રીતે તમારા માબાપ સાથેનો સંબંધ પરસ્પર સમજણ, સહિષ્ણુતા, અને માન પર આધારિત, પરિપકવ પાયા પર ગોઠવી શકો? એક બાબત એ છે કે, માન આપનાર માન પામે છે. પ્રેષિત પાઊલે એક વાર યાદ કર્યું: “વળી આપણા શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા.” (હેબ્રી ૧૨:૯, અમે અક્ષરો ત્રાંસા કર્યાં છે.) આ શરૂઆતના ખ્રિસ્તીઓના માબાપ સંપૂર્ણ ન હતાં. પાઊલે કહેવાનું ચાલુ રાખ્યું (કલમ ૧૦): “આપણા માનવ પિતાઓને . . . જે સૌથી સારું લાગ્યું એ જ તેઓ કરી શકયાં.”—ધ જરૂસાલેમ બાઈબલ.
કેટલીક વાર એ માણસોએ તાગ કાઢવામાં ભૂલ કરી. તોપણ તેઓ પોતાના બાળકોના માનને પાત્ર હતાં. તેમ જ તમારાં માબાપ પણ માનપાત્ર છે. તેઓ રૂંધી નાખનારા હોય એ હકીકત બળવો પોકારવાનું કારણ નથી. તમે પોતાને માટે ઇચ્છો છો એવું જ માન તેઓને પણ આપો.
ગેરસમજો
શું કદી પણ તમને તમારા કાબૂ બહારના સંજોગોને લીધે ઘરે આવતા મોડું થયું છે? શું તમારા માબાપે વધુ પડતો પ્રત્યાઘાત પાડ્યો? આવી ગેરસમજો તમને માન જીતવાની બીજી એક તક પૂરી પાડે છે. યુવાન ઈસુના ખેદિત માબાપને છેવટે તે મંદિરમાં, કેટલાક શિક્ષકો સાથે નિર્દોષપણે દેવના શબ્દની ચર્ચા કરતા મળ્યા ત્યારે, તેમણે પોતાને કઈ રીતે હાથ ધર્યા એ યાદ કરો. શું ઈસુએ લાગણીમય બળાપો કર્યો, બુમરાણ કર્યું, અથવા તેમના ઈરાદાઓનો ખુલાસો માગવો કેટલું અન્યાયી હતું એવો બડબડાટ કર્યો? તેમના શાંત જવાબની નોંધ લો: “તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતાં ન હતાં કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ?” (લુક ૨:૪૯) નિઃશંક ઈસુએ અહીં પ્રદર્શિત કરેલી પરિપકવતાથી તેમના માબાપ પ્રભાવિત થયાં. આમ “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે” એટલું જ નહિ પરંતુ તમારા માબાપનું માન જીતવા પણ મદદ કરે છે.—નીતિવચન ૧૫:૧.
નિયમો અને કાયદાઓ
તમારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવશે એનો ઘણો આધાર, તમે તમારા માબાપની માગણીઓને કેવો પ્રત્યુત્તર આપો છો, એના પર છે. કેટલાક યુવાનો ધુંધવાય છે, જૂઠું બોલે છે, અથવા ખુલ્લેઆમ અનાજ્ઞાંકિત બને છે. વધુ પરિપકવ રીત અજમાવો. તમારે મોડે સુધી બહાર રહેવું હોય તો, છોકરવાદી માગણીઓ ન કરો અથવા “બીજા બધા છોકરાં મોડે સુધી બહાર રહી શકે છે” એવો બડબડાટ ન કરો. લેખક આંદ્રિયા ઈગન સલાહ આપે છે: “તમે શું કરવા માગો છો એ વિષે બની શકે એટલું બધું તેઓને [કહો], જેથી તેઓ પરિસ્થિતિ બરાબર સમજે. . . . તમે કયાં હશો અને કોની સાથે અને મોડે સુધી તમારે બહાર રહેવું શા માટે મહત્ત્વનું છે એ બધું જ તેઓને કહો . . . , તો કદાચ તેઓ હા પાડશે.”
અથવા તમારા માબાપ તમારા મિત્રોની જાંચતપાસ કરવા માગે— જે તેમણે કરવી જ જોઈએ—તો બાળકની જેમ બડબડાટ ન કરો. સેવનટીન સામયિકે ભલામણ કરી: “વખતોવખત તમારા મિત્રોને ઘરે લાવો, જેથી તમે કહો કે તમે બિલ સાથે પિકચર જોવા જાઓ છો ત્યારે, તમારા પપ્પાએ બાજુની રૂમમાંથી એવી બૂમ પાડવાને કારણ નહિ હોય કે, ‘બિલ? કોણ બિલ?’”
“વધુ આપવામાં આવશે”
જિમ પોતાના નાનાં ભાઈ રોન વિષે વાત કરે છે ત્યારે હસે છે. “અમારી વચ્ચે ફકત ૧૧ મહિનાનો જ ફેર છે,” તે કહે છે, “પરંતુ અમારા માબાપે અમારી સાથે બહુ જ જુદો વ્યવહાર રાખ્યો છે. તેઓએ મને ઘણી જ સ્વતંત્રતા આપી. હું કુટુંબની કાર પણ ચલાવતો હતો. એક વર્ષે તેઓએ મને મારા એક નાના ભાઈને ન્યૂ યોર્ક સિટીના પ્રવાસે પણ લઈ જવા દીધો.
“જો કે, રોન માટે જુદું હતું,” જિમ કહેવાનું ચાલુ રાખે છે. “તેને જરા પણ સ્વતંત્રતા આપવામાં ન આવી. તે ઉંમરલાયક થયો ત્યારે પપ્પાએ તેને ગાડી ચલાવતા શીખવવાની પણ પરવા ન કરી. અને તેને લાગ્યું કે તે મિલનવાયદો કરવા ઉંમરલાયક થયો છે ત્યારે, મારા માબાપે તેને એમ કરવા ન દીધું.”
માનીતાપણું? ના. જિમ સમજાવે છે: “રોન બેજવાબદાર વલણવાળો હતો. તે પહેલની ખામી ધરાવતો હતો. તે તેને સોંપવામાં આવેલું કામ પૂરું કરવામાં વારંવાર નિષ્ફળ જતો. અને હું કદી પણ મારા માબાપની સામે બોલતો નહિ ત્યારે, રોન તેઓને જણાવતો કે તે સહમત થતો નથી. એ નિરપવાદ તેને માથે પાછું વળતું.” ઈસુએ માત્થી ૨૫:૨૯માં કહ્યું: “કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે, ને તેને ઘણું થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.”
તમને વધારે સ્વતંત્રતા અને જવાબદારી જોઈએ છે? તો પોતાને જવાબદાર સાબિત કરો. તમારા માબાપ તમને જે કંઈ કામ સોંપે તેને ગંભીરતાથી હાથ ધરો. ઈસુના દ્રષ્ટાંતમાંના એક યુવાન જેવા ન થાઓ. તેના પિતાએ તેને કહ્યું, “દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર” ત્યારે, તેણે કહ્યું, “સાહેબ, હું જાઉં છું,” પરંતુ તે “ગયો નહિ.” (માત્થી ૨૧:૨૮-૩૦) તમારા માબાપને ખાતરી કરાવો કે ગમે તેટલું નાનું કામ પણ તમને સોંપવામાં આવ્યું હોય તો, એ પૂરું થયા બરાબર છે.
“મેં મારા માબાપને બતાવ્યું કે હું જવાબદારી હાથ ધરી શકું છું,” જિમ યાદ કરે છે. “તેઓ મને બેન્કમાં મોકલતા, મને બિલ ભરવા મોકલતા, બજારમાં જઈ ખરીદી કરવા મોકલતા. અને મમ્મીએ નોકરી કરવા જવું પડ્યું ત્યારે, હું કુટુંબ માટે રસોઈ પણ કરતો હતો.”
પહેલ કરવી
તમારા માબાપે તમને આવાં કામ સોંપ્યા ન હોય તો શું? વિવિધ પહેલ કરો. સેવનટીન સામયિકે સૂચવ્યું: “કુટુંબ માટે રસોઈ કરવાનો પ્રસ્તાવ કરો, અને તમારા માબાપને કહો કે તમે બધું જ કરવા માગો છો: જમવાની યોજના કરવી, શાકભાજીની યાદી બનાવવી, હિસાબ રાખવો, ખરીદી કરવી, રાંધવું, વાસણ માંજવા.” અને રાંધવું તમારી વિશેષતા ન હોય તો, આસપાસ નજર કરો અને જુઓ કે બીજું શું કરી શકાય. વાસણો માંજવાના હોય, પોતું મારવાનું હોય, અથવા રૂમ ઠીકઠાક કરવાની હોય ત્યારે, તમારે તમારા માબાપ પાસેથી ખાસ ફરમાનની જરૂર નથી.
ઘણાં યુવાનો ઉનાળા દરમ્યાન અથવા શનિરવિ માટે પાર્ટ-ટાઈમ નોકરી લે છે. તમારા કિસ્સામાં એમ હોય તો, શું તમે સાબિત કર્યું છે કે તમે પૈસાની બચત કરી શકો છો, અને લેવડદેવડ કરવા સક્ષમ છો? શું તમે તમારા રહેવા અને ખાવાનો ખર્ચ આપવા પહેલ કરી છે? (તમારા વિસ્તારમાં રૂમના ભાડાનો ચાલુ દર તપાસવો તમને ચોંકાવનારું જણાઈ શકે.) એમ કરવાનો અર્થ, વાપરવાના પૈસામાં ઘટાડો થશે, પરંતુ તમારા માબાપ તમને મોટી વ્યકિતની જેમ પૈસા હાથ ધરતા અવલોકશે તેમ, તેઓ નિઃશંક તમને વધુ સ્વતંત્રતા આપશે.
માબાપ પરનો આધાર ઓછો કરવો
માબાપ આપણા અંગત મિત્રો, સમૃદ્ધ સલાહ અને માગર્દશનના ઉદ્ભવ હોવાં જોઈએ. (સરખાવો યિર્મેયાહ ૩:૪.) છતાં, એનો અર્થ એવો થતો નથી કે દરેક નાનાં નિર્ણય માટે તેઓ પર આધાર રાખવો. તમે ફકત તમારી ‘પારખ શકિતનો’ ઉપયોગ કરીને જ નિર્ણયો કરવાની તમારી ક્ષમતામાં ભરોસો મેળવી શકો.—હેબ્રી ૫:૧૪.
તેથી થોડાઅમથા દુઃખના પ્રથમ ચિહ્ને જ તમારા માબાપ પાસે દોડી જવાને બદલે, પ્રથમ તમારા પોતાના મનમાં કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરો. બાબતો વિષે “ઉતાવળિયા,” અથવા આવેગી, થવાને બદલે, પ્રથમ “જ્ઞાન સમજવા”ની બાઈબલની સલાહ અનુસરો. (યશાયાહ ૩૨:૪) ખાસ કરીને બાઈબલ સિદ્ધાંતો સમાયેલા હોય તો, થોડુંક સંશોધન કરો. બાબતોને શાંતિથી તોળી જોયા પછી, તમારા માબાપ પાસે પહોંચો. હંમેશા ‘પપ્પા, મારે શું કરવું જોઈએ?’ અથવા, ‘મમ્મી, તેં શું કર્યું હોત?’ કહેવાને બદલે પરિસ્થિતિ સમજાવો. સ્થિતિ વિષેની તમારી વિચારદલીલ તેઓને સાંભળવા દો. પછી તેઓના વિચારો પૂછો.
હવે તમારા માબાપ તમને બાળક તરીકે નહિ, પરંતુ પુખ્ત વ્યકિત તરીકે વાત કરતા જુએ છે. તમે કંઈક માત્રામાં સ્વતંત્રતા પામવાને લાયક પુખ્ત વ્યકિત બન્યા છો એમ સાબિત કરવામાં તમે મોટું પગલું લીધું. તમારા માબાપ તમારી સાથે પુખ્ત વ્યકિત તરીકે વ્યવહાર કરવાનું શરૂ કરી દઈ શકે.
તમને લાગે છે કે તમારાં માબાપ તમને કેદ કરી રાખે છે?
“મારા પપ્પા હંમેશા જાણવા માગે છે કે હું કયાં જાઉં છું, અને હું ઘરે પાછી કયારે આવીશ. . . . શું તેઓએ બધું જ જાણવું જોઈએ?”
ગેરસમજ ઊભી થાય ત્યારે શાંત રહેવું માન મેળવવાની એક રીતે છે
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૩
◻ શા માટે ઘણી વાર માબાપ પોતાનાં બાળકોના રક્ષણ વિષે અને તેઓ કયાં છે એ વિષે ચિંતાતુર હોય છે?
◻ તમે તમારાં માબાપ સાથે માનપૂર્વક વર્તો એ શા માટે મહત્ત્વનું છે?
◻ તમારા માબાપ સાથેની ગેરસમજ સૌથી સારી કઈ રીતે હાથ ધરી શકાય?
◻ કઈ રીતે તમે તમારા માબાપના નિયમો અને કાયદાઓને સહકાર આપી શકો, અને છતાં કંઈક સ્વતંત્રતા ધરાવી શકો?
◻ કેટલીક કઈ રીતોએ તમે તમારા માબાપને સાબિત કરી આપી શકો કે તમે જવાબદાર વ્યકિત છો?