તમે પોતાનું કઠોળ ફણગાવો
હ વા ઈ માં ના સ જા ગ બ નો! ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
તમે કેટલીક વાર તમારા સ્થાનિક બજારમાં તાજા, કડક, અને પોષણયુક્ત શાકભાજીની તમારી શોધમાં નિષ્ફળ ગયા છો? વારુ, હવે વધુ શોધ ન કરશો! ઓછામાં ઓછા સમય અને પ્રયત્નથી, તમે ખુદ તમારા ઘરે કે એપાર્ટમેન્ટમાં શાકભાજી ઉગાડી શકો છો. કઈ રીતે? કઠોળ ફણગાવીને!
વરડાં [ફણગાવેલું કઠોળ] એટલી સહેલાઈથી જાળવી શકાય છે કે બાળક પણ એ કરી શકે. એને થોડીક જ જગ્યા જોઈએ છે, ખોદકામ નહિ, નીંદામણ પણ નહિ, અને જટિલ રસાયણો પણ નાંખવાનાં નહિ. સૌથી સારું તો, એ થવા લાગે પછી ફક્ત ચાર કે પાંચ જ દિવસ પછી તમે એની પેદાશ ખાય શકો! પરંતુ લાભો ફક્ત અનુકૂળતાઓથી પણ વધારે ઉપરવટ જાય છે.
એક બાબત એ છે કે વરડાં પોષણયુક્ત હોય છે—કદાચ સાદું કઠોળ કે દાણા કરતાં પણ વધારે. ગે કોર્ટરનું બીનસ્પ્રાઉટ પુસ્તક કહે છે: “દાણા ફૂટવા લાગે છે ત્યારે, એમાં વિટામીન પણ વધવા લાગે છે. પેન્નસિલ્વીનીયાની વિદ્યાપીઠ ખાતે કરવામાં આવેલા એક અભ્યાસમાં સોયાબીનના શરૂ શરૂના ફણગામાં (દર ૧૦૦ ગ્રામ દાણામાં) ફક્ત ૧૦૮ મિલિગ્રામ વિટામીન સી હતું. પરંતુ ૭૨ કલાક પછી વિટામીન સી વધીને ૭૦૫ મિલિગ્રામ થઈ ગયું હતું!”
વરડાં કરકસરયુક્ત પણ છે. હકીકતમાં, તમારે જરૂરી બધા સાધનો સંભવત: તમારી પાસે જ છે.
ગોઠવણ કરવી
પ્રથમ, તમારે એક પાત્રની જરૂર છે. એક મોટી કાચ કે પ્લાસ્ટિકની પહોળા મોંની બરણી, ધાતુનું ન હોય એવું કુંડું, કાચનો કે ચીનાઈ માટીનો કટોરો, અથવા ઊંડી થાળી સારી થશે. છીછરી થાળી પણ ચાલશે, જેમાં જાળીદાર ભીના સુતરાઉ કાપડના કે કાગળના રૂમાલના બે પડ વચ્ચે એક પડ દાણાનું પાથરવું જેથી સુકાઈ ન જાય. તમે ગમે તે પાત્ર પસંદ કરો, ખાતરી કરો કે એ એટલું મોટું હોય જેથી દાણા ફણગી શકે અને છતાં એના ફરતે હવાને ફરવાની પૂરતી જગ્યા રહે. મને માલૂમ પડ્યું છે કે કાચની બરણી મઠના જેવાં ઝીણાં દાણા માટે સારું કામ આપે છે. મોટા દાણા, જેમ કે મગના દાણા, ઊંડી થાળી કે કુંડામાં સારાં થશે. એનાથી તેમને જરૂરી વધારાની જગ્યા મળશે અને ફણગા સડતા અથવા બેસ્વાદ બનતા અટકે છે.
તમારે તમારા પાત્રને ઢાંકવું પણ પડશે. એ માટે પ્લાસ્ટિકની જાળી, જાળીદાર સુતરાઉ કાપડ, કે નાયલોનના જૂના જાળીદાર મોજાંનું કાપડ પણ ચાલી શકે. અત્યંત જરૂરી એ છે કે એને પાત્રના મોઢા પર મજબૂત રબર-બેન્ડથી અથવા દોરીથી બાંધવું. અલબત્ત, દાણાને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ધોવાની જરૂર હોવાથી, તમારે પાણીની અને પાણી નીતારવા ચાળણીની પણ જરૂર પડશે.
છેવટે, તમારે દાણાની જરૂર પડશે. લગભગ કોઈ પણ ખાદ્ય દાણાને ફણગાવી શકાય. (જોકે, દવા છાંટેલાં દાણા ટાળવાની હું કાળજી લઉં છું.) શરૂઆત કરનાર માટે મગ અથવા મઠ સૌથી સારા થશે. એ સહેલાઈથી ફણગે છે અને ઘણા સ્વાદિષ્ટ હોય છે! હવે, તમને જણાવું કે એ કઈ રીતે કરવામાં આવે છે.
તમે પોતે વરડાં ફણગાવો
પહેલો દિવસઃ પ્રથમ, દાણાને કાળજીપૂર્વક ધુઓ. પછી, તમારા પાત્રમાં મગ કે મઠ આશરે પાંચેક સેન્ટીમીટર ડૂબે એટલું પાણી નાખો. દાણા ઓછામાં ઓછા આઠથી દસ કલાક પલાળો. તમે સૂવા પહેલાં દાણા પલાળી શકો. આઠથી દસ કલાક પછી, દાણા ફૂલશે અને એની છાલ સહેજ ફાટીને ખુલશે. એ ફણગવા માટે તૈયાર થઈ ગયા છે.
બીજો દિવસઃ સવારે, ઢાંકણ બરાબર પકડી પાણી નિતારી કાઢો. (પાણીમાં વિટામીન હોવાથી, હું સામાન્યપણે મારા છોડવામાં રેડું છું.) હવે, પાત્ર પાણીથી ફરી ભરો. કેટલીક વાર હલાવો, અને ઊંધું વાળો, વધારાનું પાણી બહાર નીકળી જવા દો. પાત્ર ફરીફરી પાણીથી ભરો, દાણા કુલ ત્રણ વખત ધુઓ અને પાણી નિતારો. તમે દાણા બદલીને છીછરી થાળીમાં મૂક્યા હોય તો, જાળીદાર કપડા પર હળવેથી પાણી રેડો, અને થાળી ઊભી કરી અથવા ત્રાંસી રાખી પાણી નિતારો. પછીથી, ધોવાની પ્રક્રિયા ફરીથી કરો જેથી દાણા દિવસમાં બે વાર પૂરા ધોવાય.
ત્રીજો દિવસઃ હવે તો, તમને તમારાં દાણામાં અંકુર નજરે પડવા જોઈએ. એને દિવસમાં બે વાર ધોવાનું ચાલુ રાખો.
ચોથો દિવસઃ તમે વરડાં ખાવાનાં શરૂ કરી દઈ શકો! તમે મગના વરડાં ખાસ્સાં ઊંચા થવા દઈ શકો છતાં એમાં કડવો સ્વાદ આવશે નહિ. ફક્ત એટલું જ કે રોજ બે વખત એ ધોતા રહો. તમે વરડાં એકાદ કલાક સૂર્યતાપમાં મૂકીને પછી ફ્રીજમાં મૂકી દઈ શકો. ઝીણાં પાંદડાં સુંદર લીલો રંગ ધારણ કરશે—અતિ રુચિકર!
સફળતાનો રસાસ્વાદ માણ્યા પછી, તમને અન્ય પ્રકારના દાણા અને કઠોળનો પ્રયોગ કરવાનું મન થશે. દરેકનો સ્વાદ અને વરડું થવાનો સમય જરા જુદા હોય છે. દાખલા તરીકે, તમે સૂર્યમુખીના છડેલા દાણાનો અખતરો કરી શકો. આ વરડાં, ફક્ત અર્ધો ઈંચ જ લાંબાં હોય છે ત્યારે, બે દિવસમાં ખાવા સારા છે. એઓ એનાં કરતાં વધુ લાંબા થાય તો, એનો સ્વાદ કડવો થઈ શકે.
વરડાં કઈ રીતે પીરસવાં
મોટાં ભાગનાં વરડાં, કઠોળ અને દાણાનો ઉપયોગ થાય છે એવા, કાચાં કંચુબર, સેન્ડવીચ, કે કોઈ પણ વાનગીમાં ખાય શકાય છે. જોકે, કઠોળ વરડાં ખાવા અગાઉ ૧૦થી ૧૫ મિનિટ પહેલાં બાફી લઈ શકાય. અથવા થોડુંક તેલ, લસણ, અને મીઠું નાખી સાંતળી લઈ શકો. એનાથી બહુ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે! ઘઉં અને રાઈનાં વરડાં ઘણાં મીઠાં હોય છે અને બ્રેડ તથા મફીન્સમાં સારાં પૂરક બને છે.
આમ વરડાં ઉગાવવાં એક હિતકર અને કરકસરયુક્ત શોખ છે. તમને આ શોખ કેળવવો રોમાંચક અને બદલો આપનારો પણ લાગી શકે. છેવટે તો, સફળતાનો દર ઊંચો અને પરિણામો આહ્લાદક હોય છે!
[Caption on page ૧૭]
Japanese Stencil Designs
[Caption on page ૧૮]
પહેલો દિવસઃ દાણા ભેગા કરો અને પાણીમાં આઠથી દસ કલાક પલાળો
[Caption on page ૧૯]
બીજો અને ત્રીજો દિવસઃ દાણા રોજ બે વખત બરાબર ધુઓ
[Caption on page ૧૯]
ચોથો દિવસઃ વરડાં (અહીં જાળીદાર કાપડ પર, બાજુમાંથી દેખાય છે) ખાવા માટે તૈયાર છે!