જાડાપણું સારું નહિ હોય ત્યારે “હવે મને મારાં કપડાં આવી રહેતાં નથી,” ૩૫ વર્ષની રોઝા અફસોસ કરે છે. “હમણાં મારું વજન ૮૬ કિલોગ્રામ થઈ ગયું છે, અને મેં કદી વિચાર્યું પણ ન હતું કે હું આટલી જાડી થઈ જઈશ!”
પો તાના જાડાપણા વિષે ચિંતા કરવામાં રોઝા એકલી નથી. યુનાઈટેડ સ્ટેટ્સમાં, જ્યાં તે રહે છે, રાષ્ટ્રના લગભગ ત્રીજા ભાગના લોકો જાડા છે.a દશ વર્ષમાં બ્રિટનમાં પુખ્ત જાડી વ્યક્તિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. અને જાપાનમાં પણ—કે જ્યાં વધુ વજન ભાગ્યે જ હતું—જાડાપણું સામાન્ય બની ગયું છે.
વધુ ને વધુ બાળકો, જેટલું હોવુ જોઈએ એના કરતા વધારે વજન ધરાવે છે. અમેરિકાના ૬ અને ૧૭ વચ્ચેની વયના કેટલાક ૪૭ લાખ તરુણો વધારે પડતા વજનવાળા છે, જ્યારે કૅનેડાના ૨૦ ટકા બાળકો જાડા હોય છે. સિંગાપોરમાં તાજેતરનાં વર્ષોમાં બાલ્યાવસ્થામાં જાડાપણું ત્રણ ગણુ વધેલું જોવા મળ્યું છે.
કેટલાક દેશોમાં, વજન વધારી જાડા થવાને, આબાદી અને સારા આરોગ્યના પુરાવા તરીકે જોવામાં આવે છે, જે ગરીબાઈ અને બિનપોષણયુક્ત સ્થિતિ કરતાં વધારે ઇચ્છવાજોગ છે. પરંતુ પશ્ચિમના દેશોમાં, ખોરાક કાયમ પ્રાપ્ય હોવાથી વજન વધારવું સામાન્ય રીતે ઇચ્છવાજોગ ગણવામાં આવતું નથી. એનાથી ભિન્ન, એને સામાન્ય રીતે ગંભીર સ્થિતિ તરીકે જોવામાં આવે છે. શા માટે?
“મોટા ભાગના લોકો જાડાપણાને દેખાવની સમસ્યા માને છે છતાં,” યુ.એસ.ના ભૂતપૂર્વ સર્જન જનરલ ડૉ. સી. ઈવીરત કૂપ કહે છે, “આ હકીકતમાં એક ગંભીર રોગ છે.” ન્યૂયૉર્કમાંના અંતઃસ્રાવી ગ્રંથિ નિષ્ણાત એફ. ઝાવિયર પીસેનયરે સમજાવે છે: “[અમેરિકામાં જાડાપણું વધારવાથી] વધારે લોકો મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગ, પક્ષઘાત, કૅન્સરના કેટલાક પ્રકારના જોખમમાં મૂકે છે.”
વજનની સાથે વધતું જોખમ
અમેરિકાની ૧,૧૫,૦૦૦ નર્સોના ૧૬ વર્ષ સુધી ધ્યાનપૂર્વક કરેલા અભ્યાસનો વિચાર કરો. અભ્યાસે બતાવ્યું કે પુખ્ત વ્યક્તિઓ પાંચથી આઠ કિલોગ્રામ વજન વધારે છે ત્યારે, એ વધારે હૃદયરોગના જોખમમાં પરિણમે છે. સપ્ટેમ્બર ૧૪, ૧૯૯૫ના ધ ન્યૂ ઇંગ્લૅંન્ડ જરનલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત, આ અભ્યાસે દર્શાવ્યું કે વધું વજનના કારણે ત્રીજા ભાગના લોકો કૅન્સરથી મરણ પામ્યા અને અડધા ભાગના રુધિરાભિસરણથી મરણ પામ્યા. ધ જરનલ ઑફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન (JAMA) મે ૨૨/૨૯, ૧૯૯૬માંના અહેવાલ અનુસાર, “પુરુષોમાં ૭૮ ટકા અને સ્ત્રીઓમાં ૬૫ ટકા ઊંચા લોહીના દબાણનું સીધું કારણ મોટાપણું છે.” ધ અમેરિકન કૅન્સર સોસાયટીએ ક્હ્યું કે જેઓનું “નોંધપાત્રપણે વધુ વજન છે” (સામાન્ય વજનથી ૪૦ ટકા અથવા તેથી વધારે છે) તેઓમાં “કૅન્સરનું જોખમ વધારે હોય છે.”
પરંતુ માત્ર વજનમાં વધારો ભયજનક નથી; શરીરમાં ચરબીની વહેંચણી પણ રોગના જોખમને વધારે છે. પેટમાં અતિશય ચરબી હોય છે તેઓ, વાસ્તવમાં નિતંબ અને સાથળમાં વધુ વજન કરતાં વધારે જોખમકારક હોય છે. પેટની ચરબી મધુપ્રમેહ, હૃદયરોગ, સ્તન કૅન્સર, અને ગર્ભાશયનું કૅન્સરનું જોખમ વધારવા સાથે સંકળાયેલી છે.
એ જ રીતે, વધુ વજન ધરાવતા યુવાનો લોહીનું ઊંચું દબાણ, વધુ પડતા કોલેસ્ટોલનું સ્તર, અને મધુપ્રમેહ થવાનાં લક્ષણો અનુભવે છે. અને તેઓ ઘણી વાર જાડી પુખ્ત વ્યક્તિઓ બને છે. બ્રિટિશ મેડિકલ સામયિકે પ્રકાશિત કરેલા ઘ લેન્સેટ સામયિકના આંકડાનો ઉપયોગ કરી ધ ન્યૂયૉર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો કે “જે લોકો નાનપણમાં બાળકો તરીકે સામાન્ય જનતા કરતાં વધુ જાડા હતા તેઓ વહેલા મરી ગયા અને વધુ નાની વયે વધારે રોગોથી પીડાયા.”
વજન વિષે નવી માર્ગદર્શિકા
યુ.એસ. સરકારે વજન સમસ્યાની ગંભીરતાને જોતાં, ૧૯૯૫માં વજન માર્ગદર્શિકાનાં સૂચનોને કડક બનાવી દીધાં. (પછીના પાન પરનું બૉક્સ જુઓ.) સુધારેલી માર્ગદર્શિકા “આરોગ્યપ્રદ વજન,” “સામાન્ય વજન” અને “વધુ પડતું વજન” ઓળખાવે છે. આ માર્ગદર્શિકા ગમે તે વયના પુરુષો અને સ્ત્રીઓ બંનેને લાગુ પડે છે.
વર્ષ ૧૯૯૦ની માર્ગદર્શિકાએ આધેડ વયમાં મધ્યમ કદની વૃદ્ધિ માટે પરવાનગી આપી હતી જેને ઘણી વાર આધેડ વયની વૃદ્ધિ કહેવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકામાં એ પરવાનગી નથી, કારણ કે એવું સૂચન કરવામાં આવ્યું છે કે પુખ્ત વ્યક્તિઓનું વજન સમય જતાં વધવું જોઈએ નહિ.b તેથી એક વ્યક્તિ કે જે અગાઉ સામાન્ય વજનની ગણાતી હતી એ હવે પોતાને વધારે વજનવાળા વર્ગમાં જોઈ શકે. ઉદાહરણ તરીકે, ૩૫ થી ૬૫ વય વચ્ચેની ૧૬૮ સેન્ટિમીટર ઊંચાઈ ધરાવતી વ્યક્તિ જેનું વજન ૭૫ કિલોગ્રામ છે, તે ૧૯૯૦ની માર્ગદર્શિકા પ્રમાણે આરોગ્યપ્રદ વજનવાળી હોઈ શકે. પરંતુ નવી માર્ગદર્શિકા અનુંસાર, તે વ્યક્તિનું વજન પાંચ કિલોગ્રામ વધુ પડતું ગણાશે!
આપણે કઈ રીતે વધારે જાડા થઈ ગયા?
આનુવંશિક લાક્ષણિકતા જાડાપણાની વ્યક્તિની વૃત્તિને અસર કરી શકે, પરંતુ પશ્ચિમના દેશોમાં વજન વધારવા માટે એઓ જવાબદાર નથી. એની પાછળ કંઈક બીજું કારણ છે.
આરોગ્ય નિષ્ણાતો સહમત થાય છે કે ચરબીયુક્ત ખોરાક આપણને જાડા બનાવી શકે. વધારે માંસ અને દૂધની ઘણી વસ્તુઓ, શેકેલી વસ્તુઓ, આચરકૂચર ખોરાક, અલ્પાહાર, તળેલો ખોરાક, મસાલેદાર ખોરાક, ગ્રેવસ્, અને તેલમાં વધારે પડતી ચરબી હોય છે, જેને ખાવાથી જાડાપણા તરફ દોરી શકે. કઈ રીતે?
વારુ, આપણા શરીરને જરૂર છે એના કરતાં આપણા ખોરાકમાં વધારે પડતી કૅલરી લેવાથી વજન વધે છે. એક ગ્રામ પ્રોટીન કે એક ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંની ચાર કૅલરીની સરખામણીમાં ચરબીમાં એક ગ્રામ દીઠ નવ કૅલરી હોય છે. આથી આપણે ચરબીયુક્ત ખોરાક ખાઈએ છીએ ત્યારે વધારે કૅલરી લઈએ છીએ. પરંતુ માનવ શરીર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, અને ચરબીને જે રીતે ઉપયોગમાં લે છે એ એક મહત્ત્વનો ઘટક છે. શરીર પહેલાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનો ઉપયોગ કરે છે, પછી ચરબી. બિનઉપયોગી ચરબી કૅલરી શરીરની ચરબીમાં ફેરવાઈ છે. તેથી ચરબીયુક્ત ખોરાકને ઓછો કરવો એ વજન ઘટાડવાની એક મહત્ત્વની રીત છે.
તો પણ, કેટલાક માને છે કે તેઓએ ચરબીયુક્ત ખોરાક ખાવાનું ઓછું કરી દીધું છે છતાં જોવા મળ્યું છે કે તેઓનું શરીર હજુ પણ વધી રહ્યું છે. શા માટે? એક કારણ એ કે તેઓ વધારે પ્રમાણમાં ખોરાક ખાય છે. યુનાઈટેડ સ્ટેટ્સના એક પોષક તત્ત્વના નિષ્ણાત કહે છે: “ઘણું પીરસવામાં આવે છે તેથી આપણે વધારે ખાઈએ છીએ. ખોરાક પ્રાપ્ય હોય છે તેથી આપણે ખાઈએ છીએ.” લોકો ઓછી ચરબી કે ચરબી વિનાનો ખોરાક પણ વધુ પ્રમાણમાં લેતા હોય છે. પરંતુ એક યુ.એસ. ખાદ્ય-ઉદ્યોગ સલાહ આપતી કંપનીના નિષ્ણાત જણાવે છે: “ઓછા ચરબીયુક્ત ખોરાકને ઘણી વાર સ્વાદિષ્ટ બનાવવા [વધારે કૅલરીવાળી] ખાંડ ઉમેરવામાં આવે છે.” આમ, ધ ન્યૂયૉર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો: “૯૦ના દાયકાની બે બાબતો—પૈસાને વસૂલ કરવા અને ઓછી ચરબીવાળો અથવા ચરબી વિનાનો ખોરાક ખાવો—ખાઉધરાપણાને આમંત્રણ આપે છે,” તેથી વજન વધે છે.
બેઠાડું જીવન-ઢબ પણ વજન વધારે છે. બ્રિટનના એક અભ્યાસે શોધી કાઢ્યું કે ત્રીજા ભાગ કરતાં વધારે પુખ્ત વ્યક્તિઓ દર અઠવાડિયે ૨૦ કરતાં ઓછી મિનિટ સારી કસરત કરે છે. અડધાથી ઓછા કદીક રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લે છે. ઘણા પશ્ચિમના દેશોમાં ચાલવાના બદલે કારમાં મુસાફરી કરવામાં આવે છે, અને ટેલિવિઝન જોવું સુસ્તી અને ખાઉધરાપણાને પ્રોત્સાહન આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, દર અઠવાડિયે બાળકો ટેલિવિઝન જોવામાં લગભગ ૨૬ કલાક વિતાવે છે, આમાં વિડીયો રમતોમાં વિતાવેલા સમયની તો વાત જ બાજુએ રહી. એ દરમિયાન, ફક્ત ૩૬ ટકા શાળાઓમાં જ શારીરિક શિક્ષણ આપવામાં આવે છે.
વધુ વજન હોવાનાં માનસશાસ્ત્રીય કારણો પણ છે. “આપણે લાગણીમય જરૂરિયાતો અનુસાર ખાઈએ છીએ,” જોન્સન્સ હૉપકીંસ વેઈટ મૅનેજમેન્ટ સેન્ટરના ડૉ. લૌરેન્સ ચેસકીનએ કહ્યું. “આપણે ખુશ હોઈએ ત્યારે ખાઈએ છીએ, આપણે દુઃખી હોઈએ ત્યારે ખાઈએ છીએ. આપણને એ માન્યતાથી ઉછેરવામાં આવ્યા છીએ કે ખોરાક બીજી વસ્તુઓ માટે યોગ્ય છે.”
શું આપણે સફળ થઈ શકીએ?
વધુ વજનનો વિષય અટપટો છે. દર વર્ષે અંદાજે આઠ કરોડ અમેરિકનો ખોરાક લે છે. પરંતુ થોડુંક વજન ઉતાર્યા પછી લગભગ બધા તરત જ પોતાની અગાઉની ખાવાની ટેવમાં આવી જાય છે. પાંચ વર્ષની અંદર, ૯૫ ટકા લોકો પોતે ગુમાવેલું વજન પાછું મેળવી લે છે.
વજન ઓછું કરવા અને એને ટકાવી રાખવા જીવન-ઢબ બદલવી જરૂરી છે. આ પ્રકારના બદલાણ માટે પ્રયત્ન અને અડગ રહેવું જરૂરી છે; સાથે કુટુંબ અને મિત્રોની સહાયતાથી પણ. કેટલાક કિસ્સાઓમાં આરોગ્ય નિષ્ણાતોની પણ મદદ જરૂરી હોય શકે.c તેમ છતાં, તમારા પ્રયત્નો સફળ થાય માટે, હકારાત્મક પ્રેરણા બળ હોવું જ જોઈએ. પોતાને પ્રશ્ન પૂછવો સારું છે કે, ‘શા માટે હું વજન ઓછું કરવા ઇચ્છું છું?’ આરોગ્યને લગતા ભયને નિવારવા, સારા દેખાવાની અને તમારા જીવનની ગુણવત્તા સુધારવાની ઇચ્છા હશે તો, વજન ઓછું કરવાના તમારા પ્રયત્નો સફળ થવાની શક્યતા છે.
તમે વધારે આહ્લાદક અને સંતોષપ્રદ ખોરાક ખાઈ શકો જે પૌષ્ટિક અને ઓછી કૅલરીવાળો હોય. પરંતુ તમને વજન ઓછું કરવા મદદ કરી શકે એવા ખોરાક વિષે વિચારતાં પહેલાં, ચાલો આપણે તપાસીએ કઈ રીતે ખોરાકના અમુક તત્ત્વો આરોગ્ય માટે જોખમકારક બની શકે.
[Footnotes]
a ઘણી વાર જાડાપણાની વ્યાખ્યા માનવામાં આવતા સામાન્ય વજનથી ૨૦ ટકા કે એથી વધારે તરીકે કરવામાં આવે છે.
b વર્ષ ૧૯૯૫ની માર્ગદર્શિકા લગભગ બધી વયનાં વૃંદોને લાગુ પડે છે પરંતુ દરેકને નહિ. “સામાન્ય સહમતી એવી છે કે વજન વિષેની નવી માર્ગદર્શિકા ખાસ કરીને ૬૫ વર્ષ કરતાં વધારે વૃદ્ધ લોકોને લાગુ પડતી નથી,” જૂન ૧૯, ૧૯૯૬, JAMAમાં ડૉ. રોબર્ટ એમ. રસેલે કહ્યું. “વૃદ્ધ વ્યક્તિઓમાં થોડું વધારે વજન માંદગીના સમયમાં શક્તિ પૂરી પાડવા લાભદાયક બની શકે અને સ્નાયુ અને હાડકાનું માંસ જાળવી રાખવા મદદ કરે છે.”
c વજન ઓછું કરવાનાં સૂચનો માટે, મે ૮, ૧૯૯૪ના સજાગ બનો! (અંગ્રેજી)ના પાન ૨૦-૨; જાન્યુઆરી ૨૨, ૧૯૯૩, પાન ૧૨-૧૪; અને ડિસેમ્બર ૮, ૧૯૮૯નું પાન ૩-૧૨ જુઓ.
[Caption on page ૬]
શું તમે “આરોગ્યપ્રદ વજન,” “સામાન્ય વજન” કે “વધુ પડતા વજન”ની હરોળમાં આવો છો? અહીં આપેલી રેખાકૃતિ એ પ્રશ્નનો જવાબ આપવા મદદ કરશે