તમારાં મૂત્રપિંડો જીવન-દાયક ગળણી સજાગ બનો!ના આયર્લૅન્ડમાંના ખબરપત્રી તરફથી
પૃ થ્વી અને માનવ શરીર કોઈક બાબતમાં સામાન્ય છે: જીવન ટકાવવા બંનેને ગળણીની જરૂર છે. પૃથ્વીને સૂર્યમાંથી નીકળતા જોખમી કિરણોના સતત મારાથી રક્ષણની જરૂર છે. આપણા વાતાવરણનું ઓઝોન પડ આને ગાળે છે અને જીવન બચાવનારો પ્રકાશ પૃથ્વી પર આવવા દે છે. અને તમારું શરીર? તમારા શરીરમાં ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ તમારા વહેતા લોહીમાં ઝેરી પદાર્થો અને કચરો છૂટાં મૂકે છે. એને રહેવા દેવામાં આવે તો, એ તમારા માટે ઘણી ગંભીર સમસ્યા ઊભી કરી શકે અને મૃત્યુ પણ લાવી શકે. એઓને સતત ગાળવાની અને દૂર કરવાની જરૂર છે.
તમારા મૂત્રપિંડોના કાર્યોમાંનું એક મુખ્ય કાર્ય છે ગાળવું. પરંતુ આ નાનું અંગ કઈ રીતે જોખમકારક પદાર્થોને છૂટા કરીને દૂર કરે છે અને એજ સમયે એ પણ ધ્યાન રાખે કે તમારા શરીરને પોષણ અને તાજગી આપતા મહત્ત્વના પદાર્થોને રહેવા દે? પોતાને તંદુરસ્ત રાખવા માટે તમે તમારા મૂત્રપિંડોને કઈ રીતે મદદ કરી શકો?
તમારા મૂત્રપિંડોની અંદર શું છે?
માનવીઓને સામાન્ય રીતે બે મૂત્રપિંડો હોય છે—પીઠના નીચેના ભાગમાં કરોડની બંને બાજુએ એક-એક. દરેક કંઈક દસ સેન્ટિમીટર લાંબુ, પાંચ સેન્ટિમીટર પહોળુ, અઢી સેન્ટિમીટર જાડુ અને ૧૧૦થી ૧૭૦ ગ્રામ ભારે હોય છે. મૂત્રપિંડને ઉપરથી નીચે સુધી કાપતા ઘણા સુવ્યવસ્થિત ભાગો દેખાય છે, જેમ બાજુમાં આપેલી આકૃતિમાં દેખાય છે.
મૂત્રપિંડ કઈ રીતે કામ કરે છે એ જોવા માટે, એવા મેદાનની કલ્પના કરો જેમાં હજારો દર્શકો સ્પર્ધા જોવા આવે છે. પ્રથમ, ટોળાને નાની નાની કતારોમાં વહેંચવુ જ જોઈએ. પછી, સલામતીના દરવાજામાંથી લોકોને એક એક કરીને જવા દેવામાં આવે છે જ્યાં ટીકીટ વગરના વ્યક્તિઓને બાજુ પર રાખવામાં આવે છે. ટીકીટવાળા દર્શકો પોતાની નિયત જગ્યાએ પહોંચે છે.
એવી જ રીતે, તમારું લોહી જે બધા પદાર્થો બનાવે છે એ તમારા આખા શરીરમાં વહેંચાવવા જ જોઈએ. છતાં, તેઓ એમ કરે છે તેમ, મોટા લોહીના વાસણના રૂપમાં તમારા મૂત્રપિંડમાંથી પસાર થવું જ જોઈએ, દરેક મૂત્રપિંડ માટે એક વૃક્કીય ધમની હોય છે. (પાન ૨૪ પરનું ચિત્ર જુઓ.) મૂત્રપિંડમાં પ્રવેશ કર્યા પછી વૃક્કીય ધમની મૂત્રપિંડની બહારની બાજુમાં અને અંદરની બાજુમાં નાના નાના ભાગોમાં વહેંચાઈ જાય છે. આમ તમારા લોહીમાંના વિવિધ તત્ત્વો નાની અને વધુ વ્યવસ્થિત “કતારો” ગોઠવાઈ જાય છે.
અંતે, લોહી નાના ઝૂમખાઓમાં પહોંચે છે, દરેકમાં ૪૦ ખીચોખીચ ભરેલા નાના લોહીના વાસણો સમાયેલા હોય છે. દરેક ઝૂમખાંને કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે, જે બોમન સંપુટ તરીકે જાણીતી બે પડવાળી આંતર ત્વચાથી ઘેરાયેલું છે.a કેશિકા ગુચ્છ અને બોમન સંપુટ બંને મળીને તમારા મૂત્રપિંડનો પ્રથમ ભાગ ‘સલામતી દરવાજો,’ વૃક્કાણુ—તમારા મૂત્રપિંડની મૂળ ગળણી બનાવે છે. દરેક મૂત્રપિંડમાં લગભગ દસ લાખ કરતાં વધુ વૃક્કાણુઓ હોય છે. પરંતુ એ એટલા નાના હોય છે કે તમારે એને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે!—પાન ૨૫ પર વૃક્કાણુનું મોટું કરેલું ચિત્ર જુઓ.
તમારા લોહીને ગાળવાના બે તબક્કા
તમારા વહેતા લોહીમાં રક્તકણો અને પ્રોટીન અનિવાર્ય છે. એઓ તમારા શરીરને આવશ્યક સેવાઓ પૂરી પાડે છે જેમ કે, ઑક્સિજન આપવો, પ્રતિકાર કરવો અને ઈજાને સમારવી. રક્તકણો અને પ્રોટીનને ગુમાવતા અટકાવવા માટે, ગાળવાના પહેલા તબક્કામાં એ તેઓને બીજા તત્ત્વોથી જુદા કરે છે. આ ખાસ પ્રકારનું કાર્ય બોમન સંપુટ દ્વારા પૂર્ણ થાય છે. પરંતુ કઈ રીતે?
કેશિકા ગુચ્છમાં પ્રવેશ કરનારી રક્તવાહિનીઓ એકદમ પાતળી દીવાલવાળી રક્તવાહિનીમાં વિભાજીત થઈ જાય છે. આમ, લોહીનું દબાણ તમારા વહેતા લોહીમાંથી પાણી અને બીજા નાના પરમાણુને પોતાની પાતળી અંતરત્વચામાંથી, બોમન સંપુટ અને એની સાથે જોડાયેલી લપેટેલી નળીમાં નાખી શકે છે. આ નળીને સંવલિત નલિકા કહેવામાં આવે છે. પરમાણુ અને રક્તકણોનો મોટો ભાગ વહેતા લોહીમાં રહે છે અને રક્તવાહિની મારફતે સતત વહ્યા કરે છે.
હવે ગાળવાની પ્રક્રિયા વધુ પસંદ કરવાવાળી બને છે. તમારા મૂત્રપિંડોએ ખાતરી કરવી પડશે કે તમારુ શરીર કંઈ પણ મૂલ્ય ગુમાવે નહિ! આ સમયે નળીમાં વહેતું દ્રવ્ય એક પાણીયુક્ત મિશ્રણ હોય છે. નળીની અંદરની દીવાલના ખાસ કણો પાણી, મીઠુ, ખાંડ, ખનિજ, વિટામીન, હારમોન અને અમીનો ઍસિડ જેવા પરમાણુઓને ઓળખી લે છે. આ નળીની દીવાલમાં ફરી ટૂસવા દ્વારા કાર્યદક્ષતાથી એને ચૂંટી કાઢે છે અને તમારા વહેતા લોહીમાં ફરી જવા માટે રક્તવાહિનીના આજુબાજુના નેટવર્કમાં પાછુ પસાર કરે છે. રક્તવાહિની ફરીથી નાની શિરાઓમાં મળે છે જેથી વૃક્કીય શિરા કહેવાતા લોહીના વાસણ બનવા ભેગા મળી જાય. એના દ્વારા તમારું લોહી, હવે ગાળેલું અને ચોખ્ખું મૂત્રપિંડમાંથી નીકળે છે અને તમારા જીવનને બચાવવા જાય છે.
નકામા પદાર્થોને કાઢી નાખવા
પરંતુ નળીમાં રહી જતા પ્રવાહી વિષે શું? દેખીતી રીતે જ આમાં તમારા શરીરને જરૂર નથી એવા પદાર્થો રહેલા છે. પ્રવાહ કલેક્ટીંગ નલિકા અથવા કલેક્ટીંગ નળી તરફ વહેવાનું ચાલું રાખે છે, નળી પાઈપમાં બીજા કણો વધારાનો કચરો એમાં કાઢે છે, જેમાં એમોનિયા, પોટેશિયમ, યુરીયા, યુરિક ઍસિડ અને વધારાના પાણીનો સમાવેશ થાય છે. છેલ્લો પદાર્થ એ મૂત્ર છે.
જુદાજુદા વૃક્કાણુમાંથી આવતા કલેક્ટીંગ નળી ભેગી થઈને પિરામિડના શીરમાં છોડી દે છે. મૂત્ર વૃક્કીય પેઢામાં જતુ રહે છે અને પછી મૂત્રનળીમાંથી પસાર થાય છે જે મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડતી નળી છે. મૂત્ર તમારા શરીરમાંથી દૂર થાય એ પહેલાં મૂત્રાશયમાં એકઠુ થાય છે.
એઓના અતિ સૂક્ષ્મ કદ છતાં, તમારા મૂત્રપિંડમાં ૨૦ લાખ કરતાં વધુ વૃક્કાણુ ખૂબ જ અસરકારક કામ કરે છે. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા નોંધે છે: “વૃક્કાણુ . . . દર ૪૫ મિનીટે લોહીના પૂરા પાંચ-લીટર અંશ પાણીને ગાળે છે.” એ સમય દરમિયાન વિભિન્ન પદાર્થોને એકઠા કરવામાં આવે છે અને ઘણી પ્રક્રિયાઓ પૂરી થાય છે, એક સામાન્ય તંદુરસ્ત શરીર દર ૨૪ કલાકે મૂત્રના રૂપમાં બે લીટર કચરો બહાર કાઢે છે. કેવી મહેનતુ અને સંપૂર્ણ ગાળવાની વ્યવસ્થા!
તમારા મૂત્રપિંડોની કાળજી રાખો!
તમારા મૂત્રપિંડો સ્વ-સફાઈ કરનારા અને સ્વ-જાળવણીવાળા છે, લાંબા સમય સુધી મહેનત કરવા કાર્યક્ષમ છે. છતાં, એઓને એમના કામમાં મદદ કરવા તમારે તમારો ભાગ ભજવવાનો છે. તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે તમારા મૂત્રપિંડને મોટા પ્રમાણમાં પાણી આપવું જ જોઈએ. ખરેખર, પર્યાપ્ત પાણી લેવું એ મૂત્રપિંડને ચેપ અને પથરી જામવાથી રોકે છે.b લોંગ આઈસલૅન્ડ કૉલેજ, ન્યૂયૉર્કના યુરીનોલૉજી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ, ડૉ. સી. ગોડેક કહે છે કે પાણી પીવું તમારા પાચનતંત્ર અને હૃદયતંત્ર વ્યવસ્થાને પણ મદદ કરે છે.
કેટલું પાણી? ડૉ. ગોડેક અને બીજા ઘણા ડૉક્ટરો ભલામણ કરે છે કે બીજા ખોરાક અને પીણાની સાથે દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું બે લીટર પાણી તો પીવું જ જોઈએ. ડૉ. ગોડેકે સજાગ બનો!ને કહ્યું: “મોટા ભાગના લોકો પાણીવિહીન છે.” તેમણે નોંધ્યું કે તમારા મૂત્રપિંડ કે હૃદયને કોઈ રોગ નથી ત્યાં સુધી પાણી તેઓ માટે સારું છે. “પરંતુ તમારે પૂરતું પીવું જોઈએ,” ડૉ. ગોડેકે કહ્યું. “મોટા ભાગના લોકો નથી પિતા.”
કેટલાક લોકોને થોડી લહેજત, જેમ કે લીંબુ ઉમેર્યા પછી પાણી વધુ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે અન્યો ઝરાના પાણીને કે સક્રિય કોલસા દ્વારા ગાળેલાં પાણીને પસંદ કરે છે. ગમે તેમ પણ સાદુ પાણી કે સહેજ લહેજત વાળું પાણી તમારા મૂત્રપિંડ માટે બીજા કોઈ પણ પીણા કરતાં વધુ સારું છે. હકીકતમાં, ફળના રસમાં મોરસ અને મીઠાં પીણાં તમારા શરીરની પાણીની જરૂરિયાત વધારે છે. આલ્કોહોલ કે કેફીન સમાવતાં પીણા તમારા શરીરનું પાણી ગુમાવવાનું કારણ બને છે.
દરરોજનું બે લીટર પાણી પીવાની ટેવ પાડવી ખરેખર એક પડકાર હોય શકે. એક કારણે ઘણા લોકોને એ વધુ પ્રતિકૂળ અને કંટાળાજનક લાગે છે તે એ છે કે સામાન્ય કરતાં વધુ વાર ટૉઇલેટ જવું પડે છે. પરંતુ આ વધારાનો પ્રયત્ન કરવાથી તમારું શરીર તમારું આભારી થશે. પૂરતું પાણી પીવું તમારી તંદુરસ્તી જાળવવામાં મદદ કરવા ઉપરાંત તમારા દેખાવમાં પણ સુધારો કરે છે. ડૉક્ટરો નોંધે છે કે પૌષ્ટિક ખોરાક અને વધુ પીણાં લેવા એ તમારી ત્વચાને કોઈ પણ બહારના લેપ કરતાં વધુ સુંદર બનાવે છે.
દુર્ભાગ્યે, આપણું તૃષા તંત્ર અપૂર્ણ છે અને આપણે વૃદ્ધ થઈએ તેમ એ ઓછું સંવેદનશીલ થાય છે. આમ આપણને કેટલાં પાણીની જરૂર છે એ માટે આપણી તરસ પર આધાર રાખી શકતા નથી. પૂરતું પાણી લેવામાં તમે કઈ રીતે ખાતરી રાખી શકો? કેટલાક લોકો દિવસની શરૂઆત બે પ્યાલા પાણી પીને કરે છે અને નિયમિત સમયાંતરે એક પ્યાલો પાણી પીવે છે. બીજાઓ પોતાની નજીક પારદર્શક વાસણમાં પાણી રાખે છે—આખો દિવસ એમાંથી સમય સમયે ઘૂંટ ભરવાનું યાદ આવે માટે. ગમે તે પદ્ધતિ તમે વાપરો પણ પુષ્કળ પ્રમાણમાં સ્વચ્છ, શુદ્ધ પાણી પીવું એ તમારા મૂત્રપિંડો માટે કદર બતાવવાની સારી રીત છે—એક અદ્ભુત ગળણી જે તમને જીવંત રાખે છે.
[Footnotes]
a ૧૮૪૦ની શરૂઆતમાં, અંગ્રેજ સર્જન અને તંતુરચના નિષ્ણાત વિલિયમ બોમને આ નાનું સંપુટ અને એના કાર્યને વર્ણવ્યું. એના પરથી તેનું નામ આવ્યું.
b સજાગ બનો! ડિસેમ્બર ૮, ૧૯૯૩, પાન ૧૫-૭, અને સજાગ બનો! (અંગ્રેજી) માર્ચ ૮, ૧૮૮૬, પાન ૧૮ જુઓ.
[Caption on page ૨૪]
વૃક્કીય શિરા નવું ગાળેલું લોહી શરીરમાં લે છે
[Caption on page ૨૪]
વૃક્કીય ધમની ગાળ્યા વગરનું લોહી મૂત્રપિંડમાં લે છે
[Caption on page ૨૪]
વૃક્કીય પિરામિડ શંકુ આકારનું માળખુ જે મૂત્રને વૃક્કીય પેઢામાં મોકલે છે
[Caption on page ૨૪]
વલ્કુટ દરેક વૃક્કાણુનાં કેશિકા ગુચ્છને સમાવે છે
[Caption on page ૨૪]
વૃક્કીય પેઢું એ લાંબી ગળણી છે જે મૂત્ર એકઠુ કરે છે અને મૂત્રનળીમાં મોકલે છે
[Caption on page ૨૪]
મૂત્રનળી મૂત્રને મૂત્રપિંડથી મૂત્રાશયમાં મોકલે છે
[Caption on page ૨૫]
વૃક્કાણુઓ, લગભગ ૨૦ લાખ અતિ સૂક્ષ્મ નલિકાકાર ગળણીઓ, લોહીને સાફ કરે છે
[Caption on page ૨૫]
બોમન સંપુટ
[Caption on page ૨૫]
કેશિકા ગુચ્છ
[Caption on page ૨૫]
સંવલિત નલિકા દ્વારા મૂત્ર એકઠુ થાય છે પછી મૂત્રાશયમાં જાય છે
[Caption on page ૨૫]
રક્તવાહિની