‘એ ફક્ત હંગામી છે!’
કિડ્નીની બીમારીવાળું મારું જીવન
મને જાન્યુઆરી ૧૯૮૦ની શરૂઆતનો એ દિવસ હજુ પણ ગઈ કાલની જેમ જ યાદ છે. મારી મમ્મીએ મને દુકાનેથી બ્રેડ ખરીદી લાવવાનું કહ્યું, પરંતુ હું ઘરમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ, ફોન વાગ્યો. એ તો મારા ડોક્ટર પ્રયોગશાળામાંની મારી તપાસનું પરિણામ જણાવવા ફોન કરી રહ્યા હતા. અચાનક જ, મમ્મી રડી પડી. ડૂસકાં ભરતાં ભરતાં, તેણે મને દુઃખદ સમાચાર જણાવ્યા. મારી કિડ્નીઓ કામ કરતા બંધ થઈ જઈ રહી હતી. મારી કિડ્ની એક, કે બહુ બહુ તો બે જ વર્ષ ચાલે એમ હતું. ડોક્ટરની વાત સાચી હતી
એક વર્ષ પછી હું ડાયાલિસિસ પર હતો.
મા રો જન્મ મે ૨૦, ૧૯૬૧ના રોજ થયો હતો, અને હું છ બાળકોમાં પ્રથમ હતો. હું લગભગ છ મહિનાનો હતો ત્યારે, મારી મમ્મીએ મારા બાળોતિયામાં પેશાબમાં લોહી જોયું. વિસ્તૃત તપાસ પછી, મારી સ્થિતિનું ઓલ્પોટ્ર્સ સિન્ડ્રોમ તરીકે નિદાન આપવામાં આવ્યું, જે એક જૂજ જન્મજાત ખોડ છે. અજ્ઞાત કારણોસર, જેઓને એ રોગ થયો હોય એવા પુરુષોની કિડ્ની કેટલાક સમય પછી બંધ થઈ જાય છે. મને અને મારા માબાપને એ વિષે જણાવવામાં આવ્યું ન હતું, તેથી મેં કિડ્નીની બીમારી વિષે ચિંતા કરી નહિ.
પછી, ૧૯૭૯ના ઉનાળામાં, મેં સવારે મારા શ્વાસમાં એમોનિયા જેવી ગંધ નોંધી. મેં એને ખરેખર કંઈ ખાસ ધ્યાન આપ્યું નહિ, પરંતુ પછી મને થાક લાગવા માંડ્યો. મેં વિચાર્યું કે મારી તંદુરસ્તી બરાબર નથી, તેથી મેં એ ગણકાર્યું નહિ. ડિસેમ્બરમાં મારી વાર્ષિક તપાસ કરવામાં આવી, અને જાન્યુઆરીમાં મને ઉપર ઉલ્લેખવામાં આવેલો ફોન કરવામાં આવ્યો.
હું ગાડી લઈને દુકાને ગયો તેમ—છેવટે તો, મારી મમ્મીને બ્રેડ હજુ પણ જોઈતી હતી—હું આઘાતમાં હતો. હું માની શક્યો નહિ કે મને આમ થઈ રહ્યું હતું. “હું ફક્ત ૧૮ વર્ષનો છું!” મેં પોકાર્યું. મેં ગાડી થોભાવી. જે બની રહ્યું હતું એની પ્રચંડતા મને સમજાવા લાગી.
“શા માટે મને?”
હું રસ્તાની બાજુએ બેઠો તેમ, મેં રડવાનું શરૂ કર્યું. મારા ચહેરા પર ચોધાર આંસુ વહી રહ્યાં હતાં તેમ, હું બબડ્યો: “શા માટે મને, દેવ? શા માટે મને? કૃપા કરી મારી કિડ્ની બંધ થઈ જવા ન દો!”
જેમ ૧૯૮૦ના મહિનાઓ જતા ગયા, તેમ મને વધારે ને વધારે માંદગી વર્તાઈ; અને મારી પ્રાર્થનાઓ વધારે ને વધારે આશાહીન અને આંસુભરી બની. વર્ષના અંત સુધીમાં, મારી બંધ થઈ રહેલી કિડ્નીઓ લોહીમાંથી ઝેરી તત્ત્વો ગાળતી ન હોવાથી એ ભેગાં થઈ જતાં, અને હું અચાનક બેભાન થઈ જતો તથા વારંવાર ઊટલીઓ કરતો. નવેમ્બરમાં હું કેટલાક મિત્રો સાથે તંબુમાં રહેવાના એક પ્રવાસ માટે છેલ્લીવાર ગયો. પરંતુ હું એટલો બીમાર હતો કે, હું આખા સપ્તાહાંત દરમ્યાન ધ્રૂજતો કારમાં બેસી રહ્યો. મેં ગમે તે કર્યું છતાં મને હૂંફ વળતી ન હતી. છેવટે, જાન્યુઆરી ૧૯૮૧માં એ અનિવાર્ય ઘટના બની—મારી કિડ્નીઓ પૂરેપૂરી બંધ થઈ ગઈ. એનો અર્થ થયો કે ડાયાલિસિસ શરૂ કરું અથવા મરી જાઉં.
ડાયાલિસિસવાળું જીવન
થોડા મહિના પહેલાં, અમારા ડોક્ટરે મને એક નવા પ્રકારના ડાયાલિસિસ વિષે કહ્યું હતું જેમાં સોયનો સમાવેશ થતો નથી અને જે શરીરની અંદર લોહી શુદ્ધ કરે છે. એ પ્રક્રિયા પેરિટોનિયલ ડાયાલિસિસ (PD, પીડી) તરીકે જાણીતી છે. એ મને તરત જ ગમી ગઈ, કેમ કે મને સોય જરા પણ ગમતી નથી. એ પ્રક્રિયા ડાયાલિસિસના કેટલાક દર્દીઓ માટે શક્ય વિકલ્પ બની હતી.
આશ્ચર્યની બાબત છે કે, આપણાં શરીરમાં એવી ત્વચા હોય છે જે કૃત્રિમ કિડ્ની તરીકે કામ કરી શકે છે. પર્યુદર્યા (peritoneum)—પાચનતંત્રના અવયવો ફરતે કોથળી બનાવતી સુંવાળી, પારદર્શક ત્વચા—નો ઉપયોગ લોહી શુદ્ધ કરવા માટે ફિલ્ટર તરીકે કરી શકાય છે. એ ત્વચાના સ્તરની અંદરની બાજુએ એક પોલાણ હોય છે જેને પર્યુદર્યા ગુહા કહેવામાં આવે છે. પર્યુદર્યા હવા કાઢી લીધેલી કોથળી જેવી હોય છે, જે પેટમાંના અવયવો વચ્ચે આવેલી હોય છે.
PD આ રીતે કાર્ય કરે છે: પેટના નીચેના ભાગમાં શસ્ત્રક્રિયા દ્વારા બેસાડવામાં આવેલી નળી દ્વારા પર્યુદર્યા ગુહામાં ડાયાલિસિસનું ખાસ પ્રવાહી રેડવામાં આવે છે. પ્રવાહી ડેક્ષટ્રોઝ ધરાવે છે, અને રસાકર્ષણ દ્વારા, લોહીમાંનો કચરો તથા વધારાનું પ્રવાહી પર્યુદર્યામાંથી પર્યુદર્યા ગુહામાં આવેલા ડાયાલિસિસ પ્રવાહીમાં ખેંચવામાં આવે છે. સામાન્ય રીતે પેશાબ તરીકે બહાર નીકળતો કચરો હવે ડાયાલિસિસ પ્રવાહીમાં આવે છે. દિવસમાં ચાર વખત તમારે આ અદલાબદલી કરવી પડે—વપરાયેલું પ્રવાહી બહાર કાઢવું અને પછી ગુહાને તાજા પ્રવાહીથી ભરવી. અદલાબદલી પૂરી થતા લગભગ ૪૫ મિનિટ લાગે છે. એ જાણે કે ઓઈલ બદલવા જેવું છે—લાંબો સમય ટકવા અને શરીરને સહેલાયથી કાર્ય કરવામાં મદદ કરવા જૂનું કાઢીને નવું નાખવું!
જાન્યુઆરી ૧૯૮૧ની શરૂઆતમાં, મારા પેટની નીચે જમણી બાજુએ જરૂરી નળી બેસાડવામાં આવી. પછી, મને એ પ્રક્રિયાની બે સપ્તાહ તાલીમ આપવામાં આવી. કીટાણુરહિત ટેકનિકનો કડકપણે ઉપયોગ કરી પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં ન આવે તો, વ્યક્તિને પર્યુદર્યાનો રોગ—પર્યુદર્યાનો ગંભીર અને શક્યપણે ઘાતક ચેપ—લાગી શકે.
મેં PD શરૂ કર્યાને છ મહિના પછી, ૧૯૮૧ના ઉનાળામાં, મારા માબાપ પર બીજો ફોન આવ્યો જે મારા જીવન પર ગહન અસર કરવાનો હતો.
નવી કિડ્ની શોધવી
જાન્યુઆરી ૧૯૮૧ની માંડીને, હું કિડ્ની પ્રતિરોપણ (ટ્રાંસપ્લાંટ) માટે રાષ્ટ્રીય યાદીમાં હતો.a હું આશા રાખતો હતો કે પ્રતિરોપણથી મારું જીવન પહેલાં જેવું પાછું થઈ જશે. આગળ શું રહેલું હતું એની મને કંઈ જ ખબર ન હતી!
a ખ્રિસ્તી પ્રતિરોપણનો સ્વીકાર કરશે કે નહિ એ વ્યક્તિગત નિર્ણયની બાબત છે.—માર્ચ ૧૫, ૧૯૮૦ના ધ વોચટાવરનું પાન ૩૧ જુઓ.
ઓગસ્ટના મધ્યમાં ફોન આવ્યો કે કિડ્ની આપનાર મળ્યો છે. હું રાતે લગભગ ૧૦ વાગે હોસ્પિટલે પહોંચ્યો ત્યારે, પ્રતિરોપણ માટે હું બંધબેસતો હતો કે કેમ એ નક્કી કરવા માટે લોહીના નમૂના લેવામાં આવ્યા. તે દિવસની શરૂઆતમાં અકસ્માતમાં માર્યા ગયેલા એક યુવકના કુટુંબે એ કિડ્ની પ્રાપ્ય બનાવી હતી.
બીજે દિવસે શસ્ત્રક્રિયા ગોઠવવામાં આવી હતી. શસ્ત્રક્રિયા કરવામાં આવે એ પહેલાં, એક મોટો વાદવિષય સંબોધવાનો હતો, કેમ કે હું એક યહોવાહનો સાક્ષી છું અને બાઇબલથી તાલીમ પામેલું મારું અંતઃકરણ મને લોહીની આપલે કરવાની પરવાનગી આપતું નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) એ પ્રથમ રાતે એનેસ્થેસિયોલોજીસ્ટ મને મળવા આવ્યા. તેમણે મને શસ્ત્રક્રિયા ખંડમાં લોહી તૈયાર રાખવા સહમત થવાની અરજ કરી, કદાચ જરૂર પડે તો. મેં ના પાડી.
“કંઈક વાંધો પડે તો મારે શું કરવું? તમને મરી જવા દેવા?” તેમણે પૂછ્યું.
“તમારે કરવાની હોય એવી બીજી બધી બાબતો કરો, પરંતુ ગમે તે થાય છતાં, મને લોહી આપવાનું નથી.”
તેમના ગયા પછી, સર્જન આવ્યા. મેં તેમની સાથે એ જ વાદવિષયની ચર્ચા કરી, અને તે લોહી વિના શસ્ત્રક્રિયા કરવા સહમત થયા એનાથી મને રાહત મળી.
સાડા ત્રણ કલાકની શસ્ત્રક્રિયા સરળતાથી થઈ. સર્જને કહ્યું કે મેં બહુ થોડું જ લોહી ગુમાવ્યું. હું મારી રૂમમાં જાગી ઊઠ્યો ત્યારે, ત્રણ લાગણીઓએ મારા પર હુમલો કર્યો—પ્રથમ ભૂખ તથા તરસ અને પછી પીડા! પરંતુ મેં જમીન પર ગુલાબી-પીળા રંગના પ્રવાહીથી ભરાતી એક કોથળી જોઈ ત્યારે, એ બધું ભૂલાઈ ગયું. એ મારી નવી કિડ્નીમાંનો પેશાબ હતો. છેવટે હું પેશાબ કરી રહ્યો હતો! મારા મૂત્રાશયમાંથી નળી દૂર કરવામાં આવી અને હું બીજાઓની જેમ પેશાબ કરવા લાગ્યો ત્યારે, મને બહુ ખુશી થઈ.
જોકે, મારો આનંદ થોડો જ સમય ટક્યો. બે દિવસ પછી મને નિરાશાજનક સમાચાર મળ્યા—મારી નવી કિડ્ની કામ કરી રહી ન હતી. મારે ડાયાલિસિસ ફરીથી શરૂ કરવાનું હતું, એવી આશાસહિત કે એનાથી નવી કિડ્નીને કામ શરૂ કરવાનો સમય મળશે. મેં કેટલાક સપ્તાહો સુધી ડાયાલિસિસ ચાલુ રાખ્યું.
એ સપ્ટેમ્બર મહિનાની અધવચ હતી, અને હું લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં હતો. હોસ્પિટલ મારા ઘરથી ૮૦ કિલોમીટર દૂર હતી, તેથી મારા ખ્રિસ્તી ભાઈબહેનો માટે મારી મુલાકાત લેવી મુશ્કેલ હતું. મને મારા મંડળની ખોટ બહુ સાલતી હતી. મેં મંડળની સભાઓની ટેપ મેળવી, પરંતુ મેં એ સાંભળી ત્યારે, મારું હૈયું ભરાય આવ્યું. મેં યહોવાહ દેવ સાથે પ્રાર્થનામાં વાત કરવામાં ઘણા એકલવાયા કલાકો વિતાવી મને સહન કરવાનું ચાલુ રાખવા શક્તિ પૂરી પાડવા તેમને કહ્યું. ત્યારે મને ખબર ન હતી કે વધુ મુશ્કેલ કસોટીઓ આવી રહી હતી.
મરવાથી બીતો નથી
પ્રતિરોપણને પૂરા છ સપ્તાહ વિતી ગયા, અને હવે એ દુઃખદપણે દેખીતું થયું કે મારા શરીરે કિડ્ની સ્વીકારી ન હતી. મારું પેટ બેડોળપણે ફૂલી ગયું હતું; ડોક્ટરોએ મને કહ્યું કે અસ્વીકૃત કિડ્ની બહાર કાઢવી જ પડશે. ફરીથી, લોહીનો પ્રશ્ન આવ્યો. ડોક્ટરોએ સમજાવ્યું કે આ વખતે શસ્ત્રક્રિયા વધુ ગંભીર હતી, કેમ કે મારી લોહીની ગણતરી ઘણી નીચી ગઈ હતી. મેં ધીરજપૂર્વક પરંતુ મક્કમતાથી મારું બાઇબલાધારિત સ્થાન સમજાવ્યું, અને છેવટે તેઓ લોહી વિના શસ્ત્રક્રિયા કરવા સહમત થયા.b
b લોહી વિના મોટી શસ્ત્રક્રિયા કરવા વિષે વધુ માહિતી માટે, વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, હાઉ કેન બ્લડ સેવ યોર લાઈફ?, પાન ૧૬-૧૭ જુઓ.
શસ્ત્રક્રિયા પછી, બાબતો બહુ ઝડપથી વણસી. હું મારી રૂમમાં હતો ત્યારે, મારાં ફેફસાં પ્રવાહીથી ભરાવા લાગ્યાં. આખી રાત સખત ડાયાલિસિસ કર્યા પછી, મને થોડું સારું થયું. પરંતુ બે દિવસ પછી મારાં ફેફસાં ફરીથી ભરાઈ ગયાં. બીજી એક રાત ડાયાલિસિસ કરવામાં આવ્યું. એ રાત વિષે મને બહુ યાદ નથી, પરંતુ મને એટલું યાદ છે કે મારા પપ્પા મારી બાજુમાં બેસી કહી રહ્યા હતા: “એક વધુ શ્વાસ લે, લી! ચાલ. તું લઈ શકશે! એક વધુ શ્વાસ. બસ એમ જ, શ્વાસ લેવાનું ચાલુ રાખ!” હું કદી પણ થાક્યો ન હોઉં એટલો બધો થાકેલો હતો. હું ઇચ્છતો હતો કે એ બધું પૂરું થાય અને હું દેવની નવી દુનિયામાં જાગી ઉઠું. હું મરવાથી બીતો ન હતો.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
બીજી સવારે મારી સ્થિતિ ગંભીર હતી. મારું હીમેટોક્રિટ, અર્થાત્ રુધિરાભિશ્રણ પામતા લોહીમાં રક્તકણોનું માપ, ૭.૩ સુધી નીચું ગયું—સામાન્ય રીતે તે ૪૦થી વધુ હોય છે! ડોક્ટરોને મારી સ્થિતિ વિષે આશા ન હતી. તેઓએ વારંવાર મારી પાસે લોહી લેવડાવવાનો પ્રયત્ન કર્યો, જે વિષે તેઓએ કહ્યું કે એ મારે સાજા થવા માટે અગત્યનું હતું.
મને ઇન્ટેન્સીવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યો, અને પછી મારું હીમેટોક્રિટ ૬.૯ જેટલું નીચું ગયું. પરંતુ મારી મમ્મીની મદદથી, મારું હીમેટોક્રિટ ધીમે ધીમે વધવા લાગ્યું. તે વધુ લોહતત્ત્વ ધરાવતા ખોરાકમાંથી ઘરે મિક્ષરમાં પીણું બનાવી મારી પાસે લાવતી. મને ઉત્તેજન આપવા તે પણ મારી સાથે એ પીતી. પોતાનાં બાળકો માટેનો માતાનો પ્રેમ અદ્ભુત બાબત છે.
નવેમ્બર મહિનાની અધવચ્ચે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે, મારું હીમેટોક્રિટ ૧૧ હતું. વર્ષ ૧૯૮૭ની શરૂઆતમાં, મેં EPO (ઈરીથ્રોપોઈટીન) લેવાનું શરૂ કર્યું, જે એવો કૃત્રિમ અંતઃસ્ત્રાવ છે જે લોહીના પ્રવાહમાં નવા રક્તકણો મોકલવા હાડકાંમાંના મેદને ઉત્તેજીત કરે છે, અને હવે મારું હીમેટોક્રિટ લગભગ ૩૩ છે.c
c ખ્રિસ્તી EPO સ્વીકારશે કે નહિ એ વ્યક્તિગત નિર્ણયની બાબત છે.—ઓક્ટોબર ૧, ૧૯૯૪નું ચોકીબુરજ, પાન ૩૦ જુઓ.
‘લી, એ ફક્ત હંગામી છે!’
મારે ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦, ૧૯૯૩, ૧૯૯૫, અને ૧૯૯૬માં મોટી શસ્ત્રક્રિયા માટે જવું પડ્યું—એ સર્વ મારી કિડ્ની બંધ થઈ જવાને લીધે. આટલા બધા વર્ષો કિડ્નીની બીમારી સાથે જીવવાને લીધે, એક વિચારે મને ટકી રહેવામાં મદદ કરી તે એ છે કે, ‘એ ફક્ત હંગામી છે.’ આપણા કોયડા શારીરિક કે બીજા કોઈક પ્રકારના હોય છતાં, એને આવી રહેલી નવી દુનિયામાં દેવના રાજ્ય હેઠળ સુધારવામાં આવશે. (માત્થી ૬:૯, ૧૦) હું ફરી નવા પડકારનો સામનો કરું છું અને ઉદાસ થવા લાગું છું ત્યારે, હું પોતાને કહું છું કે, ‘લી, એ ફક્ત હંગામી છે!’ અને બાબતોને યોગ્ય દૃષ્ટિકોણથી જોવા એ મને મદદ કરે છે.—સરખાવો ૨ કોરીંથી ૪:૧૭, ૧૮.
મને ૧૯૮૬માં સૌથી વધુ આશ્ચર્ય થયું—મેં લગ્ન કર્યું. મેં વિચાર્યું હતું કે હું કદી પણ લગ્ન કરીશ નહિ. ‘મારી સાથે કોણ લગ્ન કરવા માંગશે?’ મને નવાઈ લાગતી હતી. પરંતુ પછી કિમ્બરલી મારા જીવનમાં આવી. તેણે હું જીર્ણ થતી બાહ્ય વ્યક્તિ નહિ પરંતુ આંતરિક રીતે કેવી વ્યક્તિ છું એ જોયું. તેણે એ પણ જોયું કે મારી સ્થિતિ ફક્ત હંગામી છે.
જૂન ૨૧, ૧૯૮૬ના રોજ, મેં અને કિમ્બરલીએ કેલિફોર્નિયાના પ્લેઝન્ટનમાં અમારા સ્થાનિક રાજ્યગૃહ ખાતે લગ્ન કર્યું. અમે બાળકો ન ધરાવવાનો નિર્ણય કર્યો, કેમ કે મારી બીમારી વારસાગત છે. પરંતુ કદાચ એ પણ હંગામી છે. યહોવાહની ઇચ્છા હોય તો, દેવની નવી દુનિયામાં અમને બાળકો ધરાવવાનું ગમશે.
મને કેલિફોર્નિયાના હાઈલેન્ડ ઓક્સ મંડળમાં વડીલ તરીકે સેવા આપવાનો લહાવો છે, અને કિમ્બરલી પૂરા સમયની સુવાર્તિકા તરીકે સેવા આપે છે. ૧૯૮૧માંની આકરી કસોટીએ મારા શરીરને તારાજ કર્યું અને એને લીધે મારામાં થોડી જ શક્તિ રહી છે. ત્યારથી માંડીને, મારી બહેનને ઓલ્પોટ્ર્સ સિન્ડ્રોમની હળવી અસર થઈ છે, અને મારા બે ભાઈઓને એ બીમારી થઈ છે, જેઓની કિડ્ની બંધ થઈ ગઈ હોવાથી તેઓ પણ ડાયાલિસિસ પર છે. મારા બીજા બે ભાઈઓ બહુ તંદુરસ્ત છે.
મેં પેરિટોનિયલ ડાયાલિસિસ ચાલુ રાખ્યું છે, અને એને લીધે હું હરીફરી શકું છું એ માટે હું આભારી છું. હું ભાવિ તરફ આશા અને ભરોસાસહિત જોઉં છું કેમ કે, છેવટે તો, આજના કોયડા—જેમાં કિડ્નીની બીમારીનો સમાવેશ થાય છે—ફક્ત હંગામી છે.—લી કોર્ડાવેના કહ્યા પ્રમાણે, જે આ લેખ છાપવામાં આવ્યો તે પહેલાં ગુજરી ગયા.
મારી પત્ની કિમ્બરલી સાથે
પેરિટોનિયલ ડાયાલિસિસ જે રીતે કાર્ય કરે છે
યકૃત
નાના આંતરડાનું ગૂંચડું
નળી
(ચોખ્ખું દ્રાવણ મેળવે છે; જૂનું દ્રાવણ બહાર કાઢે છે)
પર્યુદર્યા
પર્યુદર્યા ગુહા
મૂત્રાશય
સજાગ બનો! તબીબી સારવારની કોઈ પણ ચોક્કસ પદ્ધતિની ભલામણ કરતું નથી. આ લેખનો ઇરાદો હીમોડાયાલિસિસ જેવા સારવારના બીજાં રૂપોને નિરુત્સાહ કરવાનો નથી. દરેક પદ્ધતિની સારી-નરસી બાજુઓ હોય છે, અને વ્યક્તિ કઈ પદ્ધતિનો ઉપયોગ કરશે એનો તેણે પોતે નિષ્ઠાપૂર્વક નિર્ણય કરવો જોઈએ.