વાઘ આવ્યો! વાઘ આવ્યો!
સજાગ બનો!ના ભારતમાંના ખબરપત્રી તરફથી
‘એક દિવસ હું સાંકળી ટેકરી પર ચાલી રહ્યો હતો,’ ડો. ચાર્લ્સ મક્ડોગલ યાદ કરે છે, જેમણે નેપાળમાં રોયલ ચિતવન નેશનલ પાર્કમાં વાઘનો અભ્યાસ કરવામાં ઘણા વર્ષો વિતાવ્યા છે. ‘હું ચાલી રહ્યો હતો તેમ, સામેથી વાઘ આવી રહ્યો હતો. અમે જાણે કે ટોચ પર મળ્યા, અને અમારી વચ્ચે થોડું જ અંતર હતું—આશરે ૧૫ પગલાં.’ ડો. મક્ડોગલ સ્થિર ઊભા રહ્યા. વાઘની આંખમાં જોવાને બદલે, જેને તે એક પડકાર ગણે છે, તેમણે વાઘના ખભા પર પોતાની નજર નાખી. વાઘ તરાપ મારવા તૈયાર રહ્યો પરંતુ તેણે હુમલો કર્યો નહિ. કેટલીય લાંબી મિનિટો પછી, ડો. મક્ડોગલ થોડાં પગલાં પાછા ખસ્યા. ‘પછી,’ તે કહે છે, ‘હું પાછો ફર્યો અને જ્યાંથી આવ્યો હતો ત્યાં ચાલી ગયો.’
આ સદીની શરૂઆતમાં વાઘના વતન એશિયામાં ૧,૦૦,૦૦૦ વાઘ હતા, જેમાંના લગભગ ૪૦,૦૦૦ ભારતમાં હતા. પરંતુ ૧૯૭૩ સુધીમાં આ ભવ્ય પ્રાણીની જગતમાંની વસ્તી ઘટીને ૪,૦૦૦થી ઓછી થઈ, જે મુખ્યત્વે શિકારને પરિણામે હતું. પૃથ્વી પર સૌથી મોટી બિલાડી એવો વાઘ માણસ દ્વારા નાબૂદ થવાની ધમકી હેઠળ આવ્યો. પરંતુ શું વાઘ માનવીઓને ધમકીરૂપ છે? આ મોટી બિલાડી ખરેખર કેવી હોય છે? શું એને નાબૂદીમાંથી બચાવવાના પ્રયત્નો સફળ થયા છે?
વાઘનું કૌટુંબિક જીવન
વર્ષોના અવલોકને પ્રકૃતિશાસ્ત્રીઓને વાઘના જીવનનો વધુ સ્પષ્ટ ખ્યાલ આપ્યો છે. ચાલો આપણે કલ્પના કરીએ કે આપણે ઉત્તર ભારતમાંના રણથંભોરના રળિયામણા વનમાં વાઘના એક કુટુંબને જોઈ રહ્યા છીએ. નર એના નાકથી માંડીને એની પૂંછડીની અણી સુધી આશરે ૩ મીટર લાંબો છે અને કંઈક ૨૦૦ કિલો વજન ધરાવે છે. વાઘણ આશરે ૨.૭ મીટર લાંબી છે અને લગભગ ૧૪૦ કિલો વજન ધરાવે છે.a તેઓનાં ત્રણ બચ્ચાં છે, એક નર અને બે માદા.
a સૌથી મોટા પ્રકારના સાયબીરિયન વાઘનું વજન ૩૨૦ કિલોથી વધુ હોય છે અને તેઓ ૪ મીટર લાંબા થઈ શકે છે.
એ વનમાં ઉષ્ણતામાન ૪૫° સે.થી વધુ થઈ શકે છે, પરંતુ વાઘના કુટુંબને ઘટાદાર વૃક્ષો નીચે છાંયો મળે છે. અને તેઓ નજીકના તળાવના ઠંડા પાણીમાં હંમેશા ડૂબકીનો આનંદ માણી શકે છે. શું એ બિલાડીઓ તરી શકે છે? હા, વાઘને પાણી ગમે છે! હકીકતમાં, તેઓ અટક્યા વિના પાંચ કિલોમીટર સુધી તરવા માટે જાણીતા છે.
વૃક્ષોમાંથી આવતો સૂર્યપ્રકાશ વાઘની ચળકતી નારંગી ચામડી પર પડે છે, જે તેઓને ચમકતા કરે છે. કાળા પટ્ટાઓ ચળકે છે, અને તેઓની પીળી આંખો ઉપરના સફેદ ધબ્બા તેજસ્વીપણે પ્રકાશે છે. આપણે થોડીકવાર ત્રણ બચ્ચાંને અવલોકીએ છીએ પછી, તેઓના જુદા જુદા પટ્ટાઓ અને ચહેરા પરના નિશાન પરથી તેઓને એકબીજાથી જુદા પાડવા આપણે માટે સહેલું બને છે.
વાઘ તરીકે મોટા થવું
વાઘણ વિયાવાની હતી ત્યારે, તેણે ગાઢી વનસ્પતિથી ઢંકાયેલું એક યોગ્ય બીલ શોધ્યું. ત્યાંથી, હવે કુટુંબને એવું મેદાન દેખાય છે જ્યાંનું ખાબોચિયું બીજા પ્રાણીઓને આકર્ષે છે. વાઘણે આ જગ્યા પસંદ કરી છે જેથી તે પોતાનાં બચ્ચાંથી દૂર ગયા વિના ખોરાક માટે શિકાર કરી શકે.
જન્મથી માંડીને, બચ્ચાંને ઘણું ધ્યાન આપવામાં આવ્યું. તેઓની સમગ્ર બાલ્યાવસ્થા દરમ્યાન, તેઓની માતાએ પોતાના પંજા વચ્ચે તેઓને આલિંગન આપ્યું, રમાડ્યા, અને તે ધીમે સાદે બોલતી હતી તેમ, તેઓને ચાટ્યા. બચ્ચાં મોટાં થયાં તેમ, તેઓ સંતાકૂકડી રમવા લાગ્યાં અને બનાવટી લડાઈ લડ્યાં. વાઘ પ્રસન્નતાનો અવાજ કરી શકતા નથી છતાં, ગેરહાજર રહ્યા પછી વાઘણ પાછી આવે છે ત્યારે, બચ્ચાં એક વર્ષની ઉંમરથી શરૂ કરી મોટા પ્રમાણમાં અને મોટેથી ઉચ્છ્વાસ કાઢે છે.
બચ્ચાંને પોતાની માતા સાથે પાણીમાં તરવાનું અને રમવાનું ઘણું ગમે છે. તળાવને કિનારે પાણીમાં પૂંછડી નાખી બેઠેલી વાઘણની કલ્પના કરો. થોડી થોડી વારે, તે પોતાનું ગરમ શરીર ઠંડુ પાડવા પોતાની પૂંછડી બહાર કાઢી પાણી છાંટે છે. અને પૂંછડીની વાત આવે છે ત્યારે, વાઘણ પોતાની પૂંછડી હલાવે છે તેમ, બચ્ચાં એને પકડવાનો પ્રયત્ન કરતા કદી થાકતાં નથી. એમ કરવામાં, વાઘણ પોતાનાં બચ્ચાં સાથે રમે છે એટલું જ નહિ; તે તેઓને તરાપ મારવાની કળા પણ શીખવે છે, જે તેઓ શિકાર કરવાનું શરૂ કરશે ત્યારે ઉપયોગમાં લેશે. બચ્ચાંને વૃક્ષો પર ચઢવાનું પણ ગમે છે. પરંતુ આશરે ૧૫ મહિનાની ઉંમર પછી, તેઓ એટલાં બધાં મોટાં અને ભારે થઈ જાય છે કે વૃક્ષો પર સહેલાયથી ચઢી શકતાં નથી.
પિતાની ભૂમિકા
અત્યાર સુધી, એમ માનવામાં આવતું હતું કે વાઘણ એકલી જ પોતાનાં બચ્ચાંને ઉછેરે છે અને નરને તક મળે તો બચ્ચાંને મારી નાખે છે. જોકે, મોટા ભાગના વાઘ વિષે એમ હોતું નથી. પિતા વાઘ ૫૦ ચોરસ કિલોમીટરના પોતાના વિસ્તારમાં ફરવા લાંબા સમયગાળા સુધી જંગલમાં અદૃશ્ય જરૂર જઈ જાય છે. પરંતુ તે પોતાના કુટુંબની મુલાકાત પણ લે છે. તે તેઓની મુલાકાત લે છે ત્યારે, તે વાઘણ અને બચ્ચાં સાથે શિકાર કરવામાં, અરે તેઓ સાથે ખાવામાં પણ, સહભાગી થાય છે. વધુ આક્રમક નર બચ્ચું ખાવામાં પોતે પહેલો વારો લેશે. જોકે, તે લોભી રીતે પોતાની બહેનોને વધુ સમય દૂર રાખે તો, તેની માતા તેને ગોદો મારે છે અથવા પોતાના પંજાથી તેને ટપલી મારે છે જેથી માદા બચ્ચાં ભોજનમાંથી પોતાનો યોગ્ય હિસ્સો મેળવી શકે.
બચ્ચાં પોતાના વિશાળ પિતા સાથે રમવાનો આનંદ માણે છે. એ માટેની માનીતી જગ્યા નજીકનું ખાબોચિયું છે. પિતા વાઘ ઊંધે પગે ચાલી પોતાના માથા સુધી પાણી આવે ત્યાં સુધી પાણીમાં ઊતરે છે. (વાઘને પોતાની આંખોમાં પાણી ઉડે એ ગમતું નથી!) પછી તે પોતાનાં બચ્ચાંને ચાટે છે તેમ તેઓને પોતાની સાથે રમવા દે છે. સ્પષ્ટપણે જ, તેઓમાં મજબૂત કૌટુંબિક બંધન હોય છે.
માણસ-ખાઉ?
પુસ્તકો અને ફિલ્મો ઘણીવાર વાઘને ઘાતકી, આક્રમક પ્રાણી તરીકે ચિત્રિત કરે છે, જે માનવીઓનો પીછો કરીને તેઓ પર હુમલો કરી તેઓને ચૂંથીને ખાઈ જતો હોય. એ જરા પણ સાચું નથી. બધા વાઘ માણસ-ખાઉ હોતા નથી. સામાન્ય રીતે, જંગલમાં વાઘ માણસને જુએ તો, તે શાંતિથી જતો રહેવાનું પસંદ કરે છે. રસપ્રદપણે, માનવ ગંધની વાઘ પર કોઈ અસર થતી જણાતી નથી.
તેમ છતાં, અમુક સંજોગો હેઠળ ભૂખ્યો વાઘ ખરેખર જોખમકારક બની શકે. તે વૃદ્ધાવસ્થાને લીધે દાંત ગુમાવે અથવા માનવીઓથી ઇજા પામે તો, તે સાધારણ રીતે શિકાર ન કરી શકે. તેવી જ રીતે, માનવ વસવાટ વાઘના રહેઠાણમાં ઘૂસણખોરી કરે તો, વાઘને કુદરતી રીતે મળતો શિકાર ઓછો થઈ શકે. એવા કારણોસર, વાઘ ભારતમાં દર વર્ષે લગભગ ૫૦ લોકોને મારી નાખે છે, જોકે એ સાપ જેટલાને મારી નાખે છે એના કરતા સોગણા ઓછા છે. વાઘના હુમલા મુખ્યત્વે ગંગા નદીના ડેલ્ટા પ્રદેશની કળણભૂમિમાં થાય છે.
ડો. મક્ડોગલ અનુસાર, લોકો ધારે છે એટલા વાઘ જોખમકારક હોતા નથી. વાઘને નજીકથી ચોંકાવવાથી તે હુમલો કરી શકે છતાં, “વાઘ ઘણું શાંત, ઠંડુ, અને આત્મસંયમી પ્રાણી હોય છે,” તે કહે છે. “સામાન્ય રીતે, તમે વાઘની સામે આવી પડો—અરે બહુ નજીક હો—તોપણ તે હુમલો કરશે નહિ.”
વાઘમાં અંદરોઅંદર પણ આક્રમણ જૂજ હોય છે. દાખલા તરીકે, યુવાન વાઘ બીજા વિસ્તારમાં જઈ ચડે અને તેને ત્યાં રહેતા વાઘનો ભેટો થઈ શકે. ઊંડો ઘુરકાટ, લોહી થીજાવી દે એવી ગર્જના, અને એકબીજા સાથે નાક મિલાવીને તીવ્ર ત્રાડ પરિણમી શકે. પરંતુ મોટો નર પોતાનું ચઢિયાતાપણું બતાવે પછી, નાનો નર સામાન્ય રીતે પોતાની પીઠ પર આળોટી પોતાના પંજા હવામાં રાખી આધીનતાની નિશાની કરે છે, અને એમ સંઘર્ષ પૂરો થાય છે.
મોટી બિલાડીનું ભાવિ
વાઘથી જોખમ હેઠળ આવવાને બદલે, માણસ વાઘ માટે એકમાત્ર ખરેખરું જોખમ સાબિત થયો છે. હાલમાં, વાઘને નાબૂદ થઈ જતા અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેટલાક એશિયાઈ દેશોએ વાઘના આરક્ષિત પ્રદેશો ઠરાવ્યા છે. ઉત્તર ભારતમાંના કોરબટ નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ટાઇગર કહેવાતો ખાસ પ્રયત્ન ૧૯૭૩માં આદરવામાં આવ્યો. આખા જગતમાંથી પ્રોજેક્ટ ટાઇગર માટે ભંડોળ તથા સાધનો આવ્યાં. છેવટે, ભારતમાં વાઘના ૧૮ આરક્ષિત પ્રદેશો અલગ ફાળવવામાં આવ્યા, જેનો કુલ વિસ્તાર ૨૮,૦૦૦ ચોરસ કિલોમીટરથી વધુ થાય છે. વર્ષ ૧૯૭૮ સુધીમાં, વાઘને જોખમ હેઠળના જૂથપ્રકારોની યાદીમાં મૂકવામાં આવ્યો. આશ્ચર્યજનક પરિણામો આવ્યા! વાઘના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ પહેલાં, માણસના ભયને લીધે વાઘ છૂપું અને મુખ્યત્વે રાતે બહાર નીકળતું પ્રાણી બન્યું હતું. પરંતુ કેટલાક વર્ષોના રક્ષણ પછી, વાઘ આરક્ષિત પ્રદેશમાં મુક્તપણે ફરવા અને ધોળે દહાડે શિકાર કરવા લાગ્યા!
છતાં, વાઘ માટે જોખમ ચાલુ જ રહ્યું છે: વાઘના શરીરના ભાગોમાંથી બનાવવામાં આવતી એશિયાની સેંકડો રૂઢિગત દવાઓ માટેની આંતરરાષ્ટ્રીય માંગ. દાખલા તરીકે, ભારતમાં એક થેલી વાઘના હાડકાંના $૫૦૦ મળી શકે, અને હાડકાંની પ્રક્રિયા કરવામાં આવે તથા એ દૂર પૂર્વના બજારોમાં પહોંચે ત્યાં સુધીમાં એનું મૂલ્ય વધીને $૨૫,૦૦૦થી વધુ થઈ જાય છે. આટલા બધા પૈસા સંકળાયેલા હોવાથી, ગરીબ ગ્રામીણો વન રક્ષકોને હાથતાળી દઈ જવામાં વાઘના ચોરોને સહકાર આપવા લલચાય છે. શરૂઆતમાં, વાઘને બચાવવાના પ્રયત્નો સફળ થયેલા ગણવામાં આવ્યા. પરંતુ ૧૯૮૮થી માંડીને, પરિસ્થિતિ વણસી છે. રણથંભોરમાં ૨૦ વર્ષ પહેલાં ૪૦ વાઘ ફરતા હતા એની સાથે સરખાવતા આજે ત્યાં ફક્ત લગભગ ૨૭ જ છે. અને વાઘની જગતમાંની વસ્તી ૫,૦૦૦ જેટલી ઓછી થઈ હોય શકે!
ગઈ સદીના અંતિમ દાયકાઓ સુધી, ભારતમાં વાઘ અને માનવીઓ સાપેક્ષ સુમેળમાં જીવતા હતા. શું તેઓ ફરીથી કદી પણ એમ કરી શકશે? હમણા તો, “વાઘ આવ્યો! વાઘ આવ્યો!”ના ઉત્તેજનાભર્યા પોકારોનો એવો અર્થ થઈ શકે કે દુનિયાની સૌથી મોટી બિલાડી જોવામાં આવી છે. આરક્ષણના કાર્યક્રમો ભાવિમાં વાઘની સલામતી પાકી કરશે કે નહિ એ જોવાનું બાકી રહે છે. પરંતુ બાઇબલ આપણને ખાતરી આપે છે કે એક દિવસ આખી પૃથ્વી એદન વાડી જેવો પારાદેશ બનશે. ત્યારે માણસ અને વાઘ જેવા ભવ્ય જંગલી પશુઓ શાંતિમાં પૃથ્વીના સહભાગી થશે.—યશાયાહ ૧૧:૬-૯.
સફેદ વાઘ
ભારતનો રાષ્ટ્રીય ખજાનો એવો જૂજ સફેદ વાઘ બદલાયેલા આનુવંશિકનું પરિણામ છે. વર્ષ ૧૯૫૧માં ભારતના રેવા જંગલમાં એક સફેદ નર બચ્ચું પકડવામાં આવ્યું. સામાન્ય રંગની વાઘણ સાથે સંવનન કરવાથી, સામાન્ય રંગના બચ્ચાં જન્મ્યાં. જોકે, એ બચ્ચાંમાંથી એક માદાનું સફેદ નર સાથે સંવનન કરવામાં આવ્યું ત્યારે, તેણે ચાર સફેદ બચ્ચાંને જન્મ આપ્યો. કાળજીપૂર્વક કરવામાં આવેલા સંવર્ધને ઘણી જગ્યાના લોકો માટે આ જૂજ સૌંદર્યને પોતાના પ્રાણીસંગ્રહસ્થાનમાં જોવું શક્ય બનાવ્યું છે.
શું એ મોટી બિલાડીઓ તરી શકે? હા!
વાઘ મોટા ભાગના લોકો માને છે એટલા
જોખમકારક હોતા નથી