યહોવાહના સાક્ષીઓ વિષેની ગેરસમજ દૂર કરવી
બે યહોવાહના સાક્ષીઓ ઘરઘરના પોતાના પ્રચારકાર્યમાં એક માણસને મળ્યા જેણે તેઓને કહ્યું કે તેને રસ ન હતો. સાક્ષીઓ શાંતિથી જતા રહ્યા, પરંતુ તેઓ ફૂટપાથ પર ચાલવા લાગ્યા તેમ, તેઓએ નોંધ લીધી કે એ માણસ તેઓની પાછળ પાછળ આવી રહ્યો હતો. “કૃપા કરી, થોભો,” એ માણસે પોકાર્યું. “હું માફી માગવા ચાહું છું. મને સાક્ષીઓ વિષે કંઈ જ ખબર નથી, અને હું માનું છું કે ઘણા લોકોને તમારા વિષે ખોટી માહિતી આપવામાં આવી છે.”
પછી તેમણે પોતાની ઓળખ રેનન ડોમિગેસ તરીકે આપી, જે દક્ષિણ સાન ફ્રાંસિસ્કોના રોટરી ક્લબના કાર્યક્રમના સભાપતિ છે. તેમણે પૂછ્યું કે કોઈક સાક્ષી એ ક્લબમાં આવી યહોવાહના સાક્ષીઓની માન્યતાઓ અને પ્રવૃત્તિઓ વિષે વાર્તાલાપ આપશે કે કેમ. ચર્ચાના મુદ્દાઓની ગોઠવણ કરવામાં આવી. સાક્ષી ૩૦ મિનિટ વાર્તાલાપ આપશે અને પછી શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપશે. સાન ફ્રાંસિસ્કોના વિસ્તારમાં ઘણા વર્ષોથી રહેતા એક સાક્ષી અર્નેસ્ટ ગેરેટને ઓગસ્ટ ૧૭, ૧૯૯૫ના રોજ રોટરી ક્લબમાં રજૂઆત કરવા કહેવામાં આવ્યું, અને તેમણે નીચે પ્રમાણે જણાવ્યું:
“બેન્કરો, વકીલો, અને ડોક્ટરો જેવા વેપાર તથા સમાજના આગેવાનોના બનેલા રોટરી ક્લબના સભ્યોને હું શું કહી શકું એ વિષે મને નવાઈ લાગી અને મેં પ્રાર્થના કરી. મેં થોડુંક સંશોધન કર્યું અને મને જાણવા મળ્યું કે રોટરી ક્લબનો પ્રકાશિત હેતુ સમાજને મજબૂત કરવાનો છે. તેથી મેં વીસમી સદીમાં યહોવાહના સાક્ષીઓ બ્રોશરના પાન ૨૩ પરની માહિતી રજૂ કરી, જેનું શીર્ષક છે ‘તમારા સમાજ માટે સુસમાચારનું વ્યવહારુ મૂલ્ય.’”a
a વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા ૧૯૮૯માં પ્રકાશિત.
“મેં સમજાવ્યું કે યહોવાહના સાક્ષીઓ એ દિશામાં અસર પાડે છે. દરરોજ, યહોવાહના સાક્ષીઓ સમાજમાં બારણા ખખડાવતા હોય છે. તેઓની ઇચ્છા મજબૂત કુટુંબ ધરાવવા તેઓના પડોશીઓ પર અસર પાડવાની છે—અને મજબૂત કૌટુંબિક એકમ મજબૂત સમાજ બનાવે છે. યહોવાહના સાક્ષીઓ જેટલી વધુ વ્યક્તિઓને ખ્રિસ્તી સિદ્ધાંતો પ્રમાણે જીવવા અસર કરી શકશે તેટલા પ્રમાણમાં સમાજમાં કર્તવ્ય ઉપેક્ષા, અનૈતિકતા, અને ગુના ઓછા થશે. એ માહિતી રોટરી ક્લબના ધ્યેયોના સુમેળમાં હોવાથી સભ્યોએ એને ઘણી જ સારી રીતે આવકારી.”
“તમે શા માટે રાજકારણમાં સંડોવાતા નથી?”
“સભામાં ચર્ચા શરૂ કરવામાં આવી ત્યારે, પ્રથમ પ્રશ્નોમાંનો એક હતો: ‘તમે શા માટે રાજકારણમાં અને સરકારમાં સંડોવાતા નથી?’ પછી એ પ્રશ્ન પૂછનાર સદ્ગૃહસ્થે ઉમેર્યું: ‘તમે જાણો છો કે, બાઇબલ કહે છે: “કાઈસારનાં વાનાં કાઈસારને આપો.”’ મેં તેમને કહ્યું કે અમે એ કથન સાથે પૂરા સહમત છીએ અને એને પૂરેપૂરો ટેકો આપીએ છીએ. મેં નિર્દેશ કર્યો કે મેં એ શાસ્ત્રવચન ટાંકતા સાંભળેલા મોટા ભાગના લોકો એનો બીજો ભાગ કદી ટાંકતા નથી, જે કહે છે: ‘દેવનાં વાનાં દેવને ભરી આપો.’ (માત્થી ૨૨:૨૧) તેથી, આપણે એવા નિષ્કર્ષ પર આવવું જ જોઈએ કે બધાં વાનાં કાઈસારનાં નથી. કેટલીક બાબતો એવી છે જે દેવની છે. આપણે શોધી કાઢવાનું રહે છે કે કાઈસારનું શું છે અને દેવનું શું છે.
“મેં તેમને બતાવ્યું કે ઈસુને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ‘કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’ ત્યારે, તેમણે હા કે ના કહીને જવાબ આપ્યો નહિ. તેમણે કહ્યું: ‘મને કરનો સિક્કો બતાવો,’ જે રૂમી દીનાર હતી. તેમણે પૂછ્યું: ‘આ લેખ તથા સૂરત કોનાં છે?’ તેઓએ કહ્યું: ‘કાઈસારનાં.’ પછી તેમણે કહ્યું: ‘તેથી, કાઈસારનાં વાનાં કાઈસારને ભરી આપો.’ (માત્થી ૨૨:૧૭-૨૧) બીજા શબ્દોમાં, કાઈસારને કર ભરો કેમ કે આપણે કાઈસાર પાસેથી કેટલીક સેવા મેળવીએ છીએ અને એ માટે કર ભરવો યોગ્ય છે. મેં સમજાવ્યું કે યહોવાહના સાક્ષીઓ પોતાના કર ભરે છે અને સરકારને જેનો હક્ક છે એમાં એને છેતરતા નથી.
“પછી મેં જણાવ્યું કે યહોવાહના સાક્ષીઓ માનતા નથી કે તેઓ પોતાના જીવન માટે કાઈસારના ઋણી છે. તેઓ માને છે કે ઉપાસના માટે તેઓ દેવના ઋણી છે, અને એ તેઓ યોગ્યપણે જ તેમને ભરી આપે છે. તેથી અમે એવું સ્થાન લઈએ છીએ ત્યારે, કાઈસારનું અપમાન કરવાનો ઇરાદો રાખતા નથી. અમે કાઈસારના બધા કાયદા પાળીએ છીએ, પરંતુ સંઘર્ષ ઊભા થાય તો, અમે શાસક તરીકે માણસને બદલે દેવને આજ્ઞાધીન થવાનું માનપૂર્વક પસંદ કરીએ છીએ. પછી એ પ્રશ્ન પૂછનાર માણસે આખા વૃંદ સમક્ષ કહ્યું: ‘હું એની સાથે અસહમત થઈ શકતો નથી!’
“અમે આપણી પ્રચાર પ્રવૃત્તિ વિષે પણ અનેક પ્રશ્નોના જવાબ આપી શક્યા. સભા પછી ઘણા સભ્યોએ અમારી પાસે આવી હાથ મિલાવ્યા તથા કહ્યું કે તેઓ અમારી સાથે પૂરેપૂરા સહમત હતા—કે કુટુંબ મજબૂત સમાજનો પાયો છે. પછી અમે દરેક સભ્યને વીસમી સદીમાં યહોવાહના સાક્ષીઓ બ્રોશર આપ્યું.
“એ સભા પછી કાર્યક્રમના સભાપતિ, શ્રી. ડોમિગેસે મને ફોન કર્યો અને તેમની ઓફિસે આવવા કહ્યું, કેમ કે તે આપણી માન્યતાઓ વિષે વધુ પ્રશ્નો પૂછવા માગતા હતા. અમે કેટલાય શાસ્ત્રવચનો પર સારી ચર્ચા કરી. તે ખાસ કરીને ઇચ્છતા હતા કે હું લોહી વિષેનું આપણું સ્થાન સમજાવું. તેમણે સ્વેચ્છાએ કહ્યું કે તે પોતે લોહીની આપલે નહિ કરે, અને મેં હાઉ કેન બ્લડ સેવ યોર લાઈફ? બ્રોશરમાંથી તેમને જે માહિતી આપી તેનાથી તે એટલા પ્રભાવિત થયા કે તેમણે મને પાછા આવવા અને ક્લબના સભ્યોને લોહી વિષેના આપણા સ્થાન વિષે વાત કરવા આમંત્રણ આપ્યું. મેં બીજા એક સાક્ષી, ડોન ડાલને આ કાર્યક્રમમાં મારી સાથે જોડાવા આમંત્રણ આપ્યું. સાક્ષીઓએ શસ્ત્રક્રિયા માટે જવાનું હોય છે ત્યારે તે ડોક્ટરો સાથે એ વાદવિષયની ચર્ચા કરવા હોસ્પિટલોમાં જાય છે. અમે સાથે મળીને પૂરેપૂરી રીતે સમજાવ્યું કે આપણું શાસ્ત્રીય સ્થાન સમજાવવા અને લોહીની આપલેના સફળ વિકલ્પો રજૂ કરવા આપણે ડોક્ટરો તથા હોસ્પિટલના વહીવટદારો સાથે કઈ રીતે કામ કરીએ છીએ.”—લેવીય ૧૭:૧૦-૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૯-૨૧, ૨૮, ૨૯.
‘શું તમારા કહેવાનો અર્થ એવો છે કે
તમે તમારા દીકરાને મરી જવા દેશો?’
“સભા પછી એક સદ્ગૃહસ્થ મારી પાસે આવ્યા અને મને ખાનગીમાં પૂછ્યું: ‘શું તમારા કહેવાનો અર્થ એવો છે કે તમારા દીકરાને અકસ્માત થાય અને તેને બહુ લોહીલુહાણ સ્થિતિમાં ઈમર્જન્સી રૂમમાં લાવવામાં આવે તો તમે તમારા દીકરાને મરી જવા દેશો?’ મેં તેમને ખાતરી આપી કે હું તેમની ચિંતાનો સહભાગી થાઉં છું, કેમ કે મને પણ એક દીકરો હતો અને મેં તેને ૧૯૮૮માં સ્કોટલેન્ડના લોકર્બી ઉપર વિમાનના વિસ્ફોટમાં ગુમાવ્યો હતો. તેમના પ્રશ્નનો જવાબ આપવામાં, મેં પહેલાં તેમને કહ્યું કે મારો દીકરો મરી જાય એવું હું જરા પણ ઇચ્છીશ નહિ.
“અમે ડોક્ટર-વિરોધી, ઔષધ-વિરોધી, કે હોસ્પિટલ-વિરોધી નથી. અમે વિશ્વાસથી સાજાપણું આપનારાઓ નથી. અમને તબીબી વ્યવસાયની સેવાઓની જરૂર હોય છે. અમે દેવમાં ભરોસો મૂક્યો છે અને અમને વિશ્વાસ છે કે લોહીની આ બાબતે તેમનું માર્ગદર્શન આપણા કાયમી ભલા માટે છે. બાઇબલમાં દેવને ‘તમારા લાભને અર્થે તમને શીખવનાર, અને જે માર્ગે તમારે જવું જોઈએ એ પર તમને ચલાવનાર’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. (યશાયાહ ૪૮:૧૭) તેમણે પોતાના પુત્રને મૂએલાઓનું પુનરુત્થાન કરવાની શક્તિ આપી છે. ઈસુએ કહ્યું: ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે; અને જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’—યોહાન ૧૧:૨૫, ૨૬.
“અમે ડોક્ટરોને ફક્ત એટલું જ સમજવાનું કહીએ છીએ કે અમારી સ્થિતિ અંતઃકરણની બાબત છે અને સોદો કરવાની બાબત નથી. અમે વ્યભિચાર વિષેના દેવના નિયમનો સોદો કરી શકતા નથી તેમ, આ બાબતે પણ સોદો કરી શકતા નથી. અમે દેવ સાથે સોદો કરીને એમ કહી શકતા નથી કે, ‘દેવ, એવા કોઈ સંજોગો છે જેમાં હું વ્યભિચાર કરી શકું?’ પછી મેં એ માણસને કહ્યું: ‘તમે મને પૂછ્યું કે શું હું લોહીની આપલેનો નકાર કરી મારા દીકરાને મરી જવા દઈશ કે કેમ. સન્માનસહિત, હું તમને પૂછવા માગું છું કે શું તમે તમારા દીકરાને કોઈ પણ રાષ્ટ્રની લશ્કરી સેવામાં મરી જવા દેશો?’ તેમણે તરત જ અને ભારપૂર્વક જવાબ આપ્યો કે, ‘હા! કેમ કે એ તેની ફરજ છે!’ મેં કહ્યું: ‘તમે તમારા દીકરાને મરી જવા દેશો કેમ કે એ તમે જેમાં માનો છો એ કારણને લીધે હશે. મને મારા દીકરા વિષે એવો જ લહાવો મળવો જોઈએ.’
“પછીથી એક રસપ્રદ બાબત એ બની કે કાર્યક્રમના સભાપતિ, શ્રી. ડોમિગેસે મને અને મારી પત્નીને તેમની અને તેમની પત્નીની સાથે જમવા બોલાવ્યા. તેમને લાગ્યું કે તેમની પત્ની યહોવાહના સાક્ષીઓ વિષે ખોટી માહિતી અને ગેરસમજનો ભોગ બની હતી. તેમની વાત સાચી હતી. તેમની પત્નીને ખોટી માહિતી આપવામાં આવી હતી. અમે એ સાંજ મઝાથી પસાર કરી, અને તેમની પત્નીએ આપણા વિષે અને આપણા કાર્ય વિષે ઘણા પ્રશ્નો પૂછ્યા, જેના તેમણે અમને વિગતવાર જવાબ આપવા દીધા. બીજે દિવસે શ્રી. ડોમિગેસે ફોન કરી કહ્યું કે તેમની પત્નીને મારી પત્ની તથા મારી સાથે ઘણી મઝા આવી અને તેમને અમે બહુ સારા લોકો લાગ્યા.
“મેં શ્રી. ડોમિગેસની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું છે, અને તે બાઇબલમાં તીવ્ર રસ પ્રદર્શિત કરે છે. તેમણે મને જરૂર કહ્યું: ‘હું તમને ઉત્તેજન આપતા અચકાતો નથી કે તમે ગ્રેટર સાન ફ્રાંસિસ્કો બે વિસ્તારમાંના બધા રોટરી ક્લબોના કાર્યક્રમ સભાપતિઓની મુલાકાત લો અને અમારી ક્લબમાં આપ્યો એવો જ વાર્તાલાપ તેઓની ક્લબમાં આપવાની રજૂઆત કરો. તમે સંદર્ભ તરીકે મારા નામનો ઉપયોગ કરી શકો, અને મારો સંપર્ક સાધવામાં આવશે ત્યારે, મુલાકાતી વક્તા તરીકે તમને આમંત્રણ આપવામાં આવે એ માટે તમારી બહુ સારી ભલામણ કરવામાં મને બહુ ખુશી થશે.’
“રોટરી ક્લબ આંતરરાષ્ટ્રીય છે. શું એવું શક્ય હોય શકે કે યુનાઈટેડ સ્ટેટ્સમાં અને આખા જગતમાં બીજી ક્લબો યહોવાહના સાક્ષીઓની રજૂઆતોને આવકારશે?”
શ્રી. રેનન ડોમિગેસ, ડાબે,
અને બ્રધર અર્નેસ્ટ ગેરેટ