તમારી શ્રવણશક્તિ એક મૂલ્યવાન ભેટ
ગ્રામ્ય વાતાવરણની એક શાંત સંધ્યા, શહેરના ઘોંઘાટથી દૂર, રાત્રીના સૌમ્ય અવાજનો આનંદ મેળવવાની તક આપે છે. પવનની હળવી લહેરખીઓ પાંદડાને અથડાય છે. દૂરથી જંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજ સંભળાય છે. આવો સૌમ્ય અવાજ સાંભળવાની કેવી અદ્ભુત સંવેદના! શું તમે એને સાંભળી શકો છો?
માનવ શ્રવણશક્તિની કાર્યક્ષમતા વિસ્મયકારક છે. અપ્રતિધ્વનિક ઓરડામાં અડધો કલાક બેસો—ધ્વનિમુક્ત ઓરડો કે જેની દીવાલોની રચના દરેક અવાજને ખેંચી લે એવી હોય—અને તમારી શ્રવણશક્તિ ધીમેધીમે તમારા શરીરમાં થતો અપરિચિત અવાજ સાંભળવા જેટલી ‘વધશે.’ ધ્વનિ વિષયક વૈજ્ઞાનિક એફ. એલ્ટન એવરેસ્ટ ધ માસ્ટર હેન્ડબુક ઑફ એકોસ્ટીકમાં અનુભવ વર્ણવે છે. પ્રથમ, તમારા હૃદયના ધબકારા સાંભળી શકાય એવા બને છે. ઓરડામાં એકાદ કલાક વિતાવ્યા પછી, તમારી નસોમાં દોડતું લોહી સંભળાય છે. અંતે, તમારી સૂક્ષ્મ શ્રવણશક્તિ હોય તો, “ધીરજ રાખવાથી તમને હૃદયના ‘કર-બમ્પ’ અને લોહીના ખળખળ વચ્ચેનો વિચિત્ર અવાજ સાંભળવાનો બદલો મળશે. એ શું છે? એ તમારા કાનના પડદાની આગળ ટકરાતા વાયુ કણોનો અવાજ છે,” એવરેસ્ટ સમજાવે છે. “આ અવાજમાંથી પરિણમતી કાનના પડદાની હલનચલન માની ન શકાય એટલી ઓછી હોય છે—સેન્ટિમીટરના લાખમાં ભાગનો ૧/૧૦૦મો ભાગ!” આ “સાંભળવાની શરૂઆત” છે, તમારી ક્ષમતાની નીચી મર્યાદા અવાજ શોધી કાઢે છે. તમારા માટે વધુ સંવેદનશીલતા બિનઉપયોગી હશે કારણ કે ઓછો અવાજ વાયુ કણોની હલનચલનથી નજીક ખેંચાઈ આવશે.
શ્રવણશક્તિ બાહ્ય, મધ્ય અને આંતરિક કાન સાથે ચેતાતંત્ર અને મગજની પ્રવૃત્તિ અને સૂઝના સહયોગથી શક્ય છે. અવાજ કંપારીના મોજા તરીકે હવા દ્વારા આવે છે. આ મોજાઓ આપણા કાનના પડદાને આગળ પાછળ હલાવે છે અને આ હલનચલન, ધીમે ધીમે મધ્ય કાનમાંથી આંતરિક કાનમાં રૂપાંતરિત થાય છે. ત્યાં હલનચલન ચેતા આવેશમાં રૂપાંતર પામે છે જેને મગજ અવાજ તરીકે ઓળખે છે.a
તમારો મહત્ત્વપૂર્ણ બાહ્ય કાન
તમારા કાનનો નરમ, વક્રાકાર બાહ્ય ભાગ કર્ણપલ્લવ તરીકે ઓળખાય છે. કર્ણપલ્લવ અવાજને પકડે છે, પણ એ પકડવા કરતાં વધુ કરે છે. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે શા માટે તમારા કાનના આટલા બધા નાના વળાંકો છે? કર્ણપલ્લવની વિભિન્ન સપાટીએ પરાવર્તિત થતાં અવાજના મોજાને કુશળતાપૂર્વક પરાવર્તિત કરે છે, આ પરાવર્તન એના આવવાની દિશા પ્રમાણે થાય છે. મગજ આ અતિ સૂક્ષ્મ પરિવર્તનને ઓળખવા સક્ષમ છે અને અવાજના ઉદ્ભવની દિશા નક્કી કરે છે. વધુમાં તમારા કાનમાં અવાજ પ્રવેશે છે તેમ મગજ સમય અને તીવ્રતા પણ ઓળખે છે.
આ પ્રદર્શિત કરવા માટે, આંખ બંધ કરેલી વ્યક્તિની આગળ હાથ ઉપર નીચે કરીને ચપટી વગાડો. તમારી આંગળીઓ તેના દરેક કાનથી સરખા અંતરે દૂર હશે છતાં, તે કહી શકશે કે અવાજ ઉપર, નીચે કે બીજે ક્યાંકથી આવે છે. હકીકતમાં, જેનો એક જ કાન સારો હોય એવી વ્યક્તિ પણ અવાજની દિશા ઓળખી શકે છે.
તમારો મધ્ય કાન—એક યાંત્રિક અજાયબી
તમારા મધ્ય કાનનું પ્રાથમિક કાર્ય તમારા કાનના પડદાની કંપનને પ્રવાહી પદાર્થને પહોંચાડવાનું છે જે તમારા આંતરિક કાનને ભરે છે. એ પ્રવાહી પદાર્થ હવા કરતાં ઘણો ભારે હોય છે. આમ, જેમ ઢાળવાળી ટેકરી પર જનાર સાયકલ સવાર માટે સાચું છે તેમ, શક્ય એટલી ઓછી શક્તિ વાપરવા માટે યોગ્ય ‘ગીયર પ્રમાણ’ જરૂરી છે. મધ્ય કાનમાં, શક્તિ ત્રણ નાનાં હાડકા દ્વારા પસાર થાય છે, જેને એઓના આકારને કારણે સામાન્ય રીતે હથોડી, એરણ અને પેંગડું કહેવામાં આવે છે. આ અલ્પ યાંત્રિક જોડાણ ‘ગીયર પ્રમાણ’ પૂરું પાડે છે જે આંતરિક કાન માટે લગભગ પૂર્ણ છે. એવી ગણતરી કરવામાં આવે છે કે આના સિવાય, ૯૭ ટકા અવાજ શક્તિ ગુમાવી શકાય!
તમારા મધ્ય કાનમાં બે નાજુક સ્નાયુઓ જોડાણ સાથે બંધાયેલા છે. તમારા કાન પર કોઈ પણ નીચી-આવૃત્તિવાળો ઊંચો અવાજ આવવાથી, સેકંડના ૧૦૦મા ભાગમાં આ સ્નાયુઓ આપમેળે સંકોચાઈ જાય છે, આનાથી વધુ પડતી હલનચલન અટકી જાય છે અને આમ કોઈ પણ સંભવિત ખતરો ટળી જાય છે. આ પરાવર્તિત ક્રિયા ઘણી જ ત્વરીતતાથી પ્રકૃતિના બધા મોટા અવાજથી તમારું રક્ષણ કરે છે, જોકે એ યાંત્રિક અને વિદ્યુત ઉપકરણોથી થતા અવાજથી રક્ષણ નથી કરી શકતી. વધુમાં, નાના સ્નાયુઓ ફક્ત દસ મિનિટ સુધી જ આ રક્ષણાત્મક વલણને પકડી રાખી શકે છે. પરંતુ આ તમને ભયાનક અવાજથી ભાગી જવાની તક આપે છે. રસપ્રદપણે, તમે બોલો છો ત્યારે, તમારું મગજ આ સ્નાયુઓને સાંભળવાની શક્તિ ઓછી કરવાનો સંદેશો આપે છે, તેથી તમારો પોતાનો અવાજ તમારા માટે એટલો મોટો નથી રહેતો.
તમારો આશ્ચર્યકારક આંતરિક કાન
તમારા આંતરિક કાનનો એ ભાગ જે શ્રવણશક્તિમાં સમાયેલો છે એ કર્ણાવર્તની અંદર રહેલો છે, એ નામ એના શંખાકૃત કર્ણવલયને લીધે પડ્યું છે. જે થેલીકા આ નાજુક યંત્ર રચનાનું રક્ષણ કરે છે એ તમારા શરીરનું સૌથી મજબૂત હાડકું છે. એની ગૂંચવણભરી રચનામાં આધારી કર્ણપટ જોવા મળે છે, જે કર્ણાવર્તની લંબાઈને નલિકાઓમાં વિભાજીત કરે છે. આધારી કર્ણપટની સાથે કોર્ટી અંગ આવેલું છે, જે હજારો રોમ કોશિકાને મદદ કરે છે—ચેતાકોષ જેના વાળ જેવો અંત કર્ણાવર્તમાં ભરેલા પ્રવાહી પદાર્થ સુધી આગળ વધે છે.
મધ્ય કાનના હાડકાની હલનચલન કર્ણાવર્તની અંડાકાર ગવાક્ષને કંપાવે છે ત્યારે, એ પ્રવાહી પદાર્થમાં મોજા ઉત્પન્ન કરે છે. આ મોજાઓ અંતરત્વચાને હલાવે છે, એ જ રીતે જે રીતે તળાવના તરંગો તરતા પત્તાને ઉપર નીચે હલાવે છે. ખાસ આવૃત્તિઓને સંબંધિત જગ્યાઓમાં આ મોજાઓ આધારીત અંતરત્વચાને વાળે છે. ત્યાર પછી એ જગ્યાના કેશ ઉપરની છાદક ઝિલ્લીને સ્પર્ષ કરે છે. આ સ્પર્ષ કેશ કોશિકાઓને ઉત્તેજિત કરે છે અને બદલામાં એઓ આવેગ ઉત્પન્ન કરે છે અને એને તમારા મગજમાં મોકલે છે. અવાજ જેટલો વધુ તીવ્ર હશે એટલી ઝડપથી કેશ કોશીકાઓ હલશે અને એટલી જ વધુ ઉત્તેજિત થશે. આમ, મગજ મોટો અવાજ ઓળખી શકે છે.
તમારું મગજ અને શ્રવણશક્તિ
તમારું મગજ એ તમારી શ્રવણશક્તિ વ્યવસ્થાનો સૌથી મહત્ત્વનો ભાગ છે. એમાં ચેતા આવેગોના રૂપમાં પ્રાપ્ત થતી જાણકારીના પ્રવાહને માનસિક રીતે અવાજના રૂપમાં બદલવાની અદ્ભુત શક્તિ છે. મુખ્ય ભૂમિકા સ્પષ્ટ રીતે વિચાર અને શ્રવણશક્તિ વચ્ચેનું ખાસ જોડાણ બતાવે છે, એક એવો સંબંધ કે જેનો આ ક્ષેત્રમાં સાયકોએકોસ્ટીકના નામે અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે, તમારું મગજ તમને ટોળાથી ભરેલાં ઓરડામાં ચાલતી એક વાતને સાંભળવા શક્તિમાન કરે છે. માઈક્રોફોનમાં આ ક્ષમતા નથી, તેથી એ જ ઓરડામાં રેકર્ડ કરેલી ટેપ કદાચ સમજી ન શકાય.
અણગમતા ઘોંઘાટ દ્વારા થતી વ્યથા આ જોડાણના એક બીજા પાસાને પ્રદર્શિત કરે છે. અવાજની તીવ્રતા ગમે તેટલી ઓછી હોય, પણ જો તમે ન ઇચ્છતા હો ત્યારે એ તમને સંભળાય તો એ ખીજ પણ પેદા કરી શકે. દાખલા તરીકે, પાઈપમાંથી ટપકતાં પાણીનો અવાજ ઘણો ઓછો હોય છે. પણ જો એ તમને રાત્રીની નીરવતામાં સૂવા ન દે તો, એ ઘણો જ અણગમતો લાગે!
ખરેખર, આપણી લાગણીઓ આપણી શ્રવણશક્તિની સૂઝ સાથે ઘણી ગાઢ રીતે જોડાયેલી છે. હૃદયપૂર્વકના હાસ્યની સ્પર્ષજન્ય અસર અથવા હૂંફ ઉપજાવતા પ્રેમ અને સ્તુતિના નિષ્કપટ શબ્દોનો વિચાર કરો. એવી જ રીતે, આપણે માનસિક રીતે જે શીખીએ છીએ એનો સારો એવો ભાગ આપણા કાન દ્વાર ગ્રહણ કરીએ છીએ.
એક મૂલ્યવાન ભેટ
આપણી શ્રવણશક્તિના ઘણા મુગ્ધ કરી નાખનારાં રહસ્યો પર હજુ પણ પડદો પડ્યો છે. પરંતુ આપણને જે વૈજ્ઞાનિક સમજ મળી છે એ એમાં દેખાતી બુદ્ધિ અને પ્રેમ માટેની આપણી કદરને વધારે છે. “ગમે તેટલાં ઊંડાણમાં માનવ શ્રવણશક્તિની વ્યવસ્થાના સંદર્ભમાં,” એકોસ્ટીક સંશોધક એફ. એલ્ટન એવરેસ્ટ લખે છે, “આ નિષ્કર્ષને અવગણવો મુશ્કેલ છે કે એનું જટિલ કાર્ય અને રચના બતાવે છે કે એની રચનામાં કોઈ પરોપકારીનો હાથ છે.”
પ્રાચીન ઈસ્રાએલી રાજા દાઊદને આપણા કાનની આંતરિક રચનાની વર્તમાન વૈજ્ઞાનિક સમજની ખામી હતી. છતાં, તેણે પોતાના શરીર અને એની ઘણી યોગ્યતાઓ પર મનન કર્યું અને પોતાના ઉત્પન્નકર્તાને ગીતમાં કહ્યું: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, . . . તારા કામ આશ્ચર્યકારક છે.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪) શરીરની અદ્ભુત અને રહસ્યમય શોધ, જેમાં શ્રવણશક્તિ પણ સમાયેલી છે એની વૈજ્ઞાનિક શોધ એ પુરાવાને ટેકો આપે છે કે દાઊદ સાચો હતો—આપણને એક શાણા અને પ્રેમાળ ઉત્પન્નકર્તા દ્વારા અદ્ભુત રીતે બનાવવામાં આવ્યા છીએ!
[Footnotes]
a સજાગ બનો! (અંગ્રેજી) જાન્યુઆરી ૨૨, ૧૯૯૦ પાન ૧૮-૨૧ જુઓ.
[Caption on page ૨૬]
તમારો કાન
[Caption on page ૨૬]
કર્ણપલ્લવ
[Caption on page ૨૬]
અંડાકાર ગવાક્ષ
[Caption on page ૨૬]
શ્રવણ ચેતા
[Caption on page ૨૬]
હથોડી (માલ્લેસ)
[Caption on page ૨૬]
એરણ (ઇન્કસ)
[Caption on page ૨૬]
પેંગડું (સ્ટેપ્સ)
[Caption on page ૨૬]
શ્રવણ નાલ
[Caption on page ૨૬]
કાનનો પડદો
[Caption on page ૨૬]
કર્ણાવર્ત
[Caption on page ૨૬]
કોર્ટી અંગ
[Caption on page ૨૬]
રાઉન્ડ વિન્ડો
[Caption on page ૨૬]
શ્રવણ ચેતા
[Caption on page ૨૬]
રોમ કોશિકા
[Caption on page ૨૬]
છાદક ઝિલ્લી
[Caption on page ૨૬]
ચેતા ફાઈબર્સ
[Caption on page ૨૬]
આધારી કર્ણપટ