ઉડતાં જંતુઓની સમસ્યા ઉકલી
વૈજ્ઞાનિકો લાંબા સમયથી અચંબો પામતા આવ્યા છે કે જંતુઓ કઈ રીતે પોતાનાં ભારે શરીર અને નાજુક પાંખો છતાં હવામાં રહી શકે છે. આ નાના પ્રાણીઓ એરોડાયનેમીકના મૂળ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતા દેખાય છે. હવે ઇંગ્લૅંડ, કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલયના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે કઈ રીતે જંતુઓ આ અશક્ય દેખાતુ પરાક્રમ કરે છે.
જંતુઓની ઉડાણનો અભ્યાસ કરવા વૈજ્ઞાનિકોએ હોકમોથને બાંધીને હવા જાય એવા ભૂંગળામાં મૂક્યું. તેઓએ ભૂંગળામાંથી બિન-ઝેરી વાયુ પસાર કર્યો અને જંતુએ પાંખો ફફડાવી તેમ ધુમાડાની સ્થિતિને નોંધવામાં આવી. ત્યાર પછી તેઓએ ૧૦ ગણો મોટો યાંત્રિક નમૂનો તૈયાર કર્યો જે ૧૦૦ ગણી ધીમી પાંખો ફફડાવતો હતો અને હવે અસર સુસ્પષ્ટ દેખાતી હતી. તેઓએ જોયુ કે જંતુ પોતાની પાંખો નીચેની બાજુએ ફફડાવવાનું શરૂ કરે છે ત્યારે, હવાની ચકરી કે વમળ પાંખોના મૂળમાં ઉત્પન્ન થાય છે. પરિણામે પાંખોની ઉપરનું નીચું દબાણ જંતુને ઊંચે ઉઠાવે છે. જો ચકરી બંધ થઈ જાય તો જંતુ જમીન પર પટકાઈ જાય. એના બદલે હવાની ચકરી પાંખોના કિનારાથી થઈને માથા બાજુ આગળ વધે છે અને પાંખો નીચેની બાજુએ ફફડાવવાથી શરૂ થતી ઉડાણ જંતુના વજનના દોઢ ગણા જેટલી હોય છે જે જંતુને સહેલાઈથી ઉડવામાં મદદ કરે છે.
વૈજ્ઞાનિક ઇજનેરો પહેલેથી જાણતા હતા કે ડેલ્ટા-વિંગ હવાઈ જહાજ (ગ્રીક અક્ષર Δ ને મળતુ આવતું હોવાને કારણે એ નામ પડ્યું) એની પાંખોની આગળ ચકરી ઉત્પન્ન કરે છે જે એને ઉંચકે છે. પરંતુ હવે જ્યારે તેઓએ જાણ્યુ છે કે પાંખો ફફડાવવાથી ચકરી દ્વારા કઈ રીતે ઉડાણ શરૂ થાય છે ત્યારે અભ્યાસ કરવાનું ઇચ્છે છે કે આ પરાક્રમી લક્ષણને પ્રોપેલર અને હેલિકૉપ્ટરની રચનામા વાપરી શકાય.