બાઇબલનું દૃષ્ટિબિંદુ શું ગરીબાઈ ચોરી કરવાને વાજબી ઠેરવે છે?
“ગરીબાઈ માનવ સુખની સૌથી મોટી દુશ્મન છે; એ ખરેખર સ્વતંત્રતાનો નાશ કરે છે અને એ કેટલાક સદ્ગુણોને અવ્યવહારુ અને બીજા કેટલાકને મુશ્કેલ બનાવે છે.” —સેમ્યુએલ જોન્સન, ૧૮મી-સદીનો લેખક.
રો મન રાજનીતિજ્ઞ માગનુસ ઑરેલીઅસ કૈસીઅડોરસે કહ્યું: “ગરીબાઈ ગુનાની માતા છે.” આ દૃષ્ટિ એવું રજૂ કરતી દેખાય છે કે અમુક ગુનાઓ ગરીબાઈને કારણે સામાન્ય છે. ખાસ કરીને ચોરીનો ગુનો કરવામાં આવે છે ત્યારે, આજે ઘણા આ પ્રમાણે વિચારે છે.
એ માન્યતા પ્રખ્યાત છે કે જુલમ અને ગરીબાઈ ચોરી કરવાને વાજબી ઠેરવે છે. ૧૪મી સદીના પ્રખ્યાત રોબિન હૂડ વિષેના અંગ્રેજી કાવ્યનો વિચાર કરો, જે પૌરાણિક લૂંટારાનું વર્ણન કરે છે કે જે ધનવાનોને લૂંટી અને ગરીબોમાં વહેંચતો હતો. સદીઓથી તેને એક શૂરવીર તરીકે જોવામાં આવે છે.
દેખીતી રીતે, આજે ઘણા અત્યંત આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. તાજેતરમાં જ વિશ્વબૅન્ક અહેવાલ આપ્યો કે ૧.૩ અબજ લોકો પાસે દૈનિક જીવન માટે એક ડૉલર કરતાં પણ ઓછા પૈસા હોય છે. એક સર્વેક્ષણમાં ફિલિપાઈન્સના ૭૦ ટકા લોકોએ કહ્યું કે તેઓ પોતાને ગરીબ ગણે છે. બ્રાઝિલમાં સૌથી ધનવાન ૨૦ ટકા સૌથી ગરીબ ૨૦ ટકા લોકો કરતાં ૩૨ ગણું વધારે કમાય છે. આવી પરિસ્થિતિથી કેટલાક લોકો હતાશ બની શકે કે તેઓની જીવવાની દૈનિક જરૂરિયાતો સંતોષવા માટે તેઓ કોઈ પણ માર્ગ અપનાવે છે, ચોરી પણ કરે છે.
બાઇબલ સ્પષ્ટપણે બતાવે છે કે ચોરી કરવી ખોટું છે. દશ આજ્ઞાઓમાંની આઠમી બતાવે છે: “તું ચોરી ન કર.” (નિર્ગમન ૨૦:૧૫) તોપણ, બાઇબલમાં માનનારા ઘણાં, આકરી સ્થિતિમાં કરેલી ચોરીના પક્ષમાં બોલે છે.
એ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે: શું ગરીબાઈ ચોરી કરવાને ખરેખર વાજબી ઠેરવે છે? જો કોઈ વ્યક્તિ અત્યંત ભૂખી સ્થિતિમાં હોય તો તે શું કરે? જો તેણે માંદા કે ભૂખ્યા બાળકોની કાળજી લેવાની હોય તો શું? શું આવા કિસ્સામાં યહોવાહ ચોરી કરવાની પરવાનગી આપશે, ખાસ કરીને જો ચોરાએલી વ્યક્તિને તેના ચોરી થયેલા માલની જરૂર ન હોય તો?
દેવ શું કહે છે?
ઈસુ ગુણોમાં તેમના પિતાના જેવા હોવાથી, તેમનું ઉદાહરણ આપણને દેવનું દૃષ્ટિબિંદુ સમજવા મદદ કરશે. (યોહાન ૧૨:૪૯) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ગરીબો પ્રત્યે કરુણા બતાવી. બાઇબલ કહે છે કે “લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી.” (માત્થી ૯:૩૬) તથાપિ, તેમણે કોઈ પણ પરિસ્થિતિમાં ચોરી કરવાને છૂટ આપી નહિ. એ રીતે, દેવને ગરીબોની ચિંતા છે છતાં, તે ગરીબાઈને ચોરી કરવા માટે વાજબી ઠેરવતા નથી. યશાયાહ ૬૧:૮માં બાઇબલ આપણને કહે છે કે દેવ ‘અન્યાયથી કરેલી લૂંટફાટને ધિક્કારે છે.’ અને પ્રેષિત પાઊલ સ્પષ્ટપણે બતાવે છે કે ચોરોને દેવના રાજ્યનો વારસો મળશે નહિ. તેથી આપણને દેવનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટપણે ખબર છે.—૧ કોરીંથી ૬:૧૦.
તેમ છતાં, નીતિવચન ૬:૩૦ કહે છે કે “જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી પોતાના જીવને તૃપ્ત કરવા સારૂ ચોરી કરે, તો લોકો એવાને ધિક્કારતા નથી.” શું આ કથન ચોરી કરવાને નિર્દોષ ઠેરવે છે? જરાય નહિ. સંદર્ભ બતાવે છે કે દેવ ચોરને તેની ભૂલ માટે શિક્ષાપાત્ર ઠેરવે છે. ત્યાર પછીની કલમ કહે છે: “પણ જો તે પકડાય, તો તેને સાતગણું પાછું ભરી આપવું પડશે; તેને પોતાના ઘરની સઘળી સંપત્તિ આપી દેવી પડશે.”—નીતિવચન ૬:૩૧.
ભૂખને કારણે ચોરી કરે છે તે વ્યક્તિ લોભના લીધે કે પોતાના શિકારીને નુકશાન પહોંચાડવાના વલણથી ચોરી કરે છે એના જેટલો દોષપાત્ર નહિ ગણાય, તો પણ દેવની સ્વીકૃતિ મેળવવાનું ઇચ્છનારે કોઈ પણ પ્રકારની ચોરી કરવી જોઈએ નહિ. અત્યંત ગરીબ સ્થિતિમાં પણ, ચોરી કરવી દેવનું અપમાન કરે છે. નીતિવચન ૩૦:૮, ૯ એને આ રીતે વ્યક્ત કરે છે: “મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારૂં પોષણ કર; . . . રખેને હું દરિદ્રી થઈને ચોરી કરૂં, અને મારા દેવના નામની નિંદા કરાવું.” હા, એક ચોર દેવના નામને નિંદા લાવે છે. ચોરી કરવી પ્રેમરહિત કાર્ય હોવાથી, એ ધનવાન કે ગરીબ વિરુદ્ધ આચરેલું હોય પણ તે પાપ કહેવાય છે. દેવ અને પડોશીઓને પ્રેમ કરે છે તેઓ માટે, ચોરી કરવાને કદી પણ વાજબી ઠેરવવામાં આવતું નથી.—માત્થી ૨૨:૩૯; રૂમી ૧૩:૯, ૧૦.
એક વ્યક્તિને સંજોગોના કારણે ચોરી કરવાનો અધિકાર છે એવી દલીલ ખોટી છે. એનો અર્થ એવો થઈ શકે કે નબળા બાંધાના રમતવીરને જીતવા માટે મના કરેલા કેફી પદાર્થો લેવાનો અધિકાર છે. તે જીત મેળવે તો પણ, તે છેતરપિંડી કહેવાશે. બીજાઓને વાજબી રીતે લાગી શકે કે તેણે કપટથી જીત મેળવી છે. તેથી, ચોર સાથે પણ એવું જ છે. તે બીજાઓની વસ્તુઓ દુરાચારીથી ચોરી લે છે. તેની આકરી સ્થિતિ તેને કોઈ પણ રીતે વાજબી ઠેરવતી નથી.
દેવની સ્વીકૃતિ મેળવવાનું ઇચ્છનાર કોઈ પણ ચોરે તેના માર્ગનો પસ્તાવો કરવો જ જોઈએ. બાઇબલ સલાહ આપે છે: “ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં.” (એફેસી ૪:૨૮) અગાઉના ચોરો કે જે સાચો પસ્તાવો કરે છે તે યહોવાહ તેઓને માફ કરશે એવી ખાતરી રાખી શકે.—હઝકીએલ ૩૩:૧૪-૧૬.
ગરીબ શું કરી શકે?
બાઇબલ વચન આપે છે: “સદાચારીના આત્માને યહોવાહ ભૂખે મરવા દેશે નહિ; પણ દુષ્ટની ઈચ્છાને તે નિષ્ફળ કરે છે.” (નીતિવચન ૧૦:૩) જેઓ પોતાના લોભ માટે જાણીજોઈને દેવના નિયમનો ભંગ કરે છે, તેઓને દેવ મદદ કરશે નહિ. પરંતુ જેઓ પ્રમાણિકપણે તેમને આધીન રહેવાનો પ્રયત્ન કરે છે તેઓના માટે તેમને દયા છે, અને તેઓ પોતાની જરૂરિયાત પૂરી કરવાના તેમના પ્રયત્નો કરે છે તેઓને આશીર્વાદ આપશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૫.
લાખો ને લાખો લોકોને જોવા મળ્યું છે કે તેઓ દૈવી સિદ્ધાંતોને અનુસરે છે ત્યારે, તેઓની પરિસ્થિતિમાં સુધારો થાય છે. દાખલા તરીકે, ઉદ્યોગી બનવાની અને જુગાર, દારૂડિયાપણું, ધૂમ્રપાન અને કેફી પદાર્થોનો દુરુપયોગ, જેવા દુર્ગુણોથી દૂર રહેવાની બાઇબલની સલાહ લાગુ પાડી તેઓ પોતાની ખરેખર જરૂરિયાતને વધારે સારી રીતે પૂરી પાડી શક્યા છે. (ગલાતી ૫:૧૯-૨૧) એમાં તેઓએ વિશ્વાસ આચરવાની જરૂર છે, અને તેથી તેઓ શીખ્યા છે કે “યહોવાહ ઉત્તમ છે” અને જેઓ તેમનામાં ભરોસો રાખે છે તેઓને તે મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૩૪:૮.
[Caption on page ૧૨]
રોબિન હૂડ: General Research Division/The New York Public Library/Astor, Lenox and Tilden Foundations