યુવાન લોકો પૂછે છે . . .
જાતિના ગર્વ વિષે શું?
“મારી એક સહાધ્યાયી હંમેશા અન્ય લોકોની જાતિ અને રંગ વિષે વાત કરે છે,” ૧૭ વર્ષની ટાન્યા નિસાસો નાખે છે. “તેની વાતચીતમાં ઘણી વખત, તે દાવો કરે છે કે તે તેઓ કરતાં ઉચ્ચ છે.”
પોતાના મૂળ કુટુંબ, સંસ્કૃતિ, ભાષા, અથવા સ્થળનું ગર્વ લેવું સ્વાભાવિક જ છે. “હું વિયેટનામી છું,” ફોંગ નામની એક ૧૫ વર્ષની છોકરી કહે છે, “અને મને મારી સંસ્કૃતિ માટે ગર્વ છે.”
છતાં, જાતિનો ગર્વ અવારનવાર જાતિવાદ સાથે સંકળાયેલો હોય છે. આ અભિમાન કૅન્સર જેવું બનીને, ધીમે ધીમે સંબંધો કોરી ખાય જઈ શકે, પછી ભલેને વ્યક્તિ બહારથી વિનમ્ર જણાતી હોય. ઈસુ ખ્રિસ્તે કહ્યું: “મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.” (માત્થી ૧૨:૩૪) અને ચડિયાતાપણા—કે તુચ્છકાર—ની ઘર કરી ગયેલી લાગણીઓ નુકસાન અને દુઃખનું કારણ બનીને બહાર દેખાઈ આવે છે.
કેટલીક વખત, જાતિવાદનું અભિમાન હિંસામાં પરિણમે છે. તાજેતરનાં વર્ષોમાં એ યુદ્ધો, તોફાનો, અને લોહીયાળ રીતે “કોમની સફાઈ” માટે બળતણ આપે છે. તેમ છતાં, જાતિવાદની કદરૂપી અસર જોવા તમારે રક્તપાત જોવાની જરૂર નથી. દાખલા તરીકે, શું તમે શાળામાં, કામના સ્થળે, કે તમારા પડોશીઓમાં એ પુરાવો જોયો છે? “હા, ચોક્કસ,” મલીશા નામની ખ્રિસ્તી યુવતી સમજાવે છે. “મારા સહાધ્યાયીઓ વિદેશી ઢબે બોલતાં બાળકોની મશ્કરી કરે છે અને કહે છે કે પોતે તેઓના કરતાં ઉચ્ચ છે.” ટાન્યા એવો જ અહેવાલ આપે છે: “શાળામાં મેં સામાન્ય રીતે બાળકોને અન્યોને આમ કહેતા સાંભળ્યા છે: ‘હું તારા કરતાં ચડિયાતો છું.’” યુ.એસ.ના એક સર્વેક્ષણમાં, લગભગ અડધા મતદારોએ કહ્યું કે પાછલાં વર્ષો દરમિયાન તેઓએ વ્યક્તિગત રીતે કોઈને કોઈ પ્રકારે જાતિવાદની પૂર્વધારણાનો અનુભવ કર્યો છે. “મારી શાળામાં જાતિવાદનો તણાવ ખૂબ પ્રચલિત હતો,” નતાશા નામની એક યુવતીએ કહ્યું.
હવે તમે કદાચ એવા પ્રદેશ કે વિસ્તારમાં રહેતા હો જ્યાં બીજી જાતિના ઘણા લોકો આવીને વસ્યા છે, જેનાથી તમારી શાળા, આડોશપાડોશી, કે ખ્રિસ્તી મંડળ પૂરેપૂરી રીતે બદલાઈ ગયું છે. શું એનાથી તમે બેચેની અનુભવો છો? તો પછી જાતિવાદનું ગર્વ તમારા વિચારોમાં હકીકત છે જે તમારા ધ્યાન પર પણ આવ્યું ન હોય.
ગર્વ: યોગ્ય અને અયોગ્ય
શું એનો અર્થ એવો થાય કે ખુદ ગર્વ જ ખરાબ છે? એવું જરૂરી નથી. બાઇબલ બતાવે છે કે યોગ્ય પ્રકારનો ગર્વ લઈ શકાય. પ્રેષિત પાઊલે થેસ્સાલોનીકાના ખ્રિસ્તીઓને લખ્યું ત્યારે, તેમણે કહ્યું: “અમે પોતે દેવની મંડળીઓમાં તમારાં વખાણ કરીએ છીએ.” (૨ થેસ્સાલોનીકી ૧:૪) એવી જ રીતે, અમુક પ્રમાણમાં આત્મ-સન્માન હોવું હિતકર અને સામાન્ય છે. (રૂમી ૧૨:૩) તેથી પોતાની જાતિ, કુટુંબ, ભાષા, રંગ, કે મૂળ સ્થળ વિષે થોડો ગર્વ લેવામાં કંઈ ખોટું નથી. નિશ્ચે દેવ એવું નથી માંગતા કે આપણે એવી બાબતો વિષે શરમ અનુભવીએ. પ્રેષિત પાઊલને ભૂલથી મિસરનો અપરાધી માનવામાં આવ્યા ત્યારે, તે એ કહેતા અચકાયા નહિ: “હું કીલીકીઆના તાર્સસનો યહુદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૩૯.
તેમ છતાં, જાતિવાદનું ગર્વ કદરૂપું બને છે જ્યારે એના કારણે વ્યક્તિ વધુ પડતા આત્મસન્માનમાં રાચવા લાગે કે બીજી વ્યક્તિઓને ઊતરતી કક્ષાના ગણવા લાગે. બાઇબલ કહે છે: “દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાહનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરૂં છું.” (નીતિવચન ૮:૧૩) અને નીતિવચન ૧૬:૧૮ કહે છે: “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનું છેવટ પાયમાલી છે.” તેથી પોતે ચડિયાતા હોવાની આપવડાઈ કરવી એ યહોવાહ સમક્ષ ઘૃણાસ્પદ છે.—સરખાવો યાકૂબ ૪:૧૬.
જાતિના ગર્વનો ઉદ્ભવ
કયા કારણસર લોકો પોતાની જાતિ પર વધુ પડતો ગર્વ કરે છે? લીસા ફુંડરબર્ગનું પુસ્તક શ્યામ, શ્વેત, અન્ય (અંગ્રેજી) કહે છે: “ઘણા લોકો માટે, તેઓનો સૌથી પહેલો (અને કાયમી) પ્રભાવ માબાપ અને કુટુંબ તરફથી આવે છે.” દુ:ખદપણે, કેટલાંક માબાપ જે પ્રભાવ પાડે છે એ વધુ પડતી અસંતુલિત કે વિકૃત હોય છે. કેટલાક યુવાનોને સીધેસીધું જ જણાવાયું હોય શકે કે તેઓની જાતિના લોકો ચડિયાતા છે અને બીજી જાતિઓના લોકો જુદા કે ઉતરતી કક્ષાના છે. પરંતુ, સામાન્ય રીતે યુવાનો પોતે અવલોકે છે કે તેઓનાં માબાપને બીજી જાતિના લોકો સાથે કોઈ લેવા-દેવા હોતી નથી. એની પણ તેઓની વિચારસરણી પર ખૂબ અસર પડી શકે છે. સર્વેક્ષણ બતાવે છે કે કપડાં અને સંગીતની બાબત પર યુવાનો અને માબાપો સહમત નથી થતા એ જ સમયે, જાતિ બાબતે મોટાભાગના યુવાનો પોતાનાં માબાપના વિચારો સાથે સહમત થાય છે.
જાતિ વિષેનું અસંતુલિત મનોવલણ જુલમ અને ખરાબ વર્તનને કારણે પણ વિકસી શકે. (સભાશિક્ષક ૭:૭) દાખલા તરીકે, અધ્યાપકોએ નોંધ્યું છે કે લઘુમતી વૃંદોનાં બાળકોમાં શરૂઆતમાં આત્મ-સન્માનની ખામી હોય છે. બાબતને સુધારવાના પ્રયત્નમાં, કેટલાક શિક્ષકોએ એવા શાળા અભ્યાસના પાઠ્ય વિષયો તૈયાર કર્યા છે જેમાં બાળકોને પોતાની જાતિનો ઇતિહાસ બતાવવામાં આવે છે. રસપ્રદપણે, ટીકાકારો દલીલ કરે છે કે આમ જાતિના ગર્વ પર ભાર આપવાથી જાતિવાદ ઉત્પન્ન થાય છે.
વ્યક્તિગત અનુભવ પણ જાતિવાદના અહિતકર વલણના વિકાસમાં ભૂમિકા ભજવી શકે છે. બીજી જાતિની કોઈ વ્યક્તિ સાથે કડવો અનુભવ થયો હોય તો વ્યક્તિ એ જાતિની દરેક વ્યક્તિ વિષે એવો નિષ્કર્ષ કાઢવા તરફ દોરી શકે. એવી જ રીતે નકારાત્મક લાગણીઓ ઊભી થઈ શકે, જ્યારે સમાચાર માધ્યમો જાતિવાદી સંઘર્ષો, પોલીસની ક્રૂરતા, અને વિરોધ સરઘસો પર ધ્યાન દોરે છે અથવા જ્યારે એ કોમી વૃંદો પર નકારાત્મક પ્રકાશ પાડે છે.
‘ચડિયાતી જાતિʼનું જૂઠ
કેટલાકે કરેલા દાવા વિષે શું કે તેઓને પોતાની જાતિને કારણે બીજાથી ચડિયાતા માનવાનો અધિકાર છે? વાસ્તવમાં વિશિષ્ટ જાતિઓને જુદી પાડી શકાય છે એ વિચાર જ શંકાસ્પદ છે. ન્યૂઝવીકના એક લેખે કહ્યું, “જે વૈજ્ઞાનિકોએ આ વિષય પર અભ્યાસ કર્યો છે, તેઓએ જાતિને ખૂબ પેચીદો મત ગણ્યો છે, જેની વ્યાખ્યા આપવાનો કોઈ ગંભીર પ્રયાસ સફળ નથી થતો.” સાચું, “ચામડીનો રંગ, વાળનો પ્રકાર અને વ્યક્તિની આંખો કે નાકના આકારમાં પ્રત્યક્ષ ભિન્નતાઓ” હોય શકે છે. છતાં, ન્યૂઝવીકે અહેવાલ આપ્યો કે “આ ભિન્નતાઓ ફક્ત ઉપરછલ્લી જ છે—અને ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, પણ વૈજ્ઞાનિકો મૂળ એવી કોઈ ભિન્નતાઓ બતાવી શક્યા નથી જે એક જાતિને બીજાથી અલગ કરતી હોય. . . . આ વિષયો પર અભ્યાસ કરી રહેલા મોટાભાગના વૈજ્ઞાનિકો માટે નિષ્કર્ષ એ છે કે જાતિ ફક્ત એવું ‘સામાજિક માળખું’ છે—જેમાં પૂર્વધારણા, અંધવિશ્વાસ અને ચડિયાતાપણું અને દંતકથા મિશ્રિત છે.”
જાતિ વચ્ચે વૈજ્ઞાનિક ભિન્નતા કરવામાં આવી શકે તો પણ, “શુદ્ધ” જાતિનો વિચાર કલ્પના માત્ર છે. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે: “કોઈ શુદ્ધ જાતિ નથી; તાજેતરના બધી જાતિનાં વૃંદો પૂરી રીતે મિશ્રિત છે.” કિસ્સો ગમે તે હોય, બાઇબલ શીખવે છે કે “માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારૂ એકમાંથી ઉત્પન્ન કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬) ચામડીનો રંગ, વાળનો પ્રકાર, અથવા ચહેરો ગમે તેવો હોય, વાસ્તવમાં એક જ જાતિ છે—માનવ જાતિ. બધા માનવીઓ આપણા પૂર્વજ આદમ સાથે સંબંધિત છે.
પ્રાચીન યહુદીઓ બધી જાતિના એક મૂળથી પરિચિત હતા. તોપણ, ખ્રિસ્તીઓ બન્યા પછી પણ, અમુક લોકોએ એ માન્યતાને પકડી રાખી કે તેઓ બિનયહુદીઓથી ચડિયાતા છે—જેમાં તેઓના બિનયહુદી સાથી વિશ્વાસીઓ પણ સામેલ હતા! પ્રેષિત પાઊલે જાતિથી ચડિયાતાપણાની લાગણી રૂમી ૩:૯ પ્રમાણે આમ કહી કચડી નાખી: “યહુદીઓ તથા ગ્રીકો . . . સઘળા પાપને આધીન છે.” તેથી કોઈ પણ જાતિ એવી બડાઈ મારી શકતી નથી કે દેવ સમક્ષ તેઓનું એક ખાસ સ્થાન છે. ખરું જોતા તો વ્યક્તિ માત્ર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા જ દેવ સાથે સંબંધ રાખી શકે. (યોહાન ૧૭:૩) અને દેવની ઇચ્છા એ છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—૧ તીમોથી ૨:૪.
તમે સ્વીકારો કે દરેક જાતિ દેવની નજરમાં સમાન છે તો તમારા અને બીજા પ્રત્યે તમારા વિચાર પર અસરકારક અસર પડી શકે છે. એ તમને પ્રેરિત કરી શકે છે કે બીજા સાથે કૂણી લાગણી અને આદરથી વ્યવહાર કરવો—તેઓની ભિન્નતાની કદર અને પ્રશંસા કરવી. દાખલા તરીકે, યુવાન મલીશા, જેનો અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો, તે જુદી ઢબથી બોલતા યુવાનોની મજાક કરવામાં પોતાના સહાધ્યાયીઓને સાથ આપતી નથી. તે કહે છે: “દ્વિભાષી લોકને હું બુદ્ધિશાળી માનું છું. જોકે હું બીજી ભાષા બોલવા માંગું છું છતાં, એક જ બોલી શકું છું.”
એ પણ યાદ રાખો, કે તમારી જાતિ અને સંસ્કૃતિના લોકો પાસે ઘણું બધુ હોય જેના પર ગર્વ કરી શકાય છતાં, એ જ બાબત બીજા લોકો માટે પણ સાચી છે. અને પોતાની સંસ્કૃતિ કે પોતાના પૂર્વજો પર ગર્વ કરવો અમુક પ્રમાણમાં વાજબી હોઈ શકે, પરંતુ એનાથી વધુ સંતોષપ્રદ પોતાના પ્રયત્ન અને પરિશ્રમથી પોતે જે રચ્યું છે એના પર ગર્વ કરવું! (સભાશિક્ષક ૨:૨૪) હકીકતમાં, એક સિદ્ધિ છે કે જેના પર ગર્વ કરવાની બાઇબલ વિનંતી કરે છે. યિર્મેયાહ ૯:૨૪માં જણાવ્યા મુજબ, દેવ પોતે કહે છે: “જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે, કે તે સમજીને મને ઓળખે છે, કે હું . . . યહોવાહ છું.” શું તમે એનો ગર્વ કરી શકો?
જાતિ વિષે દેવની દૃષ્ટિ મેળવવાથી, બીજી જાતિના લોકોની સંગત માણવાનો આનંદ મળે છે