યુવાન લોકો પૂછે છે . . .
કોણ મારો આદર્શ હોવો જોઈએ?
“બાસ્કેટબોલના ખેલાડી તરીકે તેની આવડત અનોખી હતી. મારા બધા મિત્રો તેને ચાહતા હતા. તે મારો આદર્શ હતો, અને મારે તેના જેવું બનવું હતું, તેની પાસે જે હતું એ જોઈતુ હતું.”
—પીંગ, એક એશિયન યુવાન.
પ્રશંસા મેળવનાર અને અનુકરણ કરવામાં આવતું હોય એવા લોકોને અવારનવાર આદર્શ કહેવામાં આવે છે. લેખિકા લીન્ડા નિલસને અવલોક્યું: “યુવાન લોકો પોતાને મળતા આવતા અને પોતે ઝંખતા હોય એવું ધ્યાન કે બદલો મેળવનારાઓનું અનુકરણ કરે છે.” એ કારણે, યુવાનો પ્રખ્યાત અને આકર્ષક સમોવડિયાની પ્રશંસા કરવા તરફ ઢળેલા હોય છે. પરંતુ ઘણા યુવાનો ખાસ કરીને, ફિલ્મી અભિનેતા, સંગીતકારો અને રમતવીરો તરફ આકર્ષાયેલા હોય છે.
અલબત્ત, પ્રખ્યાત વ્યક્તિ જાહેરમાં જેવી દેખાય છે, એ તો ઘણી વાર કાલ્પનિક વાર્તાઓ હોય છે, જે કાળજીપૂર્વક તેઓની ક્ષતિઓ સંતાડી, ખુશામત મેળવવા અને, મુખ્યત્વે વેચાણ કરવાનું તરકટ હોય છે! અગાઉ ટાંકવામાં આવેલો પીંગ કબૂલે છે: “હું મારા બધા બાસ્કેટબોલ રમતવીરોનો વિડીયો લાવ્યો અને તેઓની છાપવાળાં કપડાં અને બૂટ પહેરતો.” કેટલાક યુવાનો પોતાની ટીવી કે રમતગમતની પ્રખ્યાત વ્યક્તિ જેવાં કપડાં પહેરે છે, પોતાના વાળ એવા જ ઓળે છે, અને એવી જ રીતે ચાલે તથા વાત પણ કરે છે.
આદર્શ—લાભદાયી અને હાનિકારક
તમે વિચારો, ‘પણ કોઈના વખાણ કરવામાં શું ખોટું છે?’ એ તમે કોના વખાણ કરો છો એના પર આધારિત છે. બાઇબલ કહે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચન ૧૩:૨૦) બાઇબલ આપણને માણસોના અનુયાયી બનવાનું ઉત્તેજન આપતું નથી. (માત્થી ૨૩:૧૦) પરંતુ એ આપણને ‘વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરવાનું’ કહે છે. (હેબ્રી ૬:૧૨) એ શબ્દોના લખનાર પ્રેષિત પાઊલે, શરૂઆતના ખ્રિસ્તીઓ માટે સુંદર ઉદાહરણ બેસાડ્યું. આમ, તે કહી શક્યા: “જેમ હું ખ્રિસ્તને [અનુસરનારો છું], તેમ તમે મને અનુસરનારા થાઓ.”—૧ કોરીંથી ૧૧:૧.
તીમોથી નામના યુવાન માણસે એમ જ કર્યું. તેમણે પોતાની મિશનરિ મુસાફરી દરમિયાન પાઊલ સાથે ગાઢ મિત્રતા કેળવી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૪) પાઊલ તીમોથીને ‘પ્રભુમાં પોતાનું પ્રિય તથા વિશ્વાસુ બાળક’ ગણે છે. (૧ કોરીંથી ૪:૧૭) પાઊલની મદદથી, તીમોથી આગવો ખ્રિસ્તી બન્યો.—ફિલિપી ૨:૧૯-૨૩.
તમે ખોટા આદર્શની પસંદગી કરો તો, શું થઈ શકે? રીચર્ડ નામનો યુવાન માણસ કહે છે: “હું ૧૫ વર્ષનો હતો ત્યારે, મારિયો નામનો સહાધ્યાયી મારો ખાસ મિત્ર બન્યો. મારાં માબાપ ખ્રિસ્તી હતાં, અને તેઓ મને આત્મિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરતા. પરંતુ મારિયો પાસે બધા આનંદપ્રમોદ હતા—ડિસ્કો, પાર્ટીઓ, મોટરબાઈક અને એના જેવી બાબતો. તે ગમે ત્યારે તેને જે જોઈએ તે કરતો હતો. પણ હું એમ કરી શકતો ન હતો. તેથી ૧૬ વર્ષનો થયો ત્યારે, મેં મારાં માબાપને કહ્યું કે હવે હું ખ્રિસ્તી તરીકે રહેવા ઇચ્છતો નથી, અને મેં એમ કર્યું.”
શું પ્રખ્યાત વ્યક્તિઓને અને રમતવીરોને આદર્શ તરીકે જોવાનું એના જેવું જ જોખમ છે? હા, છે. રમતવીરો, અભિનેતાઓ, કે સંગીતકારની કુશળતાના વખાણ કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ પોતાને પૂછો, ‘આ લોકો તેઓનાં વ્યક્તિગત જીવનમાં કેવા પ્રકારનું ઉદાહરણ બેસાડે છે?’ શું ઘણા રમતવીરો, સંગીતકારો અને બીજા અભિનય કરનારાઓ જાતીય અનૈતિકતા, કેફી પદાર્થ અને દારૂના ભોગવિલાસ માટે જાણીતા નથી? શું એ પણ સાચું નથી કે ઘણા પોતાની પાસે પૈસા અને ખ્યાતિ હોવા છતાં, દુઃખી, અસંતુષ્ટ જીવન જીવતા હોય છે? તમે આ દૃષ્ટિબિંદુથી બાબતો જુઓ ત્યારે, આ પ્રકારના લોકોનું અનુસરણ કરવાથી શક્યપણે શું લાભ થઈ શકે?
સાચું, પ્રખ્યાત વ્યક્તિઓ જેવા વાળ ઓળવા, કપડાં કે વાણીની નકલ કરવી કદાચ એકદમ નજીવી બાબત લાગી શકે. પરંતુ જગત તમને “એના પોતાના બીબામાં ઢાળે” એને પરવાનગી આપવાનું એ પ્રથમ પગથિયું થઈ શકે. (રૂમી ૧૨:૨, ફિલિપ્સ) આ બીબું પ્રથમ આનંદદાયક લાગી શકે. પરંતુ તમે એના સકંજામાં પૂરેપૂરા ફસાઈ જાવ તો, એ ચોક્કસ તમને એવા માર્ગમાં વાળી શકે જે દેવની વિરુદ્ધ લઈ જાય. બાઇબલ યાકૂબ ૪:૪માં કહે છે, “જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે.”
કઈ રીતે સારો આદર્શ તમને મદદ કરી શકે
તેમ છતાં, સારું ઉદાહરણ બેસાડનાર વ્યક્તિનું અનુકરણ કરવાથી, તમારા જીવન પર હકારાત્મક અસર થઈ શકે! સાથી ખ્રિસ્તીઓ મધ્યે, તમને એવા લોકો મળી શકે જેઓ “વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં . . . નમૂનારૂપ” હોય. (૧ તીમોથી ૪:૧૨) સાચું, ખ્રિસ્તી મંડળમાં પણ, સંગતની પસંદ કરવાની સાવચેતી રાખવી જોઈએ. (૨ તીમોથી ૨:૨૦, ૨૧) પરંતુ મંડળમાં સાચે જ “સત્યમાં ચાલતાં” લોકોને ઓળખવા સામાન્ય રીતે અઘરું નથી. (૨ યોહાન ૪) હેબ્રી ૧૩:૭નો સિદ્ધાંત બતાવે છે: “તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો.” તમારા મોટા ભાગના સમોવડિયાઓની વર્તણૂક કેવી છે એ તો સમય જ બતાવશે. પરંતુ મંડળમાં ઉંમરમાં મોટા લોકો છે જેઓએ પોતાનું વિશ્વાસુપણું સાબિત કર્યું છે, અને તેઓની સાથે સુપરિચિત થવું ડહાપણભર્યું છે.
તમે પૂછી શકો, ‘વૃદ્ધ વ્યક્તિઓ સાથે સુપરિચિત થવું?’ સાચે, શરૂઆતમાં આ કદાચ બિનઅસરકારક લાગી શકે. પરંતુ તીમોથીની ઉંમર કરતાં મોટા તેના મિત્ર પ્રેષિત પાઊલ સાથેનો સંબંધ યાદ કરો. પાઊલે તીમોથીની યોગ્યતા અને ‘દેવનું કૃપાદાન પ્રદીપ્ત કરવા’ તેને ઉત્તેજન આપ્યું. (૨ તીમોથી ૧:૬) શું એ લાભદાયી નથી કે તમને દેવે આપેલી તમારી ભેટોમાં વૃદ્ધિ કરવા મદદ કરવા અને ઉત્તેજન આપવા કોઈક હોય?
બ્રાયન નામના એક યુવાનને આ લાભદાયી જોવા મળ્યું. તે હીણપતની લાગણી સામે લડી રહ્યો હતો ત્યારે, તે મંડળમાં એક કુંવારા, ઉંમરમાં મોટા સેવકાઈ ચાકરના પરિચયમાં આવ્યો. બ્રાયન કહે છે: “મારા માટે અને બીજાઓ માટેની તેમની પ્રેમાળ કાળજી; સેવાકાર્યનો તેમનો ઉત્સાહ; અને તેમના સુંદર વાર્તાલાપના હું વખાણ કરું છું.” બ્રાયન આ ઉંમરમાં મોટા ખ્રિસ્તી પાસેથી મેળવેલા વ્યક્તિગત ધ્યાનથી ઘણો લાભ મેળવી ચૂક્યો છે. તે નિખાલસતાથી કબૂલે છે: “મારા પહેલાંના શરમાળ અને નીરસ વ્યક્તિત્વમાં ફેરફાર કરવા મને મદદ મળીં છે.”
આદર્શ તરીકે માબાપ
તરુણાવસ્થા—દબાણ હેઠળ પેઢી (અંગ્રેજી) પુસ્તક કહે છે કે માબાપ “સરેરાશ તરુણોને સંતોષપ્રદ વ્યક્તિત્વ ઘડવામાં મદદ કરવા કે રૂંધવામાં સૌથી મહત્ત્વનો પ્રભાવ પાડે છે.” પુસ્તક ઉમેરે છે કે નિર્દેશન અને વ્યક્તિત્વની સુસ્પષ્ટ સમજણ વગર યુવાનો “સુકાન વગરના વહાણ જેવા બનશે, જે આવનાર દરેક મોજાંએ માર્ગ બદલે છે.”
આ સલાહ ૧૯૦૦ વર્ષ પહેલાં શિષ્ય યાકૂબે જે લખ્યું એનું પ્રતિબિંબ પાડે છે, જે યાકૂબ ૧:૬માં મળી આવે છે: “કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમકે જે કોઈ સંદેહ રાખે છે, તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.” તમે કદાચ કેટલાક યુવાન લોકોને જાણતા હશો કે જેઓ એવા જ છે. તેઓ આવતી કાલનો વિચાર કર્યા વગર, આજનો રોમાંચ જીવવા ઢળેલા છે.
શું તમે દેવનો ભય રાખનાર માબાપથી આશીર્વાદ પામેલા છો કે જેઓ મંડળમાં સારું ઉદાહરણ બેસાડે છે? એમ હોય તો, શું તમે તેઓના પગલે ચાલો છો? કે પછી ડગલેને પગલે તેઓ સાથે લડો છો? સાચું, તમારાં માબાપ સંપૂર્ણ તો નથી. પરંતુ તેઓના સારા ગુણો—જેનું અનુસરણ કરવું તમને લાભદાયી હોય એના પ્રત્યે આંખ આડા કાન ન કરો. “મને મારાં માબાપ માટે ખૂબ માન છે,” જેરોડ નામનો ખ્રિસ્તી યુવાન લખે છે. “તેઓનો સેવાકાર્યમાં ટકી રહેલો ઉત્સાહ, જે રીતે તેઓ આર્થિક કટોકટી સહન કરે છે, અને પૂરેપૂરા-સમયના સેવાકાર્યમાં સહભાગી થવા તેઓએ મને આપેલું ઉત્તેજન, આ બધાની મારા પર સારી અસર પડી છે. મારાં માબાપ હંમેશાં મારાં આદર્શ રહ્યાં છે.”
મારા શ્રેષ્ઠ આદર્શ
ગેલપ સર્વેક્ષણ સંગઠને યુનાઈટેડ સ્ટેટ્સમાંના કેટલાક યુવાનોને પૂછ્યું કે ઇતિહાસમાં સૌથી મહાન વ્યક્તિ કોણ છે, ત્યારે મોટા ભાગનાઓએ અમેરિકી રાજકીય વ્યક્તિઓને પસંદ કર્યા. ફક્ત ૬ ટકાએ ઈસુ ખ્રિસ્તને પસંદ કર્યા. તેમ છતાં, બાઇબલ આપણને કહે છે કે ઈસુ ખ્રિસ્તે આપણે ‘તેમને પગલે ચાલીએ, માટે આપણને [સંપૂર્ણ] નમૂનો આપ્યો છે.’ (૧ પીતર ૨:૨૧; હેબ્રી ૧૨:૩) તેમણે પોતાના શિષ્યોને પોતાની પાસેથી શીખવાનું ઉત્તેજન આપ્યું. (માત્થી ૧૧:૨૮, ૨૯) પરંતુ તમે એમ કઈ રીતે કરી શકો?
ઈસુના જીવનથી સંપૂર્ણ રીતે માહિતગાર થાઓ. કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસa પુસ્તક સાથે, બધી સુવાર્તાના અહેવાલ વાંચવાનો પ્રયત્ન કરો. ઈસુએ શીખવેલા માર્ગનું, લોકો સાથેના તેમના દયાળુ માર્ગનું, અને દબાણ હેઠળ બતાવેલી હિંમતનું અવલોકન કરો. તમને જોવા મળશે કે તમે અનુસરો એવા સૌથી ઉત્તમ આદર્શ ઈસુ છે.
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
તમે સંપૂર્ણ આદર્શથી વધારે પરિચિત બનો છો તેમ, તમે બિનઆરોગ્યપ્રદ સમોવડિયા અને પ્રખ્યાત વ્યક્તિઓ તરફ ઓછા ખેંચાશો. શું તમને પીંગ અને તેના રમતવીર માટેનું સન્માન યાદ છે? પ્રસંગોપાત્ત, પીંગ હજુ પણ બાસ્કેટબોલની રમતનો આનંદ માણે છે, પરંતુ તેને સમજણ પડી છે કે પ્રખ્યાત વ્યક્તિઓને પોતે આદર્શ નમૂના તરીકે અનુસરે એ મૂર્ખામી છે.
અને રીચર્ડ વિષે શું? તેના આદર્શની પસંદગી તેને તેનો ખ્રિસ્તી વિશ્વાસ તરછોડવા તરફ દોરી ગઈ. જોકે, રીચર્ડ, સાયમન નામના ૨૦ વર્ષિય યુવાન યહોવાહના સાક્ષીના પરિચયમાં આવ્યો. રીચર્ડ કહે છે, “સાયમને મારી સાથે મિત્રતા બાંધી, અને મને જોવા મદદ કરી કે વ્યક્તિ બાઇબલના સિદ્ધાંતો સાથે તડજોડ કર્યા વગર જીવનનો આનંદ માણી શકે છે. મેં ઝડપથી સાયમન માટે માન વિકસાવ્યું, અને તેના ઉદાહરણે મને મંડળમાં પાછા જવા અને યહોવાહને મારું જીવન સમર્પિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હમણાં હું વધારે સુખી છું, અને મારું જીવન ખરેખર અર્થસભર છે.”
હા, તમારા આદર્શની પસંદગી ખરેખર મહત્ત્વની બાબત છે!
આદર્શ વૃદ્ધો સાથે સંગત રાખવાથી તેઓ તમને મદદ કરી શકે