“અમે છોડી શક્યા—તમે છોડી શકો છો!”
સજાગ બનો!ના જાપાનમાંના ખબરપત્રી તરફથી
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, યુરોપિયન જહાજો ૧૫મી સદીના અંતભાગમાં તમાકુનું સેવન
કરનારા મુલાકાતીઓને જાપાનના બંદરે લાવ્યા, તેઓ જાણે “તેમના પેટમાં અગ્નિ સળગતો હોય” તેવા દેખાતા હતા. આ આશ્ચર્યચકિત બનાવે જિજ્ઞાસા ઊભી કરી, જેનાથી ૧૮૮૦ સુધીમાં તો, તમાકુનું
વ્યસન જાપાનમાં સામાન્ય બની ગયું. કોણ એવું જાણતું હતું કે પેલા આશ્ચર્યચકિત જાપાનીઓના
વંશજો આજે દુનિયામાં સૌથી વધારે તમાકુ ઉપયોગ કરનારાઓમાંના એક હશે?
“અમે પુખ્ત બન્યાની લાગણી અનુભવવા, તેમ જ પુખ્તોને થતી લાગણીઓની જાણકારી મેળવવા માગતા હતા.”—ઓકીઓ, ઓસોમુ, યોકો.
“હું મારું વજન ઓછું કરવા માગતી હતી.”—ત્સુયો
“એ જિજ્ઞાસા હતી.”—તોશીહીરો
“તમાકુ અમને નુકશાન કરશે એવું અમે વિચાર્યું ન હતું.”—રોહેઇ, જુઈચી અને યોસુહીકો.
“હું મારી બીજી સગર્ભાવસ્થામાં સવારે આવતા ઊબકા ખાળવા માગતી હતી.”—ચીઈકો.
“વ્યાપારી સભા દરમિયાન મૂંઝવણભરી ક્ષણોમાં હું ધૂમ્રપાન કરતો હતો.”—તોત્સુહીકો
તેઓએ સિગારેટ પીવાની શા માટે શરૂ કરી એ કેટલાકને પૂછતા આ કારણો આપવામાં આવ્યાં હતાં. અમુક લોકો જાપાનને “ધૂમ્રપાન કરનારાઓનું સ્વર્ગ” કહે છે એ આવાં સ્પષ્ટીકરણોથી સમજી શકાય એમ છે. નોંધપાત્રપણે, આમ હોવા છતાં, ઉપર બતાવેલા નામવાળી બધી વ્યક્તિઓએ તમાકુના વ્યસનને છોડ્યું છે. તેઓની આસપાસના નડતરરૂપ વાતાવરણને જોતાં આ એક સિદ્ધિ કહેવાય. શું તમે વિચારો છો કે તેઓ એ કઈ રીતે કરી શક્યા? ચાલો આપણે પ્રથમ એ જોઈએ કે આજે જાપાનમાં કેટલી હદે તમાકુનો ઉપયોગ થાય છે.
તમાકુ
પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરવાળા અમેરિકન માણસોના ફક્ત ૨૮ ટકા સાથે સરખાવતા પુખ્તવયના જાપાની માણસોમાંના લગભગ ૫૬ ટકા ધૂમ્રપાન કરે છે. જાપાનમાં ૩,૪૦,૦૦,૦૦૦ ધૂમ્રપાન કરનારાઓમાં ૨૨ ટકા સ્ત્રીઓ છે, એમાંની ઘણી યુવાન છે. પુખ્તોનાં ઉદાહરણોએ તેમ જ ચતુરાઈપૂર્વકની જાહેરાતોએ યુવાનોમાં ધૂમ્રપાનના વધારામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. અમેરિકામાં બે દશકા પહેલાં, ટીવી તેમ જ રેડિયો પર સિગારેટની જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે જાપાનમાં હજુ હમણાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
વધુમાં, જાપાનમાં ઘણી શેરીઓને નાકે મશીન આવેલા છે જ્યાંથી સહેલાઈથી સિગારેટ મળી શકે છે. સિગારેટનું ખોખું હાથમાં આવ્યા પછી, અમુક જ લોકો એના પર છાપેલા સંદેશાને ધ્યાન આપે છે. સામાન્ય રીતે લખાણ આમ વંચાય છે: “વધારે પડતું ધૂમ્રપાન કરવું નહિ; એ હાનિકારક છે.” વધુમાં તમાકુમાં રહેલા અતિશય જોખમથી ઘણી વાત અજાણ હોય છે, તેમ જ આગળ પડતા માણસો પોતાના ખરાબ ઉદાહરણથી જાપાનીઓને પ્રોત્સાહન આપે છે, અને ખોટી છાપ ઊભી કરે છે કે તેઓને કાંઈ જ નહિ થાય.
એમાં કાંઈ આશ્ચર્ય નથી કે ધૂમ્રપાન વિરોધના સમર્થકો તેઓના નાગરિકોને ધૂમ્રપાન કરવાથી રોકવામાં સફળ ન થવાથી ઊંડો શોક અનુભવે છે. પરંતુ શિક્ષણકારો ધૂમ્રપાન સ્વાસ્થ્યને તેમ જ જીવનને ધમકીરૂપ છે એ ચેતવણી લોકોને આપવી જરૂરી છે એવું માનવા લાગ્યા છે. હા, ધૂમ્રપાન કરનારા જાપાનીઓ પણ બીજા ધૂમ્રપાન કરનારાઓ જેવાં જ લક્ષણો ધરાવે છે—ઊબકા, હાંફ ચઢવો, ચીડ, ઉધરસ, પેટનો દુઃખાવો, ભૂખ મરી જવી, વારંવાર શરદી અને કદાચ ઘણી વાર ફેફસાનું કેન્સર, હૃદયની બીમારીઓ કે બીજી સમસ્યાઓથી અકાળે અવસાન પણ.
એપ્રિલ ૧, ૧૯૮૫માં, જાપાની તમાકુ ઉદ્યોગનું ખાનગીકરણ થતાં જ દશકાઓથી ચાલતા સરકારના એકાધિકારનો અંત આવ્યો. તેમ છતાં, સરકાર સાથેના તેઓના ગાઢ સંબંધો ધૂમ્રપાન નહિ કરવાની બાબતને રૂંધે છે. આ બતાવે છે કે શા માટે ધૂમ્રપાન વિરોધી સમૂહો જાપાનને ધૂમ્રપાન કરનારાઓ માટે સૌથી વધુ અનુકૂળ ગણે છે. અને એ પણ જણાવે છે કે શા માટે ધ ડેઈલી યોમિઉરી વર્તમાનપત્રના અહેવાલમાં જાપાન “ધૂમ્રપાનને પ્રોત્સાહન આપતો સમાજ” છે એ હકીકતથી ડૉક્ટરો અફસોસ કરે છે.
કેટલાક ધૂમ્રપાન છોડવામાં કઈ રીતે સફળ થયા એ જોવા, “અમે કઈ રીતે છોડ્યું” બોક્ષ જુઓ.
“અમે કઈ રીતે છોડ્યું”
મોઈકો: “મેં યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે, મને ખાતરી હતી કે હું ધૂમ્રપાન નહિ છોડી શકું. અભ્યાસ કરવાનો મારો હેતુ એ જ હતો કે, કંઈ નહિ તો છેવટે મારાં બાળકો તો જીવનના માર્ગ વિષે શીખશે. પરંતુ જલદી જ મેં અનુભવ્યું કે માબાપે ઉદાહરણ બેસાડવું જ જોઈએ, તેથી મેં મદદ માટે યહોવાહને તીવ્રતાથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. પ્રાર્થનાના સુમેળમાં કાર્ય કરવું ઘણો શ્રમ માગી લે એવું હતું, તેથી મેં થોડી ક્ષણો માટે અતિશય દુઃખ અનુભવ્યું. છેવટે, મારી જાતને આવાં દૂષણોથી મુક્ત કરી શુદ્ધ અંતઃકરણ મેળવ્યું અને જે ઉમદા લાગણી અનુભવી એ હું કદીયે ભુલીશ નહિ.”
માસાયુકી: “હું દિવસમાં ત્રણ પાકીટ સિગારેટ પીતો હતો અને ઘણા પ્રયત્નો અને ઘણી ભૂલો પછી, છેવટે મેં મારી છેલ્લી સિગારેટ બૂઝાવી નાખી અને તમાકુને આવ-જો કહી દીધું. મારા પરિવારે, સાથી સાક્ષીઓએ અને યહોવાહ દેવે મને એ છોડવા મદદ કરી. હું જે બૅંકમાં કામ કરતો હતો ત્યાં કોઈ માનવા તૈયાર ન હતું કે મેં સિગારેટ છોડી દીધી છે. મેં સૂચન કર્યું કે ગ્રાહકો પ્રત્યે વિવેકી બનવા, કોઈ કર્મચારીએ કામના સમય દરમિયાન બૅંકિંગ વિસ્તારમાં ધૂમ્રપાન કરવું નહિ. જો કે ૮૦ ટકા કર્મચારીઓ ધૂમ્રપાન કરતા હોવા છતાં, મારું સૂચન સફળ થયું. આ પદ્ધતિ અમારી બૅંકની ૨૬૦ શાખાઓમાં વિસ્તરણ પામી છે.”
ઓસામુ: “દેવના શબ્દ બાઇબલમાંથી હું સત્ય શીખ્યો કે તરત જ મેં જાણ્યું કે મારે ધૂમ્રપાન છોડવું જોઈએ. જો કે એમાં એક વર્ષ નીકળી ગયું. અરે, મારા છોડી દીધા પછી પણ બીજા ૬ મહિના સુધી, ધૂમ્રપાનની ઇચ્છા વિરુદ્ધ મારે લડવું પડ્યું. હું ખરા હૃદયથી એ છોડવા માગતો હતો.”
તોશીહીરો: “ઈસુના ખંડણી બલિદાનથી હું ઘણો પ્રભાવિત થયો અને એનાથી મને લાગ્યું કે હું ઓછામાં ઓછું ધૂમ્રપાનનું તો બલિદાન આપી શકું.”
યાસુહીકો: “યહોવાહ દેવની આજ્ઞા પાળવી અને ધૂમ્રપાન છોડવાના મારા નિર્ણયે મારું જીવન બચાવ્યું. એક દિવસ, હું કામ કરતો હતો એ રૂમ ગેસ-લીકેજના કારણે ગેસથી ભરાઈ ગયો હતો. સામાન્ય રીતે મેં સિગારેટ સળગાવી હોત, અને એ મોટા ધડાકાનું કારણ બની હોત. પરંતુ મેં થોડા દિવસો પહેલાં જ ધૂમ્રપાન છોડ્યું હોવાથી, અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું.”
અકીઓ: “સમયાંતરે મને ઊબકા આવવા લાગ્યા ત્યારે, મને શંકા ગઈ કે ધૂમ્રપાન મને નુકશાન કરી રહ્યું છે. પરંતુ મેં છોડ્યું નહિ. સૌ પ્રથમ ધૂમ્રપાનની ભયાનકતા વિષેની સાચી માહિતી મને મારી પત્ની પાસેથી મળી, જે એક યહોવાહની સાક્ષી બની હતી. જલદી જ હું પણ બાઇબલનો અભ્યાસ કરવા લાગ્યો, અને હું વૉચટાવરનાં સાહિત્ય દ્વારા શીખ્યો કે ધૂમ્રપાન એ ફક્ત તેને પોતાને જ નહિ પરંતુ તેના પરિવારના સભ્યોને પણ નુકશાન કરે છે. મેં તરત જ એ બંધ કર્યું!”
રોહેઈ: “મારી પત્ની મારા માટે સિગારેટ ખરીદતી હતી—એકસાથે ૨૦ પાકીટો પરંતુ સાક્ષી સાથે બાઇબલ અભ્યાસ કર્યા પછી, મને નુકશાન કરી શકે એવી કોઈ પણ વસ્તુ ખરીદવાની તેણે ના પાડી. તેથી મેં મારી પોતાની તમાકુની દુકાન ખોલી. હું દિવસનાં સાડા-ત્રણ પાકીટ સિગારેટ પીતો હતો. પછી મેં સાક્ષી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. જલદી જ હું બાઇબલ વિષયોને લઈને એક અસરકારક વક્તા બનવા માગતો હતો. તેથી મેં દેવશાહી સેવાશાળામાં તાલીમ મેળવવા માટે યોગ્ય બનવા ધૂમ્રપાન છોડી દીધું.”
જુનીચી: “મારી નાની દીકરી, જે એક સાક્ષી છે, તેને મારા જીવનની ખૂબ ચિંતા હતી. તેણે મારી પાસેથી વચન માગ્યું કે હું ધૂમ્રપાન છોડી દઉં, અને મેં એ પ્રમાણે કર્યું.”
ત્સુયા: “મેં પ્રથમ વાર રાજ્યગૃહની મુલાકાત લીધી ત્યારે, અંદર પ્રવેશતા જ મેં એશ-ટ્રે અને દીવાસળી માગી. મને જણાવવામાં આવ્યું ત્યારે, હું માની જ ન શક્યો કે ત્યાં કોઈ ધૂમ્રપાન કરતું નથી. મને લાગ્યું કે મારે ધૂમ્રપાન છોડવું પડશે. દવાખાનામાં આઠ દુઃખદાયક દિવસો વિતાવ્યા પછી મને લાગ્યું કે ફરી કદીયે મારે આવી યાતના ભોગવવી નથી.”
યોકો: “સામયિકોમાંથી અને યહોવાહના સાક્ષીઓનાં બીજાં પ્રકાશનોમાંથી આ વિષયનો મેં અભ્યાસ કર્યો, અને ઈસુ ખ્રિસ્તને વધઃસ્તંભ પર ખીલાથી જડીને લટકાવ્યા હતા ત્યારે તેમણે કેફી પદાર્થ લેવાનો નકાર કર્યો હતો એની સમીક્ષા કરી. મેં યહોવાહ દેવને પ્રાર્થના કરી, કે હું તેમના નામનો શુદ્ધ ઉપાસક બનવા ઇચ્છું છું. એ પછી મેં ક્યારેય ધૂમ્રપાન કર્યું નહિ. મારી આસપાસના લોકો ધૂમ્રપાન કરતા હતા ત્યારે, મને એ ધુમાડો શ્વાસમાં લેવાની ઘણી જ ઇચ્છા થઈ, પરંતુ હું તરત જ ત્યાંથી દૂર હટી ગયો, કેમ કે મને ફરીથી ધૂમ્રપાનની લાગણી થાય એવું હું ઇચ્છતો ન હતો.”
આ ધૂમ્રપાન કરનારા સર્વએ ફરીથી ધૂમ્રપાન નહિ કરવાનો નિર્ણય કર્યો. શું તમે પણ એવા ધૂમ્રપાન કરનારા છો જેઓ એ આદતમાંથી બહાર નીકળવા માગે છે?
તમે કઈ રીતે છોડી શકો?
અગાઉના તમાકુના ચાહકોએ આપેલી સલાહ, જે અહીં બોક્ષમાં બતાવેલી છે એ આ નિષ્કર્ષ પર આવે છે: તમાકુ છોડવા માટે સ્પષ્ટ ધ્યેય રાખો. યહોવાહ પ્રત્યેનો પ્રેમ અને તેમને ખુશ કરવા એ એક સારી બાબત છે. બીજી સારી બાબત પડોશી પ્રત્યેનો પ્રેમ છે. ધ્યેય બનાવો, અને એને વળગી રહો. લોકોને જણાવો કે તમે ધૂમ્રપાન છોડી રહ્યા છો—તમારા મિત્રોને કહો, અને તમારા પરિવારના સભ્યોની મદદ લો. બની શકે તો એકાએક બંધ કરો. અને ધૂમ્રપાનવાળા વાતાવરણથી દૂર રહેવા બની શકે એ બધું જ કરો.
તમે બાઇબલનો અભ્યાસ કરી રહ્યા હોવ તો, યહોવાહના સાક્ષીઓ સાથે સંગત વધારો. તેઓની વચ્ચે રહેવાથી તમને ધૂમ્રપાનની ઇચ્છા થશે નહિ. બીજી તરફ તમે, યહોવાહના સાક્ષી હોવ અને ધૂમ્રપાન કરનાર સાથે બાઇબલ અભ્યાસ કરતા હોવ તો, તેને છોડી દેશો નહિ. તેની ખરાબ ટેવને બદલે યહોવાહને વધુ પ્રેમ કરવા માટે તેને મદદ કરો.
મોઈકો
ઓસામુ
યાસુહીકો
અકીઓ અને
પત્ની સાચીકો
જુનીચી અને દીકરી મેરી
યોકો