નિસરણીનો ઉપયોગ કરતા
શું તમે સલામતીનાં પગલાં ભરો છો?
આયર્લૅન્ડમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
પાઊલ પોતાના ઘરની બહારનો લાઈટનો બલ્બ બદલવા માંગતા હતા. તે બારીની ઉપરની બાજુને પણ સાફ કરવા ઇચ્છતા હતા—જે તેમની પત્નીએ કેટલીય વાર કહ્યું હતું. પરંતુ પાઊલ આ કામોને સતત ટાળી રહ્યા હતા. શા માટે? કારણ કે તેમણે નિસરણીનો ઉપયોગ કરવાનો હતો.
તેમનો ખ્યાલ વાજબી હતો. તે જાણતા હતા કે નિરસણી દ્વારા થતા અકસ્માતથી ગંભીર, અરે પ્રાણઘાતક, નુકશાન પણ થઈ શકે. એ વારંવાર બને છે કારણ કે કામદાર એ વિચારતો નથી કે કઈ યોગ્ય રીતે નિસરણીનો ઉપયોગ કરવો.
આ કામો કરતા પહેલાં, પાઊલે નિસરણી વિષે શું વિચારવાની જરૂર હતી? અહીં દસ સૂચનો આપવામાં આવ્યાં છે કે જેણે તેમને સલામત રીતે બાબતો કરવામાં મદદ કરી.
શું નિસરણી યોગ્ય છે?
૧ યોગ્ય નિસરણી મેળવો. નિસરણી ખૂબ નાની હોય તો તમારે ખૂબ ખેંચાવું પડશે. જો એ ખૂબ લાંબી હશે તો તમારે એને જોખમકારક રીતે મૂકવી પડશે. તમારા ઉપરના માળે જવા માટે ચાર પાયાવાળી (stepladder) નિસરણીનો ઉપયોગ ન કરો. તમારા માળે બંધબેસે એવી અથવા આધારવાળી યોગ્ય નિસરણીનો ઉપયોગ કરો.
૨ તમારી નિસરણીને કાળજીપૂર્વક તપાસો. શું નિસરણીને બહાર મૂકી રાખી હતી? લાકડાની નિસરણી પલળે છે ત્યારે ફૂલે છે અને સૂકી હોય છે ત્યારે સંકોચાય છે. સમય જતાં, પગથિયા ઢીલા થઈને, નિસરણીને અસ્થિર બનાવી શકે. શું લાકડાંના કોઈ પગથિયાને તિરાડ પડી છે, કે સડવાનાં કોઈ ચિહ્નો જણાય છે? અમુક વાર, લાકડાના દરેક પગથિયાને નીચે ધાતુનો ટેકો હોય છે. શું એ યોગ્ય જગ્યાએ અને સલામત રીતે જડેલા છે? શું ધાતુને જડવા માટે વાપરેલા સ્ક્રૂ કે રિવેટ નીકળી ગયેલા કે કાટ ખવાયેલા છે? મોટા કદની નિસરણીઓને ગરગડીઓ અને દોરડાઓ હોય શકે. શું ગરગડીઓ સરળ રીતે ચાલે છે? શું દોરડાઓ જીર્ણ થવાની કોઈ નિશાની બતાવે છે અને શું એ પૂરતાં લાંબા છે? એમ હોય તો સમારકામ અથવા બદલવાનું કામ તાત્કાલિક કરો.
અમુક વાર પગથિયાને લપસી ન જવાય એવો આકાર આપવામાં આવે છે. પગથિયાના ખાંચાઓમાં ભેગો થયેલો કોઈ પણ કચરો કાઢી નાખવાની ખાતરી કરો. પગથિયા લીસાં ન હોવાં જોઈએ. તપાસો કે પગથિયા હોય અને તે એકદમ ઘસાઈ ગયેલા ન હોય.
૩ નિસરણીને સલામતભરી રીતે પરિવહન કરો. વાહન પર, નિસરણીને યોગ્ય રીતે ગોઠવો, અથવા બંને બાજુએ આધાર હોય એ રીતે મૂકો. લાંબી નિસરણીનો બાકીનો ભાગ વાહનની બહાર રહી શકે, એ કારણે છેડે ચેતવણીની નિશાની મૂકો કે જેથી પાછળ આવનાર સરળ રીતે જોઈ શકે.
લાંબી નિસરણીને બે વ્યક્તિઓ પકડે એ સલામતીભર્યું છે. પરંતુ તમારે કોઈની મદદ વગર નિસરણી ઊંચકવાની હોય અને તમે આડી ઊંચકવાનું પસંદ કર્યું હોય તો, તમારા ખભા પર મૂકીને એક હાથથી મજબૂત રીતે પકડો, અને એને સમતોલ રાખવા બીજા હાથનો ઉપયોગ કરો. કોઈને ન અથડાય એટલા માટે, આગળનો ભાગ માથાની ઊંચાઈ પ્રમાણે ઊંચો રાખો. યાદ રાખો, કે નિસરણીનો જેટલો ભાગ આગળ છે તેટલો જ પાછળ હોય! હાસ્ય નાટકમાં નિસરણી અથડાવીને લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવે છે. જોકે, વાસ્તવિક જગતમાં, એ આનંદ આપતું નથી—ખાસ કરીને તમને વાગ્યું હોય ત્યારે.
તમે નિસરણીને આડી ઊંચકો ત્યારે, પ્રથમ એને ખભા પર મૂકો, એક હાથથી એનો ઉપરનો ભાગ પકડો અને નિસરણીનું સંતુલન જાળવવા બીજા હાથથી નીચેનો ભાગ પકડો. ઊંચે વાયર, બલ્બ, અને બોર્ડ હોય તો ધ્યાન રાખો!
૪ નિસરણીને યોગ્ય સ્થાને મૂકો. સલામતી માટે, નિસરણીને દીવાલને અડીને ત્રાંસી રાખવી જોઈએ નહિ પરંતુ દીવાલથી ૭૫ ડીગ્રીના કાટખૂણે રાખવી જોઈએ.
૫ ટોચ પર અને પાયામાં ટેકો પૂરો પાડો. તમે નિસરણીની ટોચ ક્યાં મૂકો છો એ બાબતે સાવધાન રહો. એ ખાતરી કરો કે ઉપરની ટોચ બરાબર હોય કે જેથી નિસરણીનો બાકીનો ભાગ સ્થિર રહે અને લપસે નહિ. નિસરણી કાચ કે પ્લાસ્ટિક પર ટેકવો નહિ. શક્ય હોય તો, નિસરણીને કસીને બાંધી લો, ટેકાથી લગભગ એક મીટર ઊંચી બાંધો.
ખાસ કાળજી રાખો કે નિસરણી પર ચઢો ત્યારે પ્રથમ એની ટોચ બાંધી લો. પ્રથમ બાંધવા માટે ચઢો ત્યારે એ સલામત નથી, અને છેલ્લે ઊતરતી વખતે એને છોડીને ઊતરો એ પણ સલામત નથી. પ્રથમ અને છેલ્લું ચઢાણ સલામત બનાવવા માટે, નિસરણીને નીચેથી પકડવા કોઈની મદદ લો. તેમ છતાં, આ ત્યારે જ અસરકારક નીવડે છે જ્યારે નિસરણી પાંચ મીટર કરતાં લાંબી ન હોય.
ભોંયતળિયું ઢોળાવવાળું હોય તો, નિસરણીના પાયા પાસે કંઈક વજન મૂકો અથવા પગથિયાને કશાની જોડે બાંધો. જો જમીન ખરબચડી છતાં નક્કર હોય તો, સપાટી સીધી કરવા લાકડાની પાટ વાપરો. ભોંયતળિયું નરમ કે પોચી સામગ્રીનું હોય તો નક્કર પાયો બનાવવા લાકડાનું પાટિયું કે એના જેવું જ કંઈક વાપરો.
તમે ચાર પાયાવાળી નિસરણી વાપરો તો, ખાતરી કરો કે ચારે પાયા ભોંયતળિયા સાથે મક્કમ રીતે જડાયેલા હોય, અને બંને બાજુઓ છૂટી અને સ્થિર હોવી જોઈએ.
શું તમે સલામત છો?
૬ તમારા બૂટને તપાસો. તમે નિસરણી પર ચઢવાનું શરૂ કરો એ પહેલાં, એ ખાતરી કરો કે તમારા બૂટના તળિયા સૂકા હોય. એની નીચેથી કીચડ જેવું કંઈ પણ દૂર કરો કે જેનાથી લપસી જઈ શકાય.
૭ સાધનોને કાળજીપૂર્વક ઊંચકો. ચઢવા માટે બંને હાથ ખાલી હોય માટે, જો શક્ય હોય તો, હોલ્ડરમાં સાધનો ઊંચકો કે જે પટ્ટા સાથે જોડાયેલ હોય. ભારે સાધનો ઊંચકવા માટે પસંદગીની રીતો શોધવાનો પ્રયત્ન કરો, પરંતુ તમારે નિસરણીનો ઉપયોગ કરવાનો હોય તો, તમે ચઢો તેમ એક હાથ નિસરણીને પકડવા છૂટો રાખો, અને ધીમે ધીમે ચઢો. સમજી વિચારીને વ્યવસ્થિત રીતે પગલાં ભરો, અને ઉતાવળ ન કરો.
તમે ઇલેક્ટ્રિક સાધનો વાપરો તો, એને ચાલુ કરવા બંને હાથનો ઉપયોગ ન કરો. દાખલા તરીકે, શારડી અચાનક ચોંટી જાય કે પડી જાય તો, તમે તમારું સમતોલપણું ગુમાવીને પડી જઈ શકો. જ્યારે એ ચાલુ હોય ત્યારે તેને સેટ ન કરો; કામ કરતી વખતે જ એ પડી જઈ શકે.
૮ બીજાઓનો વિચાર કરો. તમે જાહેર સ્થળે કામ કરતા હોવ તો, નિસરણી દેખાય તેમ મૂકો અને બની શકે તો, એને દોરીથી બાંધો. તમારે નિસરણીને એક ખૂણે ખસેડવાની હોય તો, યાદ રાખો કે બીજાઓને એની ખબર નથી. તમે ત્યાંથી ખસેડો ત્યારે તપાસો અને જુઓ કે કોઈને વાગી ન જાય.
નિસરણી ઉપર તમારી પાસે સાધનો હોય ત્યારે, યાદ રાખો કે નાનું સ્ક્રૂ ડ્રાયવર પણ ઊંચેથી નીચે પડી જાય ત્યારે બીજા માટે ઇજાનું કારણ બની શકે. તમારે કોઈ કારણસર જવું પડે અને તમે સલામત રીતે નિસરણીને બાંધી ન હોય તો, તમે પાછા ન ફરો ત્યાં સુધી એની દેખરેખ રાખવા કોઈને ઊભા રાખો અથવા નિસરણીને સલામત રીતે નીચે મૂકી દો. એને એજ હાલતમાં ત્યાં છોડીને ન જાવ.
૯ તમારા સ્વાસ્થ્યની પરિસ્થિતિ તપાસો. ચઢવું એ મોટે ભાગે સમતોલપણું અને તાલમેલની બાબત હોવાથી, તમે બીમાર હોવ કે ઉબકા આવતા હોય અથવા તમને ચક્કર આવતા હોય તો ચઢશો નહિ.
૧૦ સલામત રીતે ચઢો. દરેક સમયે, સચેત રહો. એક જ સમયે બે કે તેથી વધુ વ્યક્તિઓને ચઢવા દેશો નહિ. ખૂબ પવન હોય ત્યારે ચઢવું નહિ. ચાર પાયાવાળી નિસરણીના ટોચના પ્રથમ પગથિયા પર કે લાંબી નિસરણીના ઉપરના કોઈ પણ ચાર પગથિયા પર ઊભા રહો નહિ. નિસરણીને વધુ લાંબી કરવી નહિ; હંમેશા ઓછામાં ઓછા ત્રણ પગથિયા એક બીજા પર રહેવા દો. ખૂબ ઊંચે ન ચઢો. તમે નિસરણી પર ખૂબ ઊંચે ચઢો તો, તમારું સમતોલપણું ગુમાવીને પડી જઈ શકો. તમારે વધુ સમય એ કામ કરવું હોય તો, નુકશાનનું જોખમ ઊઠાવવાને બદલે, નિસરણીને ખસેડો. ઉપર ચઢો ત્યારે, તમે ઉપર જુઓ.
તમે ગમે તેટલી સાવચેતી રાખો તોપણ, તમે નિસરણીનો ઉપયોગ કરો ત્યારે હંમેશા જોખમ રહેલું છે. તમે આ સૂચનોનું પાલન કરીને એ જોખમને ઘટાડી શકો. આ સૂચનોએ પાઊલને મદદ કરી. એને અનુસરીને, તેમણે બહારના બોર્ડમાં નવો બલ્બ સલામત રીતે બેસાડ્યો. અને બારીઓને સાફ કરવા વિષે શું? વારું, એ કદાચ બીજા સમયે કરશે!
૧ યોગ્ય નિસરણી મેળવો
૨ તમારી નિસરણીને કાળજીપૂર્વક તપાસો
૩ નિસરણીને
સલામતભરી રીતે
પરિવહન કરો
૪ નિસરણીને યોગ્ય સ્થાને મૂકો
૫ ટોચ પર અને પાયામાં ટેકો પૂરો પાડો
૬ તમારા બૂટને તપાસો
૭ સાધનોને કાળજીપૂર્વક ઊંચકો
૮ બીજાઓનો
વિચાર કરો
૯ તમારા સ્વાસ્થ્યની પરિસ્થિતિ તપાસો
૧૦ સલામત રીતે ચઢો