યુવાનો પૂછે છે . . .
કાલ્પનિક રમતોમાં શું જોખમ છે?
“આ તો બસ એક કલ્પના જ છે. એક સમયે તમે જાદુગર બનો છો. બીજા સમયે તમે લડવૈયા બનો છો. તમે અલગ અલગ પાત્ર બની શકો છો કે જે બનવાનું તમે એક સમયે સ્વપ્ન જોયું હોય. એમાં કોઈ મર્યાદા નથી.”—ક્રિસ્ટોફર.
“તમે વાસ્તવિકતામાં જે નથી બની શકતા એ બની શકો.” પ્રખ્યાત કાલ્પનિક રમતનું વર્ણન કરતી વખતે એક સામયિકે આ સૂત્રનો ઉલ્લેખ કર્યો. લાખો યુવાનો માટે, કાલ્પનિક રમતો (role-playing games)માં ઘૂસી જવું એ એકદમ આકર્ષક છે. તો પછી, આ કાલ્પનિક રમતો વાસ્તવમાં શું છે?
જ્હો ડા રોલ (કાલ્પનિક રમતો) પુસ્તક અનુસાર, “દરેક ખેલાડી પૌરાણિક પાત્રનું રૂપ અપનાવી લે છે, કે જે કોઈ કાર્ય કરવા કે શોધ કરવા નીકળે છે અને કલ્પનાની દુનિયામાં કોઈ નવા અનુભવ માટે તૈયાર થાય છે.” રમતના હેતુમાં કાર્ય કરવાનો અનુભવ, પૈસા, હથિયાર અથવા ચમત્કારી શક્તિ મેળવીને આ પાત્રને જીવંત કરવામાં આવે છે.
કાલ્પનિક રમતો ૧૯૭૦ના દાયકામાં લોકપ્રિય બની જ્યારે ડનજન્સ ઍન્ડ ડ્રૈગન નામની રમત આવી હતી.a ત્યારથી આ રમત લાખોને કરોડો ડૉલરનો ધંધો બની ગઈ છે અને એમાં બૉર્ડ ગેમ્સ, ટ્રેડિંગ કાર્ડ્સ, ઈન્ટરૅક્ટિવ પુસ્તકો, કૉમ્પ્યુટર રમત અને એવી જીવંત ઍક્શનની રમતોનો પણ સમાવેશ થાય છે જેમાં ભાગ લેનારાઓ સાહસી કાર્ય કરી બતાવે છે. દેખીતી રીતે, યુનાઈટેડ સ્ટેટ્સમાં ૬૦ લાખ કરતાં પણ વધારે અને યુરોપમાં લાખો લોકો નિયમિત રીતે રમતા હોય છે. ફ્રાંસમાં ઘણી ઉચ્ચ શાળાઓમાં કાલ્પનિક રમતો માટે ક્લબો છે, જ્યારે જાપાનમાં એ પ્રકારની વિડીયો રમતો પ્રખ્યાત છે.
a માર્ચ ૨૨, ૧૯૮૨ના સજાગ બનો! (અંગ્રેજી) પાન ૨૬-૭ પર જુઓ.
એના સમર્થકો દાવો કરે છે કે આ રમતો કલ્પનાશક્તિ ઉત્તેજિત કરે છે, સમસ્યાઓ હલ કરવાની કુશળતા વધારે છે, અને ભેગા મળીને કામ કરવાની ક્ષમતા વધારે છે. તેમ છતાં, વિરોધીઓ એને આત્મહત્યા, ખૂન, બળાત્કાર, કબરોને નુકશાન કરનાર અને દુષ્ટતા સાથે સાંકળે છે. સ્પેન માર્ડિડ શહેરમાં બે યુવાનોની ધરપકડ કરવામાં આવી કેમ કે તેઓ પર શંકા હતી કે તેઓએ કાલ્પનિક રમત રમતી વખતે ૫૨ વર્ષના વ્યક્તિનું ખૂન કર્યું હતું. જાપાનમાં એક તરુણે પોતાના માબાપનું ખૂન કર્યું અને એ રમતની જેમ પોતાનાં કાંડા પર ચીરા કર્યા. સાચું, કે આ અપવાદો છે—તેમ છતાં મોટા ભાગના ખેલાડીઓ બુદ્ધિશાળી અને મિલનસાર છે. તોપણ, ખ્રિસ્તી યુવાનોએ પોતાને પૂછવું જોઈએ, ‘શું કાલ્પનિક રમતો મારા માટે છે? શું કોઈ સાવચેતીની જરૂર છે?’
હિંસા અને તંત્રમંત્ર
કાલ્પનિક રમતોના પ્રકાર અને વિષયો અલગ અલગ હોય છે. તથાપિ, એમાંની મોટા ભાગની રમતોમાં હિંસા હોય છે. હકીકતમાં, આ રમતોમાં જે કાલ્પનિક દુનિયા બનાવવામાં આવે છે એમાં હિંસા પ્રગતિ—અથવા બચાવનો મહત્ત્વનો ભાગ હોય છે. તો પછી, આ પ્રકારની રમતો રમવી કઈ રીતે બાઇબલ સલાહના સુમેળમાં હોય શકે? નીતિવચન ૩:૩૧ કહે છે: “તું જુલમી માણસની અદેખાઈ ન કર, અને તેનો એકે માર્ગ પસંદ ન કર.” બાઇબલ આપણને ‘સલાહશાંતિ શોધવાʼની વિનંતી કરે છે—હિંસા નહિ.—૧ પીતર ૩:૧૧.
બીજી ચિંતાની બાબત એ છે કે ઘણી રમતોમાં જાદુ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અવારનવાર, ખેલાડી જાદુક્રિયા કરનાર કે બીજી જાદુઈ શક્તિવાળું વ્યક્તિત્વ ધરાવનાર બની શકે. જે મંત્રતંત્ર દ્વારા અડચણો દૂર કરે છે કે દુશ્મનો પર વિજય મેળવે છે. એક અહેવાલ અનુસાર, એક પ્રખ્યાત રમતમાં, “રમનાર વ્યક્તિ પ્રમુખદૂત કે અપદૂત સરદારની સેવા કરતા દૂતો કે અપદૂતની ભૂમિકા ભજવી શકે છે . . . પવિત્ર બાબતોની મજાક રમતને વધારે આનંદદાયક બનાવે છે.” એક કૉમ્પ્યુટર રમતમાં “શેતાન” શબ્દ લખવાથી પણ ખેલાડી શક્તિશાળી બની શકે છે.
કેટલાક ખ્રિસ્તી યુવાનોએ પ્રત્યુત્તર આપ્યો કે તેઓ કાલ્પનિક રમતોમાં વધારે પડતો સમય ન આપે ત્યાં સુધી એ રમવામાં કંઈ ખોટું નથી. એક યુવાન કહે છે, “એ ફક્ત એક રમત છે.” હોય પણ શકે. પરંતુ દેવે પ્રાચીન ઈસ્રાએલીઓને મંત્રતંત્રમાં સંડોવવા વિરૂદ્ધ ચેતવણી આપી હતી. મૂસાને આપવામાં આવેલા નિયમે જાહેર કર્યું કે “તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે . . . જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય. કેમકે જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવાહ કંટાળે છે.”—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.
તો પછી, શું મંત્રતંત્રવાળી રમત રમવી એ ડહાપણભર્યું છે? શું જાદુઈ ભૂમિકા ભજવવી એ શેતાનના ‘ઊંડા મર્મોʼમાં ફસાવવા બરાબર નથી? (પ્રકટીકરણ ૨:૨૪) એક યુવાને કબૂલ્યું: “આખો દિવસ કાલ્પનિક રમત રમ્યા પછી, મને ઘરમાંથી બહાર નીકળતા ડર લાગતો હતો. મને લાગ્યું કે કોઈ મારા પર હુમલો કરશે.” આવો ભય ઉત્પન્ન કરે એવી કોઈ પણ બાબત શું સારી હોય શકે?
બીજા ઘટકો
પહેલો કોરીંથી ૭:૨૯ કહે છે, “સમય થોડો રહેલો છે.” તેથી કાલ્પનિક રમતોમાં મુખ્ય સમય છે કે જે ઘણી વાર રમત પાછળ જોઈએ છે. કેટલીક રમતો રમવા કલાકો, દિવસો અને સપ્તાહો પણ જાય છે. વધુમાં, ભૂમિકા ભજવવામાં એટલા તલ્લીન થઈ જવાય અરે એની ટેવ પડી જાય કે બીજી બધી બાબતો ગૌણ બની જાય છે. એક યુવાન કબૂલે છે, “એક સમસ્યા પૂરી કરી તેમ હું વધારે પડકારમય અને વધારે વાસ્તવિક લાગતી સમસ્યાઓ પાર કરવાનું ઇચ્છતો હતો. મને ખરેખર એની ટેવ પડી ગઈ હતી.” આ પ્રકારની ટેવ યુવાનોના શાળાના કાર્ય અને આત્મિક પ્રવૃત્તિઓને કઈ રીતે અસર કરી શકે?—એફેસી ૫:૧૫-૧૭.
જાપાનનો એક યુવાન યાદ કરે છે: “હું રમતો ન હતો ત્યારે પણ, હું હંમેશા રમતમાં હવે એના પછી શું થશે એ વિચારતો. શાળા અને સભાઓમાં, દરેક સમયે હું ફક્ત રમત વિષે જ વિચારતો. એવી સ્થિતિ થઈ ગઈ હતી કે હું બીજા કશા વિષે વિચારી જ શકતો ન હતો. મારી આત્મિકતા એકદમ ઓછી થઈ ગઈ હતી.” અગાઉ નોંધવામાં આવેલો ક્રિસ્ટોફર કહે છે કે તે કઈ રીતે “હકીકતની દુનિયામાંથી બહાર જતો રહ્યો હતો.” સાચું, “હસવાનો . . . અને નૃત્ય કરવાનો વખત” છે, પરંતુ શું મનોરંજન માટે એટલો બધો સમય ફાળવવો જોઈએ કે આત્મિક પ્રવૃત્તિઓ માટે કોઈ સમય જ ન રહે?—સભાશિક્ષક ૩:૪.
એનો પણ વિચાર કરો કે રમત કયા પ્રકારના આત્માને આગળ વધારે છે. ફ્રાંસમાંનું એક સામયિક કાલ્પનિક રમતોનું આ શબ્દોમાં વર્ણન કરે છે: “તમે અલગ અલગ પ્રકારના પતિત, બિનઆરોગ્યપ્રદ અને વિકૃત અનુભવોનો સામનો કરશો, એને એ રીતે બનાવવામાં આવ્યા છે કે એ તમને આઘાત પહોંચાડે અને જગત પ્રત્યેનું તમારું દૃષ્ટિબિંદુ હંમેશના માટે બદલી નાખે.” શું આ પ્રકારનો આત્મા બાઇબલની સલાહ “દુષ્ટતામાં બાળકો થાઓ”ના સુમેળમાં છે? (૧ કોરીંથી ૧૪:૨૦) ક્રિસ્ટોફર છેવટે એ નિષ્કર્ષ પર આવ્યો કે તે જે રમત રમી રહ્યો હતો એ “ખ્રિસ્તી નૈતિકતાના સુમેળમાં ન હતી.” તે ઉમેરે છે: “હું સમજી શકતો ન હતો કે હું કઈ રીતે પ્રચારમાં જઉં, સભાઓમાં હાજરી આપું અને સારી બાબતો જેવી કે ખ્રિસ્તી પ્રેમ શીખી શકું કેમ કે એ સમયે તો હું ખ્રિસ્તીઓએ ન રમવી જોઈએ એવી રમતો રમતો હતો. એમાં કંઈ તર્ક ન હતો.”
રમત કે હકીકત?
ઘણા યુવાનો વાસ્તવિકતાથી દૂર ભાગવા માટે રમતો તરફ ખેંચાયા છે. પરંતુ શું કાલ્પનિક જગતમાં ડૂબી જવું એ સારું છે? ફ્રેન્ચના સમાજશાસ્ત્રી લોરો ટ્રેમલ કહે છે: “વાસ્તવિકતાની દુનિયામાં ભવિષ્ય વિષે બહુ અનિશ્ચિતતા છે, . . . એ આ કાલ્પનિક છતાં વાસ્તવિક લાગતાં વિશ્વથી તદ્દન અલગ છે. આ કાલ્પનિક વિશ્વમાં આખરે તમે જે છો, અથવા તમે જે બનવા માંગો છો, એવી વ્યક્તિની ફક્ત ભૂમિકા ભજવવામાં કુશળ બની જાવ છો.” માનસિક આરોગ્ય નિષ્ણાત એટી બુઝન વધારે અવલોકે છે: “રમવામાં, યુવાનો એટલા બધા ડૂબી જાય છે કે તેઓ જગતમાં જોખમકારક જીવન તરફ દોડી જાય છે, પરંતુ હકીકતમાં, તેઓ પાસે વાસ્તવિક જોખમનો સામનો કરવાની કોઈ ક્ષમતા હોતી નથી. તેઓ સમાજ અને એની મર્યાદાઓથી દૂર ભાગે છે.”
છેવટે, આ રીતે ભાગવાથી એ ફક્ત ઉદાસીનતામાં જ દોરી જઈ શકે છે, કેમ કે જીવનની વાસ્તવિકતાઓનો ન છુટકે તેમને સામનો કરવો જ પડે છે. આ વાસ્તવિકતાઓનો તો છેવટે સામનો કરવાનો જ છે. ખરેખર, કાલ્પનિક ભૂમિકામાં ગમે તેટલી સફળતા અને જોખમી કાર્યપ્રવૃત્તિ વાસ્તવિક જીવનની નિષ્ફળતાઓ કે સામાન્ય પ્રવૃત્તિઓનું સ્થાન લઈ શકશે નહિ. જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવો એ સારી બાબત છે—એ પણ હિંમત હાર્યા વગર! જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરી તમારી ઇંદ્રિયોને તેજ બનાવો. (હેબ્રી ૫:૧૪) આત્મિક ગુણો વિકસાવો કે જે તમને તમારી સમસ્યાઓનો સામનો કરવા મદદ કરશે. (ગલાતી ૫:૨૨, ૨૩) એમ કરવાથી તમે કોઈ પણ પ્રકારની રમત રમવા કરતાં વધારે સંતોષ અને બદલાઓ મેળવી શકો છો.
કહેવાનો હેતુ એ નથી કે બધી કાલ્પનિક રમતો રમવી નુકસાનકારક છે. બાઇબલના સમયોમાં, યુવાન બાળકો રમતો રમતા હતા કે જેમાં અમુક પ્રમાણમાં કલ્પના અને કાલ્પનિક રમતોનો સમાવેશ થતો હતો, અરે ઈસુએ પોતે પણ એનું અવલોકન કર્યું. (લુક ૭:૩૨) અને ઈસુએ નિર્દોષ રમતની નિંદા કરી નહિ. તેમ છતાં, ખ્રિસ્તી યુવાનોએ પોતાના માબાપ સાથે, ‘પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લેવું જોઈએ.’ (એફેસી ૫:૧૦) રમત વિષે વિચારો ત્યારે, પોતાને પૂછો, ‘શું એ “દેહનાં કામ”નું પ્રતિબિંબ પાડે છે? શું એ મારો દેવ સાથેનો સંબંધ રૂંધે છે?’ (ગલાતી ૫:૧૯-૨૧) આ પ્રકારના ઘટકોને વિચારણામાં લેવાથી, તમે કાલ્પનિક રમતો વિષે ડહાપણભર્યા નિર્ણયો લઈ શકશો.
કાલ્પનિક રમતો કયા પ્રકારના વલણને વિકસાવે છે?