અંધશ્રદ્ધા - આજે કેટલી લોકપ્રિય છે?
નોકરી પર, શાળામાં, મુસાફરી દરમિયાન અને ફળિયાઓમાં દરેક જગ્યાએ એમ બને છે. ઘણા દેશામાં, તમે છીંક ખાવ ત્યારે, તમે કદી ન મળ્યા હોવ એવી અજાણી વ્યક્તિ કહેશે: “ભગવાન તમારું ભલું કરે,” અથવા, “તમારું ભલું થાય.” ઘણી ભાષાઓમાં એવા ઘણાં વક્તવ્યો છે. જર્મનીમાં કહેવાય છે, “ગેઝુન્ટહાઈટ.” અરબો કહે છે, “યારહેમક અલ્લાહ” અને દક્ષિણ પેસિફિકના કેટલાક પોલીનેશીયનો “તીહા માઓરી ઓરા” કહે છે.
આ તો એક સામાન્ય રીતભાત છે એવું માનીને, લોકો આમ કહે છે એના વિષે તમે ધ્યાન આપ્યું ન હોય શકે. તોપણ, ખરું જોવા જઈએ તો એ અંધશ્રદ્ધા જ છે. બ્લૂમીંગટન ઇન્ડિયાના, યુ.એસ.માંની ઇન્ડિયાના યુનિવર્સિટીના ફોકલોર ઇન્સ્ટિટ્યૂટના પુસ્તકાલયમાં કામ કરનાર, માઈરા સ્મીથ એ વિષે આમ કહે છે: “એ એવી માન્યતામાંથી આવે છે કે, તમે છીંક ખાવ ત્યારે, તમારો જીવ નીકળી જશે.” “ભગવાન ભલું કરે” એવું કહેવાનો અર્થ થાય કે, છીંક ખાનાર વ્યક્તિનો જીવ ભગવાન પાછો આપે.
અલબત્ત, મોટા ભાગના લોકો સહમત થશ કે, છીંક ખાવાથી કંઈ જીવ નીકળી જતો નથી. તેથી, એમાં કંઈ આશ્ચર્ય નથી કે, એને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. અલબત્ત, ગુજરાતી વિશ્વકોશ એની વ્યાખ્યા આ રીતે આપે છે: “તર્કસંગત ન હોય તેવો મત કે વ્યવહાર. ઔધિદૈવિક અદૃશ્ય બળો, જાદુ, મેલી વિદ્યા, શુકન-અપશુકન, બૂરી નજર, ભૂત વગરે વિષેની શ્રદ્ધા.”
તેથી, સત્તરમી સદીના એક ડૉક્ટરે પોતાના દિવસોની અંધશ્રદ્ધાને અભણ લોકોની “ભૂલ” કહી, એમાં કોઈ આશ્ચર્ય નથી. આમ, માનવીઓ વૈજ્ઞાનિક સિદ્ધિઓ સાથે ૨૦મી સદીમાં પ્રવેશ્યા તેમ, ૧૯૧૦નું ધ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા એવા સમયની આશા રાખતું હતું કે, જ્યારે “લોકો અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે મુક્ત [થશે].”
હંમેશની જેમ લોકપ્રિય
કંઈક આઠ દાયકાઓ અગાઉની આ આશા નિષ્ફળ ગઈ છે, કારણ કે અંધશ્રદ્ધા હંમશની જેમ લોકપ્રિય થતી જાય છે. આટલા વર્ષો સુધી ટકી રહેવું, એ અંધશ્રદ્ધાની ખાસિયત છે. અંધશ્રદ્ધા (અંગ્રેજી) પુસ્તક કહે છે: “અંધશ્રદ્ધાને દૂર કરવાના બધા પ્રયત્નો છતાં, એ હજુ આજ સુધી ટકી રહેલી છે.” હજુ પણ ચાલી રહેલી અંધશ્રદ્ધાનાં થોડાંક ઉદાહરણોનો વિચાર કરો.
◻ એશિયાના એક શહેરના મુખ્ય સત્તાધીશનું અચાનક અવસાન થતા, તેમના ગમગીન કર્મચારીઓએ નવા સત્તાધીશને ખાસ માનસશાસ્ત્રીનો સંપર્ક સાધવાની સલાહ આપી, જેણે કાર્યાલયમાં અમુક ફેરફારોની ખાસ સૂચના આપી. કર્મચારીઓને લાગ્યું કે આવા ફેરફારો અપશુકન દૂર કરશે.
◻ યુનાઈટેડ સ્ટેટ્સમાં લાખો ડોલર કમાતી એક મોટી કંપનીની પ્રમુખ હંમેશાં પોતાની સાથે એક ખાસ પથ્થર રાખતી. તે માનતી હતી કે, એ રાખવાથી એના વેપારમાં પહેલી વાર સફળતા મળી હતી. તેથી, એ પથ્થર વિના તે ક્યાંય જતી નહિ.
◻ મોટા વેપાર-ધંધાના સોદા કરતાં પહેલાં, એશિયાના વેપારનું વહીવટીતંત્ર મોટા ભાગે જ્યોતિષીની સલાહ લેતા.
◻ કપરી તાલીમ મેળવી હોવા છતાં, એક રમતવીર પોતાના વિજયનો યશ એક કપડાંના ટૂકડાને આપતો. આમ તે એને ધોયા વગર ભાવિની સ્પર્ધાઓમાં પણ પહેરવાનું ચાલુ રાખે છે.
◻ એક વિદ્યાર્થી પરીક્ષામાં લખવા માટે અમુક પેનનો ઉપયોગ કરે છે અને વધારે ગુણ મેળવે છે. પછી, તે એ પેનને “નસીબદાર” ગણે છે.
◻ લગ્નના દિવસે, કન્યા વરના ઘરમાં પ્રવેશ કરતી વખતે, પોતાના જમણો પગ ઘરમાં પ્રથમ મૂકે છે.
◻ એક વ્યક્તિ બાઇબલ ખોલે છે, અને તેની નજર જે કલમ પર પહેલી પડે, એ તે વાંચે છે. તે એવું માને છે કે એ શબ્દો તેને હમણાં જરૂરી છે એવું ખાસ માર્ગદર્શન પૂરું પાડશે.
◻ જમ્બો જેટ વિમાન ઉપર ચઢવા માટે ઝડપથી દોડવા માંડે છે ત્યારે, ઘણા મુસાફરો ક્રોસનું ચિહ્ન કરે છે. વળી, બીજાઓ મંત્ર જપે છે કે માળા ફેરવવા લાગે છે.
દેખીતું છે કે, આજે પણ અંધશ્રદ્ધા લોકપ્રિય છે. હકીકતમાં, કનક્ટીકેટ કોલેજના મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક, સ્ટુઅર્ટ એ. વ્યાસ, પોતાના પુસ્તક જાદુવિદ્યામાં માનવું—અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન (અંગ્રેજી)માં બતાવે છે: “આપણે વધતી જતી ટેકનોલોજીના જમાનામાં રહીએ છીએ છતાં, અંધશ્રદ્ધા પહેલાના કરતાં વધારેને વધારે લોકપ્રિય થતી જાય છે.”
આજે અંધશ્રદ્ધાના મૂળ એટલા ઊંડાં છે કે, એને જડમૂળથી કાઢી નાખવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. એમ શા માટે?