અંધશ્રદ્ધા - શા માટે આટલી લોકપ્રિય છે?
તમે જાણતા હશો તેમ, હજુ પણ ઘણા લોકો રસ્તે જતાં કાળી બિલાડી પસાર થાય, અથવા મુસાફરીએ જનારને પાછા બોલાવવાને અપશુકન ગણે છે. ઘણા લોકો ૧૩ની સંખ્યાને પણ અપશુકનિયાળ ગણે છે, જેમ કે ૧૩મીનો શુક્રવાર, કે બિલ્ડીંગનો ૧૩મા માળ પર રહેવું, જોખમકારક છે. આ પ્રકારની અંધશ્રદ્ધા એકદમ અર્થ વિનાની છે, છતાં, એ આજ સુધી ચાલી રહી છે.
આનો વિચાર કરો. શા માટે કેટલાક લોકો સવારે ઊઠતા જ કોઈ શુભ વસ્તુ જોવા ચાહે છે, અથવા સાંજે દીવા સળગાવે છે? તેમ જ, શા માટે કેટલાક લોકો માદળિયાં પહેરે છે કે પોતાનાં બાળકોને કાળા દોરા બાંધે છે? શું એનું કારણ એ નથી કે, કોઈ પણ જાતના પુરાવા વિના તેઓ એમ માને છે કે, એનાથી તેઓને સારું નસીબ પ્રાપ્ત થશે? અંધશ્રદ્ધાનો શબ્દકોષ (અંગ્રેજી) પુસ્તક અવલોકે છે: “અંધશ્રદ્ધાળુ વ્યક્તિ માને છે કે અમુક વસ્તુ, જગ્યા, પ્રાણી કે કાર્ય નસીબદાર (શુકન કે સારી વસ્તુ) છે, અને બીજા કમનસીબ (અપશુકન કે દુર્ભાગ્યના ચિહ્ન) છે.”—ગલાતી ૫:૧૯, ૨૦ જુઓ.
ચીનમાં એને દૂર કરવાના પ્રયત્નો
સ્પષ્ટપણે, અંધશ્રદ્ધાને દૂર કરવાના હમણાંના જોરદાર પ્રયત્નો છતાં એ ચાલુ જ છે. દાખલા તરીકે, ૧૯૯૫માં શાંગ્હાઈની લોકસભાએ સરકારી નિયમ બનાવ્યો, જેથી અંધશ્રદ્ધા રાષ્ટ્રની એક ભૂતકાળની બાબત બની જાય. “અંધશ્રદ્ધાને દૂર કરી, અંતિમ સંસ્કારની વિધિઓમાં ફેરફાર કરી, એને વધારે સંસ્કારી રાજ્ય બનાવવાનો” ધ્યેય હતો. પરંતુ પરિણામ શું આવ્યું?
એક અહેવાલ અનુસાર, શાંગ્હાઈના લોકો પોતાની અંધશ્રદ્ધાને વળગી રહ્યાં. ચીની વિધિમાં પૂર્વજોની કબર પર નકલી પૈસા સળગાવવામાં આવે છે. સરકારી પ્રતિબંધની અવગણના કરતા, કબરની મુલાકાત લેનાર એક મુલાકાતીએ કહ્યું: “અમે ૧૯ અબજ યન [લગભગ ત્રણ અબજ ડૉલર] સળગાવ્યા.” તેણે ઉમેર્યું: “એ તો પરંપરા છે. એ દેવોને ખુશ કરે છે.”
એક લોકપ્રિય વર્તમાનપત્ર દરરોજ પ્રકાશિત (ચાઈનીઝ) પ્રતિબંધની વ્યર્થતા વિષે કહે છે કે, “ચીનમાં પચાસ લાખ ધંધાદારી જોષ જોનારા છે. એની સરખામણીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ધંધાદારીઓની કુલ સંખ્યા ફક્ત એક કરોડની છે.” વર્તમાનપત્ર નોંધ્યું: “એમ લાગે છે કે, ભવિષ્ય ભાખનારાઓનું ભાવિ ઉજ્જવળ છે.”
આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં, ધી એન્સાયક્લોપેડિયા અમેરિકાના, હમણાં સુધી ચાલી રહેલી અંધશ્રદ્ધા વિષે કહે છે: “બધી સંસ્કૃતિઓમાં, અમુક જૂના રિવાજો રાખવામાં આવ્યા છે, એટલું જ નહિ, પરંતુ એને નવેસરથી સ્થાપવામાં આવ્યા છે.” ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકાની તાજેતરની આવૃત્તિએ કબૂલ્યું: “આધુનિક સમયમાં, જ્યારે આપણે દૃશ્ય પુરાવાઓમાં જ માનીએ છીએ છતાં, મોટા ભાગના લોકો અંદરોઅંદર અમુક પ્રકારની મૂખ માન્યતાઓ કે અંધશ્રદ્ધામાં માને છે, એવું કબૂલશે.”
બેવડાં ધોરણો
દેખીતી રીતે, ઘણા લોકો બેવડું જીવનધોરણ રાખે છે, કેમ કે તેઓ ખાનગીમાં જે કરે છે, એ જાહેરમાં સ્વીકારતા નથી. એક લેખક કહે છે કે, એનું કારણ એ છે કે, તેઓ બીજાઓ સમક્ષ મૂર્ખ દેખાશે એવો ભય લાગે છે. આમ, તેઓ અંધશ્રદ્ધાને આદત કહેવાનું પસંદ કરે છે. દાખલા તરીકે, રમતવીરો એવા વર્તનને રમત પહેલાંની વિધિ ગણતા હોય શકે.
તાજેતરમાં એક પત્રકારે ચૈન લેટર વિષે કટાક્ષ કર્યો. ચૈન લેટર કે જે અલગ અલગ વ્યક્તિઓને એવી વિનંતી સાથે મોકલવામાં આવે છે કે, તેઓ દરેક એવા જ પત્રો બીજા ઘણા લોકોને મોકલે. આ પ્રકારના પત્રો મોકલનારને લાભ થશે એવું વચન આપવામાં આવે છે, જ્યારે કે એમ ન કરનારને નુકશાન થશે. પત્રકાર એવા પત્રોનું નવું જોડાણ બન્યો અને તેણે કહ્યું: “હું કંઈ અંધશ્રદ્ધાના લીધે આ નથી કરતો. પરંતુ હું ફક્ત અપશુકન ટાળવા ઇચ્છું છું.”
માનવ ઉત્પત્તિના અભ્યાસ કરનારાઓ અને લોકકથાના નિષ્ણાતોને “અંધશ્રદ્ધા” શબ્દાવલિમાં પણ વાંધો પડે છે; તેઓને અમુક પ્રકારના વર્તન માટે એ અયોગ્ય લાગે છે. તેઓ વધારે “વ્યાપક” પરંતુ, બીજાઓની લાગણીઓને દુઃખ ન થાય એવી શબ્દાવલિનો ઉપયોગ કરવા ચાહે છે, જેમ કે “લોકોના રિવાજો અને માન્યતા,” “પ્રણાલિ,” કે “માન્યતા.” ડીક હાઇમેન પોતાના પુસ્તક રખેને કમનસીબી આવી પડે—નાના મોટાની અંધશ્રદ્ધા (અંગ્રેજી)માં નિખાલસપણે જણાવે છે: “પાપ અને સામાન્ય શરદીની જેમ, અંધશ્રદ્ધાને ટેકો આપનારા બહુ ઓછા છે, પરંતુ એમ કરનારા ઘણા છે.”
એને ગમે તે નામ આપવામાં આવે પરંતુ અંધશ્રદ્ધા ફૂલીફાલી રહી છે. પરંતુ શા માટે એ આજના ટેકનોલોજીમાં પ્રગતિ કરી રહેલા વૈજ્ઞાનિક યુગમાં ચાલી રહી છે?
શા માટે આટલી લોકપ્રિય
કેટલાકનું કહેવું છે કે અંધશ્રદ્ધામાં માનવું સામાન્ય છે. કેટલાક એવો પણ દાવો કરે છે કે અંધશ્રદ્ધા તો આપણા લોહીમાં છે. છતાં, પુરાવાઓ એનાથી જુદું જ બતાવે છે. લોકોને જે શીખવવામાં આવ્યું છે, એના આધારે તેઓ અંધશ્રદ્ધાળુ બને છે, એવા પુરાવા છે.
પ્રાધ્યાપક સ્ટુઅર્ટ એ. વ્યાસ સમજાવે છે: “અંધશ્રદ્ધા એ મોટા ભાગના સામાન્ય વર્તનની જેમ, વ્યક્તિ પોતાના જીવનમાં કેળવે છે. આપણે માદળિયાં પહેરવાનું કે કોઈ નસીબવંતી વસ્તુઓ રાખવાનું શીખીને જન્મતા નથી; આપણે એમ કરવાનું શીખીએ છીએ.” એવું કહેવામાં આવે છે કે, લોકો બાળપણમાં અંધશ્રદ્ધા વિષે શીખે છે, અને પછી મોટા થતા જાય, તેમ એમાં માનવા લાગે છે. તેઓ મોટા ભાગની અંધશ્રદ્ધાની માન્યતા ક્યાંથી શીખે છે?
ઘણી અંધશ્રદ્ધા ધાર્મિક માન્યતાઓ સાથે ગાઢપણે સંકળાયેલી છે. દાખલા તરીકે, અંધશ્રદ્ધા, કનાનમાં ઈસ્રાએલીઓ અગાઉ રહેતા લોકોના ધર્મનો એક ભાગ હતી. બાઇબલ કહે છે કે ધંતરમંતર, જાદુગર, શકુન પર આધાર રાખનાર, મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવામાં માનનાર અને જોષ જોનારાઓ, અને મરેલાંની જાણકારી મેળવવી, એ કનાનીઓનો રિવાજ હતો.—પુનર્નિયમ ૧૮:૯-૧૨.
પ્રાચીન ગ્રીક લોકોનો ધર્મ પણ અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હતો. તેઓ પણ કનાનીઓની જેમ જ જોષ જોનાર, ધંતરમંતર કરનાર અને જાદુમાં માનનારા હતા. બાબેલોનના રહેવાસીઓ પ્રાણીઓના યકૃતમાં પણ જોતાં હતા. તેઓનું માનવું હતું કે એ તેઓએ કયો માર્ગ લેવો એ બતાવશે. (હઝકીએલ ૨૧:૨૧) તેઓ જુગાર પણ રમતા, અને બાઇબલ ઉલ્લેખ કરે છે તેમ તેઓ “વિધાતાની” મદદ શોધતા હતા. (યશાયાહ ૬૫:૧૧) આજે પણ જુગારીઓ અંધશ્રદ્ધામાં માને છે.
આજે, ઘણાં ચર્ચો જુગારને ઉત્તેજન આપે છે. દાખલા તરીકે, કૅથલિક ચર્ચ બીન્ગો નામના એક પ્રકારના જુગારને ઉત્તેજન આપે છે. એ વિષે, એક જુગારીએ કહ્યું: “મને ખાતરી છે કે કૅથલિક ચર્ચ એ જાણે છે, [કે જુગારીઓ અંધશ્રદ્ધાળુ હોય છે,] કેમ કે નન્સ હંમેશાં પોતાના ફંડ ઉઘરાવવાના બોક્સ સાથે રેસટ્રેક પાસે ઊભી રહેતી હતી. એક કૅથલિક કઈ રીતે ‘સીસ્ટરʼને ફાળો આપવાનો નકાર કરી અને ઘોડાની રેસમાં જીતવાની આશા રાખી શકે? તેથી અમારે ફાળો આપવો પડતો. એ દિવસે અમે જીતીએ તો, અમે ખાસ વધારે ઉદાર બનતા. અમે એવું વિચારતા કે એનાથી હંમેશાં સફળતા મળશે.”
ધર્મ અને અંધશ્રદ્ધા વચ્ચે ગાઢ સંબંધના જાણીતા ઉદાહરણોમાં નાતાલ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા છે, જે ખ્રિસ્તીરાષ્ટ્રનાં ચર્ચો દ્વારા થતી ઉજવણી છે. એમાં એવી આશાનો સમાવેશ થાય છે કે, એક છોકરો-છોકરી સફેદ ટેટાંવાળા વેલા નીચે ચુંબન કરે તો, તેઓના લગ્ન ચોક્કસ થશે. તેમ જ, નાતાલમાં સાન્તા ક્લોઝ વિષેની ઘણી અંધશ્રદ્ધા રહેલી છે.
રખેને કમનસીબી આવી પડે (અંગ્રજી) અવલોકે છે કે “ભાવિ જાણવાની આતુરતાથી” અંધશ્રદ્ધા વિકસી છે. તેથી, સમગ્ર ઇતિહાસમાં બન્યું છે તેમ, આજે પણ સામાન્ય લોકો અને જગતના આગેવાનો બંને જ્યાતિષીઓ અને ભૂવા પાસે પૂછપરછ કરવા જાય છે. ચા-નાસ્તા પહેલાં ગાવું નહિ, ચાંદનીમાં ઊંઘવું નહિ (અંગ્રેજી) પુસ્તક સમજાવે છે: “લોકોએ વશીકરણ અને નસીબવંતી વસ્તુઓમાં માનવાની જરૂર છે, જે જાણ્યા-અજાણ્યા બંને ભય વિરુદ્ધ કાર્ય કરશે.”
આમ, અંધશ્રદ્ધાએ માનવીઓને તેઓના ભય પર કાબૂ મેળવવા કંઈક અંશ મદદ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. ક્રોસ યોર ફિંગર્સ, સ્પીટ ઈન યોર હેટ પુસ્તક કહે છે: “[માનવીઓ] હંમેશાં સરખા જ કારણો માટે અંધશ્રદ્ધા પર આધારિત રહે છે. [તેઓ] પોતાના હાથ બહારના સંજોગોનો સામનો કરે છે ત્યારે, [તેઓ] ‘નસીબ’ કે ‘ભાગ્ય’ પર આધારિત રહે છે. એ સમયે, અંધશ્રદ્ધા [તેઓને] વધારે સલામતી આપે છે.”
વિજ્ઞાન માણસજાત માટે ઘણી રીતોએ સુધારો કર્યો છે છતાં, તેઓને અસલામતીની લાગણી રહે છે. હકીકતમાં, વિજ્ઞાને ઊભી કરેલી સમસ્યાઓના કારણે અસલામતી વધી ગઈ છે. પ્રાધ્યાપક વ્યાસ કહે છે: “કંઈક અસામાન્યમાં અંધશ્રદ્ધા અને માન્યતાની આપણી સંસ્કૃતિ પર ઊંડી અસર પડી છે . . . કારણ કે આપણું વર્તમાન જગત અચોક્કસતાની લાગણી વધારતું જાય છે.” ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા નિષ્કર્ષ આપે છે: “લોકોને . . . ભવિષ્ય વિષે અચોક્કસતા રહે છે ત્યાં સુધી અંધશ્રદ્ધા જીવનના એક ભાગ બની રહેશે.”
સારાંશમાં, અંધશ્રદ્ધા લોકપ્રિય બની રહી છે કારણ કે, એના મૂળ મનુષ્યોના સામાન્ય ભયમાં ઊંડા ઊતરેલા છે, અને અસંખ્ય ધાર્મિક માન્યતાઓ એને ટેકો આપે છે. તેથી, શું આપણે એવા નિષ્કર્ષ પર આવવું જોઈએ કે અંધશ્રદ્ધા લાભકારક છે, કેમ કે એ લોકોને અચોક્કસતાનો સામનો કરવા મદદ કરે છે? શું એનાથી કોઈ નુકસાન થતું નથી? અથવા, શું એ જોખમકારક છે જેને આપણે ટાળવી જોઈએ?
[Picture on page 5]
ફક્ત ચીનમાં જ પચાસ લાખ ધંધાદારી જોષ જોનારા હોય શકે
[Picture on page 6]
બીન્ગો નામનો જુગારને ઉત્તેજન આપીને, ઘણાં ચર્ચો અંધશ્રદ્ધાને પોષી રહ્યાં છે
[Picture on page 7]
સફેદ ટેટાંવાળા વેલા નીચે ચુંબન કરવા જેવા, નાતાલના અનેક રિવાજો, ફક્ત અંધશ્રદ્ધા છે