અમારા વાચકો તરફથી
દેવનું અસ્તિત્વ “શું દેવ ખરેખર અસ્તિત્વ ધરાવે છે?” શૃંખલા મને કેટલી મદદરૂપ નીવડી એને હું વર્ણવી શકતી નથી. (માર્ચ ૮, ૧૯૯૯) એણે મને એવા દેવ વિષે જણાવ્યું જેમના વિષે મેં ઘણું સાંભળ્યું છે, પરંતુ શોધી શકી ન હતી. મારા જેવા લોકોને સત્યનો માર્ગ બતાવવા બદલ હું હૃદયપૂર્વક તમારો આભાર માનું છું.
સી. પી., બ્રાઝિલ
અંધ છતાં ઉપયોગી માર્ચ ૮, ૧૯૯૯ના અંકમાં “અંધ છતાં વ્યસ્ત અને સુખી” પોલીટીમી વેનીટસ્યાનોસના અનુભવ માટે તમારો આભાર. તેમની હિંમત અને દેવમાં અટલ વિશ્વાસ મારા હૃદયને સ્પર્શી ગયા. એ સ્ત્રીનું જીવન એક બાજુ દુઃખ અને મુશ્કેલીઓથી જ ભરેલું હતું. પરંતુ બીજી બાજુ એ અમૂલ્ય લાભોથી ભરપૂર છે. હું માનું છું કે તેમનો અનુભવ જીવનની કપરી દોડમાં થાકેલાને ખૂબ જ મદદ અને ઉત્તેજન આપશે.
કે. આર., રશિયા
કપડાં હું ૧૧ વર્ષની છું, અને “આપણો પોશાક—એનું શું મહત્ત્વ?” લેખમાં સરસ સૂચનો માટે આભાર માનવા મારી પાસે શબ્દો નથી. (માર્ચ ૮, ૧૯૯૯) પહેલાં હું મારી બહેનપણીઓની જેમ કપડાં પહેરવા ઇચ્છતી હતી. પરંતુ આ લેખે મને જોવામાં મદદ કરી કે કપડાં સ્વચ્છ હોવા જોઈએ—લઘરવઘર કે ભડકીલા નહિ.
એ. એસ., એસ્ટોનીયા
બીજાઓ મને કહેતા કે, મારા કપડાં જૂની ફૅશનનાં કે સાવ સાદાં છે ત્યારે, ઘણી વખત મને ખૂબ માઠું લાગે છે. તમારો લેખ ખૂબ ઉત્તેજનકારક હતો, જેનાથી મને ખાતરી મળી કે બાઇબલ સિદ્ધાંતોને અનુસરવું મહત્ત્વનું છે.
આર. એલ., બ્રાઝિલ
ઘણાં વર્ષોથી મને યહોવાહના સાક્ષીઓ પ્રત્યે દયા આવતી હતી અને હસવું પણ આવતું હતું. પછી એક મિત્રએ મને માર્ચ ૮, ૧૯૯૯નું સજાગ બનો! આપ્યું. એ સામયિક વાંચવાની ખૂબ મઝા આવી, અને એનાથી યહોવાહના સાક્ષીઓ વિષેનું મારું મંતવ્ય બદલાઈ ગયું. એમાંથી ખાસ કરીને મને કપડાં વિષેનો લેખ ગમ્યો, જેમાં કપડાં ખરીદતી વખતે જાણે મારું જ વલણ વર્ણવવામાં આવ્યું હતું. હવેથી, હું ફૅશનવાળાં કે લખાણવાળાં કપડાં પાછળ ગાંડી નહિ બનું. તેમ જ, મારા મિત્રને જણાવીશ કે મને વધુ સામયિકો આપે!
યુ. બી., જર્મની
કૂથલી “યુવાનો પૂછે છે . . . કૂથલી કરવામાં શું ખોટું છે?” લેખ માટે ખૂબ આભાર. (માર્ચ ૮, ૧૯૯૯) થોડા સમય અગાઉ, કોઈએ અફવા ફેલાવી હતી કે, હવે મંડળમાંથી બહિષ્કૃત થવાનો મારો વારો છે ત્યારે, મેં પોતે અનુભવ્યું કે કૂથલી કેટલી દુઃખદ બની શકે. એ જૂઠાણાથી મને ખૂબ દુઃખ પહોંચ્યું! એ અફવા ફેલાવનારે મારી માફી માંગી, પરંતુ એ વ્યક્તિ પરથી મારો ભરોસો ઊઠી ગયો.
આર. એમ., સ્વિટ્ઝર્લેન્ડ
મારી શાળામાં બધી બાજુ કૂથલી ચાલે છે, તેથી લેખે મને ખૂબ ઉત્તેજન આપ્યું અને દૃઢ કરી. મને કહેતા શરમ આવે છે કે બીજાઓને ભૂંડા પાડવા મેં પણ કૂથલી કરી હતી. બહેનપણીઓ બીજાઓની તારી-મારી કરતી હતી ત્યારે, મેં સાંભળ્યું અને એમાં સૂર પૂરાવ્યો. તેથી હું લેખ વાંચતી ગઈ તેમ, મને ખૂબ આઘાત લાગ્યો, અને મને લાગ્યું કે હું જે કરી રહી હતી એ માટે દરેક વાક્ય મને ઠપકો આપતું હતું. મેં જે કૂથલી કરી એ માટે હું ઘણી શરમિંદી છું. હું જાણું છું કે મારી શાળામાં કૂથલી ચાલુ જ રહેશે, પરંતુ એમાં ભાગ નહિ લેવાનો મેં મક્કમ નિર્ણય કર્યો છે.
એમ. ડબલ્યુ., જાપાન