યુવાનો પૂછે છે
લોકો મારા વિશે વાતો કરે તો શું?
કેમ એના લીધે દુઃખ થાય છે?
અમુક પ્રકારની વાતોથી નુકસાન થાય છે. દાખલા તરીકે, કોઈ તમને બદનામ કરવા જાણીજોઈને તમારા વિશે ખોટી વાતો ફેલાવે તો તમને દુઃખ થઈ શકે છે. બની શકે કે અફવાથી વધારે નુકસાન ના થાય, પણ તકલીફ તો થાય જ. ખાસ કરીને જ્યારે એ અફવા કોઈ મિત્રએ ફેલાવી હોય ત્યારે વધારે દુઃખ થાય છે.—ગીતશાસ્ત્ર ૫૫:૧૨-૧૪.
“મને ખબર પડી કે મારી ફ્રેન્ડ મારી પીઠ પાછળ મારી બૂરાઈ કરે છે. તે કહેતી હતી કે મને લોકોની કંઈ જ પડી નથી. એ સાંભળીને મને ખોટું લાગ્યું. ખબર નહિ તેણે એવું કેમ કહ્યું.”—એશલી.
હકીકત: અફવા ફેલાવનાર તમારો ગાઢ મિત્ર હોય કે ના હોય, એ જાણીને બહુ દુઃખ થાય છે કે લોકો તમારા વિશે ખોટી વાતો કરે છે.
દુઃખની વાત છે કે તમે લોકોને વાતો કરતા રોકી શકતા નથી
ઘણાં કારણોને લીધે લોકો વાતો કરે છે. જેમ કે,
તેઓને સાચે જ બીજાઓની ચિંતા હોય છે. માણસો તરીકે આપણને બીજાના હાલચાલ જાણવાનું અને વાતો કરવાનું ગમે છે. એટલે આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ અને એકબીજા વિશે વાત કરીએ છીએ. પવિત્ર શાસ્ત્રમાં પણ સલાહ આપી છે કે “બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિપીઓ ૨:૪.
“બીજાઓ વિશે વાતો કરવાનું મને બહુ ગમે છે.”—બિયાંકા.
“બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે, એ જાણવું અને એ વિશે બીજાઓ સાથે વાત કરવી મને ગમે છે. ખબર નહિ કેમ, પણ મને એમાં બહુ મજા આવે છે.”—કૈટી.
નવરા હોય ત્યારે. પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે પહેલાંના સમયમાં અમુક લોકો “નવરાશના સમયમાં નવી નવી વાતો કહેવા કે સાંભળવા સિવાય બીજું કંઈ કરતા ન હતા.” (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૧) આજે પણ એવા લોકો છે.
“જ્યારે કોઈ ચટપટી ખબર ના મળે ત્યારે લોકો બીજાઓ વિશે ખોટી ખબર ફેલાવે છે, જેથી તેઓ પાસે ગપ્પા મારવા માટે કંઈક હોય.”—જોઆના.
તેઓ પોતાને નીચા ગણે છે. પવિત્ર શાસ્ત્ર ચેતવણી આપે છે કે આપણે પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરવી જોઈએ. (ગલાતીઓ ૬:૪) દુઃખની વાત છે કે અમુક લોકો એવું કરે છે. એ લોકો બીજા કરતાં પોતાને ચઢિયાતા ગણે છે, એ માટે તેઓ બીજાઓ વિશે ખોટી વાતો ફેલાવે છે.
“અફવાઓથી આપણને અફવા ફેલાવનારા વિશે કંઈક જાણવા મળે છે. એવા લોકો કોઈ વ્યક્તિની ઈર્ષા કરે છે એટલે તેના વિશે અફવા ફેલાવે છે. તેઓ પોતાને એ વ્યક્તિ કરતાં ચઢિયાતા સમજે છે એટલા માટે તેના વિશે વાતો કરે છે.”—ફિલ.
હકીકત: તમને ગમે કે ના ગમે, લોકો બીજાઓ વિશે અને તમારા વિશે વાતો તો કરશે જ.
ખુશીની વાત છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી
તમારા વિશે ફેલાવવામાં આવેલી દરેક અફવાને તમે રોકી શકતા નથી. પણ એ સમયે તમે શું કરશો એ તમારા હાથમાં છે. જ્યારે તમને ખબર પડે કે કોઈ તમારા વિશે અફવા ફેલાવી રહ્યું છે, તો તમે નીચે આપેલી કોઈ એક રીત અજમાવી શકો છો.
પહેલી: નજરઅંદાજ કરો. મોટા ભાગે નજરઅંદાજ કરવું સૌથી સહેલો રસ્તો છે. ખાસ કરીને જ્યારે વાતમાં કોઈ દમ ના હોય. એવા સમયે પવિત્ર શાસ્ત્રની સલાહ પાળીએ: “ગુસ્સો કરવામાં ઉતાવળો ન થા.”—સભાશિક્ષક ૭:૯.
“કોઈએ મારા વિશે અફવા ફેલાવી કે મારું કોઈ છોકરા સાથે ચક્કર ચાલી રહ્યું છે. અરે, હું તો એ છોકરાને ક્યારેય મળી નથી. મને તો હસવું આવી ગયું કે કોઈ મારા વિશે આવી પણ વાત કરી શકે!”—એલિસ.
“જો તમારી શાખ સારી હશે તો અફવાથી તમને કોઈ ફરક નહિ પડે. ભલે તમારા વિશે ખરાબ વાતો ફેલાવવામાં આવે, પણ થોડાં જ લોકો એને સાચી માનશે. છેવટે, તો સત્યની જ જીત થશે.”—એલિસન.
અજમાવી જુઓ: લખી લો કે (૧) તમારા વિશે શું કહેવામાં આવ્યું અને (૨) તમને કેવું લાગ્યું. એવું કરવાથી તમે મનમાં ને મનમાં પોતાનો ઊભરો ઠાલવી શકશો. (ગીતશાસ્ત્ર ૪:૪) પછી એ બાબતને તમે સહેલાઈથી નજરઅંદાજ કરી શકશો.
બીજી: જેણે અફવા ફેલાવવાની શરૂ કરી તેની સાથે વાત કરો. જો તમારા વિશે બહુ ખરાબ વાત ફેલાઈ રહી છે, તો કદાચ તમને લાગે કે જેણે અફવા ફેલાવવાની શરૂ કરી છે તેની સાથે વાત કરવી સારું રહેશે.
“તમારા વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે તેઓ સાથે વાત કરો. એમ કરવાથી તેઓને ખબર પડશે કે તેઓ જે પણ વાતો ફેલાવે છે એ તમારા સુધી પહોંચી જાય છે. એટલું જ નહિ, તમે અફવાને ખોટી સાબિત કરી શકો છો અને મામલાને થાળે પાડી શકો છો.”—એલિસ.
જેણે તમારા વિશે અફવા ફેલાવી છે, તેની સાથે વાત કરતાં પહેલાં નીચે આપેલા બાઇબલ સિદ્ધાંતોનો અને સાથે આપેલા સવાલોનો વિચાર કરો.
- “સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ છે.” (નીતિવચનો ૧૮:૧૩) ‘શું હું પૂરી વાત જાણું છું? જે વ્યક્તિએ મને કહ્યું કે મારા વિશે અફવા ફેલાઈ રહી છે, શું તેને તો કોઈ ગેરસમજ નથી થઈ ને?’ 
- “દરેક માણસે ધ્યાનથી સાંભળવું, વિચાર્યા વગર ન બોલવું અને જલદી ગુસ્સે ન થવું.” (યાકૂબ ૧:૧૯) ‘શું અફવા ફેલાવનાર સાથે હમણાં વાતચીત કરવી સારું રહેશે? શું હું કોઈ પૂર્વગ્રહ રાખ્યા વગર મામલાને થાળે પાડવાની કોશિશ કરી રહ્યો છું? કે પછી મારો ગુસ્સો ઠંડો થઈ જાય પછી વાત કરવી સારું રહેશે?’ 
- “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.” (માથ્થી ૭:૧૨) ‘જો હું તેની જગ્યાએ હોત તો મેં શું ચાહ્યું હોત? મારી સાથે કેવી રીતે વાત કરવામાં આવે? કેવા માહોલમાં મારી સાથે વાત કરવામાં આવે? મારી સાથે કેવું વર્તન કર્યું હોત અને વાતચીતમાં કેવા શબ્દો વાપર્યા હોત તો મને ગમ્યું હોત?’ 
અજમાવી જુઓ: અફવા ફેલાવનાર સાથે વાત કરતાં પહેલાં લખી લો કે તમે તેને શું કહેશો. પછી અઠવાડિયું રાહ જુઓ અને લખેલી વાતોને ફરી જોઈ જાવ. જુઓ કે એમાં શું તમે કોઈ ફેરફાર કરવા માંગો છો. ઉપરાંત, એ વિશે તમારા માબાપ કે બીજા કોઈ સમજુ મિત્ર સાથે વાત કરો અને તેની સલાહ લો.
હકીકત: જીવનની ઘણી બાબતો આપણા હાથમાં નથી, એવી જ રીતે આપણે બધી અફવાને રોકી શકતા નથી. પણ એનો અર્થ એ નથી કે અફવાઓને લીધે તમારા મનની શાંતિ છીનવાઈ જાય.