સુંદર મૉથ
એક રળિયામણી સાંજે, એક સુંદર મૉથ (એક પ્રકારનું પતંગિયું) ઊડીને રેસ્ટોરન્ટમાં આવ્યું. એ એક સ્ત્રીના ટેબલ પાસે આવીને બેસવા ગયું કે તરત જ જાણે રોગ ફેલાવતા મચ્છરે પોતાના પર હુમલો ન કર્યો હોય એમ, તે સ્ત્રીએ એને દૂર ધકેલી મૂક્યું! તેથી એ બીજા ટેબલ પર એક યુગલ પાસે ગયું. છેવટે મૉથ એ માણસના કોલર પર બેઠું. એને જોવાની આ યુગલની દૃષ્ટિ બિલકુલ અલગ જ હતી. તેમણે જોયું કે મૉથ સુંદર છે અને કંઈ હાનિ પણ કરતું નથી. તેથી, તેઓ આ મૉથની સુંદરતા નિહાળવા લાગ્યા.
કનેક્ટિકટ બટરફ્લાય ઍસોસિએશનના સંશોધક, જોન હીમમેલમેન સમજાવે છે કે, “મૉથ કંઈ પણ હાનિ કરતા નથી. એઓના મોંમાં ડંખ મારે એવું કંઈ હોતું નથી, એમાંય વળી લૂના મૉથ તો જરા પણ ખોરાક લેતા નથી. એઓ વાયરસ કે બીજા કોઈ પણ પ્રકારના રોગ ફેલાવતા નથી. એઓ ડંખ પર મારતા નથી . . . જોકે, મોટા ભાગના લોકોને ખબર નથી કે વાસ્તવમાં રાતે ઊડતા પતંગિયાઓ પણ મૉથ જ છે.”
બધા લોકો પતંગિયાઓની સુંદરતા જોવાનો આનંદ માણે છે, પરંતુ ફક્ત થોડી જ વ્યક્તિઓ વિવિધ મૉથની સુંદરતાને નિહાળે છે. નિઃશંક, તમે કહી શકો કે, ‘મૉથની સુંદરતા?’ કેટલાક લોકો મૉથને એક સુંદર પતંગિયાની ફક્ત નિસ્તેજ જાતિ તરીકે ઓળખે છે. તોપણ, બંનેનું એક સરખું જ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, લેપિડોપટરસ, અર્થાત્ “ભીંગડાવાળી પાંખોવાળું.” આ સુંદર મૉથ દંગ કરી નાખે એવી વિવિધતામાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જીવજંતુઓનો જ્ઞાનકોશ (અંગ્રેજી) પુસ્તક બતાવે છે કે લેપિડોપટરસની લગભગ ૧,૫૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ જાતિઓ જાણીતી છે. પરંતુ એમાંના ફક્ત ૧૦ ટકા જ પતંગિયાઓ છે જ્યારે કે બીજા મૉથ છે!
બીજા લોકોની જેમ, મેં પણ મૉથ વિષે ભાગ્યે જ વિચાર્યું હતું. તેથી, હું મારા શિયાળાના કપડાંને બાજુ પર મૂકતી વખતે મૉથ એને ખરાબ ન કરે માટે કપૂરની ગોળીઓ પણ મૂકતી હતી. ત્યારે જ મને મૉથ વિષે વિચાર આવતો. મને ખબર ન હતી કે પુખ્ત મૉથ બિલકુલ કાપડ ખાતા નથી. એઓ ફક્ત ઇયળના તબક્કામાં હોય છે ત્યારે જ ખાય છે.a
કઈ રીતે મારી મૉથ પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ? કેટલાક સમય પહેલાં મેં અને મારા પતિએ બૉબ અને રાનડા નામના અમારા મિત્રોની મુલાકાત લીધી. બૉબ મૉથ વિષે ઘણું જાણતા હતા. તેમણે પહેલાં મને એક નાનું ખોખું બતાવ્યું કે જેમાં પહેલાં મને લાગ્યું કે એ સુંદર પતંગિયાઓ છે. પરંતુ તેમણે મને સમજાવ્યું કે એ તો સીક્રોપીયા અથવા રૉબીન મૉથ છે. એ ઉત્તર અમેરિકાના સૌથી મોટા મૉથ છે. એમની પાંખો છ ઈંચની હોય છે અને એ એક વર્ષ દરમિયાન પુખ્ત બને છે. પુખ્ત બન્યા પછી એ ફક્ત સાત કે ચૌદ જ દિવસ જીવે છે, એ જાણીને મને ખૂબ આશ્ચર્ય થયું! એ સુંદર સીક્રોપીયાના ધ્યાનથી કરેલા અવલોકને મારું આખું દૃષ્ટિબિંદુ બદલી નાખ્યું.
બૉબે ખોખાંના તળિયે નાના કણ બતાવ્યાં. તેમણે કહ્યું, “એ ઈંડા છે. અને હું એને ઉછેરવા માંગુ છું.” મૉથને ઉછેરવાં? મને એ બાબતમાં રસ પડ્યો. તેમ છતાં, એ કાર્ય કંઈ સહેલું ન હતું. બૉબે બે અઠવાડિયાં સુધી ઈંડા સેવવાના નિરર્થક પ્રયાસ કર્યા. ત્યાર પછી, તેણે પાણી છાંટવાનું નક્કી કર્યું. પછી એક જ અઠવાડિયામાં ૨૬થી ૨૯ ઈંડા એક જ દિવસમાં સેવાઈ ગયા. ત્યાર પછી, બૉબે કોમળ ઇયળોને ચિનાઈ માટીના એક ઊંડા વાસણમાં મૂક્યા જેથી એઓ બહાર આવી શકે નહિ. એ દરેકનું કદ લગભગ મચ્છર જેટલું હતું.
ઈંડામાંથી બહાર નીકળ્યા પછી ઇયળોએ સૌ પ્રથમ પોતાનાં ખોખાને જ ખાવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી, બૉબે એઓને ખોરાક આપવાનો હતો, કે જે ખરેખર મુશ્કેલ કાર્ય હતું. કેટલુંક સંશોધન કર્યા પછી, તેમણે મેપલ નામના વૃક્ષના પાંદડાં ખવડાવવાનો પ્રયત્ન કર્યો. એ ઇયળો ધીમેધીમે એ પાંદડાં પર ગઈ તો ખરી, પણ એને ખાધા નહિ. ત્યાર બાદ, બૉબે ચેરી અને બ્રીચ જેવા ભૂર્જવૃક્ષના પાંદડાં આપ્યા, તો એઓએ તરત જ એને ખાવાનું શરૂ કર્યું.
નાની ઇયળો મોટી થઈ ત્યારે, બૉબે ઉપર ખાસ જાળીવાળાં ખોખાંમાં એઓને મૂક્યા. એ જાળીવાળાં ખોખાંમાં નાની-મોટી ઇયળોને યોગ્ય પ્રમાણમાં ભેજ મળતો હતો. વળી, એ મોટી ઇયળોને રાખવા માટે પણ ઉપયોગી હતું કેમ કે એઓ વિકાસ થયા પછી તરત જ ચાલવાનું શરૂ કરે છે.
વધુમાં, ૨૬ ભૂખીડાંસ ઇયળોને ખોરાક પૂરો પાડવો એ કંઈ સહેલું ન હતું. દર વખતે બૉબ ખાસ જાળીવાળાં ખોખાંને પાંદડાંઓથી ભરી દેતા. પરંતુ ઇયળો ફક્ત બે જ દિવસમાં બધુ જ સફાચટ કરી દેતી. આ કામમાં મદદ માટે તેમણે પોતાની નાની બહેન અને બીજા બે યુવાન છોકરા અને છોકરીને લીધા કે જેથી તેઓ આ મોટી થઈ રહેલી ઇયળોની દેખરેખ રાખવામાં મદદ કરે.
આ ઇયળો વધુ પ્રમાણમાં ખોરાક લે એ ખૂબ જ મહત્ત્વનું હતું. કેમ કે એ ફક્ત મોટી થવા માટે જ નહિ પરંતુ પુખ્ત બન્યા પછી પણ એમાંથી જ પોષણ મેળવે છે. અગાઉ તમે જોયું કે પુખ્ત સીક્રોપીયા મૉથનું મોં કાર્ય કરતું નથી, એટલે કે એઓ બિલકુલ ખાતા નથી! પોતાના ટૂંકા સમયના પુખ્ત જીવનકાળ દરમિયાન એઓ, ઇયળના તબક્કા દરમિયાન જે ખોરાક લીધો હોય છે એના પર જ આધારિત રહે છે.
નવી ચામડી મેળવવી
ઇયળો મોટી થાય છે તેમ, એઓની ચામડી ઘણી વાર ખરે છે અથવા ઓગળે છે. એઓની ચામડી ખરે એ વચ્ચેના તબક્કાને ઇનસ્ટાર કહેવામાં આવે છે.
સીક્રોપીયા ઇયળની ચામડી વધતી નથી. તેથી, આ ઇયળ બહુ મોટી થઈ જાય છે ત્યારે, એની ચામડી ખેંચાય છે અને એ ખરી પડે છે. બૉબ જાણતા હતા કે એમ થવાનું હોય ત્યારે, ઇયળ ખાવાનું બંધ કરી દે છે. ઇયળ નવી ચામડી મેળવે ત્યાં સુધી એ કોશેટોમાં રહે છે. ઇયળ છેલ્લા ઇનસ્ટારમાં કેટલી મોટી થઈ ગઈ હતી એ જોઈને અમને ખૂબ આશ્ચર્ય થયું. એઓ પાંચ ઈંચ લાંબી અને મારા અંગૂઠાં કરતાં જાડી હતી.
કોશેટોને કાંતવો
છેલ્લા તબક્કા પછી, દરેક ઇયળ કોશેટો કાંતે છે કે જે લાકડી પર ચોંટેલા રાખોડી રંગના તાંતણાનો મોટો જથ્થો હોય છે. સીક્રોપીયાના કોશેટા બે પ્રકારના હોય છે. એક મોટો, નીચેથી ગોળ અને ઉપરથી સાંકડો એવો ખૂલતો હોય છે. બીજા પ્રકારમાં એ નાનો, સખત વણેલો અને ઉપર નીચેથી સાંકડો લંબચોરસ હોય છે. બંને પ્રકારના કોશેટો અંદરથી બરાબર વણેલા હોય છે. સીક્રોપીયા કોશેટો સામાન્ય રીતે લાલાશ પડતા બદામી, બદામી, ઝાંખો લીલો અને રાખોડી રંગના હોય છે. ઉત્તર અમેરિકાના કોશેટોની બીજી જાતિની સરખામણીમાં, સીક્રોપીયા મૉથનો કોશેટો તો અલગ જ હોય છે. એ ચાર ઈંચ લાંબો અને બે ઈંચ પહોળો હોય છે. એ એમાં રહેતી ઇયળનું ૩૪ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનમાં પણ રક્ષણ કરે છે.
ઇયળો પોતાના કોશેટોમાં સ્થાયી થઈ ગઈ પછી, અમારે ફક્ત શાંતિથી રાહ જ જોવાની હતી. લગભગ એક વર્ષ પછી, એ કોશેટોમાંથી બૉબે વસંત પછી પ્રથમ પુખ્ત મૉથ મેળવ્યું. લાકડીઓ સીધી રહે એ માટે બૉબે એને એક પ્રકારના પ્લાસ્ટિકમાં મૂકી. જોતજોતામાં તો એક સીક્રોપીયા સિવાય બધા જ બહાર આવ્યા અને બૉબને તેમની મહેનતનું ફળ મળ્યું.
મૉથની કદર કરવી
સીક્રોપીયાના જીવન તબક્કાને જોયા હોવાથી, હું લાઈટની આજુબાજુ કે મકાનોમાં આમતેમ પડેલા મૉથ તરફ વધારે ધ્યાનથી જોવા પ્રેરાઈ. મારા અનુભવે મને આ સુંદર મૉથ વિષે વધારે જાણવાનું ઉત્તેજન આપ્યું. દાખલા તરીકે, મેં એ જાણ્યું કે મૉથ અને પતંગિયા ઊડે છે અને અમુક જાતિ તો લાંબા અંતરનું સ્થળાંતર પણ કરે છે. નાના હીરા જેવા કાળા મૉથની ફક્ત એક ઈંચની પાંખ હોય છે પરંતુ, એ સમયાંતરે યુરોપથી બ્રિટન સુધી ઊડે છે અને દક્ષિણ મહાસાગર પરથી પસાર થાય છે. સ્પીનીક્સ મૉથ ભમરાની જેમ ફૂલોની આજુબાજુ મંડરાય છે.
સીક્રોપીયાના જીવન ચક્રને જોયા પછી, મેં પ્રકાશમાં એકને ઝાડ નીચે જોયું. હું જાણતી હતી કે મૉથની પાંખો ખૂબ જ નાજુક હોવાથી, આપણે કદી પણ એને પાંખોથી ઉઠાવી શકીએ નહિ. તેમ છતાં, તમે તમારા હાથ મૉથ તરફ લંબાવો તો, એ તમારી આંગળીઓ પર ચાલશે. મેં એવું કર્યું ત્યારે, એ મારી વચલી આંગળી પર બેઠું અને મને ખૂબ જ આનંદ થયો. છેવટે, એ ઝાડ પર ઊડી ગયું. એ ઊડે છે ત્યારે, પતંગિયા જેવું જ લાગે છે. બીજી વાર તમને એવું લાગે કે તમે પતંગિયું જોયું છે તો, ધ્યાનથી જુઓ. એ વાસ્તવમાં સુંદર, નુકશાન ન કરનાર મૉથ હોય શકે.—ભેટ. (g01 6/8)
[ફુટનોટ]
a અમુક મૉથ ઇયળ, પાકને પણ ઘણું નુકશાન કરે છે.
[પાન ૧૮, ૧૯ પર ચિત્રો]
1. રૉબીન મૉથ (સીક્રોપીયા)
2. પોલિફેન્સ મૉથ
3. સનસેટ મૉથ
4. એટલાસ મૉથ
[ક્રેડીટ લાઈન્સ]
Natural Selection© - Bill Welch
A. Kerstitch
[પાન ૨૦ પર ચિત્રો]
સીક્રોપીયા મૉથના જીવન તબક્કા:
1. ઈંડા
2. ઈયળ
3. પુખ્ત મૉથ
[ક્રેડીટ લાઈન]
Natural Selection© - Bill Welch