વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૦૨ પાન ૨૬-૨૮
  • શા માટે તમારાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે તમારાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવું જોઈએ?
  • સજાગ બનો!—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • વાંચન માટે પ્રેમ વિકસાવો
  • બાળકોને તેઓની આસપાસની દુનિયાથી પરિચિત કરાવો
  • મિત્રતા બાંધો
  • મહત્ત્વની કળા શીખવો
  • વાંચન આનંદિત બનાવો
  • સારાં પુસ્તકો પસંદ કરનારા બનો
  • નીરઃસાક્ષરતાથી સાવધ રહો
    સજાગ બનો!—૧૯૯૬
  • માબાપની ભૂમિકા
    સજાગ બનો!—૨૦૦૫
  • શું કામ વાંચવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૬
  • પવિત્ર શાસ્ત્રનું વાંચન—શા માટે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
સજાગ બનો!—૨૦૦૨
g ૧/૦૨ પાન ૨૬-૨૮

શા માટે તમારાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવું જોઈએ?

“તે ખૂણા વળી ગયેલા અને પાનાંઓમાં પીનટ બટર લાગેલા એક પુસ્તકને ઘસેડતી ઘસેડતી, ઘૂંટણીયે ચાલતી મારી પાસે આવી અને મારા ખોળામાં બેસીને જાણે કે કહેતી હોય કે, ‘મને વાંચી સંભળાવો પપ્પા, મને વાંચી સંભળાવો.’”—ડૉ. ક્લીફોર્ડ સ્કીમેલ્સ, કેળવણીના પ્રાધ્યાપક.

બાળકો બહુ ઝડપથી શીખે છે. એક સંશોધન જણાવે છે કે ત્રણ વર્ષ કરતાં નાનાં બાળકોના મગજનો વિકાસ બહુ જ ઝડપથી થાય છે. બાળકોના વિકાસ માટે માબાપ દરરોજ તેઓ સામે વાંચે, ગીતો ગાય અને વહાલ કરે એ મહત્ત્વનું છે. તેમ છતાં, એક સર્વેક્ષણ બતાવે છે કે બેથી આઠ વર્ષનાં બાળકોનાં માબાપોમાંથી ફક્ત અડધા જ પોતાનાં બાળકોની સામે દરરોજ વાંચે છે. કદાચ તમે વિચારતા હશો કે ‘હું મારા બાળક સામે વાંચું, એનાથી શું તેને કંઈ ફરક પડશે?’

વાંચન માટે પ્રેમ વિકસાવો

નિષ્ણાતો જણાવે છે કે બાળકો સામે વાંચવાથી તેઓને ખરેખર લાભ થાય છે. “વાંચનમાં બાળકો સફળ બને માટે, તેઓને જરૂરી જ્ઞાન આપવાની સૌથી મહત્ત્વની રીત બાળકો સામે મોટેથી વાંચવું છે. ખાસ કરીને બાળકોને શાળામાં મૂક્યા પહેલાંનાં વર્ષો દરમિયાન એમ કરવું વધુ લાભદાયી છે,” લોકોને સારા વાચકો બનાવવા (અંગ્રેજી) અહેવાલ કહે છે.

પુસ્તકમાંથી વાર્તાઓ સાંભળતી વખતે, બાળકો નાની ઉંમરમાં જ શીખે છે કે પુસ્તકમાં અક્ષરો છે અને એનાથી આપણી રોજબરોજની ભાષાના શબ્દો બને છે. તેઓ પુસ્તકોની ભાષાથી પણ પરિચિત થાય છે. “આપણે જ્યારે પણ બાળકની સામે વાંચી સંભળાવીએ છીએ ત્યારે, દર વખતે તેના મગજને ‘ખુશીનો’ સંદેશો પહોંચે છે. એ એક જાહેરાત સમાન છે, જેના દ્વારા તમે બાળકોના મનમાં એ ઠસાવો છો કે પુસ્તકો અને છાપેલું સાહિત્ય વાંચવામાં ખૂબ મઝા આવે છે,” મોટેથી વાંચવાની બાબતમાં એક માર્ગદર્શિકા નોંધે છે. જે માબાપો પોતાનાં બાળકોના મનમાં પુસ્તકો માટેનો પ્રેમ વિકસાવે છે તેઓ, બાળકોમાં જીવનભર વાચકો બનવાની ઇચ્છા વિકસાવશે.

બાળકોને તેઓની આસપાસની દુનિયાથી પરિચિત કરાવો

માબાપો પોતાનાં બાળકોને વાંચીને સંભળાવે તો, તેઓ લોકો, સ્થળો અને બીજી વસ્તુઓથી પરિચિત બની શકે, જે મૂલ્યવાન ભેટ આપવા સમાન છે. એમ કરવાથી વધુ ખર્ચ કર્યા વગર તેઓ પુસ્તકો દ્વારા દુનિયાની “સફર” કરી શકે. બે વર્ષના એન્થનીનો વિચાર કરો કે જેની મમ્મી તેનો જન્મ થયો ત્યારથી જ તેને વાંચી સંભળાવતી હતી. તેની મમ્મી કહે છે: “અમે તેને પહેલી વાર પ્રાણી સંગ્રહાલયમાં લઈ ગયા હોવા છતાં, એ તેના માટે નવો અનુભવ ન હતો. કઈ રીતે? એન્થની ઝીબ્રા, સિંહ, જીરાફ અને બીજાં પ્રાણીઓને પહેલી વાર જીવતા જોઈ રહ્યો હતો, છતાં તે પુસ્તકોમાંના પ્રાણીઓનાં ચિત્રો દ્વારા પહેલેથી જ તેઓથી પરિચિત હતો.

તેની મમ્મી આગળ સમજાવે છે: “એન્થની તેના જન્મના પ્રથમ બે વર્ષમાં જ પુસ્તકોમાંથી, અસંખ્ય લોકો, પ્રાણીઓ તથા ચીજવસ્તુઓ વિષે શીખી ચૂક્યો હતો.” હા, નાનાં બાળકોની સામે પુસ્તકોને મોટેથી વાંચવાથી, તેઓ પોતાની આસપાસની દુનિયાથી વધુ પરિચિત બની શકે.

મિત્રતા બાંધો

બાળપણનાં વર્ષો દરમિયાન, નાનાં બાળકો જે વર્તણૂક વિકસાવે છે એ જ તેઓના ભવિષ્યનાં જીવન પર ઊંડી અસર પાડે છે. તેથી, માબાપો તેઓને સારી શરૂઆત આપે એ મહત્ત્વનું છે. જો બાળકોમાં ભરોસો, પરસ્પર આદર અને સમજણ હશે તો જ ગાઢ સંબંધ બંધાશે, માટે માબાપોએ નાનપણથી જ એ બધું શીખવવાની જરૂર છે. એ શીખવવા માટે વાંચન મદદરૂપ બનશે.

માબાપો બાળકને પોતાના ખોળામાં લઈને તેને વાંચી સંભળાવે છે ત્યારે, એ સ્પષ્ટ સંદેશો આપે છે કે “હું તને પ્રેમ કરું છું.” ફેબી નામની કૅનેડાની એક માતા પોતાના પુત્ર સામે વાંચન કરવા વિષે આમ કહે છે, જે હમણાં આઠ વર્ષનો છે: “હું અને મારા પતિ અનુભવીએ છીએ કે એ વાંચને અમારા પુત્ર નાથાનને અમારો મિત્ર બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. તે અમારી સાથે ખુલ્લી રીતે વાત કરે છે અને તે કેવું અનુભવે છે એ વિષે પોતાના મનની બધી જ વાત કહી દે છે. એનાથી અમારી વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ છે.”

સીન્ડી પોતાની દીકરી એક વર્ષની ઉંમરે બેસતી અને સાંભળતી થઈ ત્યારથી જ તેને નિયમિત રીતે ઓછામાં ઓછી એક કે બે મિનિટ વાંચી સંભળાવતી હતી. શું એમ કરવાથી કંઈ ફાયદો થયો? સીન્ડી જણાવે છે: “પ્રેમાળ અને ભયમુક્ત વાતાવરણમાં સાથે બેસીને વાંચવાથી, અબિગાયલ શાળામાં બનેલા બનાવો કે મિત્રો સાથે ઊભી થયેલી સમસ્યાઓ વિષે જણાવી દેતી. કયા માબાપ પોતાનાં બાળકો મુક્ત રીતે તેમની સાથે વાત કરે એવું ઇચ્છતા નથી?” ખરેખર, બાળકો સામે મોટેથી વાંચવાથી માબાપ અને બાળક વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત બની શકે.

મહત્ત્વની કળા શીખવો

“આજે આપણાં બાળકો ટીવી-રેડિયો અને બીજાં માધ્યમો દ્વારા નકામી માહિતીઓ પોતાના મગજમાં ભરે છે. તેથી, તેઓને હમણાં માનસિક પોષણ, સ્પષ્ટ વિચારસરણી, ડહાપણ અને માનસિક સ્થિરતાની વધારે જરૂર છે જેનાથી તેઓ, નૈતિક ધોરણો પ્રમાણે જીવી શકે અને પોતાના જીવન માટે યોગ્ય દૃષ્ટિ રાખી શકે,” દૃઢ કુટુંબ બનાવવા માટેના ત્રણ પગલાંઓ (અંગ્રેજી) પુસ્તક એવું કહે છે. માબાપો જ બાળકોને સૌથી સારી મદદ આપી શકે છે.

બાળકને પુસ્તકમાં મળી આવતા અઘરા અને સારી રીતે બનાવેલાં વાક્યોથી પરિચિત કરાવવાથી, તેને બોલીને કે લખીને પોતાના વિચારો વ્યક્ત કરવામાં એ મદદરૂપ બની શકે. બાળકોની જરૂરિયાતોનાં પુસ્તકોની લેખિકા ડોરોથી બટલર આમ કહે છે: “વ્યક્તિના બોલવા પરથી દેખાઈ આવશે કે તે કેટલી સારી રીતે વિચારી શકે છે. ખરેખર, શીખવાની અને સમજવાની વાત આવે છે ત્યારે, ભાષા મુખ્ય ભાગ ભજવે છે.” સારા સંબંધો માટે, સારી રીતે વાતચીત કરવાની કળા ખૂબ જ મહત્ત્વની છે.

યોગ્ય પુસ્તકોમાંથી વાંચન કરવાથી બાળકોમાં સારા બોધપાઠો અને ધોરણો પણ સીંચી શકાય છે. માબાપો પોતાનાં બાળકો સામે વાંચીને એના વિષે ચર્ચા કરે તો, તેઓને સમસ્યાઓ હલ કરતા શીખવી શકે. સીન્ડી પોતાની દીકરી અબિગાયલ સાથે વાંચે છે ત્યારે, તે ધ્યાનથી એ પણ જુએ છે કે વાર્તામાં વર્ણવેલી કોઈ ખાસ પરિસ્થિતિ વિષે તેનો પ્રત્યાઘાત કેવો હોય છે. “માબાપો તરીકે, અમે તેની ખરાબ આદતો પારખવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી તેનામાં ખોટા વિચારો હોય એને નાનપણથી જ દૂર કરવામાં મદદ કરી શકીએ.” ખરેખર, બાળકો સામે મોટેથી વાંચવાથી આપણે તેઓનાં હૃદયમાં સારું શિક્ષણ ઉતારી શકીશું.

વાંચન આનંદિત બનાવો

ઘરનું વાતાવરણ હળવું, સામાન્ય અને તાજગીભર્યું રાખીને, “બાળક પર કોઈ પણ જાતનું દબાણ કર્યા વગર” તેઓ સાથે વાંચો. સમજુ માબાપો જાણે છે કે કેટલું વાંચવું જોઈએ. લીના કહે છે: “એન્ડ્રુ બે વર્ષનો છે અને ઘણી વાર તે ખૂબ થાકી ગયો હોય છે, તેથી લાંબો સમય બેસતો નથી. અમે તેનો મૂડ જોઈને વાંચવાનું ઓછું કરી દઈએ છીએ. અમે એન્ડ્રુને વાંચન પ્રત્યે અણગમો લાવી દેવા માંગતા નથી, તેથી તેની ઇચ્છા ન હોય તો તેને લાંબો સમય સુધી બેસીને સાંભળવાનું દબાણ કરતા નથી.”

મોટેથી વાંચવામાં, વાર્તાને મોટા અવાજે વાંચવા કરતાં વધુ બાબત સમાયેલી છે. ચિત્રવાળા પુસ્તકનું પાન ક્યારે ઉલટાવવું એ જાણો જેથી બાળકની જિજ્ઞાસા જળવાઈ રહે. એકદમ સરળતાથી વાંચન કરો. વાર્તામાં અવાજને ઊંચો-નીચો કરવાથી તથા અમુક શબ્દો પર ભાર મૂકીને વાંચવાથી પણ એ રસપ્રદ બની શકે. તમારો અવાજ ઉષ્માભર્યો હશે તો, તમારું બાળક સલામતી અનુભવશે.

તમારું બાળક પણ વાંચવામાં ભાગ લે તો વધારે લાભ થશે. અવારનવાર અટકો અને એવા પ્રશ્નો પૂછો કે જેનો તેઓ એક કરતાં વધુ શબ્દોમાં જવાબ આપી શકે. બે કે ત્રણ વિકલ્પ આપીને સાચો જવાબ પસંદ કરવાનું કહેવાથી તેઓનું જ્ઞાન વધશે.

સારાં પુસ્તકો પસંદ કરનારા બનો

સારાં પુસ્તકો પસંદ કરવા એ સૌથી મહત્ત્વની બાબત છે. સારાં પુસ્તકો પસંદ કરવાથી તમારે વધુ કંઈ કરવું પડતું નથી. કાળજીપૂર્વક એવાં પુસ્તકો પસંદ કરો કે જેમાંથી સારું શિક્ષણ અને સારો બોધપાઠ આપી શકાય. પુસ્તકનું મુખપૃષ્ઠ, એના પરનું ચિત્ર તથા લખાણની ભાષાને સારી રીતે તપાસો. માબાપ અને બાળકો બંનેને ગમે એ પ્રકારનાં પુસ્તકો પસંદ કરો કેમ કે એનાથી બાળકો પોતાને પસંદ આવે એ વાર્તા વારંવાર કહેવાનું જણાવશે.

જગત ફરતે માબાપો ખાસ કરીને બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકની ઘણી કદર કરે છે.a એ પુસ્તક માબાપો બાળકો સાથે વાંચે એ હેતુથી જ રચવામાં આવ્યું છે. એ પુસ્તક બાળકોને સારા વાચકો જ બનાવતું નથી પરંતુ બાઇબલમાં તેઓનો રસ જાગૃત કરવામાં પણ મદદ કરી શકે.

માબાપો પોતાનાં બાળકો સામે મોટેથી વાંચે તો, તેઓમાં વાંચનની સારી ટેવો પણ પડશે, જે તેઓના આખા જીવન દરમિયાન સફળ બનવા મદદ કરશે. જોએનાએ પોતાની દીકરી વિષે જણાવ્યું: “જેનીફરને શાળામાં દાખલ કરી એ પહેલાં જ તે વાંચતા-લખતા શીખી ગઈ હતી. તે હોંશેહોંશે વાંચતી અને સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે તેણે આપણા ભવ્ય ઉત્પન્‍નકર્તા યહોવાહ માટે પ્રેમ વિકસાવ્યો. તેથી, હવે જેનીફરના બધા જ નિર્ણયો બાઇબલ આધારિત હોય છે.” સાચે જ, બાળકોને શીખવવાની બધી બાબતોમાં, તમે પરમેશ્વરને પ્રેમ કરતા શીખવામાં મદદ કરો છો એ વધુ મહત્ત્વનું છે. (g01 11/22)

[ફુટનોટ]

a યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

તમારા બાળક સામે વાંચો ત્યારે

• તે શિશુ હોય ત્યારથી જ શરૂઆત કરો.

• તમારું બાળક સાંભળવા તૈયાર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ.

• તમને બંનેને ગમે એવી વાર્તા વાંચો.

• શક્ય હોય એટલી વાર અને લાગણીસહિત વાંચો.

• વાંચતી વખતે તમારા બાળકને પ્રશ્નો પૂછો.

[પાન ૨૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Photograph taken at the Wildlife Conservation Society’s Bronx Zoo

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો