વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૦૨ પાન ૨૮-૨૯
  • વિશ્વ નિહાળતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ નિહાળતા
  • સજાગ બનો!—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • મોડું કરવાની આદત અને તંદુરસ્તી
  • ઉત્તર ધ્રુવપ્રદેશ જોખમમાં
  • ‘ધર્મની પડતી’
  • થોડી ઊંઘ લો, તાજગી અનુભવો
  • પુરુષોને માછલી ખાવાનું ઉત્તેજન
  • નકામા ઝાડવાનો ઉપયોગ
  • સચોટ સમય બતાવતી ઘડિયાળ
  • યુવાનોનો ખોરાક
  • મચ્છર માટે જાળ
  • વૃક્ષોને બચાવતા ચોખાના ફોતરાં
  • ટામેટાં—“ફળ કે શાકભાજી?”
    સજાગ બનો!—૨૦૦૫
  • ડેન્ગ્યુ વધી રહેલો આતંક
    સજાગ બનો!—૨૦૧૨
  • મારે નથી જીવવું​—આત્મહત્યાના વિચારો આવે તો શું કરું? શું બાઇબલમાં કોઈ સલાહ આપી છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
સજાગ બનો!—૨૦૦૨
g ૭/૦૨ પાન ૨૮-૨૯

વિશ્વ નિહાળતા

મોડું કરવાની આદત અને તંદુરસ્તી

વૅન્કૂવર સન છાપાએ એમ બતાવ્યું કે “મોડું કરવાની આદતથી તમારી તંદુરસ્તી પર ગંભીર અસર પડી શકે છે.” તાજેતરમાં અમેરિકન સાયકોલોજીકલ સોસાયટીએ કૅનેડા, ટોરન્ટોમાં સભા રાખી હતી. એમાં ૨૦૦ વિદ્યાર્થીઓના અભ્યાસ પરથી જોવા મળ્યું કે “જેઓ હમેશાં મોડા પડતાં હોય છે તેઓ પર કામનો બોજ વધતો જાય છે, એથી બીમાર પડવાની વધારે શક્યતા રહેલી છે. . . . જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય છે તેમ, આ મોડું કરનારાઓમાં સ્ટ્રેસ વધતું જાય છે. તેઓની બેદરકારીના કારણે વારંવાર શરદી, કમરનો અને માથાનો દુખાવો તેમ જ અનેક પ્રકારની એલર્જી વધે છે. તેમ જ તેઓને શ્વાસને લગતી અનેક બીમારીઓ થાય છે.”

ઉત્તર ધ્રુવપ્રદેશ જોખમમાં

કૅનેડાનું ધ ગ્લોબ ઍન્ડ મેઈલ છાપું જણાવે છે, “જો ઉદ્યોગોનો વિકાસ ઠંડો નહિ પડે તો, પૃથ્વીના ઉત્તર ધ્રુવપ્રદેશોના ૮૦ ટકા વિસ્તારને આ સદીની અધવચ સુધીમાં ગંભીર નુકસાન થશે.” યુએન એન્વાયરમેન્ટના કાર્યક્રમોમાં આખા ઉત્તર ધ્રુવપ્રદેશ પર માનવ વિકાસની વધતી જતી અસરનો અહેવાલ અપાયો. અહેવાલ અનુસાર, ૧૯૪૦-૧૯૯૦માં જે રીતે ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ એ જ પ્રમાણે ચાલતી રહેશે તો, એનું વિનાશક પરિણામ આવશે. એમ પણ કહેવામાં આવે છે કે ઉત્તર ધ્રુવપ્રદેશના ઘણા પ્રાણીઓ એકથી બીજી જગ્યા જતા હોવાથી, બીજા વિસ્તારોને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે. એ આગળ કહે છે કે “તાજેતરમાં, ઔદ્યોગિક વિકાસને લીધે પૃથ્વીના ઉત્તર ધ્રુવપ્રદેશોના ૧૦થી ૧૫ ટકાને ગંભીર અસર પહોંચી છે.”

‘ધર્મની પડતી’

હમણાં બ્રાઝિલ શહેરના ગરીબો પર સર્વે કરવામાં આવ્યું હતું. એમાં જોવા મળ્યું કે ૬૭ ટકાના લોકો કૅથલિક હોવાનો દાવો કરે છે. પરંતુ, ફક્ત ૩૫ ટકા લોકો જ ઈસુ, મરિયમ અને ચર્ચના શિક્ષણમાં માને છે. અરે, ફક્ત ૩૦ ટકા લોકો જ દર અઠવાડિયે ચર્ચમાં જાય છે. બ્રાઝિલના બિશપોની રાષ્ટ્રીય પરિષદ દ્વારા સર્વે કરવામાં આવ્યો. એમાં જોવા મળ્યું કે કૅથલિક ચર્ચના શિક્ષણ સાથે કેટલા લોકો સહમત થતા નથી, લગ્‍ન પહેલાં જાતીય સંબંધ (૪૪ ટકા), છૂટાછેડા (૫૯ ટકા), ફરી લગ્‍ન (૬૩ ટકા), અને ગર્ભ નિરોધ (૭૩ ટકા). ધર્મગુરુ સીવીરીનો વિશેન્ચી અનુસાર, પાદરીઓની ખોટના કારણે બ્રાઝિલની શિક્ષણ વ્યવસ્થા, ચર્ચના શિક્ષણો પર પકડ જમાવી શકતી નથી. તેમણે બતાવ્યું: “કૅથલિક ધર્મની નવી પ્રજાને એવું શીખવવામાં આવે છે કે ધર્મના નીતિ નિયમ એટલા મહત્ત્વના નથી.”

થોડી ઊંઘ લો, તાજગી અનુભવો

લંડનનું ધ ટાઈમ્સ છાપું જણાવે છે કે, બ્રિટનની લોબ્ર યુનિવર્સિટીના ઊંઘ વિષેના પ્રોફેસર જીમ હોરન અનુસાર, બપોરે ઝોકાં મારવા કરતાં, “ફક્ત ૧૦ મિનિટ ઊંઘ લેવી” સૌથી સારી છે. હોરનના કહે છે કે, “એ દવા જેવું છે. જેમ કે કોઈ દુખાવો શરૂ થાય, એટલે તરત જ દવા લેવાથી રાહત મળે છે.” અમેરિકાની કેટલીક કંપનીઓએ સૂવા માટે રૂમોની વ્યવસ્થા કરી છે. એમાં પલંગ, ધાબળા, તકિયા અને દરેક ૨૦ મિનિટ પછી અલાર્મ વાગે એવી વ્યવસ્થા સાથે મનગમતું સંગીત પણ હોય છે. પરંતુ, પ્રોફેસર હોરન ચેતવે છે કે જો તમે થોડી વધારે, એટલે કે ૨૫ મિનિટ ઊંઘ લેશો તો તાજગી અનુભવશો નહિ. “એક વાર તમારું શરીર દસ મિનિટ કરતાં વધારે ઊંઘ લે પછી, મનમાં એવું લાગે છે કે હવે રાત પડી ગઈ છે. તેથી, ઊંડી ઊંઘ લેવાનું મન થાય છે.”

પુરુષોને માછલી ખાવાનું ઉત્તેજન

સ્ટોકહામની કેરોલિન્સ્કા સંસ્થાએ કરેલા સંશોધન પ્રમાણે, જેઓ સેમન, હેરિંગ અને મેકરલ જેવી ચરબીવાળી માછલી ખાય છે, તેઓને પ્રોસ્ટેટ કૅન્સર થવાની શક્યતા બેથી ત્રણ ટકા ઘટી જાય છે. એની સરખામણીમાં જેઓ માછલી નથી ખાતા, તેઓને કૅન્સર થવાની શક્યતા વધારે રહેલી છે. એવી જ રીતે બીડી-સિગારેટ પીનારાને પણ કૅન્સર થવાની શક્યતા રહેલી છે. એવા ૬,૨૭૨ લોકોનો ૩૦ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ નિષ્કર્ષ આપ્યો કે, “ઓમેગા-૩ નામનું ચરબીવાળું ઍસિડ [એ ખાસ કરીને તેલવાળી માછલીમાં જોવા મળે છે] એ પ્રોસ્ટેટ કૅન્સર થવાથી અટકાવે છે.” અહેવાલ બતાવે છે કે એ જ ચરબીવાળું ઍસિડ, “હાર્ટ ઍટેક થવાની શક્યતા પણ ઘટાડે છે.” તેથી, ડૉક્ટરોનું કહેવું છે કે “અઠવાડિયામાં એક કે બે વાર” માછલી ખાવી જોઈએ.

નકામા ઝાડવાનો ઉપયોગ

ઇન્ડિયા ટુડે જણાવે છે, “પાણીમાં ઉગતા છોડ, લાન્ટાના તેમ જ પાર્થીનીમ જેવા ફોકટ ઝાડવાના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. એને ખોદી કાઢ્યા પછી પણ એ પાછું ફૂટી નીકળે છે.” વર્ષ ૧૯૪૧માં બ્રિટીશ લોકો વાડ બનાવવા માટે એને ભારતમાં લાવ્યા હતા. લાન્ટાના કામારાએ દેશના ૨,૦૦,૦૦૦ કરતાં વધારે એકર વિસ્તારને આવરી લીધો છે. વળી, એને કેમિકલ નાખી અથવા ખોદી કાઢવાથી પણ એ મરતું નથી. એની ઝેરી અસર બીજી વનસ્પતિને ઊગવામાં નડતરરૂપ બને છે. એથી આખા ગામને એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જવું પડે છે. તેમ છતાં, લાચ્છીવાલા ગામના લોકો એ છોડમાંથી પૈસા બનાવે છે. લાન્ટાનાનું માટીમાં મિશ્રણ કરીને મરઘાંનું ઘર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એની છાલ કાઢી નાખ્યા પછી તેમાંથી ઉત્તમ પ્રકારના ફર્નિચર અને ટોપલીઓ બને છે, કારણ કે એને જંતુ લાગતા નથી. લાન્ટાનાના પાંદડાઓ મચ્છરો ન થાય એ માટે અગરબત્તીને જીવજંતુનો નાશ કરવા માટે ઉપયોગ થાય છે. આ છોડના મૂળિયાનો પાઉડર બનાવીને દાંતમાં સડો ન થાય એ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

સચોટ સમય બતાવતી ઘડિયાળ

લંડનનું ધ ટાઈમ્સ છાપું જણાવે છે કે અમેરિકન વૈજ્ઞાનિકોએ મરક્યુરીથી ચાલે એવું ઘડિયાળ બનાવ્યું છે. એનાથી “વૈજ્ઞાનિકો સમય માપવા માટે સેકન્ડના અબજ ભાગ સુધી ઍક્યુરેટલી માપે” છે. એમ કહેવામાં આવ્યું છે કે “કો-ઓરડીનેટેડ યુનિવર્સલ ટાઈમ (યુટીસી) માટે ઉપયોગમાં લેવામાં આવતા એટોમીક ઘડિયાળો કરતાં આ ઘડિયાળ લગભગ એક હજારગણી ચોકસાઈભરી છે.” ભૌતિકશાસ્ત્રી સ્કોટ ડીડમન્સ સમજાવે છે: “વિશ્વની એકદમ ચોકસાઈભરી માહિતી મેળવવા માટે ફક્ત પાયારૂપ ભૌતિકશાસ્ત્રમાં એનો સૌથી પહેલો ઉપયોગ કરવામાં આવે છે.” સમય જતાં, ટેલિફોન નેટવર્ક અને સમુદ્ર મુસાફરીના ઉપગ્રહ માટે પણ એ લાભદાયી બનશે. જો કે ડીડમન્સ દાવો કરે છે કે “દુનિયાની એકદમ ચોક્કસ ઘડિયાળ” એ સમયની એક તરકીબ છે. પરંતુ તે કહે છે કે હજુ પણ એમાં વધારે સુધારો કરવાની સંભાવના રહેલી છે.

યુવાનોનો ખોરાક

ગ્લોબ એન્ડ મેઈલ છાપું પ્રમાણે, કૅનેડાની ૧૨થી ૧૮ વર્ષની ૧,૭૩૯ છોકરીઓ પર કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં, ૨૭ ટકા છોકરીઓએ બતાવ્યું કે તેઓને ખાવામાં રુચિ નથી. એ સર્વેમાં ભાગ લેનારાઓ શહેર, નગર અને ગામડામાંથી હતા. તેઓની ખાવાની રુચિ અને તેમના શરીર વિષે પ્રશ્નોત્તરી મોકલવામાં આવી. એ સર્વેએ બતાવ્યું કે ૧૨ વર્ષની કેટલીક છોકરીઓ વધારે ખાઈને ઊલટી કરે છે અથવા તેઓ વજન ઉતારવા માટેની ગોળીઓ તેમ જ જુલાબ માટેની ગોળીઓ લે છે. ટૉરોંટોની યુનિવર્સિટી હેલ્થ નેટવર્કની સંશોધક ડૉ. જેનીફર જોન્સ કહે છે કે, ખાસ કરીને છોકરીઓએ “ખોરાક અને કસરત પ્રત્યે યોગ્ય વલણ રાખવાની જરૂર છે. જાહેરાતમાં, મેગેઝિનમાં અને વિડીયોમાં જે શરીર જોવા મળે છે, એ તેઓ માટે સામાન્ય નથી, એ જાણવાની જરૂર છે.” ગ્લોબ આગળ જણાવે છે કે “ઘણી છોકરીઓ, યુવાનીમાં શરીરની ચરબી એકઠી થાય છે એ સામાન્ય વિકાસ માટે કેટલી મહત્ત્વની છે, એનાથી અજાણ છે.”

મચ્છર માટે જાળ

સિંગાપોરની એક કંપનીએ દવાનો ઉપયોગ કર્યા વગર મચ્છર મારવાનું એક સાધન બનાવ્યું છે. લંડનનું ધ ઇકોનોમિસ્ટ અહેવાલ આપે છે કે, એ ૩૮ સેન્ટિમીટર લાંબુ પ્લાસ્ટિકનું કાળું ખોખું છે. જેમાં “માનવ શરીર જેટલી જ ગરમી અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્‍ન કરે છે.” એ મચ્છરો મનુષ્યોની ગરમી અને કાર્બન ડાયોક્સાઈડની અસરથી ભોગ બનતા હોય છે. એ સાધનને “પોતાનો ખોરાક સમજીને મચ્છરો એમાં ફસાય છે.” ખોખું વિજળીથી ગરમ થઈને બીજા ભાગમાંથી કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે. ચમકતો પ્રકાશ જંતુને ખોખાના કાણામાં ફસાવે છે. ત્યાર પછી પંખો એને પાણી તરફ ખેંચી જાય છે અને તે ત્યાં ડૂબી જાય છે. એ સાધન રાતના ૧,૨૦૦ મચ્છરનો નાશ કરી શકે છે. વળી, રાતે નીકળતા એનોફ્લીસ મચ્છરો કે જે મલેરિયા ફેલાવે છે અને એઇડીઝ મચ્છરો જે યલો ફીવર અને ડેંગ્યું ફેલાવે છે, તેઓનો નાશ કરવા માટે પણ આ સાધન વાપરી શકાય છે. એનો બીજો ફાયદો એ છે કે નુકસાન ન કરતા જીવજંતુઓ, જેમ કે પતંગિયાનો આ સાધન નાશ કરતું નથી.

વૃક્ષોને બચાવતા ચોખાના ફોતરાં

ઉત્તર પેરુમાં, ઈંટો બનાવવાની ફેક્ટરીમાં બળતણ માટે ચોખાના ફોતરાંનો ઉપયોગ થાય છે. એનાથી ઘણા કૈરોબ વૃક્ષ કપાતા અટકી ગયા છે કે જેને બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતાં, એમ પેરુનું એલ કોમર્શીઓ છાપું અહેવાલ આપે છે. ચોખાના ફોતરાંનો કચરો, ઈંટો બનાવવાની ૨૧ ફેક્ટરીઓમાં બળતણ તરીકે ઉપયોગ કરવાથી, કાર્બન ડાયોક્સાઈડમાં ઘટાડો થયો છે. એ ઉપરાંત, રેતી, માટી અને શેરડીના કૂચાનું મિશ્રણ કરીને ભઠ્ઠીની દીવાલ પર પ્લાસ્ટર કરવાથી, ૧૫ ટકા ગરમી વધે છે. ઈંટોની ગુણવત્તા વધારવા માટે, ચોખાના ફોતરાંની રાખને ઈંટના મિશ્રણ સાથે ભેગા કરવાના અખતરા થઈ રહ્યા છે. એલ કોમર્શીઓ કહે છે, “આ ચોખાના ફોતરાંના ઉપયોગો કરવાથી પ્રદૂષણ ઘટે છે એટલું જ નહિ, પરંતુ એ ફોતરાંનો પણ નિકાલ થઈ જાય છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો